Source : BBC NEWS

“અમે અમારો પુત્ર અસ્વસ્થ હોવાનું જણાવીને તેની સારવાર માટે થોડા-થોડા કરીને 40,000 રૂપિયા એકઠા કર્યા હતા. અમે તે માટે અમ્પુરમાં આવેલી ઈંટોની એક ભઠ્ઠીમાં કામ કરવા જતાં હતાં. પણ ત્યાં બે વર્ષ સુધી કામ કર્યા પછી પણ તેમણે અમને કોઈ પગાર ન ચૂકવ્યો અને તે મને, મારા પતિ અને બે પુત્રને બહાર જવા નહોતા દેતા અને અમારી મારઝૂડ કરતા તથા અમારા ઉપર અત્યાચાર ગુજારતા હતા. અમને લાગતું હતું કે, અમારું જીવન ત્યાં જ પૂરું થઈ જશે.”
વેલ્લોર જિલ્લાના અનિકુટ્ટુ નજીક આવેલા ઓદુગથુર ગામનાં સંગીતાએ બીબીસી તામિલને ઉપરોક્ત વાત જણાવી હતી.
સંગીતાનો પરિવાર હજુ એક વર્ષ પહેલાં સુધી મજૂર હતો, તેમનો બચાવ કરવામાં આવ્યો અને સરકારી પ્રયત્નોને લીધે હવે તેમને વળતર પણ મળ્યું છે. તેમના પુત્રો હવે સ્કૂલે જઈ રહ્યાં છે.
સંગીતાના પરિવારની માફક નામાક્કલ જિલ્લાના સત્તાતંત્રે એક સ્વૈચ્છિક સંસ્થાની સહાયથી તાજેતરમાં 26 લોકોને ઉગારી લીધા હતા, જેમાં સાત બાળકોનો પણ સમાવેશ થતો હતો, જેઓ પાંચ હજાર રૂપિયાથી લઈને 40,000 રૂપિયા સુધીની લોન લેવા બદલ વર્ષોથી શેરડીનાં ખેતરોમાં પગાર વગર બંધુઆ (વેઠિયા) તરીકે કામ કરતાં હતાં. તેમને મજૂરીમાં રાખનારા એજન્ટ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે.
સ્વૈચ્છિક સંગઠનો માહિતી આપી રહ્યાં છે કે, તામિલનાડુમાં ઘણા પરિવારો નાની અમથી લોન ચૂકવવા માટે ખેતરોમાં અને ઈંટોના ભઠ્ઠાઓમાં વેઠ મજૂર તરીકે કામ કરી રહ્યા છે.
બીબીસી તામિલે રાજ્યભરના મજૂરોને બચાવી લેવા માટે તેમજ તેમના પુનર્વસન માટે તામિલનાડુ સરકાર દ્વારા ભરવામાં આવેલાં પગલાં વિશે માહિતી મેળવવા માટે શ્રમમંત્રી મહમ્મદ ફરવેઝનો સંપર્ક સાધ્યો હતો, પણ તેમની પ્રતિક્રિયા મળી શકી ન હતી.
ગુલામીમાંથી બચાવી લેવાયેલા પરિવારો

નામાક્કલ જિલ્લામાં તિરુચેન્ગોડ નજીક ચિક્કનાયક્કનપાલયમ પંચાયતના વિસ્તારમાં આવેલા શેરડીના ખેતરમાં બંધક રાખવામાં આવેલાં સાત બાળકો સહિતની 26 વ્યક્તિને 21મી જુલાઈના રોજ મુક્ત કરવામાં આવી હતી.
આવાસી લોકો માટેના સંગઠન – આદિભૂમિએ તે મજૂરોની ઓળખ કરીને નામાક્કલ જિલ્લા મહેસૂલ વિભાગમાં ફરિયાદ દાખલ કરી, તે પછી તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
બચાવેલાં લોકોમાં સાત બાળકો છે અને તેમાં 13 વર્ષની એક છોકરી પણ છે. બાકીનાં 19 લોકો દંપતી છે અથવા તો એક જ પરિવારના સભ્યો છે. ચેંગલાપટ્ટુ (ચાર પરિવાર), કાંચીપુરમ (ત્રણ પરિવારો) અને તિરુવન્નામલાઈ (બે પરિવારો) સહિત ત્રણ જિલ્લાના નવ પરિવારોને મુક્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં માલૂમ પડ્યું હતું કે, તે તમામ ઈરુલા નામના આદિવાસી સમુદાયના હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ વિશે બીબીસી તામિલ સાથે વાત કરતાં આદિભૂમિ ફાઉન્ડેશનના પ્રાદેશિક કો-ઑર્ડિનેટર જગદીશ્વરને જણાવ્યું હતું, “કાંચીપુરમ જિલ્લામાં રહેનારા આદિવાસી સમુદાયના લોકોને આધાર કાર્ડ અને ફેમિલી કાર્ડ પૂરાં પાડવા માટે તામિલનાડુ સરકાર દ્વારા તાજેતરમાં જ એક ખાસ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંચીપુરમ જિલ્લા આદિવાસી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે અમે જાગૃતિ ફેલાવવા માટે તથા તમામ લોકો વિશેષ કૅમ્પમાં ભાગ લે, તે સુનિશ્ચિત કરવા માટે વડાપટ્ટીનમ નામના ગામમાં ગયા હતા. તે સમયે જ અમને આ મુદ્દા વિશે મૂળભૂત માહિતી મળી હતી.”

ગામવાસીઓએ આદિભૂમિ ફાઉન્ડેશનના સ્વયંસેવકોને જણાવ્યું હતું કે, તે ગામના ઘણા લોકો તેમણે લીધેલી નાની લોનની રકમ પરત કરવા માટે શેરડીનાં ખેતરોમાં કામ કરવા માટે બહાર ગયા છે, પણ તેઓ ક્યાં કામ કરી રહ્યા છે, તે વિશે કોઈ માહિતી નથી.
જગદીશ્વરનના જણાવ્યા પ્રમાણે, “થોડા દિવસો પહેલાં એક મહિલાને જાણ થઈ કે તેમના પતિ નામાક્કલ જિલ્લામાં શેરડીનાં ખેતરોમાં કામ કરે છે. આથી, તે મહિલા પોતાનાં બે સંતાનોને સાથે લઈને પતિને મળવા માટે ગયાં હતાં. અમે જ્યારે ત્યાં ગયા અને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સાત બાળકો સહિત કુલ 26 માણસો વર્ષોથી મજૂરો તરીકે કામ કરી રહ્યાં હતાં. અમે તિરુચેન્ગોડ મહેસૂલ કમિશનર સમક્ષ ફરિયાદ દાખલ કરી. તે પછી મહેસૂલ વિભાગ અને પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરીને તેમને બચાવી લીધાં.”
તેમણે આગળ કહ્યું હતું, “જ્યારે સત્તાતંત્રે તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે લીધેલી લોન ચૂકતે કરવા માટે તેમને ત્રણ મહિના માટે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને જુદાં-જુદાં નગરોમાં લઈ જવામાં આવ્યાં હતાં અને તેમની પાસે ખેતરોમાં શેરડી કાપવાનું કામ કરાવવામાં આવતું હતું. જોકે, તેમને એક દંપતી કે બે વ્યક્તિદીઠ અઠવાડિયે ફક્ત 200 રૂપિયા જ આપવામાં આવતા હતા.”
નામાક્કલ જિલ્લાના મહેસૂલ અધિકારીઓ દ્વારા બીબીસી તામિલને પૂરી પાડવામાં આવેલી જાણકારી પ્રમાણે, આ મજૂરોએ પનરુટીના કુમાર નામના એક એજન્ટ પાસેથી 5,000 રૂપિયાથી લઈને 40,000 રૂપિયા સુધીની લોન લીધી હતી. એજન્ટ કુમાર પર આરોપ છે કે, તેમણે તેમને લોન ચૂકતે કરવા માટે ત્રણ મહિના સુધી કામ કરવા માટે રાખ્યાં હતાં અને તે પછી એક ચોક્કસ સ્થળે રાખવાને બદલે તે તેમને જુદાં-જુદાં ખેતરોમાં રાખીને શેરડી કાપવાના કામમાં જોતરતો હતો.
મહેસૂલ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, “આ મજૂરો પાસે સવારના છ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હતું. તે માટે તેમને કોઈ રોજિંદી મજૂરી ચૂકવવામાં આવતી ન હતી. પતિ-પત્ની દીઠ કે પછી બે વ્યક્તિઓ દીઠ 200 રૂપિયાનું ભથ્થું આપવામાં આવતું હતું. લોન કે વેતનની કોઈ વિગતો આપવામાં આવતી નહોતી. એવું જાણવા મળ્યું હતું કે, એજન્ટે તેમના પર દેખરેખ રાખવા માટે એક સુપરવાઇઝરની નિમણૂક કરી હતી અને તે વ્યક્તિ તેમને ક્યાંય બહાર જવા દેતો ન હતો. તે સતત તેમના પર નજર રાખતો અને વાહનો દ્વારા તેમને જુદા-જુદા વિસ્તારોમાં લઈ જતો હતો.”
મહેસૂલ વિભાગના અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે, શેરડીની કાપણી કરવા બદલ એક વ્યક્તિને રોજના આશરે 700 રૂપિયા જેટલું વળતર ચૂકવવામાં આવે છે, પણ આ લોકોને પૂરી રકમ ચૂકવવામાં આવી નથી.
બીબીસી તામિલ સાથે વાત કરતાં તિરુચેન્ગોડુના રેવન્યૂ ડિવિઝનલ કમિશનર લેનિને સ્પષ્ટતા કરી હતી, “મુક્ત કરવામાં આવેલા તમામ 19 વ્યક્તિને વેઠ મજૂરીમાંથી મુક્તિનાં પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે. તેઓ છેલ્લા 20 દિવસથી આ ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. તેમને તે માટે ચૂકવણી પણ કરવામાં આવી નથી. આથી, અમે સુગર મિલના વહીવટકર્તાઓને બોલાવીને તેમનો પગાર ચૂકવવાની વ્યવસ્થા કરી છે. આ લોકોના સંબંધિત જિલ્લાઓના સરકારી અધિકારીઓને તેમના પુનર્વસન માટે યોગ્ય ભલામણપત્રો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે.”
’19 લોકોને કોઈ પગાર ચુકવાયો નહોતો’
ઇમેજ સ્રોત, Getty Images
બચાવી લેવાયેલાં સાતમાંથી બે બાળકો પાંચ વર્ષ કરતાં ઓછી વયનાં છે. તેમનાં માતા-પિતાએ લેખિતમાં એવી ખાતરી આપી છે કે તે પૈકીના એક પણ બાળકને મજૂરી કરવાની ફરજ પાડવામાં આવી નથી, એમ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી શનમુગમે બીબીસીને જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગીય કમિશનર લેનિને કહ્યું હતું કે, જે બાળકોને બંધનમાં રાખવાં આવ્યાં હતાં, તેમને બંધક બનાવનારા એજન્ટ કુમાર પાસેથી તે બાળકો માટે યોગ્ય વળતર મેળવવા માટે સંબંધિત જિલ્લા શ્રમ વિભાગો દ્વારા પ્રયાસ કરવામાં આવશે.
આદિભૂમિ ટ્રસ્ટના કો-ઑર્ડિનેટર જગદીશ્વરનના જણાવ્યા મુજબ, “સુગર મિલો એક ટન શેરડી માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ચૂકવે છે, તેમાંથી શેરડીની કાપણીની ફી પેટે પ્રત્યેક ટન દીઠ 800થી 850 રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવે છે. બાકીની રકમ કેટલાંક અઠવાડિયાં કે મહિનાઓ પછી શેરડીના ખેતરના માલિકોનાં ખાતાંમાં જમા થાય છે, પરંતુ શેરડી કાપવાની ફી મિલો દ્વારા તે દિવસે જ જમા કરી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો 10 ખેતરમાં શેરડી કાપવામાં આવે, તો એજન્ટ એક જ દિવસમાં કાપણીની ફી તરીકે 40,000 રૂપિયા સુધીની ફી મેળવી શકે છે.”
આ વિશે વિગતવાર વાત કરતાં જગદીશ્વરને આરોપ લગાવ્યો હતો, “તેઓ શેરડીનાં ખેતરમાં કામ કરતા હોય, તો પણ ખેતરના માલિકો જાણતા નથી હોતા કે તેઓ કોણ છે. ફૅક્ટરીઓ પણ મજૂરોની સંખ્યા કે તેમનાં નામ જાણતી હોતી નથી. શેરડી કાપવા માટે ફૅક્ટરી અને એજન્ટ વચ્ચે કરાર થયો હોય છે. એજન્ટ શેરડી કાપવા માટે પોતાના માણસોનો ઉપયોગ કરે છે અને તેમને ફૅક્ટરીમાં મોકલે છે. શેરડી કાપવાની ફી ફૅક્ટરીમાંથી દરોજ મળી જતી હોવા છતાં એજન્ટ તે ફી તેમને ન આપીને તેમની સાથે છેતરપિંડી આચરે છે.”
ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા શેરડી માટે નક્કી કરવામાં આવેલી ખરીદ કિંમત પ્રમાણે, ઉચ્ચ પીલાણ ક્ષમતા (10.25 ટકા) ધરાવતી શેરડી માટે 3,650 રૂપિયા અને ઓછી પીલાણ ક્ષમતા (9.5) ધરાવતી શેરડી માટે 3,383 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં, શેરડી કાપવાની ફી ફૅક્ટરી અનુસાર 800થી 1,200 રૂપિયાની આસપાસ રહેતી હોય એમ લાગે છે. આ રકમ શેરડી કાપનારા મજૂરો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.
પરંતુ શેરડી કાપવાનું વળતર ન ચૂકવવા બદલ અને નાના દેવાના ઓઠા હેઠળ તેમને વેઠિયા બનાવીને રાખવા બદલ કોક્કારાયનપટ્ટી પોલીસ સ્ટેશનમાં કુમાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશનનાં સબ-ઇન્સ્પેક્ટર રાણીએ બીબીસી તામિલ સાથે વાત કરતાં કહ્યું હતું, “એજન્ટ કુમાર સામે એબોલિશન ઑફ બૉન્ડેજ ઍક્ટની ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તે છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો અને 30મી જુલાઈના રોજ કુમારપાલયમ જેએમ કોર્ટમાં તેણે આત્મસમર્પણ કર્યું હતું.”
બીબીસી તામિલે વેઠ મજૂર તરીકે રાખવામાં આવેલા અને પછીથી છોડી મૂકવામાં આવેલા કેટલાક પરિવારો સાથે વાત કરી હતી. તેમણે સૌએ કહ્યું હતું કે, તેમણે એજન્ટ કુમાર પાસેથી થોડી રકમ ઉછીની લીધી હતી અને તે રકમ પાછી ચૂકવવા માટે પતિ-પત્ની અથવા બાળકો સહિતના પરિવારોને કામ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.
તેમણે બીબીસી તામિલને એમ પણ જણાવ્યું હતું કે તેમને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી અને કેટલું દેવું ચૂકતે થઈ ગયું હતું, તેનો કોઈ રેકૉર્ડ રાખવામાં આવતો ન હતો.
બચાવી લેવામાં આવેલું યુગલ – કનિયપ્પન અને અય્યામ્મલ તિરુવન્નમલાઈ જિલ્લામાં વંદવાસી નજીક સાલાવેડુ ગામના આદિવાસી સમુદાયમાંથી આવે છે.
તેમણે કહ્યું હતું કે, તેમણે મુકાવરકુમાર પાસેથી 10,000 રૂપિયાની લોન લીધી હતી અને એ લોન ભરપાઈ કરવા માટે બંને છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યાં હતાં. દંપતીએ બીબીસી તામિલને જણાવ્યું હતું કે, તેમની લોન હજી સુધી ભરપાઈ ન થઈ હોવાનું કહીને તેમને કોઈ પણ પ્રકારનું વેતન ચૂકવ્યા વિના તેમની પાસે કામ કરાવવામાં આવતું હતું.

અય્યામ્મલના જણાવ્યા અનુસાર, તેમને કદીયે પગાર ચૂકવવામાં આવ્યો નથી, તેમને રોજિંદા ધોરણે માપીને ચોખા આપવામાં આવે અને તે સિવાય કશું આપવામાં આવતું નથી.
તેમણે કહ્યું હતું, “તેઓ જે ચોખા માપીને આપે, તે જ અમારે રાંધવા પડતા હતા અને તેને બે ટંક – સવારના નાસ્તા અને બપોરના ભોજન માટે રાખવા પડતા હતા. તેઓ શાકભાજી અને અન્ય ચીજો ખરીદવા માટે અમને દર ત્રણ દિવસે 100 રૂપિયા આપતા હતા. તે સિવાય, જો અમારી તબિયત બરાબર ન હોય અને કશી જરૂર હોય, તો તેઓ ક્યારેય અમને પૈસા આપતા ન હતા.”
વધુમાં તેમણે કહ્યું હતું, “આવી સ્થિતિમાં જીવનારાં અમે એકલાં ન હતાં. અમારી સાથે રહેલા તમામ લોકો સમાન આદિવાસી સમુદાયમાંથી આવતા હતા. અમારા સહિત 19 લોકોને કોઈ પગાર ચૂકવવામાં આવ્યો નહોતો. તેઓ અમારી પાસે વધુ કામ કરાવતા હતા અને કહેતા હતા દિવસના 10થી 12 કલાક સુધી કામ કર્યા પછી પણ અમારું દેવું ચૂકતે થયું નથી. અમને કદીયે કોઈ નગરમાં કાયમી ધોરણે રાખવામાં આવતાં ન હતાં. તેઓ તેમની કારમાં અમને એક નગરમાંથી બીજા નગરમાં લઈ જતા હતા. આ રીતે ગયેલી દરેક વ્યક્તિએ જ્યાં કામ કરવાનું હોય, ત્યાં જ રહેવું પડતું હતું.”
બીબીસી હિંદી સાથે વાત કરતાં તેમના પતિ કન્નિયપ્પને કહ્યું હતું, “અમારા પગારનો હિસાબ કદીયે તપાસવામાં આવ્યો નહોતો. અમારી માફક બંધક હાલતમાં રહી ચૂકેલી એક પણ વ્યક્તિને અમારા પગાર ખાતાં વિશે કોઈ જાણકારી નથી. અમારે રોજ આપવામાં આવતા ચોખા જ બનાવવા પડતા હતા. અમને દર ત્રીજા દિવસે એક વખત બે વ્યક્તિ માટે 100 રૂપિયા આપવામાં આવતા હતા. તેટલા પૈસામાં તો અમે કશું ખરીદી શકતાં નહોતાં. જો સત્તાતંત્રે આવીને અમને બચાવી ન લીધાં હોત, તો અમારે બીજાં ઘણાં વર્ષ સુધી ત્યાં બંધક બનીને રહેવું પડ્યું હોત.”
બચી ગયેલા લોકોએ બીબીસી તામિલને જણાવ્યું હતું કે, તેઓ કોઈ પગાર ખાતું ન ધરાવતા હોવાથી માથાભારે લોકો તેમને ધમકાવતા હતા અને એવો દાવો કરતા હતા કે, તેમણે લીધેલી લોન પરનું વ્યાજ ચૂકવવા માટે તેમણે વધુ કામ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તેમણે કોઈ મહત્ત્વના કામસર પોતાના વતનના ગામ જવાનું થાય, તો તેમને ધમકાવવામાં આવતા અને લોકો આવીને તેમને એ જ દિવસે પાછા લઈ જતા હતા.
બીબીસી આ દાવાઓની સ્વતંત્રપણે ખરાઈ કરી શક્યું નથી અને આરોપી એજન્ટ કુમાર કે તેની ટીમનો સંપર્ક સાધવાના બીબીસીના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
‘મોટા ભાગના મજૂરોને ઈંટોના ભઠ્ઠામાંથી બચાવવામાં આવે છે’
ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP via Getty Images
ઘણાં સ્વૈચ્છિક સંગઠનોના અહેવાલ પ્રમાણે, જે રીતે તેઓ શેરડીનાં ખેતરોમાં વર્ષોથી વેઠ મજૂરો તરીકે કામ કરી રહ્યા છે, એ રીતે ઘણા મજૂરો તામિલનાડુની ઈંટોની ભઠ્ઠીમાં પણ કામ કરી રહ્યા છે.
આદિભૂમિ ઑર્ગેનાઇઝેશનના કો-ઑર્ડિનેટર જગદીશ્વરન કહે છે કે, તેમનું સંગઠન મજૂરોને બચાવવાના કાર્ય સાથે 2013થી સંકળાયેલું છે અને બચાવવામાં આવેલા મોટા ભાગના મજૂરો ઈંટોના ભઠ્ઠામાંથી મળી આવ્યા હતા.
અલામેલુ ગુલામોના બચાવ અને પુનર્વસન માટે ઇન્ટરનૅશનલ જસ્ટિસ મૂવમેન્ટ સાથે 2004થી કામ કરી રહ્યા છે અને તેઓ તારામંગલમના સાલેમમાં રૂરલ વીમેન્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે. તેમણે બીબીસી તામિલ સાથે આ વિશે વિગતવાર વાતચીત કરી હતી.
“અમે માત્ર તામિલનાડુમાં જ નહીં, બલકે કર્ણાટક અને કેરળમાં પણ મજૂરો તરીકે રાખવામાં આવેલા ઘણા લોકોને બચાવ્યા છે. તેમાંના મોટા ભાગના મજૂરો અનુસૂચિત જાતિ અને આદિવાસી સમુદાયના હોય છે. તાજેતરમાં જ ઉત્તરીય રાજ્યોમાં શ્રમિકોને દહાડી મજૂર તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવતી હોવાના કિસ્સામાં વધારો થયો છે. અમે આવા ઘણા મજૂરોને ખાણો, ઈંટોના ભઠ્ઠા, લોખંડના વર્કશૉપ, દોરડાની ફૅક્ટરીઓ, હાથશાળ તથા અન્ય કારખાનાંમાંથી બચાવ્યા છે,” એમ અલામેલુએ જણાવ્યું હતું.
તેઓ કહે છે કે, વેઠ મજૂરીની પ્રથા નાબૂદ ન થઈ શકવા પાછળનું કારણ “સરકારી અધિકારીઓની ઘોર બેદરકારી છે.”
તેમના મત અનુસાર, “સત્તાતંત્રોને કેસોની કાર્યવાહી ઝડપી બનાવવામાં, મજૂરો માટે વળતર સુનિશ્ચિત કરવામાં અને ગુનેગારોને સજા અપાવવામાં રસ જ નથી. વળી, બચાવ કરવામાં આવેલા લોકો માટે પુનર્વસનનાં પગલાં સાતત્યપૂર્ણ રીતે લેવામાં ન આવતાં હોવાથી એક જગ્યાએથી બચાવવામાં આવેલા લોકો ફરી વખત દેવાના ચક્કરમાં ફસાય છે અને નવી જગ્યાએ દહાડી કરવા માટે મજબૂર બને છે.”

2004માં એક ઈંટોના ભઠ્ઠામાં વેઠિયા બનાવીને રાખવામાં આવેલા શિવગંગા જિલ્લાન સિરુગનપ્પેરી થંગવેલને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે ગયા જૂન માસમાં હાઇકોર્ટની મદુરાઈ બેન્ચમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે કહ્યું હતું કે તેમને ન્યાય મેળવવામાં 10 વર્ષ લાગ્યાં હતાં. સાથે જ તેમણે નોંધ્યું હતું કે શિવગંગા અદાલતે તેમના કેસમાં દોષિતોને છેક 2014માં સજા સંભળાવી હતી.
અરજીમાં તેમણે નોંધ્યું હતું કે તામિલનાડુ સરકારે 2021માં દહાડિયા મજૂરી નાબૂદ કરવા માટેના ઍક્શન પ્લાનની જાહેરાત કરી હતી અને બોન્ડેડ લેબર એબોલિશન ઍક્ટ હેઠળ દાખલ થયેલા 134 કેસો રાજ્યની નીચલી અદાલતોમાં પેન્ડિંગ હતા, જે પૈકી 28 કેસો તો 10 વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે.
“મજૂર પુનર્વસન યોજનાના લાભનો આધાર કેસની સુનાવણીના પરિણામ પર રહે છે. ખટલાની પ્રક્રિયામાં વિલંબ પીડિતો માટે મુસીબત ઊભી કરે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટોને ફોજદારી કેસોની સુનાવણી ઝડપથી હાથ ધરવાના આપેલા આદેશ પ્રમાણે, મદ્રાસ હાઇકોર્ટના રજિસ્ટ્રાર અને બ્રાન્ચ રજિસ્ટ્રારને તમામ નીચલી અદાલતોને નિશ્ચિત સમય મર્યાદાની અંદર વેઠ મજૂરીના પડતર કેસોનો ઝડપી નિકાલ લાવવા માટેનો પરિપત્ર બહાર પાડવાનો નિર્દેશ આપવો જોઈએ,” એમ થંગાવેલે તેમની અરજીમાં વિનંતી કરી હતી.
આ અરજીની સુનાવણી હાથ ધરનાર જસ્ટિસ એન. સતીશકુમાર અને જસ્ટિસ એમ જ્યોતિરામનની ખંડપીઠે આદેશ આપ્યો હતો, “અરજદારો દ્વારા માગવામાં આવેલી રાહત અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પગલાં ભરવાં જોઈએ. જો આ મામલે કોઈ સમિતિની રચના કરવામાં આવી હોય, તો તેની વિગતો ચીફ જસ્ટિસના ધ્યાન પર લાવવી જોઈએ.”

તિરુચેન્ગોડુના મહેસૂલ વિભાગીય કમિશનર લેનિને બીબીસી તામિલને જણાવ્યું હતું કે, નામાક્કલ જિલ્લામાં બચાવી લેવામાં આવેલા 19 મજૂરોને યોગ્ય વળતર મળે, તેની ખાતરી કરવા માટે પગલાં ભરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ફરિયાદો મળે ત્યારે જ તેને બંધક બનાવવાની વિગતો પ્રકાશમાં આવે છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે જ્યારે અધિકારીઓ તપાસ હાથ ધરે, ત્યારે ઘણા લોકો હકીકત છુપાવે છે.
“પણ જો અમને જાણવા મળે કે તેમને વેઠિયા તરીકે રાખવામાં આવ્યા છે, તો અમે તેમને વળતર પૂરું પાડવામાં વિલંબ કરતા નથી. થોડા દિવસો પહેલાં જ અમે ઈંટોના ભઠ્ઠામાંથી બચાવી લેવામાં આવેલી એક વ્યક્તિને ઝડપથી ત્રણ લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. તે વ્યક્તિ તેના ગામ ગયો છે તેણે સરકારી સહાયથી ઘર બનાવ્યું છે,” એમ મહેસૂલ વિભાગીય અધિકારી લેનિને જણાવ્યું હતું.
ગયા વર્ષે ઈંટોની ભઠ્ઠીમાં મજૂરીમાંથી બચાવી લેવામાં આવેલાં સંગીતાએ જણાવ્યું હતું, “અમે જેટલો સમય કામ કર્યું તે બદલ અમને અઢી લાખ રૂપિયાનું વળતર મળ્યું હતું. આ ઉપરાંત અધિકારીઓએ અમને અન્ય સરકારી લાભો મેળવવામાં સહાય પૂરી પાડી હતી. અમારા બે પુત્રો અમે લીધેલી લોન ભરપાઈ કરવા માટે અમારી સાથે કામ કરતા હતા. હવે બંને પુત્રો અભ્યાસ કરી રહ્યા છે.”
તામિલનાડુમાં વેઠ મજૂરીને નાબૂદ કરવા માટે અને બચાવી લેવામાં આવેલા મજૂરોના પુનર્વસન માટે તામિલનાડુ સરકાર દ્વારા લેવામાં આવી રહેલાં પગલાં વિશે જાણકારી મેળવવા માટે તામિલનાડુ શ્રમ કલ્યાણ અને કૌશલ્ય વિકાસમંત્રી મહમ્મદ ફરવેઝનો ફોન અને ઇમેલ દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ તેમની પાસેથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




