Source : BBC NEWS

બાંગ્લાદેશ હિંદુ મંદિર
23 ડિસેમ્બર 2024, 12:11 IST

અપડેટેડ 19 મિનિટ પહેલા

બાંગ્લાદેશના ઉત્તરમાં આવેલા નાટોર જિલ્લામાં એક સ્મશાન ઘાટેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. બીબીસી બાંગ્લા મુજબ સદીઓ જૂના આ સ્મશાનમાં કાંસા, પિત્તળ અને તાંબાના પ્રાચીન સામાનની પણ ચોરી થઈ છે.

પોલીસનું કહેવું છે કે શનિવારે સવારે જે વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો તે અહીં 24 વર્ષથી રહેતી હતી. તેમનું નામ તરુણ દાસ હતું જેઓ 45 વર્ષના હતા. તેઓ નાટોરના અલાઇપુરમાં રહેતા કાલીચંદ્ર દાસના પુત્ર હતા.

હિંદુ સંસ્થા ઇસ્કૉને આ ઘટનાની ટીકા કરી છે અને ગુનેગારો સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

અહીંના ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ઍક્ઝિક્યુટિવ ઑફિસર અખ્તર જહાંએ બીબીસીને જણાવ્યું કે શનિવારે સવારે ઘટનાની જાણ થયા પછી રાજશાહીથી સીઆઈડી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

તેમણે કહ્યું, “પહેલી નજરે આ ચોરીનો કેસ લાગે છે અને બદમાશોએ હત્યા કરી છે. મૃતક થોડા અસ્વસ્થ હતા, પરંતુ રાતે મંદિરમાં રોકાયા હતા.”

મંદિર સમિતિના વડા સુબલ દાસે કહ્યું કે તરુણ દાસ મંદિરમાં કામ નહોતા કરતા, પરંતુ છેલ્લાં 24 વર્ષથી મંદિરમાં રાત વીતાવતા હતા.

પોલીસે કેસ દાખલ કર્યો છે અને ગુનેગારોને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

આખો મામલો શું છે?

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસ અધિકારી મહબૂબ ઉર રહેમાને જણાવ્યું કે તરુણ દાસનો મૃતદેહ એક દોરડા સાથે ચુસ્ત રીતે બંધાયેલો મળી આવ્યો હતો. ત્યાર પછી મંદિરમાં લૂંટ થઈ હોવાની વાત ફેલાઈ હતી. રહેમાનનું કહેવું છે કે શરૂઆતમાં તેમને નહોતું લાગ્યું કે આ લૂંટ છે.

મંદિર સમિતિના અધ્યક્ષ સુબલ દાસે કહ્યું કે “આ સ્મશાન સદીઓ જૂનું છે અને અહીંના હિંદુ સમુદાયના લોકો માટે મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. અહીં દૈનિક પૂજા અને વાર્ષિક પૂજા થાય છે તથા દર શુક્રવારે ધાર્મિક કાર્યક્રમ પણ યોજાય છે.”

તેમણે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે, “દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી સુરક્ષા ગાર્ડ હાજર રહે છે. પરંતુ રાત્રે કોઈ ગાર્ડ હોતા નથી. તેથી શુક્રવાર રાતે હત્યા થઈ હશે.”

તેમણે જણાવ્યું કે તરુણ દાસનું ઘર શહેરમાં જ હતું, પરંતુ તેઓ રાતે સ્મશાન ઘાટમાં જ રોકાતા હતા.

તેમણે કહ્યું કે, “ચોરી હોય કે લૂંટનો કેસ હોય, જે લોકો અંદર ઘૂસ્યા હતા તેમણે મંદિરની ગ્રીલ તોડી હતી. ત્યાંથી અંદર આવ્યા અને સ્ટોરરૂમમાંથી ઘણી જૂની ચીજવસ્તુઓ ઉપાડી ગયા હતા. તેમાં કાંસ્ય, પિતળ અને તાંબાનો સામાન સામેલ હતો.”

ઍક્ઝિક્યુટિવ ઑફિસર અખ્તર જહાંએ કહ્યું કે શક્ય છે કે બૂમો પાડવાના કારણે ચોરોએ તેમને દોરડાથી બાંધી નાખ્યા હોય અને ઇજા થયા પછી લાંબા સમય સુધી પડ્યા રહેવાના કારણે મૃત્યુ થયું હોય. પરંતુ અસલી કારણ તો પોસ્ટમૉર્ટમ પછી જ જાણી શકાશે.

પોલીસનું કહેવું છે કે સ્મશાન નિર્જન વિસ્તારમાં આવેલ છે અને લોકોનું આવનજાવન ઓછું હોય છે. ઘણી વખત આ જગ્યાએ નશીલા પદાર્થોનું સેવન કરનારા લોકો પણ આવતા હોય છે.

ઇસ્કૉને શું કહ્યું?

બાંગ્લાદેશ પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇસ્કૉન કોલકાતાના વાઇસ પ્રેસિડન્ટ રાધારામ દાસે નાટોરની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, “મને એ જાણીને આઘાત લાગ્યો છે કે નાટોરના મંદિરમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે અને મંદિરનો તમામ કિંમતી સામાન લૂંટી લેવાયો છે. તરુણચંદ્ર દાસની ક્રુરતાથી હત્યા કરાઈ છે અને તેમના હાથપગ બાંધેલો મૃતદેહ મળી આવ્યો હતો.”

“આ ઘટનાના કારણે વિસ્તારમાં લઘુમતીની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. હિંદુ સ્મશાન ઘાટ, જે અંતિમ શાંતિ માટેની જગ્યા ગણવામાં આવે છે, તે પણ હવે આવા અપરાધોનો ભોગ બનવા લાગ્યા છે.”

અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ભારત સરકારે 8 ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી પર થયેલા આવા 2200 હુમલાની પુષ્ટિ કરી છે.

તાજેતરમાં ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે 8 ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાય વિરુદ્ધ હિંસાની 2200 ઘટનાઓ બની છે.

ઇસ્કૉને આ ઘટનાની ટીકા કરી છે અને કહ્યું છે કે દેશની વચગાળાની સરકાર ધાર્મિક લઘુમતીને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. શેખ હસીના સરકારના પતન પછી તેઓ હિંસા અને અત્યાચારનો સામનો કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં લઘુમતી પર હુમલા

ઇસ્કૉન કોલકત્તાના વાઇસ પ્રેસિડન્ટ રાધારામ દાસે ઘટનાની ટીકા કરી હતી

ઇમેજ સ્રોત, X/Radharamn Das

ચાલુ વર્ષે પાંચમી ઑગસ્ટે બાંગ્લાદેશમાં અવામી લીગની શેખ હસીના સરકારનું પતન થયું હતું. ત્યાર પછી દેશના ઘણા વિસ્તારોમાં હિંદુઓ અને લઘુમતી સમુદાયનાં ઘરો અને મિલકત પર હુમલાની ઘટનાઓ વધી છે.

વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસની ઑફિસે 10 ડિસેમ્બરે જણાવ્યું કે 5 ઑગસ્ટથી 22 ઑક્ટોબર સુધી દેશમાં લઘુમતીને ટાર્ગેટ કરીને થયેલી હિંસાના 88 કેસમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ત્યાર પછી બનેલી ઘટનાઓને લઈને પણ કેસ થયા છે. મોહમ્મદ યુનૂસના કાર્યાલયે કહ્યું કે પોલીસ આવી ઘટનાઓની એક યાદી પણ બનાવી રહી છે.

મુખ્ય સલાહકારના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, “ધરપકડની ઘટનાઓ હજુ વધશે. એક કે બે ઘટના વધી શકે કારણ કે સુનામગંજમાં એક ઘટના ઘટી હતી. ચટગાંવ, તુરાગ અને ઢાકાના નરસિંગડીમાં કેટલીક જગ્યાએ ઘટનાઓ બની છે.”

બાંગ્લાદેશમાં ઇસ્કૉન સાથે સંકળાયેલા અને સંમિલિત સનાતની જાગરણ જ્યોતના પ્રવક્તા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પછી સનાતન અનુયાયીઓ પર અત્યાચારના આરોપ લાગ્યા છે.

ગયા મહિને નવેમ્બરમાં જ ચિન્મય કૃષ્ણદાસને દેશદ્રોહના આરોપો હેઠળ પકડવામાં આવ્યા હતા અને જેલમાં મોકલી દેવાયા હતા. તેના કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવમાં વધારો થયો હતો.

પાંચમી ઑગસ્ટ પછી સંમિલિત સનાતની જાગરણ જ્યોત સંગઠન બાંગ્લાદેશમાં લઘુમતી પર થતા હુમલાના વિરુદ્ધમાં વિરોધપ્રદર્શન યોજી રહ્યું છે.

તેમની ધરપકડ પછી બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધ મૂકવાની માંગણી તેજ થઈ ગઈ હતી. જોકે, હાઇકોર્ટે આ અંગે થયેલી અરજી ફગાવી દીધી હતી.

લઘુમતી પર અત્યાચાર અને હિંસા મામલે ભારતીય મીડિયામાં છપાતા અહેવાલોથી બાંગ્લાદેશ સરકાર સહમત નથી. તેમણે આવા અહેવાલોને વધારી ચઢાવીને રજૂ કરાયેલો દુષ્પ્રચાર ગણાવ્યો છે.

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે તણાવ

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકારે વારંવાર લઘુમતીઓની સુરક્ષા મામલે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

લઘુમતી પર અત્યાચારના મામલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધતો જાય છે.

એક બાજુ ભારતીય સંસદમાં બાંગ્લાદેશમાં લઘુમતી પર થયેલા હુમલાના આંકડા જાહેર કરાયા હતા, તે જ દિવસે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસની પ્રેસ વિંગે જણાવ્યું કે, “આ માહિતી ભ્રામક છે અને વધારી ચઢાવીને રજૂ કરવામાં આવી છે.”

નિવેદનમાં જણાવાયું હતું કે, “સ્વતંત્ર માનવ અધિકાર સંગઠન વૉ ઍન્ડ આર્બિટ્રેશન સેન્ટર ‘આઈન ઓ સાલિશ કેન્દ્ર’ મુજબ જાન્યુઆરીથી નવેમ્બર 2024 સુધીમાં બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતી વિરુદ્ધ હિંસાની 138 ઘટનાઓ બની હતી. તેમાં 368 ઘરો પર હુમલા કરવામાં આવ્યા અને 82 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.”

“પોલીસ હેડક્વાર્ટર મુજબ ચોથી ઑગસ્ટથી 10 ડિસેમ્બર વચ્ચે ઓછામાં ઓછા 97 કેસ નોંધાયા હતા અને ઑગસ્ટથી ધાર્મિક લઘુમતી પર હુમલા બદલ 75 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.”

ચાલુ મહિને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ઢાકાની મુલાકાત કરી હતી અને ભારત તરફથી લઘુમતીની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

જોકે, બાંગ્લાદેશના વિદેશ સચિવે પરોક્ષ રીતે ભારતને તેમના આંતરિક મામલામાં ટિપ્પણી ન કરવાની સલાહ આપી હતી.

પાંચમી ઑગસ્ટ પછી બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મહફૂઝ આલમે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પશ્ચિમ બંગાળ સહિત ઇશાન ભારતનાં ઘણાં રાજ્યોને બાંગ્લાદેશના નકશામાં દર્શાવ્યા હતા. ત્યાર પછી બંને દેશો વચ્ચે ખટરાગ વધી ગયો હતો.

ત્યાર બાદ તેમણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. પરંતુ ભારતે તેના પર આકરી પ્રતિક્રિયા આપી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS