Source : BBC NEWS
અપડેટેડ 18 મિનિટ પહેલા
“આંબેડકર, આંબેડકર, આંબેડકર, આટલી વખત જો ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી જાત.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો આ નાનકડો ટુકડો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો અને તેના કારણે સમગ્ર દેશમાં વિપક્ષે આક્રમક વલણ અખત્યાર કરી લીધું.
ભારે હંગામા વચ્ચે સંસદનું શિયાળુ સત્ર ગત અઠવાડિયે સમાપ્ત થયું. સંસદ સત્રના અંતિમ અઠવાડિયે બી. આર. આંબેડકર અંગે ગૃહમંત્રીના આ નિવેદન અંગે જોરદાર હંગામો થયો.
એ પહેલાં પ્રિયંકા ગાંધીના સંસદમાં પ્રથમ ભાષણથી માંડીને ‘વન નૅશન વન ઇલેક્શન’ એટલે કે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાનું બિલ પણ ચર્ચાનો મુદ્દો રહ્યો.
અમિત શાહે સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે એ માત્ર આંબેડકરનું નામ જ લે છે, પરંતુ કામ બિલકુલ વિપરીત કરે છે.
તેમના ભાષણની પ્રથમ ભાગની ક્લિપ બીજા દિવસે વિપક્ષે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેને ડૉક્ટર આંબેડકર માટે અપમાનજનક ગણાવી અને ગૃહમંત્રી પાસેથી રાજીનામાની માગ કરી.
બીજી તરફ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અમુક અઠવાડિયાંની વાર છે, આવી સ્થિતિમાં વિપક્ષે આ વાતને એક મોટા મુદ્દા તરીકે ઉઠાવી છે.
તેમજ સવાલ એ પણ થાય છે કે શું ભાજપ આ નિવેદન બાદ બૅકફૂટ પર સરકી ગયો છે? શું લોકસભા ચૂંટણીમાં બંધારણપરિવર્તનના મુદ્દા પર જેવી રીતે ભાજપને નુકસાન થયાની વાત કહેવાઈ, શું એવી જ રીતે હવે ફરીથી ચૂંટણીમાં આ વાતને મુદ્દો બનાવવાની તૈયારી છે?
શું જેટલી ઝડપથી વડા પ્રધાને આ મુદ્દે ટ્વીટ કર્યાં અને ગૃહમંત્રીએ જે રીતે તરત પ્રેસ કૉન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરવી એ એ વાતનો સંકેત છે કે પાર્ટી કોઈ ચાન્સ નથી લેવા માગતી?
પ્રિયંકા ગાંધીનું પ્રથમ સંસદ સત્ર કઈ તરફ ઇશારો કરે છે અને વન નૅશન વન ઇલેક્શન પર શું ભાજપ આગામી સમયમાં સમર્થન મેળવી શકશે?
બીબીસીના સાપ્તાહિક કાર્યક્રમ, ‘ધ લેન્સ’માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝમ મુકેશ શર્માએ આ જ બધા મુદ્દા પર ચર્ચા કરી.
આ ચર્ચામાં તેમની સાથે સામેલ થયાં ધ ટ્રિબ્યૂનના ઍસોસિએટ એડિટર અને બ્યૂરો ઑફ ચીફ અદિતિ ટંડન અને હિંદુસ્તાન ટાઇમ્સના પૉલિટિકલ એડિટર સુનેત્રા ચૌધરી.
અમિત શાહના ભાષણથી ભાજપને નુકસાન?
કૉંગ્રેસનું કહેવું છે કે અમિત શાહે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે.
તેમજ ભાજપ કહી રહ્યો છે કે કૉંગ્રેસ નહેરુના જમાનાથી જ ડૉ. આંબેડકરનું અપમાન કરતી આવી રહી છે, ભાજપને આંબેડકરનું સન્માન કર્યું છે અને તેમની નીતિઓને લાગુ કરી છે.
શું અમિત શાહના આ ભાષણથી ભાજપને નુકસાન થયું છે કે પછી સબસલામત છે?
આ વાત અંગે પોતાનો મત મૂકતા હિંદુસ્તાન ટાઇમ્સનાં નૅશનલ પૉલિટિકલ એડિટર સુનેત્રા ચૌધરીનું કહેવું છે કે ભાજપ માટે સૌથી મોટો ફાયદો એ છે કે તેમની પાર્ટી હંમેશાં પ્રો-ઍક્ટિવ રહે છે, વિપક્ષે આ મુદ્દાને ઉઠાવવાની શરૂઆત કરી, એ ઘડીથી જ ભાજપ સક્રિય દેખાયો.
“વડા પ્રધાને પણ ટ્વીટ કરી દીધું અને આરોપ કર્યો કે કૉંગ્રેસ આ વાતનો દુરુપયોગ કરી રહી છે. જોકે, વડા પ્રધાનના ટ્વીટમાં વાઇરલ થઈ રહેલી વીડિયો ક્લિપના સ્થાને ભાષણનો અન્ય ભાગ હતો, જેમાં એવો સંદેશ અપાયો હતો કે જો કોઈ વાત વાઇરલ કરવી હોય તો આ ભાગ વાઇરલ કરો.”
આ નિવેદનના વાઇરલ થયા બાદ ઘણા લોકોનું એવું માનવું હતું કે ભાજપે આ ભાષણથી પોતાની જાતને જ નુકસાન પહોંચાડ્યું છે, આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું આ વાત ભાજપ માટે સેલ્ફ-ગોલ જેવી સ્થિતિ સાબિત થઈ?
આ સવાલનો જવાબ આપતાં સુનેત્રાએ કહ્યું, “અમિત શાહ અગાઉ કોઈ પણ મુદ્દે સ્પષ્ટતા કરતા નથી દેખાયા, પરંતુ આ મુદ્દે તેમણે સાંજે પ્રેસ કૉન્ફરન્સ આયોજિત કરીને તમામ સવાલોના જવાબ આપ્યા.”
“આ વાત બતાવે છે કે પાર્ટીની સ્થિતિને સંભાળવા માટે સ્પષ્ટતા કરવી પડી, આ વાત સામાન્યપણે ભાજપની વ્યૂહરચનાથી મેળ નથી ખાતી.”
સુનેત્રા ચૌધરીનું માનવું છે કે ભાજપની તીવ્ર પ્રતિક્રિયા આપવાની વાત જ તેમની તાકત છે, પરંતુ જો આ સ્થિતિમાં કૉંગ્રેસ હોત, તો તેમને પ્રતિક્રિયા આપવામાં અમુક દિવસ લાગી જાત.
આ અંગે ધ ટ્રિબ્યૂનનાં બ્યૂરો ચીફ અદિતિ ટંડન કહે છે કે, “મને લાગે છે કે આ સેલ્ફ-ગોલ નથી, કારણ કે શિયાળુ સત્રના પ્રથમ દિવસથી જ આપણને જોવા મળ્યું કે રાજકારણમાં મુદ્દાની દિશા ઝડપથી બદલાઈ છે.”
“શિયાળુ સત્રના પ્રથમ દિવસે અદાણીનો મુદ્દો ગરમ હતો અને વિપક્ષે એ અંગે પ્રથમ ત્રણ દિવસ સુધી ચર્ચા કરી. તે બાદ સરકાર અને વિપક્ષે બંધારણના અપનાવાયાની 75મી વર્ષગાંઠે વિશેષ ચર્ચા માટે એક ડિબેટની માગણી કરી, જેને મંજૂરી મળી ગઈ.”
“તે બાદ અદાણીના મુદ્દાથી વાત બંધારણ સુધી પહોંચી, પરંતુ ડિબેટ શરૂ થતાં આ મુદ્દો બી. આર. આંબેડકર સુધી પહોંચી ગયો અને જ્યારે વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો, મુદ્દાની દિશા બદલાઈ ગઈ.”
તેઓ આગળ કહે છે કે, “તે બાદ વિપક્ષે પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું, પરંતુ સત્તાધારી પાર્ટીએ પોતાની વ્યૂહરચના કંઈક એવી રીતે બદલી કે તમામ સાંસદ મકર દ્વાર પર એકત્રિત થઈ ગયા. આ દરમિયાન વિપક્ષે કદાચ એ સમજવાની જરૂર હતી કે તેમણે વચ્ચેથી જવાના સ્થાને, બાજુમાંથી નીકળી જવાની જરૂર હતી, કારણ કે આ દરમિયાન મુદ્દો ફરીથી બદલાઈ ગયો.”
તેમનું કહેવું છે કે વિપક્ષ માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ કોઈ મુદ્દાને કેટલા સમય સુધી જાળવી રાખે છે, જો તેઓ એક મુદ્દા પરથી બીજા મુદ્દા પર જતા રહે, તો એ કહેવું વધુ અઘરું બની જાય છે કે જે-તે મુદ્દાનું ભાજપને નુકસાન થયું છે કે નહીં.
અદિત ટંડન પ્રમાણે રાજકારણમાં વિપક્ષનું કામ જ મુદ્દા ઉઠાવવાનું છે અને એ દરમિયાન જો સત્તાધારી પાર્ટી થોડી પણ ચૂક કરે તો તેને નુકસાન ભોગવવું પડે છે.
ક્યાં ચૂકી રહી છે કૉંગ્રેસ?
લોકસભામાં સારા પ્રદર્શન બાદ એવું મનાઈ રહ્યું હતું કે કૉંગ્રેસ ફરી પોતાના પુરાણા જુસ્સા સાથે પરત ફરી રહી છે. પરંતુ હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામોએ કૉંગ્રેસના રાજકારણ પર સવાલ ઊભા કરી દીધા છે.
આ સવાલના જવાબમાં અદિતિ ટંડને કહ્યું કે, “કૉંગ્રેસ અને વિપક્ષે સૌપ્રથમ એ નક્કી કરવાનું રહેશે કે તેમના માટે મુદ્દો શું છે.”
તેઓ કહે છે કે, “જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપે 400 પારનો નારો આપ્યો. તો વિપક્ષે એ સંદેશ આપવામાં સફળતા મેળવી કે ભાજપ બંધારણ બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને સત્તાધારી પાર્ટીને અમુક હદ સુધી નબળી પણ પાડી દીધી, એ સેટ નૅરેટિવને પણ હાથમાંથી છટકી જવા દીધું.”
અદિતિ ટંડન પ્રમાણે વિપક્ષ પાસે મુદ્દાની કોઈ કમી નથી, પરંતુ વાંધો એ છે કે તેઓ કોઈ મુદ્દાને જીવિત રાખી નથી શકતા.
આ અંગે સુનેત્રા ચૌધરીનું કહેવું છે કે, “ભાજપ અને કૉંગ્રેસ બંનેએ પ્રેસ કૉન્ફરન્સ કરી, પરંતુ જ્યારે રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફરન્સમાં તેઓ વાદળી ટી-શર્ટમાં દેખાયા, જે જયભીમના નામ પર હતું, પરંતુ તેના પર આંબેડકર અંગે કોઈ ખાસ વાત નહોતી.”
“રાહુલ ગાંધી ફરી એક વાર અદાણી મુદ્દે જ વાત કરવા લાગ્યા. આના કારણે આંબેડકરસમર્થકોને આ સંદેશ ન સમજાયો.”
સુનેત્રા અનુસાર, કૉંગ્રેસે જુદાં જુદાં શહેરોમાં રાજભવન જવાની વાત કરી હતી, પરંતુ તેના પર કોઈ નક્કર કાર્યવાહી થતી હોય એવું ન દેખાયું. પરંતુ જો આના સ્થાને કૉંગ્રેસ હોત તો તેઓ આ અંગે જરૂર કંઈ કરત.
આ અંગે અદિત ટંડન કહે છે કે કૉંગ્રેસ અદાણીનાો મુદ્દો વારંવાર ઉઠાવવા છતાં તેને અસરકારક રીતે જાળવી નથી રાખી રહી, કારણ કે આ મુદ્દો બધા માટે નહીં, પરંતુ અમુક વિશેષ વર્ગો માટે પ્રાસંગિક છે.
“તેથી કૉંગ્રેસે પોતાની વ્યૂહરચના ઘડતી ટીમ સાથે મળીને એ નક્કી કરવું જોઈએ કે તેઓ એવા કયા મુદ્દા ઉઠાવશે જે વ્યાપક જનસમર્થન હાંસલ કરી શકે.”
સંસદમાં પ્રિયંકાના આગમનથી શું બદલાયું?
કેરળની વાયનાડ બેઠકથી લોકસભા સાંસદ બનેલાં પ્રિયંકા ગાંધીએ 13 ડિસેમ્બર, 2024ના રોજ લોકસભામાં પોતાના પ્રથમ ભાષણમાં બંધારણ, આરક્ષણ અને જાતિગત જનગણનાનો મુદ્દો ઉઠાવ્યો.
સંસદમાં પ્રિયંકાના પ્રથમ ભાષણથી કૉંગ્રેસનેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધી ઘણા સંતુષ્ટ દેખાયા. તેમણે પ્રિયંકા ગાંધીના ભાષણને સંસદમાં પોતાના પ્રથમ ભાષણ કરતાં પણ સારું ગણાવ્યું.
ઘણાનું માનવું છે કે પ્રિયંકા ગાંધીના આગમનથી વિપક્ષ મજબૂત બન્યો છે, પરંતુ સવાલ એ છે કે શું આ મજબૂતી જળવાઈ રહેશે?
આ અંગે અદિતિ ટંડનનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીનું બંધારણ પર ડિબેટમાં લીડ સ્પીકર તરીકે સામે આવવું એ અત્યંત મહત્ત્વપૂર્ણ હતું.
તેમણે કહ્યું, “પ્રિયંકા ગાંધીને જોઈને એવું લાગ્યું કે તેઓ પોતાનાં દાદી ઇંદિરા ગાંધીની નકલ કરી રહ્યાં હતાં. તેમની ઘૂંઘટ લેવાની રીત, તેમની ચાલવાની રીત અને તેમનો અંદાજ બધું ઇંદિરા ગાંધીના રિપ્લે માફક હતાં.”
અદિતિ ટંડન પ્રમાણે પ્રિયંકા ગાંધીનું ભાષણ નાનું અને અસરકારક હતું, જેમાં તેમણે ભાજપને સીધો સંદેશ આપ્યો હતો.
અદિતિએ જણાવ્યું કે જ્યારે પ્રિયંકા બોલી રહ્યાં હતાં, તો રાજનાથસિંહે તેમને સરાહનીય ઇશારો કર્યો, જે સંસદની શક્તિને દર્શાવે છે. તેઓ કહે છે કે, “સંસદમાં આપણે એ યાદ રાખવું જોઈએ કે તમે એકબીજાના વિરોધી હોઈ શકો, પરંતુ દુશ્મન નહીં.”
આ અંગે સુનેત્રા ચૌધરી કહે છે કે, “જ્યારે પ્રિયંકા ગાંધીએ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું, હું એ દિવસે સંસદમાં જ હતી. હું જ્યારે બહાર ઊભી હતી ત્યારે ભાજપના એક મંત્રીએ આવીને પ્રિયંકાના ભાષણ અંગે પૂછ્યું. ભાજપ એ જાણે છે કે પ્રિયંકા નૅચરલ રાજકારણી છે.”
સુનેત્રા પ્રમાણે પ્રિયંકા ગાંધીનું ભાષણ કંઈક એવું હતું કે જેને જોઈને કોઈ એવું ન કહી શકે કે આ તેમનું પ્રથમ ભાષણ હતું. તેઓ કહે છે કે, “રાહુલ ગાંધીને આ પ્રકારનું ભાષણ આપવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ પ્રિયંકાનો આત્મવિશ્વાસ પ્રથમ દિવસથી જ જોઈ શકાતો હતો.”
સુનેત્રા કહે છે કે, “પ્રિયંકાને હજુ સુધી એ નથી ખબર કે સંસદમાં તેમનાં મુદ્દા અને સ્ટાઇલ શું હશે. તેઓ હજુ પણ તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”
“પ્રિયંકાએ અમિત શાહને મળીને હકારાત્મક પગલું ઉઠાવ્યું, કારણ કે તેઓ તેમના સૌથી મોટા વિરોધી મનાય છે અને તેમણે પણ પ્રિયંકાને સમય આપ્યો, જે એક સારો સંકેત છે.”
સુનેત્રાએ પ્રિયંકાની બે બૅગ વિશે કહ્યું, “હું એક પૉલિટિકલ એડિટર તરીકે પ્રિયંકાની બે બૅગ પાછળના સંદેશ અને એના મારફતે તેઓ શું કેહવા માગતાં હતાં એ નથી સમજી શકી રહી.”
તેમનું માનવું છે કે પ્રિયંકા ગાંધીના સંસદમાં આગમનથી વિપક્ષનાં દળોમાં નવી ઊર્જાનો સંચાર થશે.
રાહુલ માટે પડકાર બનશે પ્રિયંકા?
અદિતિ ટંડનનું કહેવું છે કે, “સોનિયા ગાંધીએ પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવામાં મોડું કર્યું તેની પાછળ એક કારણ હતું, એ સરળ કે અનાયાસે ભરાયેલું પગલું નહોતું. પ્રિયંકા શરૂઆતથી જ રાજકારણ માટે તૈયાર હતાં. 20 વર્ષની ઉંમરથી જ તેઓ પોતાનાં માતા માટે અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કરવા જતાં. તેથી એ કહેવું ખોટું પડશે કે તેઓ આના માટે તૈયાર નહોતાં.”
“પરંતુ પરિવારમાં એક વણકહી સમજૂતી હતી કે રાહુલ ગાંધી જ પાર્ટીને આગળ ધપાવશે અને કૉંગ્રેસની આખી લીડરશિપમાં આ વાત સ્પષ્ટ હતી.”
અદિતિનું કહેવું છે કે ભાજપ પ્રિયંકા અને રાહુલ વચ્ચે ખટરાગ બતાવવાની કોશિશ કરશે, પરંતુ જે લોકો કૉંગ્રેસની પ્રકૃતિ અંગે થોડી એવી પણ સમજ ધરાવે છે, તેમને ખ્યાલ છે કે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકામાં સંપ છે.
“તેમના પરિવારે એટલું ગુમાવ્યું છે, ઇંદિરા ગાંધીથી માંડીને રાજીવ ગાંધી સુધી, પરિવારે એટલાં દુ:ખ જોયાં છે કે તેઓ આ દુ:ખના તાર ક્યારેય નહીં તોડે.”
પરંતુ સાથે જ અદિતિનું માનવું છે સત્તા ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને બદલી શકે છે, પરંતુ હાલ તો પ્રિયંકા ગાંધી પોતાના ભાઈ રાહુલ વિરુદ્ધ નહીં જાય.
આ ભાષણની દિલ્હીની ચૂંટણી પર અસર થશે?
જ્યારે એક તરફ શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું, એ જ સમયે બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓ માટેની યોજના અને 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓને મફત ઇલાજ જેવી જાહેરાતો કરાઈ રહી હતી.
એક તરફ તો આ જાહેરાતો જનકલ્યાણકારી યોજનાઓ તરીકે દેખાઈ રહી હતી, પરંતુ બીજી તરફ જ્યારે આ પગલું ચૂંટણીથી માત્ર બે માસ અગાઉ ભરાય ત્યારે તે ગભરાટનો પણ સંકેત આપી શકે છે.
દસ વર્ષથી મજબૂતીથી સરકાર ચલાવ્યા બાદ આ જાહેરાતોને જોઈએ, તો એવો પણ સવાલ થાય છે કે શું આ ગભરાટનો સંકેત છે કે પછી કોઈ મોટા ચૂંટણીલક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે આ યોજનાઓ લાગુ કરાઈ રહી છે.
આ અંગે સુનેત્રા ચૌધરીએ કહ્યું કે, “ગભરાટની અસર તો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મેં અરવિંદ કેજરીવાલ માટે પ્રચાર કરનારા લોક સાથે વાત કરી અને તેમણે કહ્યું કે તેમને એ વાત સમજ પડી ગઈ છે કે અહીંના લોકો ગુસ્સે ભરાયેલા છે.”
“પાણીમાં દુર્ગંધ આવી રહી છે, રોડ-રસ્તા સારી રીતે નથી બન્યા અને જે લોકો વાસ્તવિકતા જોઈ રહ્યા છે, તેઓ વાત અંગે જ નારાજ છે.”
સુનેત્રાએ આગળ કહ્યું, “આમ આદમી પાર્ટીના જે મતદારો પર વધુ વિશ્વાસ કરાયો છે, તેઓ ગરીબ અને પછાત વર્ગના લોકો છે. ગત પાંચ વર્ષમાં તેમને કોઈ પણ મોટા સુધારાનો અનુભવ નથી થયો, જેના લીધે તેમની નારાજગીમાં વધારો થયો છે.”
તેમણે એવું પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેમના સર્વેમાં લોકોનો ગુસ્સો ધારાસભ્યો સામે હતો, ના કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ.
“આ ગુસ્સો સામાન્ય મુદ્દા અને ધારાસભ્યોની નિષ્ફળતા સાથે જોડાયેલો છે. આ કારણે જ પાર્ટીમાં હવે ગભરાટ અને ચિંતાનો માહોલ છે.”
આ અંગે ધ ટ્રિબ્યૂન બ્યૂરો ચીફ અદિતિ ટંડનનું કહેવું છે કે, “અરવિંદ કેજરીવાલ જે રાજકીય મામલાનો સામનો કરી રહ્યા છે, તેના કારણે તેમણે અને તેમના પક્ષના મોટા નેતાઓએ જેલ જવું પડ્યું, છતાં તેમણે પોતાનું રાજકીય નિયંત્રણ હાથમાંથી સરકવા દીધું નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS