Source : BBC NEWS

સૈફ અલી ખાન પર હુમલો કરનાર, સૈફી અલી ખાન, કરીના કપૂર, મુંબઈ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બોલીવૂડના ઍક્ટર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવાના મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ગુરુવારે પરોઢિયે સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે તેમના કરોડરજ્જુમાં છરીનો એક ટુકડો ફસાઈ ગયો હતો જેને સર્જરીથી દૂર કરવામાં આવ્યો છે.

બાંદ્રા પોલીસના જણાવ્યા અનુસાર તેમણે સૈફ અલી ખાનના ઘર અને આસપાસના વિસ્તારોમાંથી તમામ સીસીટીવી ફૂટેજ મેળવી લીધાં છે. આ ઘટના ચોરીના ઇરાદે બની હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે.

દરમિયાન બીબીસીએ પોલીસ સૂત્રો મારફત સૈફ અલી ખાનના ઘરે કામ કરતી સ્ટાફ નર્સનું નિવેદન મેળવ્યું છે. આ વિગતવાર નિવેદનમાં તે રાત્રે ખરેખર શું બન્યું હતું તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

બીબીસી મરાઠી અનુસાર બાંદ્રા પોલીસે આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે અને સૈફ અલી ખાનના ઘરે નર્સ તરીકે કામ કરતાં ઇલિયામા ફિલિપે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સ્ટાફ નર્સના નિવેદનમાં શું જણાવાયું છે?

બીબીસી ગુજરાતી સૈફ અલી ખાન મુંબઈ પોલીસ કરીના કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

સૈફ અલી ખાનના ઘરે સ્ટાફ નર્સ તરીકે કામ કરતાં ઇલિયામા ફિલિપે પોલીસને આપેલી માહિતી અનુસાર, “16મી જાન્યુઆરીએ સવારે 2 વાગ્યાની આસપાસ તેમણે ઘરના બાથરૂમના દરવાજા પાસે કેપ પહેરેલી એક વ્યક્તિનો પડછાયો જોયો હતો. ઇલિયામા સૈફ અલી ખાનના નાના પુત્ર જહાંગીરની સારસંભાળ રાખે છે.”

પોલીસને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, “રાત્રે 11 વાગ્યે તેમણે જહાંગીરને ખવડાવીને અને સુવડાવ્યો હતો. હુમલાની ઘટના સવારે 2 વાગ્યાની આસપાસ બની હતી. ઇલિયામાએ ઘૂસણખોરને જોયો અને તેણે તેમને કોઈ અવાજ ન કરવા ચેતવણી આપી. આ દરમિયાન જહાંગીરનાં આયા જુનુ પણ હાજર હતાં. હુમલાખોરે બંને મહિલાઓને ધમકી આપી હતી.”

“ઘૂસણખોરના એક હાથમાં લાકડાની એક વસ્તુ અને બીજા હાથમાં હેક્સા બ્લેડ જેવું ધારદાર હથિયાર હતું. ઝપાઝપી દરમિયાન હુમલાખોરે ઈલિયામાના ડાબા હાથમાં ઈજા પહોંચાડી હતી. હુમલાખોરે તેની પાસે એક કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.”

આ દરમિયાન જહાંગીરનાં આયા જુનુ રૂમની બહાર ભાગવામાં સફળ રહ્યાં. તેમની ચીસો સાંભળીને સૈફ અલી ખાન અને કરીના કપૂર રૂમમાં દોડી આવ્યાં હતાં. સૈફ અલી ખાને ઘૂસણખોરને પૂછ્યું, “તમે કોણ છો અને શું જોઈએ છે?” ત્યારબાદ હુમલાખોરે સૈફના હાથમાં હેક્સા બ્લેડ વડે હુમલો કર્યો હતો.

તેના પગલે સૈફ અલી ખાન અને અન્ય લોકો રૂમની બહાર દોડી ગયા હતા. ઘર પર કામ કરનારો સ્ટાફ જાગી ગયો અને ઘૂસણખોરને શોધ્યો, પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો.

હુમલા દરમિયાન સૈફ અલી ખાનને તેમની ગરદનના પાછળના ભાગમાં, જમણા ખભા પર, ડાબા કાંડા પર અને કોણીમાં ઈજા થઈ હતી.

પોલીસ તપાસ ક્યાં પહોંચી?

બીબીસી ગુજરાતી સૈફ અલી ખાન મુંબઈ પોલીસ કરીના કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

સૈફ અલી ખાન હાલમાં લીલાવતી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સીસીટીવી ફૂટેજમાં એક શકમંદ વ્યક્તિ જોવા મળી છે. ઘૂસણખોર બિલ્ડિંગના ફાયર ઍસ્કેપનો ઉપયોગ કરીને સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશ કર્યો હતો તેવું લાગે છે. આરોપીને પકડવા અને વધુ તપાસ કરવા માટે પોલીસની દસ ટીમો બનાવવામાં આવી છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર દીક્ષિત ગેડમના જણાવ્યા અનુસાર, “આ ઘટના સવારે 1.30થી 2:30 વાગ્યાની વચ્ચે બની હતી. એક આરોપીની ઓળખ થઈ ગઈ છે. હજુ સુધી કોઈ હથિયાર જપ્ત કરવામાં આવ્યું નથી. અમે 25થી 30 સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી રહ્યા છીએ.”

“ઘરકામ કરનારનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેની ફરિયાદના આધારે કેસ દાખલ કરાયો છે. આરોપીઓએ અંદર જવા માટે ફાયર એસ્કેપ સીડીનો ઉપયોગ કર્યો હતો.”

“ઘરનો દરવાજો કેવી રીતે ખોલવામાં આવ્યો અથવા ઘૂસણખોરને કેવી રીતે પ્રવેશ મળ્યો તે નક્કી કરવા માટે તપાસ ચાલુ છે. પ્રારંભિક અનુમાન સૂચવે છે કે તેનો ઇરાદો ચોરીનો હતો.”

સૈફ અલી ખાનની તબીબી સારવાર

બીબીસી ગુજરાતી સૈફ અલી ખાન મુંબઈ પોલીસ કરીના કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

સૈફ અલી ખાનની કરોડરજ્જુમાં છરીનો ટુકડો ફસાઈ ગયો હતો, પરંતુ તેમનો જીવ જોખમમાં ન હતો.

લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે, “સૈફ અલી ખાનની સારવાર ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે અને પ્લાસ્ટિક સર્જન ડૉ. લીના જૈનની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સર્જરી સફળ રહી અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.”

ડૉ. ઉત્તમાણીએ વધુમાં જણાવ્યું કે, “સર્જરી બાદ સૈફ અલી ખાનને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. એક-બે દિવસમાં તેમને જનરલ વૉર્ડમાં ખસેડવામાં આવશે. તેને ઘણા ઊંડા ઘા વાગ્યા હતા, પરંતુ સદનસીબે અમારા ડૉક્ટરોએ તાત્કાલિક અને અસરકારક સારવાર પૂરી પાડી હતી. “

ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગેએ વિગતો આપતા કહ્યું કે, “સૈફ અલી ખાનને 16 જાન્યુઆરીએ સવારે 3 વાગ્યે અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની કરોડરજ્જુમાંથી લોહી વહી રહ્યું હતું, અને છરીનો ટુકડો ત્યાં હાજર હતો. તેમને છ ઘા થયા હતા. સર્જરી કરીને છરીને ટુકડો દૂર કરાયો હતો અને લિકેજ રોકવામાં આવ્યું હતું. સમયસર સારવાર મળી ન હોત તો કરોડરજ્જુને ગંભીર નુકસાન થાય તેમ હતું. સંભવતઃ તેમના હલનચલનને અસર થઈ શકી હોત.”

ડૉ. ડાંગેએ જણાવ્યું કે, “સૈફના ડાબા હાથે અને ગરદનની જમણી બાજુએ ઊંડા ઘા હતા. પ્લાસ્ટિક સર્જન ડૉ. લીના જૈન અને તેમની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. સૈફને હ્રદયરોગનો ઈતિહાસ હોવાથી કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શ્રીનિવાસ કુડવા પણ હાજર હતા. હવે તેઓ સંપૂર્ણપણે સ્થિર છે અને એક-બે દિવસમાં તેમને રજા આપવામાં આવશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS