Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સૈફ અલી ખાન મુંબઈ પોલીસ

ઇમેજ સ્રોત, Mumbai Police/Getty Images

19 જાન્યુઆરી 2025, 10:14 IST

અપડેટેડ 24 મિનિટ પહેલા

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી થયેલા હુમલા બાદ પોલીસે આરોપીને પકડી લીધો છે. પોલીસનું કહેવું છે કે શંકાસ્પદ આરોપી ‘બાંગ્લાદેશી’ હોઈ શકે છે.

ઝોન-9ના ડીસીપી ગેડામ દિક્ષીતે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે “આરોપી બાંગ્લાદેશી હોવાની શંકા છે. તેની પાસે ભારતીય દસ્તાવેજો નથી.”

તેમણે જણાવ્યું કે આરોપીની ઓળખ 30 વર્ષીય મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદ તરીકે થઈ છે. તે ચોરીના ઇરાદાથી ઘરમાં ઘૂસ્યો હતો.

ડીસીપીએ જણાવ્યું કે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, પોલીસ કસ્ટડી માંગવામાં આવશે અને પછી આગળ તપાસ કરાશે.

તેમણે એવું પણ કહ્યું કે આરોપીએ અગાઉ પોતાનું નામ વિજય દાસ જણાવ્યું હતું. તે બાંગ્લાદેશી મૂળનો હોવાની શંકાથી આ મામલામાં પાસપૉર્ટ ઍક્ટની કલમો પણ લગાવવામાં આવી છે. આ મામલે તપાસ ચાલુ છે.

સૈફ અલી ખાન પર ગુરુવારે પરેઢિયે બાંદ્રા સ્થિત ઘરમાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસવા માટે ફાયર ઍક્ઝિટની સીડીનો ઉપયોગ કર્યો હતો.

શનિવારે આરોપીને થાણેના હીરામંડી લેબર કૅમ્પમાંથી પકડવામાં આવ્યો હતો. તે વખતે તેણે પોતાની ઓળખ વિજય દાસ તરીકે આપી હતી.

આરોપી બારમાં કામ કરતો હતો

બીબીસી ગુજરાતી સૈફ અલી ખાન મુંબઈ પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસે જણાવ્યું કે આરોપી રિકીઝ બારમાં હાઉસકિપર તરીકે કામ કરતો હતો.

રાતે 3.30 વાગ્યે આરોપીને પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. હવે રવિવારે બાંદ્રા હાઇકોર્ટમાં રજુ કરવામાં આવશે.

આ ઘટનાના બે દિવસ પછી પણ આરોપીનો પતો મળ્યો ન હતો ત્યારે પોલીસે 20 ટીમ રચીને તેની શોધખોળ શરૂ કરી હતી.

17 જાન્યુઆરીની રાતે પોલીસ કેટલીક જગ્યાએથી શકમંદોને પકડીને લાવી હતી અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ગઈકાલે રાતે પોલીસે 15 કરતા વધુ લોકોની પૂછપરછ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો ઓળખાઈ ગયો હતો તેના આધારે શોધખોળ કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS