Home તાજા સમાચાર gujrati 50 કેસ, 13 વર્ષની જેલ અને પછી નિર્દોષ છુટકારો; બિરજુ પૂછે છે,...

50 કેસ, 13 વર્ષની જેલ અને પછી નિર્દોષ છુટકારો; બિરજુ પૂછે છે, ‘મારો ગુનો શું હતો?’

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Birju Pungati

“કોઈક કામ માટે હું ડોંગરગઢ (છત્તીસગઢ) ગયો હતો. પાછા ફરતી વખતે પોલીસે નક્સલવાદી હોવાની શંકાને આધારે સાલેકસા (ગોંદિયા) ખાતે મારી ધરપકડ કરી લીધી. મારી યુવાનીનાં 13 વર્ષ મેં જેલમાં વિતાવ્યાં. હવે હું છૂટીને બહાર આવ્યો છું. પણ એક સવાલનો જવાબ મને હજી સુધી મળ્યો નથી—મેં એવું તો શું ખોટું કર્યું હતું કે કશા પુરાવા વિના મને 13 વર્ષ સુધી જેલમાં ગોંધી રાખવામાં આવ્યો?”

બિરજુ પુંગાટી (ઉંમર 36 વર્ષ) આપવીતી જણાવી રહ્યા હતા. શરૂઆતમાં તેઓ બોલતાં પણ ડરતા હતા. થોડા સમય પછી તેમણે કહ્યું, “મારા જેવા અનેક લોકો હજુ પણ જેલમાં છે. તેમનો સવાલ પણ એ જ છે—અમે જેલમાં શા કારણે છીએ?”

તેમના અવાજમાં નિરાશાની પીડા છલકાતી હતી.

બિરજુ સામે નક્સલવાદ સંબંધિત વિવિધ આરોપો હેઠળ કુલ 50 કેસો નોંધાયા હતા. એ તમામ કેસોમાં તેઓ નિર્દોષ છૂટી ગયા છે, પરંતુ આટલાં વર્ષો સુધી માત્ર શંકાના આધારે થયેલી ધરપકડ અને કોર્ટનાં સતત લગાવેલાં ચક્કરોની વાત તેમના મનમાંથી નીકળતી નથી. શું આ બધાને કારણે તેમણે જેલમાં વિતાવેલાં જીવનનાં 13 વર્ષ સરકાર તેમને પાછાં આપશે? આ સવાલ તેમને સતત સતાવ્યા કરે છે.

બિરજુની પહેલી વાર ધરપકડ થઈ ત્યારે તેમનાં લગ્નને બહુ સમય થયો નહોતો. તેઓ કહેતા હતા કે ધરપકડ બાદ 13 વર્ષમાં પહેલી વાર તેઓ બન્ને એકસાથે હતાં.

આખો મામલો શું છે?

બિરજુ અને અન્ય કેટલાકની ધરપકડ માર્ચ, 2012માં ગોંદિયા જિલ્લાના સાલેકસામાંથી નક્સલવાદી હોવાની શંકાના આધારે કરવામાં આવી હતી.

સાલેકસા તાલુકાની એક વ્યક્તિ સામે મારપીટ, ધમકી અને હત્યાના આરોપસર બે કેસ નોંધવામાં આવ્યા હતા.

આ કેસની સુનવણી ગોંદિયાની સેશન્સ કોર્ટમાં થઈ હતી અને 2017માં પુરાવાના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે, તેમને મુક્ત કરવામાં આવ્યા નહોતા.

ગોંદિયાની કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા પછી પોલીસે તરત જ બીજા એક કેસમાં તેમની ધરપકડ કરી લીધી હતી. ગઢચિરોલીમાં નક્સલવાદ સંબંધિત આરોપસર તેમની સામે 48 કેસ નોંધવામાં આવ્યા હતા. તેમને ચંદ્રપુર જેલમાં લઈ જવાયા હતા અને ત્રણ મહિના પછી નાગપુર સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

બિરજુ સામે કુલ 50 કેસ હતા. તેમાંથી 49 કેસમાં પુરાવાના અભાવે તેઓ નિર્દોષ જાહેર થયા હતા અને જેલમાંથી તેમને જામીન પણ મળી ગયા હતા. ત્યાર પછી 24 જુલાઈએ છેલ્લા કેસનો ચુકાદો આવ્યો અને બિરજુને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

જોકે, આ તમામ કેસોમાં તેમની જિંદગીનો ઘણો હિસ્સો જેલમાં પસાર થઈ ગયો.

‘મારા પરિવારને પણ મારા વિશે દોઢ વર્ષ પછી ખબર પડી’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Birju Pungati

ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના ગોડેલી ગામના રહેવાસી બિરજુ પુંગાટી ડાંગરની ખેતી કરે છે. ગામમાં તેમની 14 એકર જમીન છે અને તેઓ કહે છે કે તેમનો પરિવાર એમાંથી જ ગુજરાન ચલાવે છે. બિરજુના પરિવારમાં તેમનાં માતા, બહેન, પત્ની અને પોતે છે. તેમના પિતાનું 2018માં અવસાન થયું હતું.

બિરજુને તેમની ધરપકડ થયાનો દિવસ આજે પણ બરાબર યાદ છે. માર્ચ, 2012માં સાલેકસામાંથી ધરપકડ કર્યા પછી તેમને સાલેકસાથી ભંડારા જેલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે 5 વર્ષ વિતાવ્યાં. તેમની સામે બે કેસ નોંધવામાં આવ્યા હતા.

“મેં પોલીસને વારંવાર પૂછ્યું કે તેમણે શા માટે મને શા માટે જેલમાં પૂર્યો છે? તેમણે મારા પરિવારને બોલાવ્યો, પણ તેમનેય જાતજાતના સવાલો જ પૂછ્યા. મારા પરિવારને પણ મારા વિશે દોઢ વર્ષ પછી ખબર પડી. એ લોકો પણ ડરી ગયા હતા.”

“મને પહેલાં ભંડારા જેલમાં રાખવામાં આવ્યો, પછી ગોંદિયા જેલમાં અને ત્યાંથી 2018માં મને ચંદ્રપુર જેલમાં મોકલવામાં આવ્યો. એના ત્રણ મહિના પછી મને ચંદ્રપુરથી નાગપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો. એમ કહેવામાં આવ્યું કે સુરક્ષાના કારણસર મને અહીં રાખી શકાય તેમ નથી.”

બિરજુએ જણાવ્યું કે 2025માં છૂટ્યા ત્યાં સુધી પોતે નાગપુર સેન્ટ્રલ જેલમાં રહ્યા.

“આ રીતે શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હોય એવો હું એકલો જ નહોતો.” તેમણે એવો પણ આરોપ મૂક્યો કે પોતાના જેવા ઘણા લોકો કશો ગુનો કર્યા વિના માત્ર શંકાના આધારે વર્ષોથી જેલમાં રહીને સજા ભોગવી રહ્યા હતા.

પત્નીની પણ ધરપકડ થઈ

બિરજુનાં પત્ની પાર્વતી સડમેક (ઉંમર 30 વર્ષ)ની પણ 2018માં નક્સલવાદી હોવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પાર્વતી સામે 5 કેસ નોંધવામાં આવ્યા હતા. તેમને નાગપુર સેન્ટ્રલ જેલમાં મોકલાયાં હતાં, જ્યાં તેમણે જેલમાં 6 વર્ષ વિતાવ્યાં.

ઑક્ટોબર, 2025માં પુરાવાના અભાવે કોર્ટે પાર્વતીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યાં હતાં અને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. ત્યારથી તેઓ ગામમાં જ રહે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Birju Pungati

“પહેલાં હું જેલમાં હતો, પછી મારી પત્ની. મારાં વૃદ્ધ માતા-પિતા પણ થાકી ગયાં હતાં. મારા પિતાનું 2018માં અવસાન થયું. તણાવને કારણે તેમની તબિયત લથડી ગઈ હતી અને એ જ કારણે તેમનું મૃત્યુ થયું,” એમ બિરજુ કહે છે.

પાર્વતી તમામ કેસોમાં નિર્દોષ છૂટી ગયાં હતાં. બીજી તરફ, બિરજુ સામેના 49 કેસમાં તેઓ નિર્દોષ છૂટી ગયા બાદ નાગપુર હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા અને તેઓ ઑગસ્ટ, 2025માં જેલમાંથી બહાર આવ્યા હતા. છેલ્લા કેસમાં પણ તેઓ નિર્દોષ છૂટી ગયા છે.

‘મારા પરિવારને બરબાદ કરી નાખ્યો’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Birju Pungat

બિરજુએ કહ્યું કે પોતાની ધરપકડ પછી તેમના પરિવારને પણ વારંવાર પૂછપરછનો સામનો કરવો પડ્યો.

તેઓ કહે છે, “બિનજરૂરી હેરાનગતિ, ધમકીઓ અને દબાણથી પરિવાર સાવ ભાંગી પડ્યો હતો, પરંતુ મદદ માટે કોઈને પણ કહી શકાય એવી સ્થિતિ નહોતી. ગરીબોની ભૂલ હોય કે ન હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. તેમની વાત કોઈ સાંભળતું નથી.”

બિરજુની ધરપકડ 2012માં થઈ હતી, તેમનાં પત્નીની 2018માં ધરપકડ થઈ હતી અને એ જ વર્ષે બિરજુના પિતાનું અવસાન થયું હતું. ત્યાર પછી તેમનાં માતા અને વિધવા બહેન ભયના ઓથાર હેઠળ જીવતાં હતાં. બંને ખેતી કરીને ગુજરાન ચલાવતાં હતાં.

2025માં બિરજુ અને તેમનાં પત્ની બંને જેલમાંથી બહાર આવ્યાં. 13 વર્ષ બાદ પહેલી વાર તેઓ બંને સાથે છે. આ 13 વર્ષમાં કાળના ઓછાયામાં અનેક સપનાં વિલીન થઈ ગયાં છે, પણ હવે તેઓ સાથે છે. જોકે, તેઓ કેટલા સમય સુધી સાથે રહી શકશે એની તેમને ખાતરી નથી. ફરી વાર કોઈક બીજી શંકાના આધારે તેમની ધરપકડ થઈ જશે એવો ભય બંનેના મનમાં છે.

બિરજુ કહે છે, “આ ધરપકડ પછી અમારા ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે. મારા પિતા નથી રહ્યા, પરંતુ મારી માતા, બહેન, મારી પત્ની અને મેં પણ રાત્રે ઊંઘ ગુમાવી છે. અમે હજી નિર્ભય થઈને જીવી શકતા નથી, અમે દરરોજ આ ભયમાં જીવીએ છીએ.”

દરમિયાન, ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદી પ્રવૃત્તિઓની શંકામાં ધરપકડ કરવામાં આવેલા લોકોની સંખ્યા વિશે અમે ગઢચિરોલી જિલ્લા પોલીસને પૂછ્યું હતું. સુરક્ષાના કારણસર આ આંકડા આપી શકાય તેમ ન હોવાનું પોલીસે જણાવ્યું. પોલીસે કહ્યું કે 2005થી અત્યાર સુધીમાં યુ.એ.પી.એ. હેઠળ 45થી 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પૂછવામાં આવતાં પોલીસ અધીક્ષક એમ. રમેશે કહ્યું, “2005થી અત્યાર સુધીમાં 819 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કરીને શાંતિનો માર્ગ અપનાવ્યો છે. તેમના પુનર્વસનની જવાબદારી પોલીસ દળની છે. જોકે, શંકાસ્પદ તરીકે અટકાયત કરવામાં આવે અને નિર્દોષ જાહેર થયા પછી મુક્ત કરવામાં આવે એવા લોકો માટે સરકારની કોઈ યોજના નથી.”

દરમિયાન, આ સમાચાર અંગે બીબીસીએ થોડા સમય પહેલાં ગઢચિરોલીના ભૂતપૂર્વ પોલીસ અધીક્ષક નીલોત્પલ સાથે પણ વાત કરી હતી. તે સમયે તેમણે કહ્યું હતું, “પોલીસ કોઈ નિર્દોષ વ્યક્તિની ધરપકડ કરતી નથી. સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પોલીસ હંમેશાં તૈયાર છે અને એ અંગે પોલીસ સતર્ક છે. કોઈને પણ બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવશે નહીં.”

વકીલોએ શું કહ્યું?

બિરજુના વકીલ જગદીશ મેશ્રામે કહ્યું હતું, “બિરજુ સામે નક્સલવાદ સંબંધિત કુલ 50 કેસ નોંધાયા હતા, ગોંદિયામાં 2 અને ગઢચિરોલીમાં 48. આ કેસો આઇ.પી.સી.ની કલમ 302, 364, 143, 147, 148, 149, 120B તથા ભારતીય આર્મ્સ ઍક્ટની કલમ 3/25 અને 27(3) હેઠળ નોંધાયા હતા. તેઓ લગભગ 13 વર્ષ જેલમાં રહ્યા હતા. તેમની પત્ની પણ સાત-આઠ વર્ષ જેલમાં રહી હતી. જોકે, ઑક્ટોબર 2025માં બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે તેમને તમામ કેસોમાંથી નિર્દોષ જાહેર કર્યાં હતાં અને તેઓ જેલમાંથી મુક્ત થયાં હતાં. કોર્ટે પણ બિરજુને તમામ કેસોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે.”

“બિરજુ જેવા અનેક લોકો વર્ષોથી શંકાના આધારે જેલમાં પુરાયેલા છે. તેમાંથી કેટલાકને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે કેટલાક હજુ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પોલીસ-નક્સલવાદી અથડામણોમાં સામાન્ય નાગરિકો બિનજરૂરી રીતે ભોગ બને છે. છેલ્લાં 18 વર્ષમાં હું આવા ઘણા કેસો લડ્યો છું. હાલમાં મારી પાસે બિરજુ જેવા 40 કેસ છે.”

નિષ્ણાતો શું કહે છે?

આ અંગે વરિષ્ઠ કાનૂની નિષ્ણાત અને વકીલ મિહિર દેસાઈ કહે છે, “કોઈ નિર્દોષ વ્યક્તિને માત્ર શંકાના આધારે 10-12 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવે, તે કાચા કામના કેદી (અન્ડરટ્રાયલ) તરીકે રહે અને પછી પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવે, તો આવી વ્યક્તિઓને વળતર અને પુનર્વસન આપવા માટે કાયદામાં નક્કર જોગવાઈ હોવી જોઈએ. હાલમાં આવા કિસ્સાઓ માટે કેટલીક કાનૂની જોગવાઈ છે, પણ તે પૂરતી નથી. આવી વ્યક્તિઓને ઘણી વાર કસ્ટડી દરમિયાન જામીન પણ મળતા નથી. તેથી જામીન મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને હળવી બનાવવી જોઈએ.”

“ઉપરાંત, જો કોઈ નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે વર્ષો સુધી જેલમાં રાખવામાં આવી હોય, તો તેના માટે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.”

તેઓ વધુમાં કહે છે, “સરકારે આવી વ્યક્તિઓના પુનર્વસન માટે નક્કર યોજના બનાવવી જોઈએ, કારણ કે આટલાં વર્ષો જેલમાં વિતાવવાથી માત્ર વ્યક્તિ પર જ નહીં, તેના સમગ્ર પરિવાર પર પણ અસર પડે છે. પરિવારને ભયના વાતાવરણમાં જીવવું પડે છે, જેલમાંથી બહાર આવ્યા પછી રોજગાર મેળવવો સંબંધિત વ્યક્તિ માટે મુશ્કેલ બની રહે છે, ભવિષ્યની અનેક તકો હાથમાંથી નીકળી જાય છે અને આ કેસની અસર આજીવન રહે છે.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/SERAJ ALI

સામાજિક કાર્યકર અને સંશોધક બેલા ભાટિયાનો અમે સંપર્ક કર્યો, ત્યારે તેમણે કહ્યું, “નક્સલવાદી પ્રવૃત્તિઓની શંકામાં ધરપકડ કરવામાં આવેલા લોકોમાં કેટલાક એવા પણ હોય છે, જેમને નક્સલવાદ સાથે કશી લેવાદેવા હોતી નથી. છતાં તેમને કેસોમાં ફસાવી દેવામાં આવે છે. ત્યાર પછી તેઓ કોર્ટના કેસોમાં અટવાઈ જાય છે. અનેક જગ્યાએ આવી સ્થિતિ જોવા મળે છે.”

“બસ્તર (છત્તીસગઢ)માં આવા 3000થી વધુ કેસ છે. જોકે, કાનૂની પ્રક્રિયા એટલી ધીમી છે કે આ કેસો ઘણાં વર્ષોથી પડતર છે. હવે બસ્તરની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા ઘણા કેસ પડતર છે. આ કેસોનો નિકાલ થવો જોઈએ અને જેમને બિનજરૂરી રીતે ફસાવાયા છે તેમને આ યાતનામાંથી મુક્ત કરવા જોઈએ.”

ગઢચિરોલી જિલ્લામાં માડિયા સમુદાયના પ્રથમ વકીલ અને સામાજિક કાર્યકર લાલસુ નોગોટીએ કહ્યું, “આદિવાસી વિસ્તારોના ઘણા લોકો નક્સલવાદની શંકાના આધારે જેલમાં છે. તેમના કેસો વર્ષોથી પડતર છે. તેમના માટે જામીન મેળવવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. યુ.એ.પી.એ. હેઠળ ધરપકડ કરવામાં આવેલા લોકોની સ્થિતિ તો વધુ ખરાબ છે. આપણા દેશની કાનૂની વ્યવસ્થા ખૂબ ધીમી છે. ન્યાય મળે છે, પણ કેટલીક વાર એટલો મોડો મળે છે કે વ્યક્તિની આશા જ મરી જાય છે. ન્યાયની રાહ જોતા જેલમાં લોકોનાં મૃત્યુ થયાં હોવાના પણ કિસ્સા છે.”

“તો પછી ન્યાયમાં થયેલા વિલંબને ખરેખર ન્યાય કહી શકાય ખરો? શું આ અન્યાય નથી?” નોગોટીએ એવો સવાલ કર્યો.

દેશમાં હજારો કેસો પડતર છે. મધ્ય ભારતના નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોની જેલોમાં સેંકડો આદિવાસીઓ કેદ છે. આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

‘સરકારનો માર્ચ, 2026નો લક્ષ્યાંક અને નક્સલવાદી ચળવળનો અંત’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ વ્યક્તિને નક્સલવાદના આરોપોમાં જેલમાંથી મુક્ત કરવામાં આવે અને ત્યાર પછી તરત જ પોલીસે બીજા કોઈ આરોપસર તેની ફરી ધરપકડ કરી હોય એવું આ પહેલી વાર નથી બન્યું. વિવિધ રાજ્યોમાં ઘણા લોકો વર્ષોથી માત્ર શંકાના આધારે જેલોમાં સબડી રહ્યા છે.

મહારાષ્ટ્રને અડીને આવેલા છત્તીસગઢમાં સી.આર.પી.એફે. 2017માં નક્સલવાદની શંકાના આધારે 121 લોકોની ધરપકડ કરી હતી. પાંચ વર્ષ પછી એ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.

મધ્ય ભારતના નક્સલવાદથી અસરગ્રસ્ત આદિવાસી વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ-નક્સલવાદી વચ્ચેની અથડામણોમાં સામાન્ય લોકોને બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાના અનેક આક્ષેપો થયા છે.

છેલ્લાં 25 વર્ષમાં વિવિધ રાજ્યોમાં નક્સલવાદી-પોલીસ વચ્ચે થયેલા સંઘર્ષમાં 4,000થી વધુ લોકો માર્યા ગયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને ‘સંપૂર્ણપણે નાબૂદ’ કરી દેવામાં આવશે. આ મુજબ, સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો અને વિશેષ અભિયાનો ચલાવીને નક્સલવાદને નાબૂદ કરવા માટે પગલાં લીધાં.

મધ્ય ભારતના આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારો—મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, તેલંગણા અને આંધ્ર પ્રદેશ—ઘણા વર્ષોથી નક્સલવાદીઓ માટે આશ્રયસ્થાન રહ્યાં છે. નક્સલવાદે વર્ષો સુધી આદિવાસી વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. તેમને નાબૂદ કરવા માટે સરકારે સેંકડો સુરક્ષા છાવણીઓ ઊભી કરી છે.

જો કે, આદિવાસીઓની સુરક્ષાનો મુદ્દો કેટલો સફળ રહ્યો છે, એ સવાલ હજુ પણ યથાવત્ છે.

ગૃહ મંત્રાલયના અહેવાલમાં શું કહેવાયું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/SERAJ ALI

ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ 2023-24 મુજબ, 2013ની સરખામણીએ 2023માં હિંસક ઘટનાઓમાં કુલ 48 ટકાનો ઘટાડો થયો છે (1,136થી ઘટીને 594). અહેવાલમાં લેફ્ટ વિંગ ઍક્સ્ટ્રિમિઝમ (એલ.ડબલ્યુ.ઈ.) સાથે સંકળાયેલી હિંસામાં થયેલાં મૃત્યુ (નાગરિકો અને સુરક્ષા દળોના જવાનો)માં પણ 65 ટકાનો ઘટાડો નોંધાયો છે (397થી ઘટીને 138).

જોકે, 2022ની સરખામણીએ 2023માં સુરક્ષા દળોની કાર્યવાહીમાં થયેલાં મૃત્યુ અને ઈજાઓની સંખ્યામાં થોડો વધારો થયો હતો.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેનું મુખ્ય કારણ નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી વ્યાપક કાર્યવાહી હતી. આ સમયગાળા દરમિયાન સરકારે વિવિધ પગલાં અને પ્રયાસો હાથ ધર્યાં હતાં. તેના કારણે મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હિંસાનો માર્ગ છોડીને મુખ્ય ધારામાં પાછા ફરી રહ્યા હોવાનું પણ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.

આ અહેવાલ અનુસાર, 2023માં છત્તીસગઢ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું હતું. ડાબેરી ઉગ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલી કુલ હિંસક ઘટનાઓ પૈકીની 63 ટકા અને કુલ મૃત્યુ પૈકીનાં 66 ટકા છત્તીસગઢમાં થયાં હતાં. બીજા ક્રમે ઝારખંડ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય હતું.

ડાબેરી ઉગ્રવાદ સાથે સંકળાયેલી હિંસક ઘટનાઓમાંથી 27 ટકા અને મૃત્યુમાંથી 23 ટકા ઝારખંડમાં નોંધાયાં હતાં. બાકીની હિંસક ઘટનાઓ અને મૃત્યુ મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્ય પ્રદેશ, બિહાર અને કેરળમાં નોંધાયાં હતાં.

2023ની સરખામણીએ, 2024ના પહેલા છ મહિનામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં 1.7 ગણો વધારો થયો હતો. આ દરમિયાન નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં પાંચ ગણાથી વધુ વૃદ્ધિ થઈ હતી.

પોલીસ-નક્સલવાદી સંઘર્ષમાં શંકાના આધારે પકડાયેલા સેંકડો લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. કેટલાક લોકો જેલમાંથી મુક્ત થઈ ગયા છે, પરંતુ હજી પણ ઘણા લોકો શંકાસ્પદ તરીકે વિવિધ રાજ્યોની જેલોમાં સબડી રહ્યા છે.

એક તરફ ગૃહમંત્રી કહી રહ્યા છે કે દેશમાં નક્સલવાદ નાબૂદ થઈ ગયો છે, બીજી તરફ જેલમાં પુરાયેલા લોકોને ક્યારે મુક્ત કરવામાં આવશે? તેમનું ભાવિ શું હશે? તેમના પરિવારોનું શું થશે? આ સવાલ હજુ પણ ઊભો છે. વહીવટીતંત્ર આનો શો ઉકેલ લાવે છે તે જોવું અગત્યનું બની રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS