Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
તો હવે સર કિએર સ્ટાર્મર 10 વર્ષમાં રાજીનામું આપનારા અથવા મતદારો દ્વારા જાકારો આપવામાં આવેલા છઠ્ઠા વડા પ્રધાન બન્યા છે.
જો કોઈને કોઈ પણ પ્રકારની શંકા હોય, તો જણાવી દઈએ કે, બ્રિટિશ રાજકારણમાં આ બાબત સામાન્ય નથી. જો તમને માન્યામાં ન આવતું હોય, તો જરા વિચારી જુઓઃ 18મી સદીમાં જ્યારે વડા પ્રધાનનો હોદ્દો અસ્તિત્વમાં આવ્યો, ત્યારથી લઈને તે પ્રત્યેક વડા પ્રધાનનો સરેરાશ કાર્યકાળ પાંચ વર્ષનો રહ્યો છે.
પરંતુ, છેલ્લા દાયકામાં, તે કાર્યકાળ ઘટીને માંડ 18 મહિનાનો થઈ ગયો છે!
તો, આ અસાધારણ ફેરફાર શા માટે થયો? સ્વાભાવિક રીતે જ, તમામ છ કિસ્સાઓમાં ચોક્કસ કારણો રહ્યાં છે.
છ વડાં પ્રધાન અને તેમની વિદાય થવાનાં કારણો
ઇમેજ સ્રોત, Getty Images
ડૅવિડ કેમેરોને રાજીનામું આપ્યું હતું, કારણ કે, તેમણે 2016માં યુરોપિયન યુનિયનના બ્રિટનના સભ્યપદ માટે જનમત યોજ્યો હતો અને તેમાં તેઓ હારી ગયા હતા.
થેરેસા મે પણ બ્રૅક્ઝિટનો ભોગ બન્યાં હતાં. સાંસદો ત્યાં સુધી ઈયુ સાથેના બ્રિટનના નવા સંબંધો માટેના થેરેસા મેના પ્રસ્તાવિત કરારને નકારતા રહ્યા, જ્યાં સુધી થેરેસા માટે તેમનું પદ ટકાવવું અશક્ય ન બન્યું.
બોરિસ જ્હોન્સનને તેમના ચારિત્ર્ય અને નિર્ણયોને લીધે હોદ્દો છોડવાની ફરજ પડી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના તેમના સાથી સાંસદોનો એવો દૃષ્ટિકોણ થવા માંડ્યો હતો કે, એક સમયે ચૂંટણી જીતાડનારી સંપત્તિ રહેલા બોરિસ જ્હોન્સન હવે પક્ષ માટે બોજરૂપ બની ગયા હતા.
લિઝ ટ્રસે કરવેરા પર કાપ મૂકવાની તેમની યોજનાઓ સામે નાણાકીય બજારોના પ્રત્યાઘાતોને કારણે સત્તા ગુમાવવી પડી હતી. રોકાણકારોનું માનવું હતું કે, કરવેરા પરા કાપને સરભર કરવા ખર્ચ પર કાપની કોઈ યોજના નહોતી.
આ યાદીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના છેલ્લા નેતા ઋષિ સુનક ચૂંટણીમાં હાર થવાથી પદ ગુમાવનારા એકમાત્ર નેતા હતા. 14 વર્ષના કન્ઝર્વેટિવ સરકારના શાસનથી કંટાળી ગયેલા મતદારોએ તેમને સત્તા પરથી હટાવ્યા હતા.
હવે, આ યાદીમાં નવું નામ સર કિએરનું ઉમેરાયું છે. તેમના જવાનું કારણ એ છે કે, તેમણે શાસક લેબર પાર્ટીના સાંસદોનો ટેકો ગુમાવી દીધો છે. તે સાંસદો માને છે કે, કિએરની અપ્રિયતા તેમના પક્ષ માટે જોખમરૂપ છે.
પરંતુ, પતનની આ વ્યક્તિગત વાર્તાઓથી ઉપર, બ્રિટનમાં કદાચ એવું ઘણું બધું બની રહ્યું છે, જે તેના રાજકારણને વધુ ક્રૂર અને હિંસક બનાવી રહ્યું છે તેમજ તેના મતદારોને ધ્રુવીકૃત તથા અસહિષ્ણુ બનાવી રહ્યું છે.
અને આ સિવાય બીજું પણ શું ચાલી રહ્યું છે?
બ્રિટનમાં જીવનધોરણ કથળ્યું અને લોકો આર્થિક ભીંસમાં?
ઇમેજ સ્રોત, Getty Images
ઑપિનિયન પોલિંગ, ફૉકસ ગ્રૂપ અને લોકોમાં ચાલી રહેલી ચર્ચા સૂચવે છે કે, મતદારોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે, રાજકારણીઓ નારાજગીનાં ત્રણ મૂળભૂત કારણોનું નિવારણ લાવી રહ્યા નથી.
પ્રથમ છે, સ્થિર થઈ ગયેલું જીવન-ધોરણ. આ પીડાદાયક સ્થિતિ 2008ની વૈશ્વિક નાણાકીય મંદીથી ચાલી રહી છે.
આથી, જ્યારે આપણે તપાસીએ છીએ કે, 2016 પછી બ્રિટનમાં શા માટે છ વડા પ્રધાન બદલાયા, ત્યારે તેની પાછળનાં કારણનો ઉદ્ભવ 2008થી થાય છે. અને તેને થોડા સંદર્ભ સાથે સમજીએ તો, 19મી સદીના પ્રારંભમાં નેપોલિયનિક યુદ્ધો પછી જીવનધોરણમાં આ પ્રકારનું બંધિયારપણું કદીયે જોવા મળ્યું નથી.
જ્યારે લોકો નાણાકીય સંઘર્ષ વેઠી રહ્યા છે અને તેમને લાગે છે કે, સરકાર તે વણબોલ્યા અને પવિત્ર વચનનું પાલન નથી કરી રહી કે – આગામી પેઢી ગત પેઢી કરતાં વધુ સુખી અને સમૃદ્ધ હશે – ત્યારે લોકોમાં રોષ વ્યાપે, તેમાં કોઈ નવાઈ નથી.
કોઈ પણ રાજનેતા માટે ચિંતાપ્રેરક બાબત એ છે કે, પોલિંગ સૂચવે છે કે, આર્થિક નિરાશાવાદ 1978 પછીની તેની ચરમસીમા પર છે. ઉલ્લેખનીય છે કે, 1978ના ગાળામાં બ્રિટનમાં ફુગાવો ઉચ્ચ સ્તર પર હતો અને ઔદ્યોગિક સંઘર્ષો ચાલી રહ્યા હતા.
ટ્રાન્સપૉર્ટથી લઈને ન્યાયવ્યવસ્થા, સ્થિતિ કેવી છે?
ઇમેજ સ્રોત, PA Media
બીજું મુખ્ય કારણ એ ભાવના છે કે, બ્રિટનમાં કશું બરાબર ચાલી રહ્યું નથી. એવી લાગણી પ્રવર્તી રહી છે કે, જાહેર સેવાઓ, પછી તે પરિવહન હોય, ન્યાય વ્યવસ્થા હોય કે બીજી કોઈ પણ સેવા હોય, તે યોગ્ય રીતે કામ કરી રહી નથી.
તે એ જ મંદ આર્થિક વૃદ્ધિનું આંશિક પરિણામ છે, જેના કારણે જીવન-ધોરણ ગતિહીન બન્યું છે.
આ કિસ્સામાં વૃદ્ધિનો અભાવ અનુગામી સરકારોને માળખાકીય સુવિધાઓ તેમજ શિક્ષણ અને હેલ્થકેર જેવાં લોકો માટે મૂલ્યવાન તમામ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટેની આવકથી વંચિત રાખે છે.
ત્રીજું કારણ સામાજિક ઐક્ય (અથવા તો તેના દેખીતા અભાવ) અંગેની વ્યાપક ચિંતા છે.
પોલિંગ (સર્વે) સૂચવે છે કે, 80 ટકા કરતાં વધુ લોકોને લાગે છે કે, દેશ વિભાજિત થઈ ગયો છે. તેની સામે ઘણા લોકો ભાગ પડી ગયા હોવાની લાગણી માટે તાજેતરના દાયકાઓમાં ઇમિગ્રેશનના વધેલા પ્રમાણને અને અહીં અગાઉથી વસી રહેલા કેટલાક સમુદાયો અહીં એકમેક સાથે ભળવામાં નિષ્ફળ રહ્યા છે, તેને જવાબદાર માને છે.
અને સાચું હોય કે ખોટું, પણ ઘણા મતદારો વિચારે છે કે, તાજેતરના વડાં પ્રધાનો – જે રીતે બ્રિટન બદલાઈ ગયું હોવાનું જનતાને અનુભવાઈ રહ્યું છે, તેને લઈને પ્રજાના રોષને સમજી શક્યાં નથી.
આથી, બીજા શબ્દોમાં કહીએ તો, અન્ય યુરોપિયન દેશોની માફક બ્રિટન પણ હજુયે એ સવાલ સાથે ઝઝૂમી રહ્યું છે કે, આપણે સૌ એક બહુસાંસ્કૃતિક, બહુવંશીય તથા બહુરાષ્ટ્રીય સમાજમાં સાથે મળીને હળી-મળીને કેવી રીતે રહીએ?
કદાચ બીજી પણ એક બાબત બદલાઈ ગઈ છે અને તેમાં બ્રિટન એકલું નથી. એ બાબત એ છે કે, લોકો અમુક પરિસ્થિતિ પર માત્ર ગુસ્સે થઈને અટકી નથી જતા, હવે તેઓ ગુસ્સો દર્શાવવામાં પણ જરાયે સંકોચ રાખતા નથી.
પછી તે સોશિયલ મીડિયાનો વાંક હોય કે બીજાં કોઈ પરિબળોનો, પણ લોકો હવે વડા પ્રધાનો સહિતના વ્યક્તિગત રાજકારણીઓ પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરે છે, જે વિશે હજુ થોડાં જ વર્ષો પહેલાં વિચાર સુધ્ધાં કરી શકાતો નહોતો.
શું બ્રિટનનું શાસન ચલાવવું અશક્ય થઈ ગયું છે?
ઇમેજ સ્રોત, Getty Images
તો શું બ્રિટન શાસન કરવા માટે અયોગ્ય બની ગયું છે – અને શું એટલા માટે જ દેશને 10 વર્ષમાં આ સાતમા વડા પ્રધાન મળશે?
મોટા ભાગના રાજકારણીઓ કહે છે કે, વધુ જટિલ વિશ્વમાં વધુ વિભાજિત તથા વિખરાયેલી વસ્તીમાં શાસન કરવું વધુ મુશ્કેલ જરૂર બની ગયું છે, પણ તે અશક્ય નથી.
પરંતુ, 2008ની નાણાકીય કટોકટી અને 2016ના બ્રૅક્ઝિ્ટ જનમત પછી આ દેશ ઉપર છવાયેલાં નિરાશા અને અંધકારનાં વાદળોને દૂર કરવામાં જ્યારે છ વડા પ્રધાનો નિષ્ફળ રહ્યાં છે, ત્યારે સાતમા વડા પ્રધાન ચાહે જે કોઈ પણ હોય, તેમનું નસીબ વધારે સારું હશે કે કેમ, તેને લઈને લોકોના મનમાં સંશય થવો સ્વાભાવિક છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




