Source : BBC NEWS

કોટા, હિન્દુ, મુસ્લિમ, બીબીસી

ઇમેજ સ્રોત, Moharsingh Meena

  • લેેખક, મોહરસિંહ મીણા
  • પદ, બીબીસી હિન્દી માટે
  • 25 એપ્રિલ 2025, 14:46 IST

    અપડેટેડ એક કલાક પહેલા

રાજસ્થાનના કોટામાં ચાલીસ વર્ષ જૂની હિન્દુ-મુસ્લિમ મિત્રતાએ એક અજોડ ઉદાહરણ રજૂ કર્યું છે.

એક હિન્દુ અને મુસ્લિમ મિત્રે પોતાના દીકરાઓ માટે એક જ લગ્નકાર્ડ છપાવ્યું અને એક જ રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

અબ્દુલ રઉફ અન્સારી અને વિશ્વજિત ચક્રવર્તીના પરિવારોએ સાથે મળીને તેમના સંબંધોની ઉજવણી એવી રીતે કરી કે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

અબ્દુલ રઉફ અન્સારીના પુત્ર યુનૂસ પરવેઝ અને વિશ્વજિત ચક્રવર્તીના પુત્ર સૌરભનાં લગ્ન તાજેતરમાં થયાં છે. બંને માટે એક જ કંકોતરી છાપવામાં આવી અને એક જ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી.

યુનૂસ વેડ્સ ફરહીન’ અને ‘સૌરભ વેડ્સ શ્રેષ્ઠ’, બંને નામ એક જ કાર્ડમાં હતાં, જે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યાં હતાં.

કોટા, હિન્દુ, મુસ્લિમ, બીબીસી

ઇમેજ સ્રોત, Moharsingh Meena

કંકોતરીની ચર્ચા કેમ થઈ રહી છે?

કોટા, હિન્દુ, મુસ્લિમ, બીબીસી

ઇમેજ સ્રોત, Moharsingh Meena

અબ્દુલ રઉફ અન્સારી અને વિશ્વજિત ચક્રવર્તીના ઘર કોટા જંકશન નજીક જનકપુરી કૉલોનીમાં છે.

બંને લગભગ ચાલીસ વર્ષથી મિત્રો છે. ઈદ હોય કે દિવાળી, તેઓ દરેક તહેવાર સાથે મળીને ઊજવે છે.

17 એપ્રિલે યુનૂસનાં લગ્નમાં સૌરભ નાચતો જોવા મળ્યો હતો અને 18 એપ્રિલે યુનૂસ સૌરભની બારાતમાં નાચતો જોવા મળ્યો હતો.

19 એપ્રિલે, બંને પરિવારના સંબંધીઓ રિસેપ્શનમાં એકબીજાને અભિનંદન આપતા જોવા મળ્યા હતા.

વિશ્વજિત કહે છે, “અમે ફક્ત એક જ કંકોતરી છાપી, કારણ કે બાળકો વચ્ચે કોઈ ફરક નથી. અમે બે નહીં પણ એક જ પરિવાર છીએ. સંબંધીઓ પણ એકબીજાને ઓળખે છે.”

અબ્દુલ રઉફ અન્સારી કહે છે, “અમે કોઈ પણ વિચાર કર્યા વિના, પણ એક પરિવાર તરીકે કાર્ડ છાપ્યું. આનાથી ખુશીમાં વધુ વધારો થયો.”

તેઓ આગળ કહે છે, “જે વ્યક્તિએ લગ્નનું કાર્ડ છાપ્યું હતું તેણે કહ્યું કે તે પહેલી વાર આવું કાર્ડ છાપી રહ્યો છે. તેણે રેકૉર્ડ માટે કેટલીક નકલો પોતાની પાસે રાખી હતી. જે લોકો અમને જાણે છે તેઓ ખૂબ ખુશ હતા.”

યુનૂસ પરવેઝ કહે છે, “અમારા મોટા ભાઈ અને બહેનનાં લગ્નમાં પણ મોટા બાપુજી વિશ્વજિતનું નામ સ્વાગત કાર્ડ પર હતું. જે લોકો અમને ઓળખે છે તેઓ જાણે છે કે તે મારા મોટા બાપુજી જેવા છે.”

હિન્દુ-મુસ્લિમની ચાલીસ વર્ષ જૂની મિત્રતા

અબ્દુલ રઉફ અંસારી, વિશ્વજીત ચક્રવતી, બીબીસી

ઇમેજ સ્રોત, Moharsingh Meena

અબ્દુલ રઉફ અને વિશ્વજિત એકબીજાને મિત્રો નહીં પણ ભાઈ માને છે. તેમના પરિવારો પણ પોતાને અલગ માનતા નથી.

વિશ્વજિત ચક્રવર્તી કહે છે, “અમે શરૂઆતથી જ સાથે છીએ, અમને ખ્યાલ પણ ન આવ્યો કે અમે ક્યારે મોટા થયા. અમારાં લગ્ન પણ થયાં. અમે નજીકમાં ઘરો બનાવ્યાં, અમે સાથે વ્યવસાય કરીએ છીએ અને અમે મિત્રો નથી, અમે ભાઈઓ છીએ.”

અબ્દુલ રઉફ અન્સારી કહે છે, “અમારા સંબંધીઓ એકબીજાને ઓળખે છે અને અમારા કૉમન મિત્રો છે. અમારાં બાળકો પણ ભાઈ-બહેનની જેમ રહે છે. અમે બે છીએ, પણ અમે એક જ પરિવાર છીએ.”

અજમેરના કેકરીથી નિવૃત્ત ઍડિશનલ એસપી જસવંતસિંહ રાઠોડ અન્સારી અને ચક્રવર્તીના પણ મિત્ર છે. તેઓ કહે છે, “હું 2010માં કોટામાં ઇન્સ્પેક્ટર તરીકે હતો, ત્યારથી મારા બંને પરિવારો સાથે સંબંધો છે. નામ અલગ છે, પણ પરિવાર એક છે. મિત્રતા ઉદાહરણરૂપ છે.”

કોટા, બીબીસી,હિન્દુ, મુસ્લિમ, લગ્ન

ઇમેજ સ્રોત, Moharsingh Meena

વિશ્વજિતના પુત્ર સૌરભ કહે છે, “અમે બાળપણથી જ સાથે છીએ. યુનૂસ (અબ્દુલ રઉફના પુત્ર) અને તેમનાં ભાઈ-બહેન, અમે બધાં ભાઈ-બહેનની જેમ મોટાં થયાં છીએ. અમારા કૉમન મિત્રો પણ છે. અમે હંમેશાં સાથે રહ્યાં છીએ, હકીકતમાં અમે એક પરિવાર છીએ.”

સૌરભ ગર્વથી કહે છે, “અમે હંમેશાં પરિવારની જેમ રહીશું. યુનૂસ અને હું જયપુરમાં ભણતી વખતે સાથે રહેતા હતા. અમે બંને મિત્ર કરતાં ભાઈ વિશેષ છીએ.”

‘ગંગા-જમના સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ’

કોટા, હિન્દુ, મુસ્લિમ, બીબીસી

ઇમેજ સ્રોત, Moharsingh Meena

દરેક વ્યક્તિ અબ્દુલ રઉફ અન્સારી અને વિશ્વજિત ચક્રવર્તીની મિત્રતા અને તેમના પરિવારોની એકતાનું ઉદાહરણ આપી રહ્યા છે.

લગ્નના કાર્ડથી લઈને રિસેપ્શન સુધીના આયોજનને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

જસવંતસિંહ રાઠોડ કહે છે, “હું આ પગલાને એક ઉદાહરણ તરીકે માનું છું. આ આપણા દેશની ગંગા-જમના સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ છે.”

તેઓ આગળ કહે છે, “હું પોલીસમાં રહ્યો છું. સાંપ્રદાયિક તણાવના સમયમાં આવી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાને પણ મજબૂત સંદેશ આપે છે.”

સૌરભના મામા (ઉંમર, 75 વર્ષ) કમલકાંત ચક્રવર્તી લગ્નમાં હાજરી આપવા માટે કોલકાતાથી આવ્યા હતા.

તેમણે કહ્યું, “મેં મારા જીવનમાં આટલો પ્રેમ અને નિકટતા ક્યારેય જોયાં નથાં. હું ખાસ કરીને આ લગ્ન જોવા માટે અહીં આવ્યો છું. મેં કોલકાતામાં પણ હિન્દુઓ અને મુસ્લિમોને સાથે જોયા છે, પરંતુ મેં આટલી ગાઢ મિત્રતા ક્યારેય જોઈ નથી. આ અજોડ છે.”

કોટા, હિન્દુ, મુસ્લિમ, મિત્રતા, બીબીસી

ઇમેજ સ્રોત, Moharsingh Meena

જ્યારે દેશના કોઈ પણ ખૂણેથી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તણાવના સમાચાર આવે છે, ત્યારે શું તેની આ મિત્રતા પર અસર પડે છે?

અબ્દુલ રઉફ કહે છે, “અમને કોઈ ફરક પડતો નથી. અમે તે વિશે વિચારતા નથી. અમે ફક્ત એક પરિવાર છીએ અને બધાએ આ રીતે સાથે રહેવું જોઈએ.”

યુનૂસ કહે છે, “મિત્રો તરીકે ધર્મ કે જાતિ ક્યારેય અમારી વચ્ચે આવ્યાં નથી. અમે ખૂબ પ્રેમથી રહીએ છીએ. સૌરભ અને હું હંમેશાં સાથે રહીએ છીએ.”

જ્યારે અબ્દુલ રઉફ અન્સારીને પૂછવામાં આવ્યું કે તેઓ તેમની મિત્રતા અને પરિવાર દ્વારા શું સંદેશ આપવા માગે છે, ત્યારે તેમણે કહ્યું, “જેમ આપણે એક પરિવારની જેમ રહીએ છીએ, તેમ દરેક વ્યક્તિએ પ્રેમથી સાથે રહેવું જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS