Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
મંગળવારે સંસદમાં પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટ પર પ્રસ્તાવિત સંશોધન રજૂ કરવામાં આવ્યાં.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, આ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) મારફતે થતી લેવડદેવડ પર મર્ચન્ટ ફી ફરી વાર લાગુ થવાની દિશામાં ઉઠાવાયેલું એક પગલું છે.
ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો ઘણા સમયથી કહી રહ્યા છે કે ડિજિટલ ચુકવણીના વ્યાપને જાળવી રાખવાનું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. કારણ કે પેમેન્ટ કંપનીઓને યુપીઆઇ લેવડદેવડ પર કોઈ ફી નથી મળતી.
રૉયટર્સે સૂત્રોના હવાલાથી લખ્યું છે કે ‘આના અંતર્ગત ડિજિટલ ચુકવણી પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેડ (એમડીઆર) લાગુ કરવાની પરવાનગી આપી શકાય છે. આ સંશોધન એમડીઆર વસૂલવાનો કાયદાકીય આધાર તૈયાર કરે છે. જોકે, હજુ એ નક્કી નથી કરાયું કે ફી કેટલી હશે કે કઈ લેવડદેવડ પર લાગુ થશે.’
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) એ ફી છે, જે ડિજિટલ ચુકવણીની પ્રક્રિયા પૂરી થયા બદલ વેપારી, બૅન્કો અને પેમેન્ટ સેવા પૂરી પાડનારી કંપનીઓને ચૂકવે છે.
નાણા મંત્રાલય, રિઝર્વ બૅન્ક અને નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશને અત્યાર સુધી આ અંગે કોઈ નિવેદન જાહેર નથી કર્યું.
ભારતમાં સામાન્યપણે ક્રેડિટ કાર્ડથી થતી ચુકવણી પર 1.5 ટકા એમડીઆર લાગે છે, જ્યારે ડેબિટ કાર્ડ પર આનો દર 0.9 ટકા હોય છે. હાલ, યુપીઆઈથી થતી ચુકવણી વેપારીઓ પાસેથી કોઈ એમડીઆર નથી વસૂલાતું.
જાન્યુઆરી 2020થી રૂપે ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈની લેવડદેવડ પર કોઈ એમડીઆર નથી વસૂલાઈ રહ્યો.
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, આ સંશોધન એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા મોટા વ્યવસાયોને કરાતા યુપીઆઇ અને રૂપે ડેબિટ કાર્ડ ચુકવણીઓ પર એમડીઆર શુલ્ક લાગુ કરવાની દિશામાં આધાર તૈયાર કરે છે.
બિલ રજૂ થવાના એક દિવસ પહેલાં ગત સોમવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયે પોતાના ઍક્સ હૅન્ડલ પર લખ્યું કે ‘જુલાઈ માસમાં ભારતની યુપીઆઈ લેવડદેવ 23.66 અબજ સાથે પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.’
કૉંગ્રેસે આ સંભવિત પગલા પર નિશાન સાધતાં કહ્યું, “મોદીએ તમારું ખિસ્સું કાતરવાની યોજના ઘડી નાખી છે.”
“ટૂંક સમયમાં જ તમારી પાસેથી 2000 રૂપિયા કરતાં વધુની યુપીઆઈ ચુકવણી પર વસૂલી કરી શકાય છે. લોકો પહેલાંથી જ મોંઘવારીથી પરેશાન છે.”
“પરંતુ નરેન્દ્ર મોદીને તેનાથી ફરક નથી પડતો. તેઓ સતત નવા-નવા પ્લાન લાવીને તમારી પાઈ-પાઈ નીચોવી લેવા માગે છે. મોદીનો ફંડા સ્પષ્ટ છે – જનતા મરતી રહે, વસૂલી ચલતી રહે.”
ભાજપના સાંસદે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
કેન્દ્ર સરકારના યુપીઆઇ ચુકવણી સાથે સંકળાયેલા બિલ પર ભાજપના સાંસદ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું, “પહેલાં બિલ આવવા દો. જો સરકારે તેને લાવી રહી હોય તો તેની પાછળ નિશ્ચિતપણે કોઈ તાર્કિક કારણ હશે.”
“ભારતે ખૂબ ઝડપથી ડિજિટલ ચુકવણીને અપનાવી છે અને યુપીઆઈ લેવડદેવડનો માપદંડ વૈશ્વિક રેકૉર્ડ છે.”
“જ્યારે બિલની જોગવાઈઓ સામે આવશે, તો સ્થિતિ સ્પષ્ટ થશે, પરંતુ મારું માનવું છે કે આનાથી ડિજિટલ પેમેન્ટ યૂઝર્સને વધુ સુવિધાઓ મળશે.”
એક નિશ્ચિત મર્યાદાથી વધુ શુલ્ક લાગુ કરવાના સવાલ પર તેઓ કહે છે, “જ્યારે પણ કોઈ સેવાનો ઉપયોગ કરાય છે, તો તેના માટે શુલ્ક લાગે છે. 2000 રૂપિયા સુધીની લેવડદેવડની છૂટ અપાઈ છે, જેથી સામાન્ય લોકો પર કોઈ બોજો ન પડે.”
“જો વધારાની સુવિધા અપાય છે, તો મામૂલી શુલ્ક સ્વીકાર્ય છે, બરાબર એ રીતે, જે રીતે બૅન્કિંગ સેવાઓ પર શુલ્ક લાગે છે.”
તેમણે આગળ કહ્યું, “વેપારી ચુકવણી કરવાની વિરુદ્ધ નથી, શરત માત્ર એટલી છે કે કારોબાર સરળ બને અને જીવનમાં સુવિધા જળવાયેલી રહે.”
સોશિયલ મીડિયા પર શું કહેવાઈ રહ્યું છે?
ઇમેજ સ્રોત, Avishek Das/SOPA Images/LightRocket via Getty Images
સોશિયલ મીડિયા પર પણ લોકો આ આશંકા અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.
એક યૂઝર સતીશકુમારે ઍક્સ પર લખ્યું, “શું શાનદાર પગલું છે. જો તમે પાંચ વખત કરતાં વધુ વખત રોકડ રકમ (એટીએમમાંથી) કાઢો, તો શુલ્ક લાગશે, જો તમે યુપીઆઈથી 2000 રૂપિયા કરતાં વધુની ચુકવણી કરો તો શુલ્ક લાગશે. હવે આગળ શું?”
યુપીએસસી પરીક્ષાઓ માટે ભણાવતા સૌરભ ત્રિપાઠીએ પૂછ્યું કે જો વિશ્વમાં સૌથી સારી ડિજિટલ સાર્વજનિક ચુકવણી માટેની પ્રણાલીનો ઉપયોગ કરવા બદલ તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવે તો શું થશે?
તેમણે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “ભલે એમડીઆર માત્ર વેપારીઓ પર લગાડવામાં આવે, પરંતુ તેમાંથી ઘણા ગ્રાહકને રોકડ ચુકવણી માટે પ્રેરિત કરશે કે તેનો ખર્ચ કીમતોમાં જોડી દેશે. આનાથી યુપીઆઇને લોકપ્રિય બનાવનાર પ્રોત્સાહન વ્યવસ્થા કમજોર થશે.”
તેમણે પૂછ્યું, “યુપીઆઈ વડે કમાણી કરવાની દિશામાં આગળ વધતાં પહેલાં એ સવાલ કરવો જરૂરી છે કે શું અમુક હજાર કરોડ રૂપિયાના એમડીઆર માટે ભારતની સૌથી સફળ સાર્વજનિક ડિજિટલ પ્લૅટફૉમમાંથી એકની મૂળ ભાવનાને કમજોર કરવામાં આવે એ ઠીક રહેશે?”
વરિષ્ઠ પત્રકાર સુશાંતસિંહે ઍક્સ પર લખ્યું, “જો તમે યુપીઆઈ અને રૂપે કાર્ડ પર વ્યવસાયો પાસેથી શુલ્ક વસૂલવા લાગશો તો અંતમાં ભાર ગ્રાહક પર પર જ પડશે.”
વધુ એક ઍક્સ યૂઝર ઋષિ બાગરીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, “એનસીપીઆઈ દર વર્ષે યુપીઆઈ સિસ્ટમને જાળવી રાખવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેમજ, આનાથી સરકારને ઓછી કિંમતની ચલણી નોટો છાપવા અને વેપારી શુલ્ક સાથે સંકળાયેલા ખર્ચમાં લગભગ 1,500 કરોડ રૂપિયાની બચત થઈ છે. આના કારણે મોદી સરકારે યુપીઆઇને કોઈ પણ પ્રકારના શુલ્કથી મુક્ત રાખવા માગે છે.”
વાઇએસઆર કૉંગ્રેસના પૂર્વ સાંસદ વી વિજયસાઈ રેડ્ડીએ સરકારને યુપીઆઇ લેવડદેવડ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લગાડવાની અપીલ કરી છે.
તેમણે નિર્મલા સીતારમણને ટૅગ કરતાં એક્સ પર લખ્યું, “હું સરકારને આગ્રહ કરું છું કે યુપીઆઇ લેવડદેવડ પર કોઈ પણ પ્રકારનું શુલ્ક લાદવાની મંજૂરી ન આપવામાં આવે.”
“યુપીઆઇ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરવો એ ડિજિટલ ચુકવણીના ક્ષેત્રમાં વર્ષોની પ્રગતિને પાછી ધકેલી દેશે.”
“લેવડદેવડ પર મામૂલી શુલ્ક પણ ઘણા ગ્રાહકો અને વેપારીઓને ફરીથી રોકડ ચુકવણી તરફ લઈ જઈ શકે છે. આવો, ભારતની ડિજિટલ ચુકવણી ક્રાંતિને સુરક્ષિત રાખીએ.”
શું આરબીઆઈ યુપીઆઈને ફંડ કરી શકે?
ઇમેજ સ્રોત, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
6 ઑગસ્ટના રોજ ધ હિંદુમાં એક અહેવાલ છપાયો છે – ‘આરબીઆઇ પાસે યુપીઆઈ યૂઝની ચુકવણી કરી શકે એ માટે પૂરતું ફંડ છે.’
આ લેખમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે બૅન્કોને એમડીઆર લગાડવાની પરવાનગી આપવાનો પ્રસ્તાવ હાલ માત્ર સીમિત શ્રેણીના વેપારીઓ સુધી જ મર્યાદિત છે. તેમાં 1થી 1.5 કરોડ રૂપિયા વાર્ષિક કારોબારવાળા વેપારી અને 2000 રૂપિયા કરતાં વધુ મૂલ્યની લેવડદેવડ સામેલ છે.
“જોકે, બિલની ભાષા ભવિષ્યમાં આ શુલ્કને વધુ વ્યાપક લેવડદેવડ પર લાગુ કરવાનો રસ્તો પણ ખોલે છે. બૅન્કિંગ ઉદ્યોગના અધિકારીઓ પ્રમાણે, યુપીઆઈ સિસ્ટમને ચલાવવા અને જાળવી રાખવાનો ખર્ચ હાલ લગભગ 0.4થી 1 રૂપિયા પ્રતિ લેવડદેવડ જેટલો છે.”
અહેવાલ અનુસાર, આધિકારિક આંકડા પ્રમાણે, 2025-26માં 24,161.69 કરોડ યુપીઆઈ લેવડદેવડ કરાઈ. આ આધારે આને ચલાવવા માટે વાર્ષિક ખર્ચ લગભગ 9,664 કરોડ રૂપિયાથી 24,161 કરોડ રૂપિયા વચ્ચે બેસે છે.
તેમાં કહેવાયું છે કે, “ભારતીય રિઝર્વ બૅન્કે 2025-26માં લગભગ 4.3 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી. તેમાંથી લગભગ 2.9 લાખ કરોડ રૂપિયા સરપ્લસ તરીકે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરાયા.”
“એ જ વર્ષે યુપીઆઈ સિસ્ટમને ચલાવવાનો ખર્ચ સરપ્લસના લગભગ ત્રણ ટકાથી 8.5 ટકા સુધી થાય છે.”
“આરબીઆઇનો સરપ્લસ ટ્રાન્સફર 2021-22માં 30,307.45 કરોડ રૂપિયાથી વધીને 2025-26માં લગભગ 2.9 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે, એટલે કે તેમાં 857 ટકાનો વધારો થયો છે.”
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ 6 ઑગસ્ટના રોજ ‘ફી યુપીઆઈ, ફૉરએવર’ (ફ્રી યુપીઆઇ, હંમેશાં માટે) શીર્ષક સાથે એક સંપાદકીય લેખ પ્રકાશિત કર્યો છે.
તેમાં કહેવાયું છે કે, “યુપીઆઈને ભારતની સૌથી મોટી સફળતા ગણી શકાય છે. આ વિશ્વનું સૌથી મોટું રિયલ-ટાઇમ ચુકવણી માટેનું મંચ છે.”
“વૈશ્વિક સ્તરે થનારી આવી અડધી ચૂકવણી આ જ મંચ પરથી થાય છે. 2025-26માં 24 હજાર કરોડ કરતાં વધુ યુપીઆઇ લેવડદેવડ થઈ.”
“જેનું કુલ મૂલ્ય 314 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ હતું. સરખામણી માટે જોવામાં આવે તો ગત નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી 346.4 લાખ કરોડ રૂપિયાની હતી.”
“યુપીઆઈ આવડું મોટું ક્ષેત્ર કેવી રીતે બન્યું? તેની પાછળ ઘણાં કારણ છે, પરંતુ જે નિર્ણયે આ વધારાને સૌથી વધુ વેગ આપ્યો હતો, એ હતો એમડીઆરને હઠાવવો.”
લેખમાં આગળ લખાયું છે, “2025-26માં ભારતીય રિઝર્વ બૅન્કે લગભગ 1,700 કરોડ ખરાબ નોટ નષ્ટ કરી અને નવી ચલણી નોટો છાપવા માટે 4,875 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો. જો યુપીઆઈ ન હોત, તો ચલણી નોટની માગ પૂરી કરવા માટેનો આ ખર્ચ કેટલો મોટો હોત?”
“બૅન્કોએ એવું પણ વિચારવું જોઈએ કે યુપીઆઈએ તેમને વધારાની બ્રાન્ચો, એટીએમ, કર્મચારી અને રોકડના મૅનેજમેન્ટ પર કેટલા રૂપિયા બચાવ્યા હશે.”
લેખના અંતમાં કહેવાયું છે કે, “મફત યુપીઆઈ દેશ માટે સતત લાભ આપનારી વ્યવસ્થા સાબિત થઈ છે. સરકારે આ મોટા આર્થિક લાભને ધ્યાને લઈને ખર્ચની ભરપાઈ માટે અન્ય રસ્તા શોધવા જોઈએ.”
“ના કે આવા શુલ્ક લાદવા જોઈએ જે ડિજિટલ ચુકવણીના પ્રસારને ધીમો પાડી શકે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




