Source : BBC NEWS
એક જર્મન ક્રાયોનિક્સ સ્ટાર્ટઅપ સ્પૉર્ટ્સ કારની કિંમતમાં તમને બીજા જીવનની તક આપી રહ્યું છે. શું ક્રાયોજેનિક્સ આ કામ કરી શકે કે પછી આ ઠાલાં વચનો જ છે?
મધ્ય બર્લિનમાં એક નાનકડી ઍમ્બુલન્સ પાર્ક થયેલી છે, લગભગ રમકડા જેટલી જ છે. તેની આસપાસ નારંગી પટ્ટા દોરેલા છે અને તેની છત પર વાયરનો ગૂંચવાડો લટકી રહ્યો છે.
આ ટુમોરો ડૉટ બાયો દ્વારા સંચાલિત ત્રણ રિટ્રોફિટેડમાંની એક છે. જે યુરોપની પ્રથમ ક્રાયોનિક્સ લૅબ છે. જેનું મિશન મૃત્યુ પછી દર્દીઓને થીજવી (ફ્રીઝ) નાખવાનું અને એક દિવસે તેમને ફરીથી જીવંત કરવાનું છે. આ બધાનો ખર્ચ 200,000 અમેરિકન ડૉલર (ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 1.73 કરોડ રૂપિયા) છે.
એમિલ કેન્ડ્ઝિઓરા બાયોના સહસ્થાપક અને ભૂતપૂર્વ કૅન્સર સંશોધક છે. રોગના ઉપચાર ખૂબ ધીમી ગતિએ ચાલે છે તેવું જાણતાં જ તેમણે કારકિર્દી બદલી નાંખી. વિશ્વની પ્રથમ ક્રાયોનિક્સ લૅબ લગભગ અડધી સદી પહેલાં મિશિગનમાં ખૂલી હતી. આ અંગેના લોકોના મત સાવ નોખા હતા. કેટલાક લોકો તેને માનવજીવનનું ભવિષ્ય માને છે અને કેટલાક તેને સાવ નકારી કાઢે છે. કેન્ડ્ઝિઓરા કહે છે કે આ બાબતે હજુ વધારે જિજ્ઞાસા વધી રહી છે.
અત્યાર સુધીમાં તેમણે “ત્રણ કે ચાર” લોકો અને પાંચ પાલતું પ્રાણીઓને થીજવી (અથવા ક્રાયોપ્રિઝર્વ્ડ) દીધાં છે. આમાં લગભગ 700થી વધુ લોકો જોડાયા છે. 2025 સુધીમાં તેઓ સમગ્ર યુએસને આવરી લેવા માટે તેમની કામગીરીનો વિસ્તાર કરશે.
ક્રાયોપ્રિઝર્વેશન પછી ક્યારેય કોઈને પણ સફળતાપૂર્વક પુનર્જીવિત કરવામાં આવ્યા નથી. અને જો આમ થાય તો પણ મગજમાં ગંભીર નુકસાન સાથે તેઓ જીવનમાં પાછા આવી શકે.
આવા વિચારને અયોગ્ય માનતા કિંગ્સ કૉલેજ લંડનના ન્યુરોસાયન્સના પ્રોફેસર ક્લાઇવ કોએન કહે છે, “હાલમાં એવા કોઈ જ પુરાવા નથી કે માનવો જેટલા જટિલ મગજ માળખાવાળા સજીવોને સફળતાપૂર્વક પુનઃજીવિત કરી શકાય.”
તેઓ માને છે કે નેનોટેકનૉલૉજી અથવા કનેક્ટોમિક્સ (મગજના ચેતાકોષોનું મૅપિંગ) સૈદ્ધાંતિક જીવવિજ્ઞાન અને વાસ્તવિકતા વચ્ચેના વર્તમાન અંતરને દૂર કરશે. પરંતુ આ ઘોષણાઓને તો તેઓ ઠાલાં વચનો તરીકે જ જુએ છે.
આવી ટીકાઓ ટુમોરો બાયોની મહત્ત્વાકાંક્ષાઓને ઓછી નથી કરી શકી. એક વાર દર્દી કંપની સાથે કરાર કરી લે અને ડૉક્ટર પુષ્ટિ કરે કે તેઓ તેમના જીવનના અંતિમ દિવસોમાં છે, ત્યારે કંપની તેઓ જ્યાં હોય ત્યાં ઍમ્બુલન્સ મોકલે છે. જ્યારે કાયદેસર જે તે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવે ત્યારે દર્દીને ટુમોરો બાયોની ઍમ્બુલન્સમાં ખસેડવામાં આવે છે. અને ત્યાં તેના પર ક્રાયોનિક્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આ સ્ટાર્ટઅપ એવા દર્દીઓનાં ઉદાહરણમાંથી પ્રેરિત છે કે જેમનાં હૃદય ઠંડા તાપમાનમાં બંધ થઈ ગયાં હોય અને પછીથી ફરીથી શરૂ થયાં હોય. આવું એક ઉદાહરણ અન્ના બેગનહોમ હતાં. 1999માં નૉર્વેમાં રજા દરમિયાન તેઓ બે કલાક ક્લિનિકલી મૃત રહ્યાં હતાં. પરંતુ પછીથી તેમને બચાવી લેવામાં આવ્યાં હતાં.
આ પ્રક્રિયા દરમિયાન શરીરને શૂન્યથી નીચેના તાપમાને ઠંડું કરવામાં આવે છે અને તેમાં ક્રાયોપ્રોટેક્ટિવ પ્રવાહી ભરવામાં આવે છે.
ક્રાયોનિક્સ કેવી રીતે કામ કરે છે?
ક્રાયોનિક્સના વ્યવહારુ અને સંશોધન એમ ક્ષેત્રોમાં બંને રીતે કાર્ય કરતી સંસ્થાનાં કેન્ડ્ઝિઓરા કહે છે, “એક વાર તમે શૂન્ય ડિગ્રીથી નીચે જાઓ છો પછી તો તમે શરીરને થીજવવા નથી માગતા. તમે તેને ક્રાયોપ્રિઝર્વ કરવા માગો છો. નહિતર દરેક જગ્યાએ બરફના સ્ફટિકો બની જશે અને પેશીઓ નાશ પામશે.”
“તેનો સામનો કરવા માટે તમારે શરીરના બધા પાણી કે થીજી શકે તેવી દરેક વસ્તુને ક્રાયોપ્રોટેક્ટિવ એજન્ટથી બદલવી પડે.”
આ એક એવું દ્રાવણ છે જેના પ્રાથમિક ઘટકો ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ (DMSO) અને ઇથિલિન ગ્લાયકોલ (ઍન્ટિફ્રીઝ જેવાં ઉત્પાદનોમાં વપરાય છે)થી બનેલા છે.
“એકવાર તમે આમ કરી લો પછી તમે ખૂબ જ ચોક્કસ ઠંડક ખૂબ જ ઝડપથી હાંસલ કરી શકો. લગભગ -125C ડિગ્રી (257F), અને પછી ખૂબ જ ધીમે ધીમે, -125Cથી -196C (384.8F).”
ત્યાર બાદ દર્દીને સ્વિટ્ઝર્લૅન્ડમાં એક સ્ટોરેજ યુનિટમાં ખસેડવામાં આવે છે. કેન્ડ્ઝિઓરા કહે છે, અહીં હવે તમારે “રાહ જોવાની છે”.
તેઓ કહે છે, “અમારી યોજના એવી છે કે ભવિષ્યમાં કોઈક સમયે તબીબી તકનીક એટલી આગળ વધી ગઈ હશે કે કૅન્સર [અથવા] જે કંઈ પણ દર્દીને મૃત્યુ તરફ દોરી ગયું હતું તેનો પહેલાં જ ઇલાજ ઉપલબ્ધ હશે. તેઓ સાજા થઈ જશે અને ત્યાર બાદ ક્રાયોપ્રિઝર્વેશન પ્રક્રિયાને પણ ઉલટાવી શકાય તેવી જ છે.”
આવું 50, 100 કે 1000 વર્ષમાં થશે કે નહીં થાય તેની માત્ર આશંકા જ વ્યક્ત કરી શકાય. “અંતે એનાથી કોઈ ફરક પડતો નથી,” તે કહે છે. “જ્યાં સુધી તમે તાપમાન જાળવી રાખો છો, ત્યાં સુધી તમે અનિશ્ચિત સમયમર્યાદા માટે તેની સ્થિતિ જાળવી શકો છો.”
ક્રાયોનિક્સમાં ના જોડાયા હોય તેવા લોકોને આ ખ્યાલ ભ્રમ જેવા લાગશે. જ્યારે કેન્ડ્ઝિઓરા “સૈદ્ધાંતિક રીતે આ કઈ રીતે શક્ય બનશે, તેનાં નક્કર કારણો જાણતા નથી”, ક્રાયોપ્રિઝર્વેશન પછી સફળતાપૂર્વક પુનર્જીવિત થયેલા માનવોની વર્તમાન સંખ્યા શૂન્ય છે. આની સંભાવના દર્શાવતાં પ્રાણીઓના તુલનાત્મક અભ્યાસોનો પણ અભાવ છે. હવે ઉંદરના મગજને એમ્બેલિંગ પ્રવાહીથી ભરીને સાચવવું શક્ય બન્યું છે. જે આપણને આશા જગાડે છે કે કે માનવમગજ પણ એક દિવસ સંભવિત ભવિષ્યના પુનર્જીવન માટે અકબંધ રાખી શકાય. પરંતુ આ પ્રક્રિયા ત્યારે શક્ય બની છે, જ્યારે પ્રાણીનું હૃદય હજુ પણ ધબકતું હતું.
‘વિચિત્ર’ લાગતી આ વાત બની શકે ‘મોતનું સમાધાન’?
કેન્ડ્ઝિઓરા કહે છે કે આ યોજનાનો પ્રતિકાર મોટા ભાગે મરેલાઓને જીવિત કરવાની કલ્પના કેટલી વિચિત્ર લાગે છે તેના પર આધારિત છે. પરંતુ મોટા ભાગની તબીબી પ્રક્રિયાને મુખ્ય પ્રવાહમાં અમલ શરૂ થાય તે પહેલાં શંકાની નજરે જ જોવામાં આવે છે. “કોઈનું હૃદય કાઢી બીજા માનવશરીમાં મૂકવું પહેલાં કેટલું વિચિત્ર લાગ્યું હશે,” હવે અંગ પ્રત્યારોપણ આપણે તે દરરોજ કરીએ છીએ. તેમનું માનવું છે કે ક્રાયોનિક્સ ભવિષ્યમાં આ યાદીમાં ઉમેરાઈ શકે.
તેમનું એવું પણ માનવું છે કે સી. એલિગન્સના એક રિસર્ચ પ્રમાણે એક રાઉન્ડવોર્મ ક્રાયોપ્રિઝર્વ્ડ થઈ શકે છે અને સંપૂર્ણ રીતે પુનર્જીવિત થઈ શકે છે. એક સંપૂર્ણ જીવ મૃત્યુને અતિક્રમી શકે છે. ઉંદરોમાં અંગોના પુનર્જીવનના કેટલાક પુરાવા પણ મળે છે: 2023માં યુનિવર્સિટી ઑફ મિનેસોટા ટ્વિન સિટીઝના સંશોધકોએ ઉંદરોની કિડનીને 100 દિવસ સુધી ક્રાયોજેનિકલી સંગ્રહિત કરી હતી અને તેમને ફરીથી ઊલટી પ્રોસેસ કરીને અને તેમને ક્રાયોપ્રોટેક્ટિવ પ્રવાહીથી સાફ કરીને પાંચ ઉંદરોમાં ફરી ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.
તેમનું 30 દિવસની અંદર સંપૂર્ણ પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્રનું કદ ખૂબ નાનું છે (અને તેથી ઓછું ભંડોળ છે) એમ કહી કેન્ડીઝોરા જણાવે છે કે, “ઘણી બધી વસ્તુઓ જે હાલમાં કામ કરવા માટે સાબિત થઈ નથી તે પણ કામ કરી શકે છે. બસ ખાલી કોઈએ તેનો પ્રયાસ કર્યો નથી”. તે જ રીતે એક વાર પ્રયાસ કર્યા બાદ તે બિલકુલ કામ ના પણ કરે. જેવું તબીબી સંશોધનના મોટા ભાગે થાય છે. આને ઉંદરો અથવા કૃમિ પર લાગુ પડાયું છે, પરંતુ મનુષ્યો પર નહીં.
ક્રાયોનિક્સ એ તેજીમાં આવેલા લાંબા આયુષ્ય ક્ષેત્રનો જ એક ભાગ છે. જેમાં મોટા ભાગે દીર્ઘાયુષ્યની વાતો કરવામાં આવે છે. જે સારા સ્વાસ્થ્યમાં વધુ વર્ષો વિતાવવાનું વચન આપે છે. આ વિષય પર સપ્લિમેન્ટ, પોડકાસ્ટ અને પુસ્તકોની ભરમાર છે. જ્યારે વ્યવહારુ સંશોધન આ માટે ઓછામાં ઓછું નિયમિત કસરત અને સારું ખાવાની વાત કરે છે.
‘સંભવિત રીતે વિશ્વમાં પરત ફરવાનો સોદો’
કોએન ક્રાયોનિક્સ પ્રત્યે શંકાનું વલણ ધરાવે છે. તેઓ આને “ઍન્ટિફ્રીઝમાં ખોટી શ્રદ્ધા અને જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને મૃત્યુની પ્રકૃતિની ગેરસમજ” તરીકે વર્ણવે છે. એક વાર હૃદય ધબકવાનું બંધ કરી દે, ત્યારે આપણા કોષો વિઘટન કરવાનું શરૂ કરે છે. જેનાથી ભારે નુકસાન થાય છે. જ્યારે શરીરને ક્રાયોપ્રિઝર્વ્ડ અવસ્થામાંથી ગરમ કરવામાં આવે છે ત્યારે “મૃત્યુ પહેલાંના પ્રારંભિક તબક્કા દરમિયાન જે વિઘટન થઈ રહ્યું હતું તે હવે ફરીથી શરૂ થશે.”
તેમના મુજબ ધ્યાન કેન્દ્રિત કરવા જેવું ક્ષેત્ર ક્રાયોજેનિક્સ છે: ખૂબ જ ઓછા તાપમાને પેશીઓ અને અવયવો જેવા પદાર્થોનું લાંબા ગાળાના ક્રાયોપ્રિઝર્વેશન દ્વારા જેને “બૅન્ક કરી શકાય છે, અને પછીથી ઉપયોગમાં લઈ શકાય છે”.
અન્ય લોકો માને છે કે જીવન લંબાવવાની ચાવી મૃત્યુને જ ઉલટાવી દેવાની છે. 2012માં ન્યૂ યૉર્કમાં એક “પુનરુત્થાનવાદી” ડૉક્ટરની હૉસ્પિટલમાં દર્દી મોતનો સામનો કરી લે (ફ્લેટલાઇન) ત્યાર બાદ તેની સંભાળને પ્રાથમિકતા આપવાથી 33% દર્દીમાં જાન ફુંકાઈ હતી.
મગજને અતિ ઠંડક આપતી (એક સેવા ટુમોરો બાયો પણ પૂરી પાડે છે) અને શરીર ને જ્યાં સંગ્રહિત કરવામાં આવશે તે ક્ષેત્ર ઘણી નૈતિક ચિંતાઓ ઊભી કરે છે. જર્મન કંપનીના ગ્રાહકોના મૃતદેહો સ્વિટ્ઝર્લૅન્ડમાં એક બિનલાભકારી સંસ્થા સંગ્રહિત કરે છે.
કેન્ડ્ઝિઓરા કહે છે કે હાલમાં તો તે સુરક્ષિત છે. પરંતુ સદીઓ પછી જ્યારે કોઈ વંશજ અચાનક પોતાને તેમના પુરોગામીના લાંબા સમયથી સ્થિર શબનો હવાલો સંભાળે ત્યારે આ ખરેખર કેવી રીતે કામ કરશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
જ્યારે ક્રાયોનિક્સના સમર્થકો આશા રાખે છે કે દર્દીને મારી નાખતી બીમારીનો ઇલાજ તેઓ જીવિત થાય ત્યાં સુધીમાં મળી ગયો હશે. પરંતુ આની કોઈ ગૅરંટી નથી. અતિશય ખર્ચનો મુદ્દો પણ છે, ઘણા પરિવારો કદાચ તેમના વારસાને આટલા લાંબા સમય સુધી ખર્ચવામાં આવશે તે જાણી નાખુશ થશે.
“મારું માનવું છે માણસની પસંદગીની સ્વતંત્રતા બધી જ નૈતિકતા કરતાં વધારે મહત્ત્વની છે” આમ કહી કેન્ડ્ઝિઓરા ઉમેરે છે કે “ઘણા લોકો એવા છે જેઓ તેમની જિંદગીમાં બીજી સુપર યાટ ખરીદે છે. જેની ઉંમર 85 વર્ષની છે અને મને ખબર નથી કે તેમની પાસે જિંદગીનાં કેટલાં વર્ષ બાકી છે. ” આ આધારે તે કહે છે કે સંભવિત રીતે વિશ્વમાં પાછા ફરવા માટે બે લાખ અમેરિકન ડૉલરનું રોકાણ એક વાજબી સોદો છે.
તેઓ કહે છે કે તેમના મોટા ભાગના ગ્રાહકો 60 વર્ષ અથવા તો ઓછી ઉંમરના છે. તેઓ જીવન વીમા દ્વારા ફીનું ભંડોળ ઊભું કરે છે. 51 વર્ષીય લુઇસ હેરિસન આ કાર્યક્રમમાં જોડાવાનું કારણ તેમની જિજ્ઞાસા હતી.
“ભવિષ્યમાં ફરીથી જીવિત થવાના વિચારથી હું આકર્ષિત થઈ ગઈ હતી. આ એક ટાઇમ ટ્રાવેલ જેવું લાગતું હતું,” એમ તેઓ કહે છે.
“ફરી પાછા જીવવાની થોડી પણ આશા સાવ ના હોવા કરતાં તો સારી જ છે. મારા માટે આ એક તાર્કિક પસંદગી છે.”
સભ્યપદ અને જીવનવીમા માટે દર મહિને લગભગ $87 (£70) ચૂકવતાં હેરિસન કહે છે કે તેમના નિર્ણયથી લોકો આશ્ચર્યચકિત થયા છે.
“લોકો ઘણી વાર મને કહે છે. આ કેટલું ભયાનક છે. તમે જેને ઓળખો છો તે બધા ત્યારે નહીં હોય.”
“પરંતુ આ વાતો મને નિરાશ કરતી નથી. આપણે આખી જિંદગી લોકોને ગુમાવતા રહીએ છીએ, પરંતુ આપણે સામાન્ય રીતે જીવવાનું કારણ શોધતા રહીએ છીએ.”
ટુમોરો બાયો આશા રાખે છે કે તેમનો યુએસ રોલઆઉટ એવા લોકોને આકર્ષિત કરશે જેમને આપણી ભાવિ દુનિયા કેવી દેખાય છે તે અંગે રોમાંચિત હોય. ક્રાયોનિક્સ ઇન્સ્ટિટ્યૂટ, જે 1976 માં શરૂ થયેલી પ્રથમ યુએસ કંપની હતી, તેમના અનુસાર 2,000 લોકો આમાં જોડાયા છે. હાલમાં આપણે આ ક્ષેત્રે સતત વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. આ વિચાર વેગ પકડી રહ્યો છે.
અહેવાલો સૂચવે છે કે હાલમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાએ લોકોને મૃત્યુ વિશે વધુ જાગૃત કર્યા છે. અને તેનાથી બચવા માટેનો રસ્તો શોધી રહ્યા છે. એટલા માટે કદાચ ટુમોરો બાયોએ આવા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યા છે: એક વર્ષ દરમિયાન મેમરી, ઓળખ અને વ્યક્તિના ચેતાતંત્રને જાળવી રાખવાનું શૂન્યથી નીચે તાપમાન રાખી તેને ઉલટાવી નાખવાનું. આ બધું એક પ્રકારની પવિત્ર હોલી ગ્રેઇલ (ધાર્મિક કપ કે જે ચમત્કાર કરે ) જેવું છે.
કેન્ડ્ઝિઓરા કહે છે કે, “હું કહી શકતો નથી કે આગળ યોજના મુજબ કેટલું થશે અથવા તેની સંભાવના કેટલી છે. પરંતુ મને ખાતરી છે કે આ સંભાવના જો બીજો કોઈ વિકલ્પ નહીં હોય તો અગ્નિ સંસ્કાર કરતાં તો વધુ જ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS