Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,  મીનાક્ષી અમ્મા, તલવારબાજી, કલારીપટ્ટુ, પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ,

ઇમેજ સ્રોત, Meenakshi Raghavan

  • લેેખક, સુમિત્રા નાયર
  • પદ, કેરળ
  • 22 એપ્રિલ 2025, 14:47 IST

    અપડેટેડ એક કલાક પહેલા

પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ કલારીપાયટ્ટુ શીખવતાં 82 વર્ષીય દાદી કહે છે કે હાલમાં તેમનો નિવૃત્ત થવાનો કોઈ ઇરાદો નથી.

“હું કદાચ મારા મૃત્યુ સુધી કલારીનો અભ્યાસ કરીશ,” એમ મીનાક્ષી રાઘવન કહે છે. તેમને આ કળાનો અભ્યાસ કરનાર વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા માનવામાં આવે છે.

કલારીપાયટ્ટુ – કલારીનો અર્થ યુદ્ધભૂમિ અને પાયટ્ટુનો અર્થ લડાઈ. અંદાજે 3,000 વર્ષ પહેલાં દક્ષિણ રાજ્ય કેરળમાં તેનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. આને ભારતની સૌથી જૂની માર્શલ આર્ટ પણ માનવામાં આવે છે.

આનો ઉપયોગ ફક્ત યુદ્ધ અને લડાઈ માટે જ કરવામાં આવતો નથી, પણ અનુશાસન, તાકાત વધારવા અને સ્વ-રક્ષણનાં કૌશલ્યના વિકાસ માટે પણ થાય છે.

રાઘવનને કેરળનાં વડકારામાં મીનાક્ષી અમ્મા (મલયાલમ ભાષામાં અમ્માનો અર્થ માતા) તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરમાં ઉન્નિયરચા, અરોમલ ચેકાવર અને થાચોલી ઓથેનન જેવા કળાના અન્ય પ્રખ્યાત કલાકારોનું પણ વતન છે.

મીનાક્ષી અમ્મા ક્યારેક ક્યારેક અન્ય શહેરોમાં પણ પર્ફૉર્મ કરે છે, પરંતુ મુખ્યત્વે તેઓ તેમની કલારી શાળા ચલાવે છે, જે તેમના પતિ દ્વારા 1950માં સ્થાપિત કરાઈ હતી. તેમનો દિવસ વ્યસ્તતાથી ભરેલો હોય છે, જેમાં સવારે પાંચ વાગ્યાથી બપોર સુધી તો વર્ગો જ હોય છે.

તેઓ કહે છે, “હું દરરોજ લગભગ 50 વિદ્યાર્થીઓને ભણાવું છું. મારાં ચાર બાળકોને પણ મેં અને મારા પતિએ (કલા સ્વરૂપમાં) તાલીમ આપી હતી. તેઓ છ વર્ષના હતા ત્યારથી શીખવાનું શરૂ કર્યું હતું.”

મીનાક્ષી અમ્મા કેવી રીતે કલારીપયટ્ટુ કળા શીખ્યાં ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,  મીનાક્ષી અમ્મા, તલવારબાજી, કલારીપટ્ટુ, પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ,

ઇમેજ સ્રોત, Meenakshi Raghavan

કલારીપયટ્ટુના ચાર તબક્કા હોય છે અને આ કળા શીખવા માટે ધીરજની જરૂર પડે છે.

તાલીમ મયપટ્ટુથી શરૂ થાય છે, બાદમાં તેલ માલિશ અને પછી શરીરને લવચીક બનાવવા માટેની કસરતો.

લગભગ બે વર્ષ બાદ કોલ્થરી (લાકડી લડાઈ), પછી અંગથરી (શસ્ત્ર લડાઈ) અને અંતે વેરુમકાઈ, એટલે કે ઉચ્ચતમ સ્તરે પહોંચાય છે. આમાં નિઃશસ્ત્ર લડાઈનો સમાવેશ થાય છે. કલારીપયટ્ટુમાં નિપુણ થવા સામાન્ય રીતે પાંચ વર્ષ જેટલો સમય લાગે છે.

કલારીના અન્ય શિક્ષક વિનોદ કડાંગલના મતે કુંગ-ફુમાં શ્વાસ લેવાની તકનીકો અને મર્મશાસ્ત્ર (ઊર્જાપ્રવાહને શ્રેષ્ઠ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ બિંદુઓને ઉત્તેજિત કરવા) જેવા સિદ્ધાંતોને કલારીપયટ્ટુમાંથી લેવામાં આવ્યા છે.

દંતકથા છે કે છઠ્ઠી સદીની આસપાસ ભારતીય બૌદ્ધ સાધુ બોધિધર્મે શાઓલીન સાધુઓ સામે આ તકનીકો રજૂ કરી હતી, જેનાથી દુનિયામાં વધુ ખ્યાત એવી ચીની માર્શલ આર્ટ પ્રભાવિત થઈ હતી.

મીનાક્ષી અમ્માએ 75 વર્ષ પહેલાં (કલારી – લાલ માટીનો અખાડો જ્યાં આ કલાનો અભ્યાસ કરવામાં આવે છે) આ કળામાં પહેલી વાર પગ મૂક્યો તેને યાદ કરે છે.

તેઓ કહે છે, “હું સાત વર્ષની હતી અને નૃત્યમાં પાવરધી હતી. તેથી મારા ગુરુ વીપી રાઘવને મારા પિતાનો સંપર્ક કર્યો અને મને કલારીપયટ્ટુ શીખવાનું સૂચન કર્યું. નૃત્યની જેમ આ કળામાં પણ તમારે લવચીક બનવાની જરૂર છે.”

કેરળના થિયા સમુદાયમાંથી આવતાં મીનાક્ષી અમ્માના ગુરુ 15 વર્ષના હતા જ્યારે તેમણે અને તેમના ભાઈઓએ પોતાની કલારીપયટ્ટુ શાળા ખોલી હતી, કારણ કે નીચી સામાજિક જાતિને કારણે તેમને કોઈએ પ્રવેશ આપ્યો નહોતો.

તેઓ વધુમાં કહે છે, “કલારીનો અભ્યાસ કરવા માટે છોકરીઓની નોંધણી બાબતે કોઈ પૂર્વગ્રહ નહોતો, હકીકતમાં તો તે સમયે કેરળની બધી શાળાઓમાં શારીરિક શિક્ષણ ફરજિયાત હતું. પણ તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી તેને બંધ કરવાની અપેક્ષા રાખવામાં આવતી હતી.”

શરૂ કરી કલારીપયટ્ટુ શીખવવા માટેની શાળા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,  મીનાક્ષી અમ્મા, તલવારબાજી, કલારીપટ્ટુ, પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ,

ઇમેજ સ્રોત, Meenakshi Raghavan

અન્યથી વિપરીત મીનાક્ષી અમ્માના પિતાએ તેમને કિશોરાવસ્થાના અંતમાં પણ તાલીમ લેવા માટે પ્રોત્સાહન આપ્યું. 17 વર્ષની ઉંમરે તેઓ રાઘવન સાથે પ્રેમમાં પડ્યાં અને ટૂંક સમયમાં લગ્ન કરી લીધાં. સાથે મળીને તેમણે સેંકડો વિદ્યાર્થીઓને તાલીમ આપી, ઘણી વાર તો મફતમાં પણ.

તેઓ કહે છે, “તે સમયે ઘણાં બાળકો ગરીબ પરિવારોમાંથી આવતાં હતાં.”

લોકોનાં દાનના કારણે શાળા ટકી રહી, જ્યારે રાઘવને પાછળથી વધારાની આવક માટે શિક્ષકનું કામ સ્વીકાર્યું. 2007માં તેમના મૃત્યુ પછી મીનાક્ષી અમ્માએ ઔપચારિક રીતે કાર્યભાર સંભાળ્યો.

તેઓ હાલમાં નિવૃત્ત થવાનું વિચારતાં નથી. ભવિષ્યમાં આ શાળા તેમના મોટા પુત્ર સંજીવને સોંપવાની આશા સેવે છે.

62 વર્ષીય સંજીવ શાળામાં પ્રશિક્ષક પણ છે, તેઓ કહે છે કે તેઓ ભાગ્યશાળી છે કે તેમણે માતા પાસેથી શ્રેષ્ઠ શિક્ષા મેળવી. પરંતુ તેમનો પુત્ર હોવાનો મને કોઈ ફાયદો નથી.

તેઓ કહે છે કે હજુ પણ તેમની સૌથી કઠોર પ્રતિસ્પર્ધી તેમનાં અમ્મા જ છે.

મીનાક્ષી અમ્મા એક સ્થાનિક સેલિબ્રિટી છે. અમારા ઇન્ટરવ્યૂ દરમિયાન ત્રણ રાજકારણીઓ તેમને ઍવૉર્ડ સમારોહમાં આમંત્રણ આપવા આવ્યા હતા.

“અમ્મા તમારે તમારી હાજરીથી અમને ખુશ કરવા જોઈએ,” તેમાંથી એક હાથ જોડીને કહે છે.

“મને આમંત્રણ આપવા બદલ આભાર, હું જરૂર હાજરી આપીશ,” એમ અમ્મા જવાબ આપે છે.

તેમના વિદ્યાર્થીઓ તેમની “ખૂબ પ્રશંસા” કરે છે. જેમાંના ઘણાએ રાજ્યભરમાં પોતાની કલારી શાળાઓ ખોલી છે, જે મીનાક્ષી અમ્મા માટે ખૂબ ગર્વની વાત છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થી કેએફ થૉમસ કહે છે, “તેઓ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે, એક દુર્લભ વ્યક્તિ જે તેના વિદ્યાર્થીઓને પ્રેમ-હૂંફ આપે છે, છતાં કલારીની વાત આવે ત્યારે કડક શિસ્તપાલક બની રહે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS