Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
નેપાળની રાજધાનીમાં હિમાલય પર્વતનાં શિખરો જોઈને હું મોટો થયો છું.
મેં જ્યારથી નેપાળ છોડ્યું છે, ત્યારથી મને પૃથ્વી પરનાં કેટલાંક સૌથી ઊંચા શિખરોનાં વિશાળ અને સુંદર દૃશ્યોની યાદ આવે છે.
હું જ્યારે પણ કાઠમંડુ જાઉં છું, ત્યારે એવી આશા હોય છે કે મને આ સુંદર પર્વતમાળાની એક ઝલક જોવા મળશે. પરંતુ સામાન્ય રીતે આજકાલ નસીબ સાથ નથી આપતું.
તેનું મુખ્ય કારણ છે-ભયંકર વાયુ પ્રદૂષણ. હવે વસંત અને શરદ ઋતુમાં પણ અહીં ધૂંધળું વાતાવરણ હોય છે. અગાઉ આ સિઝનમાં આકાશ સ્વચ્છ રહેતું હતું.
એપ્રિલ મહિનામાં હું કાઠમંડુ આવ્યો હતો. મારા વિમાને ઉતરતાં પહેલાં આકાશમાં લગભગ 20 ચક્કર લગાવવાં પડ્યાં કારણ કે હવામાન ધૂંધળું હોવાથી ઍરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી.
પર્યટકો માટે પ્રચારની પદ્ધતિ બદલવી પડી

ઇમેજ સ્રોત, Yogendra Shakya
હું જે હોટલમાં રોકાયો હોય ત્યાંથી આકાશ સ્વચ્છ હોય તો ઘણાં શિખર જોઈ શકાતાં હતાં. પરંતુ નેપાળમાં મારા બે અઠવાડિયાના રોકાણ દરમિયાન એકેય દિવસ આકાશ સાફ ન હતું.
કાઠમંડુની બહાર એક ઊંચી જગ્યાએ નગરકોટ આવેલું છે. પરંતુ ત્યાંથી પણ બધું ધૂંધળું જ દેખાય છે. એવું લાગે છે જાણે હિમાલયનાં શિખરો ગાયબ થઈ ગયાં છે.
યોગેન્દ્ર શાક્ય 1996થી નગરકોટમાં હોટલ ચલાવે છે. તેમનું કહેવું છે, “હવે હું આ જગ્યાનો પ્રચાર પહેલાંની જેમ ‘સૂર્યોદય, સૂર્યાસ્ત અને હિમાલય’નાં દૃશ્યો માટે નથી કરતો. કારણ કે ધૂંધના કારણે હવે આ ત્રણેય ચીજ જોવા નથી મળતી. હવે મેં તેને ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડવાનું શરૂ કર્યું છે.”
એક વર્ષ અગાઉ પણ હું જ્યારે નેપાળમાં હતો ત્યારે મને અન્નપૂર્ણા ક્ષેત્રના ટ્રેકિંગ દરમિયાન હિમાલયનાં ઊંચા શિખરો જોવાની ઇચ્છા હતી. પરંતુ તે વખતે પણ નસીબે સાથ ન આપ્યો.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ધૂંધળાપણું સતત વધતું જાય છે જેના કારણે વિઝિબિલિટી ઘણી ઘટી ગઈ છે.

ધૂંધળા હવામાનના કારણે વિઝિબિલિટી 5 હજાર મીટર (16,400 ફૂટ)થી પણ ઘટી જાય છે. આબોહવા પરિવર્તનના કારણે હવે ધુમ્મસનો સમયગાળો પણ પહેલાં કરતા વધી ગયો છે.
જૂનથી સપ્ટેમ્બર સુધી અહીં વરસાદની સિઝન હોય છે. આ દરમિયાન ચોમાસાનાં વાદળો આ પહાડોને છુપાવી દે છે.
પર્યટનના હિસાબે જોવામાં આવે તો પરંપરાગત રીતે માર્ચથી મે અને ઑક્ટોબરથી નવેમ્બર સુધીનો સમયગાળો બિઝનેસ માટે સૌથી સારો હતો. કારણ કે તે સમયે આકાશ સ્વચ્છ રહેતું અને વિઝિબિલિટી પણ સૌથી સારી રહેતી હતી.
પરંતુ વધતા તાપમાન, ઓછા વરસાદ અને વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ બગડી છે અને અહીં વસંત ઋતુમાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે.
ડિસેમ્બરની શરૂઆતથી જ આવી હાલત જોવા મળે છે.
પર્યટન પર કેવી અસર થાય છે?

નેપાળમાં મહિલા ટ્રેકિંગ ગાઇડ લકી છેત્રીનું કહેવું છે કે ધૂંધના કારણે કારોબારમાં 40 ટકા ઘટાડો થયો છે.
તેમણે કહ્યું કે “ગયા વર્ષે અમારે ટ્રેકર્સના એક જૂથને રૂપિયા પાછા આપવા પડ્યા કારણ કે અમારા ગાઇડ તેમને હિમાલયનાં શિખરો દેખાડી ન શક્યા.”
1986થી અત્યાર સુધીમાં ઘણી વખત નેપાળની યાત્રા કરનારા ઑસ્ટ્રેલિયન પર્યટક જૉન કેરોલ આ સ્થિતિ જોઈને દુ:ખી છે.
તેઓ કહે છે, “10 વર્ષ અગાઉ આવું ન હતું. પરંતુ હવે ધૂંધે અહીં કબજો કરી લીધો છે. આ મારા જેવા પર્યટકો માટે આ બહુ નિરાશાજનક છે.”
નેપાળના ગંડકી પ્રાંતમાં ટ્રેકિંગ એજન્ટ્સ ઍસોસિયેશનના પ્રાદેશિક અધ્યક્ષ કૃષ્ણ આચાર્યનું કહેવું છે કે આ વિસ્તારમાં ટ્રેકિંગ ઉદ્યોગ ગંભીર સંકટમાં છે.
તેમણે બીબીસીને કહ્યું કે, “અમારા ટ્રેકિંગ ઑપરેટર્સ દુ:ખી છે. કારણ કે હિમાલય ન દેખાવા કારણે તેમનો કામધંધો બંધ થઈ ગયો છે. તેમાંથી ઘણા લોકો પોતાનો વ્યવસાય બદલવાનું વિચારે છે.”
મધ્ય હિમાલય ક્ષેત્ર પર પણ તેની અસર પડી રહી છે.

ઇમેજ સ્રોત, Lucky Chhetri
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હોટલ વ્યવસાયિકો અને ટૂર ઑપરેટરોનું કહેવું છે કે ધુમ્મસ હવે ઘણું ગાઢ થઈ ગયું છે અને અગાઉ કરતાં વધુ સમય સુધી છવાયેલું રહે છે.
ઉત્તરાખંડમાં પર્યટન ઉદ્યોગમાં કામ કરતા મલિકા બિર્દીએ જણાવ્યું કે, “હવે અહીં લાંબો સમય સુધી વરસાદ નથી પડતો. અનિયમિત વરસાદના કારણે ધૂંધ લાંબો સમય રહે છે.”
જોકે, વિર્દી કહે છે કે પર્યટકો હજુ પણ હિમાલયનાં શિખરો જોવા આવે છે. જેમને પહેલી વખત જોવા ન મળે તેઓ બીજી વખત પણ આવી પહોંચે છે.
પાકિસ્તાનમાં પશ્ચિમી હિમાલયના વિસ્તારને ધૂંધથી પ્રમાણમાં ઓછી અસર થઈ છે કારણ કે આ પહાડો શહેરોથી દૂર છે.
પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે પેશાવર અને ગિલગિટ જેવી જગ્યાએ અગાઉ આસાનીથી પર્વતમાળા જોઈ શકાતી હતી, જે હવે નથી દેખાતી.
પાકિસ્તાનની પર્યાવરણ સંરક્ષણ એજન્સીના ભૂતપૂર્વ પ્રમુખ આસિફ શુઝાએ કહ્યું, “ધુમ્મસની ચાદર લાંબો સમય ટકી રહે છે અને અગાઉ જે પહાડ દેખાતા હતા તે હવે નથી દેખાતા.”
ધુમ્મસ અને ધૂળભરી આંધી

ઇમેજ સ્રોત, Yunish Gurung
દક્ષિણ એશિયાનાં શહેરો દુનિયાભરમાં વાયુ પ્રદૂષણનું ઊંચું લેવલ ધરાવતાં સ્થળોની યાદીમાં વારંવાર ટોચ પર હોય છે.
સમગ્ર પ્રદેશમાં ઝેરી હવાની જાહેર આરોગ્ય પર બહુ ખરાબ અસર પડી છે. તેના કારણે લોકોનો પ્રવાસ અટકી જાય છે અને શાળાઓ બંધ રાખવી પડે છે.
વાહનોનો ધૂમાડો, ઔદ્યોગિક ઉત્સર્જન, નિર્માણ કાર્ય, સૂકા રસ્તા પર ઉડતી ધૂળ અને જાહેરમાં કચરો બાળવાના કારણે વાયુ પ્રદૂષણ વધતું જાય છે. આ સમસ્યા જંગલમાં લાગતી આગના કારણે વધુ જટિલ બની જાય છે.
હવામાનની સ્થિતિ

હવામાનની સ્થિતિના કારણે ગરમ હવા ઠંડી હવાની ઉપર રહે છે. તેથી પ્રદૂષણ ફેલાવતાં સુક્ષ્મ કણો તેમાં ફસાયેલાં રહે છે અને હવાની વર્ટિકલ મુવમેન્ટ ગતિ મર્યાદિત થઈ જાય છે. તેના કારણે પ્રદૂષણનાં કણ દૂર સુધી નથી ફેલાઈ શકતાં.
દક્ષિણ એશિયા હવામાન વિજ્ઞાન સંઘના ડૉક્ટર સોમેશ્વર દાસે બીબીસીને જણાવ્યું કે “દક્ષિણ એશિયામાં ધૂંધ અને ધુળની આંધીનું પ્રમાણ વધી રહ્યું છે. આબોહવા પરિવર્તન અને અન્ય કારણોથી તે જળવાઈ રહેવાની શક્યતા છે.”
નેપાળના જળ અને હવામાન વિજ્ઞાન વિભાગ મુજબ વર્ષ 2024માં પશ્ચિમી નેપાળના એક મુખ્ય પર્યટન કેન્દ્ર પોખરામાં ઍરપૉર્ટ પર 168 દિવસો સુધી ધૂંધ જોવા મળી હતી.

ઇમેજ સ્રોત, Yunish Gurung/NurPhoto via Getty Images
2020માં આ આંકડો 23 દિવસનો હતો અને 2021માં 84 દિવસ હતો.
નિષ્ણાતોનું માનવું છે કે ગાઢ વસ્તી અને પ્રદૂષિત ક્ષેત્રમાં હોવાના કારણે હિમાલય પર આ પ્રકારની અસર જોવા મળે છે.
તો શું હિમાલયનાં મનોરમ્ય દૃશ્યો હવે માત્ર ફોટો, પેઇન્ટિંગ્સ અને પોસ્ટકાર્ડ સુધી જ સિમિત થઈ જશે?
ટ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલાં જીડી છેત્રી કહે છે, “અમે જેના માટે રૂપિયા લીધા હોય તે પહાડ અમે પર્યટકોને દેખાડી ન શકીએ ત્યારે અપરાધ બોધ થાય છે. અમે આ ધૂંધનું કંઈ કરી પણ નથી શકતા.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS