Home તાજા સમાચાર gujrati 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત શા માટે ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્વૉલિફાય સુધ્ધાં નથી...

1.4 અબજની વસ્તી ધરાવતું ભારત શા માટે ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્વૉલિફાય સુધ્ધાં નથી થઈ શકતું?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફૂટબૉલ વર્લ્ડકપ, ભારતની ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

શું ભારત કદી ફિફા વર્લ્ડકપમાં રમશે?

ગયા અઠવાડિયે “પૃથ્વી પરના સૌથી મોટા ખેલ મહોત્સવ”નો પ્રારંભ થયો, તે સાથે ભારતના ફૂટબૉલ પ્રશંસકોનો એ અફસોસ ફરી સપાટી પર આવી ગયો, જેની સાથે જીવવાની તેમને ટેવ પડી ગઈ છે.

વર્ષોથી બ્લૂ ટાઇગર્સ (ભારતની પુરુષોની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમનું નામ)ના પ્રદર્શન પર નજર રાખતા લોકો માટે આ પ્રશ્ન ઘણો જરીપુરાણો થઈ ગયો છે, કારણ કે, ભારત આજદિન સુધી એશિયન ઝોન ક્વૉલિફાયર મૅચના પ્રારંભિક રાઉન્ડથી આગળ વધી શક્યું નથી.

જોકે, આ વિરોધાભાસ – જે રીતે પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવા જેવાં ફૂટબૉલ પાછળ ઘેલાં ભારતીય રાજ્યોમાં વિશ્વકપની ઉજવણી થાય છે, અથવા તો સ્પર્ધામાં ભારત ભાગ ન લઈ રહ્યું હોવા છતાં ઇવેન્ટનું કવરેજ કરવા માટે પહોંચેલા માન્યતાપ્રાપ્ત ભારતીય પત્રકારોની વધી રહેલી સંખ્યા પરથી છતો થાય છે.

ચાર વર્લ્ડકપનું કવરેજ કરી ચૂકેલા એક વરિષ્ઠ ભારતીય ફૂટબૉલ લેખકે મજાક કરતાં કહ્યું હતું, “પ્રેસ બૉક્સની અંદર અમારે વારંવાર એ સવાલોનો સામનો કરવો પડે છે કે, ભારત ફૂટબૉલ રમે છે કે નહીં? તેમાંથી મોટાભાગના લોકો આપણને ક્રિકેટ રમનારા દેશ તરીકે જ જાણે છે.”

માત્ર ભારત જ નહીં, બલ્કે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવનારો દેશ ચીન પણ વર્લ્ડકપ માટે ક્વૉલિફાય થઈ શક્યો નથી.

જોકે, ફિફા આ બજારોના મહત્ત્વથી સુપેરે વાકેફ છે અને આથી જ તેણે ફૂટબૉલની મૅચોનું લાઇવ કવરેજ કરવા માટેનો પ્રસારણનો સોદો નક્કી કરવા છેલ્લી ઘડીએ એક હાઇ-પાવર્ડ મીડિયા રાઇટ્સ ટીમને ભારત રવાના કરી હતી.

ફૂટબૉલ વર્લ્ડકપમાં સ્થાન મેળવવું ભારત માટે અશક્ય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફૂટબૉલ વર્લ્ડકપ, ભારતની ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

તો, શું વિશ્વકપમાં સ્થાન મેળવવું ભારત માટે એક કાયમી પડકાર બની રહેશે?

ભારતીય ફૂટબૉલ ક્ષેત્રની અગ્રગણ્ય પ્રતિભાઓમાંથી એક અને ભારતની રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન બાઇચૂંગ ભુટિયા માને છે કે, આ અશક્ય નથી, જોકે, તેના માટે કોઈ શૉર્ટકટ પણ નથી.

તેમણે કહ્યું હતું, “હા, ભારત ચોક્કસ વર્લ્ડકપમાં રમી શકે, કારણ કે, કશું પણ અશક્ય નથી.”

“48 ટીમોના વધુ મોટા ફૉર્મેટમાં એશિયન ટીમોનો ક્વોટા હવે વધીને આઠ થઈ ગયો છે (જેમાં આ વખતે કન્ફેડરેશન પ્લે-ઑફ્સ થકી આવતી ઇરાકની નવમી ટીમ પણ સામેલ છે), જેમાં ઉઝબેકિસ્તાન તથા જૉર્ડન જેવી ટીમો રમી રહી છે. જોકે, તેના માટે ઘણો પરિશ્રમ કરવો પડશે.”

ભુટિયાએ ઉમેર્યું હતું કે, ભારત જેવા વિશાળ દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી.

તેમણે કહ્યું હતું, “જો કોઈ બાબતનો અભાવ હોય, તો તે છે યોગ્ય વ્યવસ્થાનો.”

“કારણ કે, આપણી પાસે લાંબા ગાળાનું વિઝન ધરાવતો કોઈ નક્કર ગ્રાસરૂટ પ્રોગ્રામ (પાયાના સ્તરેથી શરૂ થતો કાર્યક્રમ) નથી.”

“ફૂટબૉલ વિશ્વની સૌથી લોકપ્રિય ટીમ રમત છે અને પરિણામો સામે આવવામાં હજુ સમય લાગશે.”

એશિયા ખંડમાં ભારતને મળેલી છેલ્લી મોટી સફળતા એવી 1970ની એશિયન ગેમ્સમાં ભારતને બ્રૉન્ઝ મેડલ જીતાડવામાં મદદ કરનારા 78 વર્ષના શ્યામ થાપાએ પણ પાયાના સ્તરે સાતત્યપૂર્ણ કાર્યક્રમ વિકસાવવાની આશ્યકતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, વધુને વધુ બાળકો આ રમત તરફ આકર્ષાય, તે અત્યંત જરૂરી છે.

શું ભારતમાં ‘ક્રિકેટ તરફ વળી રહ્યા છે ભવિષ્યના ફૂટબૉલરો’?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફૂટબૉલ વર્લ્ડકપ, ભારતની ટીમ

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

તેમના સ્વરમાં રહેલી નારાજગી સ્પષ્ટ વર્તાઈ આવતી હતી.

તેમના બાઇસિકલ-કિક ગોલ માટે પ્રસિદ્ધ એવા થાપાએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગનાં માતા-પિતા તેમનાં બાળકોને ફૂટબૉલથી અળગાં કરી રહ્યાં છે અને ક્રિકેટ તરફ વાળી રહ્યાં છે.

“મેં પોતે વર્ષો સુધી યુવા અકાદમી ચલાવી છે અને હું એ વાતની ખાતરી આપી શકું છું કે, જેટલાં વધારે નાનાં બાળકો આ રમત તરફ વળશે, એટલી જ વધુ તેજસ્વી પ્રતિભાઓ મળવાની તકો વધશે.”

“પરંતુ, ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એઆઇએફએફ)એ આવી વ્યવસ્થા ઊભી કરવા માટે શું કર્યું?”

તેમણે ઉમેર્યું હતું કે, ઘણાં માતાપિતા એ આશાએ તેમનાં બાળકોને ક્રિકેટ કોચિંગ કૅમ્પમાં લઈ જઈ રહ્યાં છે કે, તેમને “આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લિગ)નો ધરખમ કમાણી કરાવી આપતો કરાર મળશે.”

તેમણે કહ્યું હતું કે, “તેમણે એ સમજવું જોઈએ કે, જો તેઓ ફૂટબૉલમાં કારકિર્દી બનાવે, તો તેમાં પણ સારા પૈસા મળી શકે છે.”

આ વર્ષે એશિયા ખંડમાંથી વર્લ્ડકપ માટે ક્વૉલિફાય થનારી નવ ટીમો તરફ દૃષ્ટિ કરતાં આગળ જતાં ભારત સામે કેટલું ભગીરથ અને મુશ્કેલ કામ રહેલું છે, તેનો અંદાજ આવે છે.

આ ટીમો છે, ઑસ્ટ્રેલિયા, ઈરાન, જાપાન, જૉર્ડન, દક્ષિણ કોરિયા, ઉઝબેકિસ્તાન, સાઉદી અરેબિયા અને ઇરાક (ઇન્ટર-કન્ફેડરેશન પ્લે-ઑફ દ્વારા). તેમાં જૉર્ડન અને ઉઝબેકિસ્તાને લાંબી રાહ જોયા પછી પ્રથમ વખત ઍન્ટ્રી કરી છે.

લક્ષ્યાંક અને પરિણામો વચ્ચેનું અંતર વધ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફૂટબૉલ વર્લ્ડકપ, ભારતની ટીમ

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

નોંધનીય છે કે, પ્રવેશ કરનારી બંને ટીમો વર્તમાન ફિફા રેન્કિંગમાં ભારત કરતાં ઘણી આગળ છે.

વિશ્વમાં ઉઝબેકિસ્તાન 52મો ક્રમાંક ધરાવે છે, અને જૉર્ડન 63મા ક્રમે છે, જ્યારે ભારત છેલ્લા 18 મહિનામાં નબળા દેખાવને કારણે ગબડીને 136મા સ્થાને ધકેલાઈ ગયું છે.

આ રેન્કિંગ ભારતીય ફૂટબૉલ સામે રહેલા પડકારનું સ્તર દર્શાવે છે.

એઆઇએફએફના પ્રમુખ બનનારા પ્રથમ ભૂતપૂર્વ ફૂટબૉલર કલ્યાણ ચૌબેએ 2022માં પદભાર સંભાળ્યા પછી જણાવ્યું હતું, “હું એવાં સપનાં નહીં વેચું કે, ભારત આઠ વર્ષમાં વર્લ્ડકપ રમતું થઈ જશે.”

“તેને બદલે, હું એમ કહીશ કે, આપણે ભારતીય ફૂટબૉલને તેની હાલની સ્થિતિ કરતાં આગળ લઈ જઈશું.”

લગભગ ચારેક વર્ષ પછી સવાલ એ થાય છે કે, શું તેમનું વહીવટી તંત્ર તેમાં સફળ રહ્યું છે કે કેમ.

ઘણા લોકોનું માનવું છે કે, ભારતીય ફૂટબૉલને ઝડપથી આગળ વધારવાનું તો દૂર રહ્યું, પણ છેલ્લાં ત્રણ વર્ષોએ એઆઇએફએફને મજાકનું પાત્ર બનાવી દીધું છે.

2014માં, ફેડરેશને ભારે ઉત્સાહ સાથે સ્થાનિક ક્લબ આધારિત ટુર્નામેન્ટ – ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) શરૂ કરી હતી અને વ્યવસાય, બોલીવૂડ તેમજ ક્રિકેટનાં મોટાં-મોટાં નામોને પણ તેમાં જોડવામાં આવ્યાં હતાં.

આ લીગ વ્યાવસાયિક સ્તરે ચલાવવામાં આવતી હતી અને સારા વિદેશી ખેલાડીઓ પણ તેની તરફ આકર્ષાયા હતા, પરંતુ હવે તેનું ભવિષ્ય અનિશ્ચિત છે.

એઆઇએફએફને વ્યાવસાયિક ભાગીદારી માટે કોઈ બિડર ન મળતાં આઇએસએલની છેલ્લી સિઝન પાછી ઠેલાઈ હતી, તેના કારણે સેંકડો ફૂટબૉલરોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ખડો થયો હતો અને ઘણી નેગેટિવ પબ્લિસિટી થઈ હતી.

આખરે, ફેડરેશનને કોઈ વ્યાવસાયિક ભાગીદારો વિના જ ટૂંકી સિઝન ચલાવવાની ફરજ પડી હતી અને હવે તેઓ આગામી સિઝન માટે નવેસરથી પ્લાનિંગ કરી રહ્યા છે.

આ સ્થિતિમાં 3.5 કરોડ બાળકોને ફૂટબૉલમાં લાવવાનું વચન આપતા મહત્ત્વાકાંક્ષી રોડમેપ સાથેનું ચૌબેનું વિઝન 2047 હવે ચૂંટણીપ્રચારના ભૂલાઈ ગયેલા વચન જેવું લાગે છે. અને ઊંચા લક્ષ્યાંકો તથા મેદાન પરનાં પરિણામો વચ્ચેનું અંતર વધુ પહોળું થયું છે.

2023માં એક અલ્પજીવી પુનરાગમન સ્વરૂપે, સિનિયર મેન્સ ટીમે એક ઇન્વિટેશનલ ટુર્નામેન્ટ તથા એસએએફએફ (સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન) ચૅમ્પિયનશિપ જીતી લીધા પછી ફિફાના ટૉપ-100 રેન્કિંગમાં પુનઃ સ્થાન મેળવ્યું હતું. જોકે, એ ફાયદો તે પછી અત્યાર સુધીમાં ધોવાઈ ગયો છે.

2026ના વર્લ્ડકપ માટે એએફસી (એશિયન ફૂટબૉલ કન્ફેડરેશન) ક્વૉલિફાયર્સના ત્રીજા રાઉન્ડમાં પ્રથમ વખત પહોંચવાની આશા જન્માવ્યા પછી ટીમ પાછળ ધકેલાઈ ગઈ અને પછી આગામી વર્ષના એએફસી એશિયન કપ માટે ક્વૉલિફાય થવામાં નિષ્ફળ રહી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફૂટબૉલ વર્લ્ડકપ, ભારતની ટીમ

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

નજીકના ગાળામાં, એશિયા કપની ટિકિટ મેળવવી તાકીદની પ્રાથમિકતા છે. એશિયા કપમાં ખંડની 24 ટોચની ટીમો રમશે.

થોડાં વર્ષો પહેલાં માધ્યમો સાથેની એક ઔપચારિક વાતચીતમાં 2025માં નિવૃત્તિમાંથી પરત ફરેલા ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ છેત્રીએ કહ્યું હતું કે, વ્યક્તિએ વાસ્તવવાદી લક્ષ્યાંકો નક્કી કરવા પડશે.

તેમણે જણાવ્યું હતું, “આપણે એક સમયે એક પગલું ભરવું જોઈએ અને હાલના તબક્કે આપણું લક્ષ્ય તમામ એશિયા કપ માટે ક્વૉલિફાય થવાનું હોવું જોઈએ, કારણ કે, તેનાથી આપણને મજબૂત ટીમો સામે રમવામાં મદદ મળશે.”

“એક વખત આપણે એશિયાના ટોચના 15-20 દેશો સામે સ્વયંને પ્રસ્થાપિત કર્યા પછી જ વર્લ્ડકપ માટે આપણું સ્તર ઊંચું લાવવાનો વિચાર કરી શકીએ.”

અત્યારે તો ચિત્ર ધૂંધળું જણાઈ રહ્યું છે, જોકે, એઆઇએફએફનું નેતૃત્વ નીતિગત ફેરફારો માટે ઘણી મહેનત કરી રહ્યું છે, જેના પગલે ભારતના ઓવરસીઝ સિટિઝન્સ (ઓસીઆઇ કાર્ડધારકો) ભારત વતી રમી શકશે.

વર્તમાન સમયમાં, વિદેશી પાસપોર્ટ ધરાવતા ભારતીય મૂળના ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વિદેશી પાસપોર્ટ જતો કરવો પડે છે.

ઑસ્ટ્રેલિયામાં જન્મેલા રેયાન વિલિયમ્સે આવું જ કર્યું હતું અને ભારતીય ટીમ માટે શાનદાર શરૂઆત કરીને પોતાની કાબેલિયત પુરવાર કરી હતી.

જો આવી નીતિનો અમલ કરવામાં આવે, તો તેનાથી નોંધપાત્ર ફર્ક પડી શકે છે.

આ વર્લ્ડકપમાં જ ભારતીય મૂળના ચાર ખેલાડીઓ અન્ય દેશો વતી રમી રહ્યા છેઃ તહસીન મહમ્મદ કતાર માટે, નિશાન વેલુપિલ્લૈ ઑસ્ટ્રેલિયા માટે, સરપ્રીત સિંહ ન્યૂઝીલૅન્ડ માટે તથા સેમ્યુઅલ મુતુસામી કોંગો માટે રમે છે.

જોકે, અત્યારે તો આ બધી વાતો હજુ સંભવિતતાઓ જ છે.

ત્યાં સુધી, ભારતીય ચાહકો ફરી એક વખત દૂરથી જ મૅચ નિહાળશે, તેઓ દુનિયાના મેસ્સી, રોનાલ્ડો અને નેમાર જેવા ખેલાડીઓનો જુસ્સો વધારશે અને વર્લ્ડકપ સુધી પહોંચનારા અત્યાર સુધીના સૌથી નાના દેશ કુરાકાઓ જેવાં અન્ય રાષ્ટ્રોની સિદ્ધિઓ જોઈને દંગ રહી જશે.

પરંતુ, એક અનિવાર્ય પ્રશ્ન હંમેશાં મનમાં ઊઠતો રહેશેઃ જો કુરાકાઓ આ કરી શકે, તો ભારત કેમ નહીં?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS