Home તાજા સમાચાર gujrati 11 વર્ષના છોકરાએ 230 ફૂટ ઊંડા બોરવેલમાં ઊતરીને પાંચ વર્ષના બાળકને બચાવ્યો

11 વર્ષના છોકરાએ 230 ફૂટ ઊંડા બોરવેલમાં ઊતરીને પાંચ વર્ષના બાળકને બચાવ્યો

6
0

Source : BBC NEWS

હઝરતે 70 મીટર ઊંડા બોરવેલમાં ઊતરીને ઝૈનુલ્લાહને બચાવી લાવ્યો

70 મીટર (230 ફૂટ) ઊંડા કૂવાને તળિયે એક બાળક સંકોચાઈને બેઠું હતું. પાણી તેના પગને અડતું હતું અને માથા પર ટપકતું હતું. તે ઠંડી અને ભયથી ધ્રૂજી રહ્યું હતું.

ઉપર કૂવાના મુખ પાસે કેટલાક પુરુષો ઊભા હતા. બચાવકર્મીઓએ નીચે ઉતારેલા કૅમેરામાંથી દેખાતાં દૃશ્યો તેઓ એક સ્ક્રીન પર જોઈ રહ્યા હતા. પાંચ વર્ષનો ઝૈનુલ્લાહ બે દિવસ પહેલાં દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં મિત્રો સાથે રમતી વખતે પાણી વિનાના બોરવેલમાં પડી ગયો હતો.

ચેતવણી: આ લેખમાં વિચલિત કરી શકે એવી વિગતો છે.

આશ્ચર્યની વાત એ હતી કે ફૂટબૉલના મેદાનની પહોળાઈ જેટલી ઊંડાઈએ પટકાયા છતાં તે જીવત હતો.

પરંતુ બોરવેલનો વ્યાસ માત્ર 30 સેન્ટિમીટર હતો. એટલે કોઈ પુખ્ત વ્યક્તિ નીચે ઊતરીને બાળક સુધી પહોંચી શકે તેમ નહોતું. વળી, ઝૈનુલ્લાહ એટલો નાનો હતો કે તેને બચાવવા માટે નીચે ઉતારેલી દોરડી સાથે પોતાને કેવી રીતે બાંધવો તે પણ સમજાતું નહોતું. ભયથી પણ તે ફફડી રહ્યો હતો.

બચાવકર્મીઓના પ્રયાસો નિષ્ફળ રહ્યા. બીજા ત્રણ છોકરાએ પણ બોરવેલમાં ઊતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જગ્યા એટલી સાંકડી હતી કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. એ છોકરાઓએ પોતાને ઉપર ખેંચી લેવાની આજીજી કરી.

11 વર્ષના બાળકે પાંચ વર્ષના બાળકને બચાવ્યો

બાળકના બચાવ સમયેની તસવીર

આખરે બચાવકર્મીઓએ 11 વર્ષના હઝરત ઉમરની મદદ લેવાનું નક્કી કર્યું. કહેવાય છે કે તે અગાઉ પણ ભૂગર્ભમાં ફસાયેલા લોકોને બચાવવાના એક સફળ અભિયાનમાં સામેલ થયો હતો.

ત્યાં હાજર વડીલોએ તેને બોરવેલમાં ઊતરવાની ના પાડી હતી, છતાં કાકાની સંમતિ મળતાં હઝરત તૈયાર થઈ ગયો.

એ યાદ કરતાં તેણે કહ્યું, “પહેલી વાર તેમણે મારા હાથની આસપાસ દોરડું બાંધીને મને નીચે ઉતાર્યો ત્યારે મારો ખભો અને સાથળ વચ્ચે ફસાઈ ગયાં. મને દુખતું હતું, એટલે હું બૂમો પાડવા લાગ્યો. પછી તેમણે મને પાછો ઉપર ખેંચી લીધો.”

તેમણે ફરી પ્રયાસ કર્યો. આ વખતે તેઓ બોરવેલના તળિયા સુધી પહોંચી શક્યા.

ઉપર સેંકડો લોકો ભારે ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા હતા.

આખરે બોરવેલની આસપાસ ઊભેલા પુરુષોએ દોરડું ધીમે ધીમે ઉપર ખેંચવાનું શરૂ કર્યું. આમ, ધીમે ધીમે બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યાં.

પાણીની અછતને કારણે ખોદાઈ રહ્યા છે ઊંડા કૂવા

અફઘાનિસ્તામાં પાણીની તીવ્ર તંગીને કારણે લાખો કૂવા ખોદવામાં આવ્યા છે

પાણીની તીવ્ર તંગીને કારણે અફઘાનિસ્તાનમાં લાખો ઊંડા, સાંકડા અને સહેલાઈથી નજરે ન ચડે એવા કૂવા ખોદવામાં આવ્યા છે. પરિણામે ખેતીની જમીનો જ મોતના ફંદામાં ફેરવાઈ રહી છે.

ઝૈનુલ્લાહ જે કૂવામાં પડ્યો હતો, તે બે વર્ષ પહેલાં જ સુકાઈ ગયો હતો. કૂવો ખોદનારા સ્થાનિક ખેડૂતોએ તેનું મુખ લાકડાં અને માટીથી ઢાંકી દીધું હતું. પરંતુ સમય જતાં લાકડાં સડી ગયાં અને માટી ઢીલી પડી ગઈ.

બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર, છેલ્લાં પાંચ વર્ષમાં ઝૈનુલ્લાહની જેમ સેંકડો અફઘાન લોકો એવા કૂવામાં પડી ચૂક્યા છે, જે સુકાઈ ગયા પછી ખુલ્લા જ છોડી દેવામાં આવ્યા હતા.

બીબીસીએ 2021થી અત્યાર સુધીની આવી 100થી વધુ ઘટનાની ખરાઈ કરી છે. આમાંની મોટા ભાગની ઘટનાઓ દેશના દક્ષિણ ભાગમાં બની છે. તેમાંનાં મોટાં ભાગનાં ભોગ બનેલાં બાળકો દસ વર્ષથી ઓછી ઉંમરનાં હતાં. આવી લગભગ અડધોઅડધ ઘટનાઓમાં બાળકોનાં મૃત્યુ થયાં હતાં.

ભારતમાં પણ બાળકો કૂવામાં પડીને મૃત્યુ પામે છે

બાળકને બચાવતી વખતે કમ્પ્યુટરથી તેના હાલચાલ પર નજર રખાતી હતી

એવું નથી કે બિનઉપયોગી થઈ ગયેલા કૂવામાં લોકો પડી જાય એવી ઘટનાઓ દક્ષિણ એશિયામાં ભાગ્યે જ બનતી હોય. આંકડા મુજબ, 2009થી 2023 દરમિયાન ભારતમાં 40થી વધુ બાળકો ખુલ્લા કે યોગ્ય રીતે ઢાંકવામાં ન આવેલા કૂવામાં પડી જવાથી મૃત્યુ પામ્યાં હતાં અથવા ઘાયલ થયાં હતાં.

જોકે, વિવિધ પરિબળોને કારણે અફઘાનિસ્તાનમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે, એમ જર્મનીમાં રહેતા અને અફઘાનિસ્તાનના અગ્રણી જળસંસાધન નિષ્ણાતોમાંના એક નજીબુલ્લાહ સાદ કહે છે.

અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી તહેનાત અમેરિકન સૈનિકો 2021માં પાછા જતા રહ્યા. બાંધકામ, વેપાર અને વિદેશી સહાય પર નિર્ભર દેશનું નબળું અર્થતંત્ર તૂટી પડ્યું. તાલિબાન ફરી સત્તા પર આવ્યા પછી મહિલાઓ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય સહાયમાં પણ મોટો ઘટાડો થયો. પરિણામે, ઘણા વધુ લોકોએ પોતાની રોજગારી ગુમાવી.

રોજગારીની તકો ઘટતાં લોકો ફરી પોતાની ખેતીની જમીન તરફ વળ્યા. યુદ્ધનું જોખમ ઘટતાં, અગાઉ કેટલાંક યુદ્ધોનું મેદાન રહેલી આ જમીનો પર ફરી ખેતી કરવી શક્ય બની હતી.

પરંતુ જળવાયુ પરિવર્તન અને લાંબા સમયથી ચાલતા દુકાળને કારણે પાણીની અછત મુખ્ય સમસ્યા બની હતી. પરિણામે, ખેડૂતોએ ભૂગર્ભજળ પર વધુ આધાર રાખવો પડ્યો.

બોરવેલની સંખ્યા વધી રહી છે

અફઘાનિસ્તાનમાં જોખમી કૂવાઓની સંખ્યા વધી છે.

ચીનમાં બનેલી સસ્તી સોલર પૅનલો સરળતાથી ઉપલબ્ધ થવાથી સ્થિતિ વધુ વણસી છે. નજીબુલ્લાહ સાદના જણાવ્યા મુજબ, આ પૅનલોએ ખેડૂતોને “આખો દિવસ પાણી ખેંચવાની” સુવિધા આપી છે. પરિણામે, અફઘાનિસ્તાનમાં જોખમી કૂવાઓની સંખ્યા વધી છે.

સાદ કહે છે કે 2020 પછી કૂવાઓની સંખ્યામાં “નોંધપાત્ર વધારો” થયો છે. ઉપગ્રહનાં ચિત્રો અનુસાર, હવે દેશમાં આશરે પાંચ લાખ કૂવા છે. તેમાંથી મોટા ભાગના હેલમંદ નદીના તટપ્રદેશમાં આવેલા છે. ખાસ કરીને હેલમંદ, કંદહાર, ફરાહ અને ગઝની પ્રાંતોમાં કૂવાની સંખ્યા સૌથી વધુ છે.

બચાવ માટેનું સાધન બનાવનાર મોબાઇલ ફોનનો વેપારી

28 વર્ષના મોબાઇલ ફોનના વેપારી મીરજાન અબ્દુલ્લાએ કૂવામાં પડી જતા બાળકોને બચાવવા માટે એક સાધન બનાવ્યું છે

આવા કૂવામાં પડી ગયેલા લોકોને બચાવવા માટેની વ્યવસ્થા બહુ મર્યાદિત છે. હાલમાં બચાવ કામગીરીની તાલીમ લીધેલા સ્વયંસેવકોની સંખ્યા માત્ર પાંચ જેટલી છે.

આથી, દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં રહેતા 28 વર્ષના એક મોબાઇલ ફોનના વેપારીએ આ સમસ્યાનો ઉકેલ જાતે શોધવાનું નક્કી કર્યું.

મીરજાન અબ્દુલ્લાને પહેલી વાર એપ્રિલ 2021માં એક બાળક કૂવામાં પડી ગયાની ઘટના વિશે જાણવા મળ્યું. ત્યારે હેલમંદ પ્રાંતના ચાંગીન જિલ્લામાં આવેલા તેમના ગામમાં પાંચ વર્ષનો એક બાળક બિનઉપયોગી થઈ ગયેલા કૂવામાં પડી ગયો હતો.

“એ બાળક રડતો હતો,” મીરજાન યાદ કરતાં કહે છે.

“તે વારંવાર બૂમો પાડતો હતો, ‘મને ઠંડી લાગે છે. ભૂખ લાગી છે. તરસ લાગી છે. અહીં અંધારું છે. મને અહીંથી બહાર કાઢો!'”

બાળકને બચાવવાનો રસ્તો શોધવામાં ગામલોકોને 48 કલાક લાગ્યા, પરંતુ હૉસ્પિટલમાં દાખલ કર્યાના થોડા સમય પછી જ તેનું મૃત્યુ થયું.

મીરજાનને શરૂઆતમાં લાગ્યું હતું કે આ એક પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘટના છે. એક વર્ષ પછી હૈદર નામનો બીજો બાળક કૂવામાં પડી ગયો ત્યારે તેમને સમજાયું કે ઊંડા કૂવામાં પડી જતાં બાળકોને બચાવવા માટે કોઈ ઉપાય શોધવો જરૂરી છે.

તેમણે એક એવું સાધન બનાવ્યું, જેમાં કૅમેરાને કમ્પ્યુટર સાથે જોડવામાં આવ્યો હતો. આથી, કૂવામાં ફસાયેલું બાળક ક્યાં છે તે ઉપર જમીન પર રહીને જાણી શકાતું હતું.

ત્યાર પછી દોરડાને બરાબર એ જ જગ્યાએ નીચે ઉતારી શકાય, જ્યાં બાળક ફસાયું હોય. બાળક દોરડું પકડીને તેની સાથે પોતાને બાંધી શકે અને પછી દોરડાની મદદથી તેને ઉપર ખેંચી શકાય.

આ સાધનની ચકાસણી કરવા માટે મીરજાને પોતાના પાંચ વર્ષના દીકરાને 25 મીટર ઊંડા કૂવામાં ઉતાર્યો. તેમનો આ પ્રયાસ સફળ રહ્યો.

કૂવામાં પડી ગયેલા પાંચ વર્ષના ઝૈનુલ્લાહને બચાવી લેવાયો છે

ત્યારથી, છેલ્લાં ચાર વર્ષમાં મીરજાન 113 બચાવ અભિયાનોમાં જોડાયા છે અને લગભગ 70 લોકોને બચાવ્યા છે.

આવી જ એક ઘટના હેલમંદ પ્રાંતમાં બની હતી. ત્યાં નૂર આગા નામનો પાંચ વર્ષનો બાળક 140 મીટર ઊંડા કૂવામાં ચાર કલાકથી ફસાયેલો હતો. મીરજાને પોતાનાં સાધનોની મદદથી તેને બચાવ્યો.

જોકે, કેટલાક લોકોને જીવતા બચાવી શકાયા નહોતા. મીરજાનના જણાવ્યા અનુસાર, તેમાંના કેટલાકનાં કૂવાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં.

અફઘાનિસ્તાનમાં કૂવાઓ તાત્કાલિક જીવલેણ જોખમ ઊભું કરે છે. સાથે જ, ભૂગર્ભજળનો લાંબા ગાળે ટકાઉ ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ ચિંતા ઊભી કરે છે.

વર્ષો સુધી પડેલા દુકાળને કારણે કૂવા વધુ ને વધુ ઊંડા ખોદવામાં આવી રહ્યા છે. કેટલાક કૂવા 80 મીટર ઊંડા છે, તો કેટલાકની ઊંડાઈ 200 મીટર જેટલી હોવાનું કહેવાય છે.

અફઘાનિસ્તાનની ખેતી ભૂગર્ભજળ પર નિર્ભર છે. આ પાણી મેળવવા માટે ખેડૂતોને જમીનમાં ખૂબ ઊંડે સુધી કૂવા ખોદવા પડે છે. પરંતુ ભૂગર્ભજળનો જથ્થો મર્યાદિત છે. તેનો અમર્યાદિત ઉપયોગ ચાલુ રાખી શકાય તેમ નથી.

સાદિત ચેતવણી આપતાં કહે છે, “કેટલાક વિસ્તારોમાં લોકોનું વસવાટ કરવું સાવ અશક્ય બની જશે. લોકોને પોતાનાં રહેઠાણો છોડીને જવું પડશે. એ વિસ્તારો સૂકાં મેદાનો અને રણમાં ફેરવાઈ જશે.”

મીરજાન કહે છે કે ભૂગર્ભજળનું સ્તર ઘટવાની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. તેઓ કહે છે, “થોડાક મીટરના અંતરે બે કે ત્રણ કૂવા જોવા મળે એ હવે સામાન્ય બની ગયું છે.”

આટલી બધી સમસ્યાઓ હોવા છતાં ખેડૂતોની આવક બહુ ઓછી છે.

સાદિત સમજાવે છે, “સામાન્ય રીતે એક કિલો ટામેટાં ઉગાડવા માટે 100થી 300 લિટર પાણી વપરાય છે. પરંતુ લણણીની મોસમમાં એક કિલો ટામેટાં માત્ર પાંચથી દસ અફઘાનીમાં વેચાય છે. આ રકમ આશરે 0.08થી 0.16 અમેરિકી ડૉલર થાય છે.”

તેઓ કહે છે, “બીજા શબ્દોમાં કહીએ તો, દસ અફઘાનીની પેદાશ ઉગાડવા માટે 300 અફઘાની જેટલા મૂલ્યનું પાણી વપરાય છે. આ વ્યવસ્થા લાંબા ગાળે ટકી શકે તેમ નથી.”

કૂવા સુકાઈ જાય ત્યારે તેમને ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્યાર પછી નવા કૂવા ખોદવામાં આવે છે. આમ, આ વિસ્તારમાંથી પસાર થતા લોકો માટે જોખમ વધતું જાય છે.

અત્યંત ગરીબીમાં જીવતા ઘણા અફઘાનો પાસે આ કૂવા બંધ કરાવવાનો ખર્ચ કરવાની ક્ષમતા નથી. સ્થાનિક રહેવાસીઓએ બીબીસીને જણાવ્યું હતું કે લોકોની સલામતીની ચિંતા ત્યાં ખાસ કોઈને નહોતી.

તાલિબાન સરકાર શું પગલાં લેશે?

અફઘાનિસ્તાનમાં કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં કે જમીન પર કૂવો ખોદે, તો તેને રોકતો કોઈ કાયદો નથી.

કૂવાઓને કારણે ઊભા થતાં જોખમો અટકાવવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે, તે જાણવા બીબીસીએ તાલિબાનના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે બચાવ કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે ખાસ તાલીમ પામેલી બચાવટુકડીઓ માટે સાધનો ખરીદવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

તાલિબાનના જળ અને ઊર્જા મંત્રાલયે બીબીસીને જણાવ્યું કે સત્તાવાર પરવાનગી વિના પીવાના પાણી સિવાયના કોઈ પણ હેતુ માટે ભૂગર્ભજળનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાની તેની યોજના છે. જોકે, આ નિર્ણય ક્યારથી અમલમાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

આ પહેલાં તાલિબાનના ગૃહ મંત્રાલયે પણ ચેતવણી આપી હતી કે કૂવાના માલિકોએ પોતપોતાના કૂવા યોગ્ય રીતે બંધ કરવા પડશે. આમ કરવામાં નિષ્ફળ જનારાઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.

જોકે, માઇવંદ વિસ્તારમાં પાંચ વર્ષનો ઝૈનુલ્લાહ એક કૂવામાં પડી ગયો હતો.

ઝૈનુલ્લાહને બચાવવા માટે મીરજાનને બોલાવવામાં આવ્યા ત્યારે તેમને તરત જ સમજાઈ ગયું કે અત્યાર સુધીના તેમના બચાવ અભિયાનોમાં આ સૌથી જટિલ અભિયાન બની રહેવાનું છે.

કૂવામાં સીધું નીચે ઊતરી શકે એ રીતે બનાવેલું તેમનું સાધન બાળક સુધી પહોંચી શકતું નહોતું. ઝૈનુલ્લાહ કૂવાના તળિયે ચાર બાય ચાર મીટરની ખાલી જગ્યાની ધાર પર બેઠો હતો.

તેના પિતાએ જણાવ્યું કે ગામલોકોએ આંકડીઓની મદદથી ઝૈનુલ્લાહને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શરીરના કેટલાક ભાગોમાં ઈજા પામેલો બાળક ડરીને કૂવાની એક બાજુ ખસી ગયો હતો.

મીરજાનનું સાધન યોગ્ય જગ્યાએ ગોઠવી શકાય તેમ નહોતું. આથી, તેમને બીજા લોકોની મદદ લેવાની જરૂર પડી.

હવે બાળકને બચાવવા માટે બીજો રસ્તો શોધવો જરૂરી હતો.

જોખમ હોવા છતાં, ઝૈનુલ્લાહને બચાવવા માટે હઝરતે કૂવામાં ઊતરવું પડ્યું. તે કૂવાના તળિયે પહોંચ્યો ત્યારે તેણે પહેલી વાર ઝૈનુલ્લાહને જોયો.

હઝરતે બીજી દોરડીની મદદથી ઝૈનુલ્લાહના હાથ સફળતાપૂર્વક બાંધી દીધા.

કૂવાના મુખ પાસે એકઠા થયેલા લોકોએ દોરડાં ખેંચવાનું શરૂ કર્યું.

લાઉડસ્પીકર દ્વારા આસપાસ ઊભેલા લોકોને શાંત રહેવા વિનંતી કરવામાં આવી.

મીરજાને હઝરતને બૂમ પાડીને કહ્યું, “તું લગભગ ઉપર પહોંચી ગયો છે. અમારી સામે ન જો, નીચે જો!”

દોરડાં ખેંચી રહેલા લોકોને ધીમે ધીમે ખેંચવાની સૂચના આપવામાં આવી. બચાવકાર્યની અંતિમ ક્ષણોને કૅમેરામાં કેદ કરવા માટે ત્યાં ઊભેલા લોકોને પણ થોડા દૂર ખસી જવા કહેવામાં આવ્યું.

નજીકમાં બે ઍમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી હતી.

“શાબાશ, સિંહ! શાબાશ!”

 દુર્ઘટનાના આઠ મહિના પછી ઝૈનુલ્લાહ અને હઝરત ફરી મળ્યા

લોકોએ હઝરતને જોયો ત્યારે આનંદથી બૂમો પાડી ઊઠ્યા. તેઓ ઉત્સાહમાં પોકારી રહ્યા હતા, “શાબાશ, સિંહ! શાબાશ!”

ત્યાર પછી દોરડાના છેડે લટકતો હઝરત કૂવાના સાંકડા મુખમાંથી બહાર આવ્યો. તેનું આખું શરીર કાદવથી ખરડાયેલું હતું.

યુવાન બચાવકર્તાને સલામત રીતે ઉપર લાવવામાં આવ્યો ત્યારે મીરજાને બૂમ પાડીને કહ્યું, “જરા દૂર ખસો! તેં બહુ સરસ કામ કર્યું, હીરો!”

થોડી જ મિનિટોમાં ઝૈનુલ્લાહને પણ કૂવામાંથી બહાર ખેંચી લેવામાં આવ્યો. ત્યાં હાજર લોકોમાં ખુશીની લહેર ફરી વળી.

ઝૈનુલ્લાહને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બીજા દિવસે તે ઘરે પાછો ફર્યો.

તેના પિતાનું માનવું છે કે હઝરતે તેમના દીકરાને મોતના મુખમાંથી બચાવ્યો હતો.

તેઓ કહે છે, “એ લાગણીનું વર્ણન કરવું મુશ્કેલ છે. આપણે જેને ગુમાવી દીધો હોવાનું માનીએ છીએ, તેના માટે શોક મનાવતા હોઈએ. અને પછી અચાનક એ જ વ્યક્તિ આપણી નજર સામે જીવતી ઊભી હોય!”

ઝૈનુલ્લાહના પિતાને ડર છે કે હઝરત ન હોત, તો ગામલોકોએ આંકડીઓ વડે ઝૈનુલ્લાહને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હોત. એ પ્રયાસમાં તેને ગંભીર ઈજા થઈ શકી હોત અથવા તેનું મૃત્યુ પણ થઈ શક્યું હોત.

તેમની ઇચ્છા છે કે આવા બધા કૂવા સલામતીપૂર્વક બંધ કરવામાં આવે. તેમનો દીકરો જે કૂવામાં પડ્યો હતો, તેના મુખ પર ગામલોકોએ હવે એક મોટો પથ્થર મૂકી દીધો છે.

આ બચાવ અભિયાન સફળ થયું તેનાથી ઝૈનુલ્લાહનો પિતરાઈ ભાઈ અઝીઝુલ્લાહ ખૂબ ખુશ છે. જોકે, પોતાના સગાને કૂવામાં ઉતારવો પડે એ વાતે તે ચિંતિત પણ હતો.

તેણે બીબીસીને કહ્યું, “મને શંકા હતી કે આ શક્ય બનશે કે નહીં. પણ પછી મેં ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો અને વિચાર્યું કે એક જણે બીજા માટે બલિદાન આપવું જોઈએ. મેં હઝરતને ચેતવ્યો હતો કે કૂવામાં ફસાઈ જવાનું જોખમ છે. પણ તે અંદર જવા માગતો હતો.”

“લોકોએ એ કૂવાનું મુખ જોયું હોત, તો તેમને લાગ્યું હોત કે એમાંથી કોઈને બચાવવાનું અશક્ય છે.”

મીરજાન માટે ઝૈનુલ્લાહને બચાવવો અત્યાર સુધીના તેમનાં બચાવ અભિયાનોની યાદીમાં ઉમેરાયેલી વધુ એક સફળતા છે.

તેઓ જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેની ગંભીરતાથી સારી રીતે વાકેફ છે. તેઓ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં ઘણી વાર તાલીમ વિનાના લોકો બચાવકાર્યમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરે છે, જેને કારણે સ્થિતિ વધુ ખરાબ બને છે.

તેઓ કહે છે, “નાની સરખી ભૂલ પણ કૂવામાં ફસાયેલા વ્યક્તિના જીવ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.”

ગઝની પ્રાંતમાં બનેલી બીજી એક ઘટનાને યાદ કરતાં તેઓ કહે છે કે એક બાળક ઊંડા કૂવામાં પડી ગયું હતું. તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે, આખરે બાળકને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું.

ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને ત્યારે બચાવકર્મીઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકે તે માટે વધુ લોકોને તાલીમ આપવાની તેમની ઇચ્છા છે.

દુર્ઘટનાના આઠ મહિના પછી, 2 ફેબ્રુઆરીએ બંને બાળકો ઝૈનુલ્લાહના ઘરની નજીક, તે જે સ્થળે કૂવામાં પડ્યો હતો ત્યાં ફરી મળ્યાં.

ઝૈનુલ્લાહનાં માતાપિતાએ હઝરતનો રૂબરૂ આભાર માન્યો અને તેને ભેટસોગાદો આપી.

એ વિસ્તારના લોકોની નજરમાં હઝરત એક હીરો છે.

તેઓ કહે છે, “ગામનાં બાળકો જ્યારે પણ મને જુએ છે, ત્યારે કહે છે કે મેં બહુ બહાદુરીનું અને અસાધારણ કામ કર્યું છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS