Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૂનાગઢ, ગિરનાર, પર્વતારોહણ, હેલ્થ

ઇમેજ સ્રોત, GUJARAT TOURISM

ગત 5 જાન્યુઆરી, રવિવારે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.

અમરેલીના શૈલેશ વાઘેલા અને સુરેન્દ્રનગરનાં રિંકલ જાડાએ અનુક્રમે પુરુષ અને મહિલા વર્ગમાં આ સ્પર્ધામાં વિજયી થયાં હતાં.

શૈલેશે ગુજરાતના આ સૌથી ઊંચા પર્વત પર આવેલ અંબાજી મંદિર સુધીના 5,500 પગથિયાં માત્ર 59 મિનિટ અને 14 સેકન્ડમાં ચડ્યાં-ઊતર્યાં હતાં.

જ્યારે ચોટીલાના અંતરિયાળ ગામ, ધારેઈનાં રિંકલ માળી-પરબ સુધીનાં 2,200 પગથિયાં 38 મિનિટમાં ચડ્યાં ઊતર્યાં હતાં.

નોંધનીય છે કે ગિરનાર પર્વતની ઊંચાઈ 3,500 ફૂટ કરતાં પણ વધુ છે, ગિરનાર પર ચડવા માટે ભવનાથ તળેટીથી ચાલુ થતી સીડીમાં લગભગ દસ હજાર પગથિયાં છે અને તે અંબાજી અને ગોરખનાથના શિખર પર થઈ ગુરુ દત્તાત્રેય શિખરે પૂરી થાય છે.

ગિરનારની વાત કરીએ તો આપણી આસપાસ ગિરનાર જઈ આવેલા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે તેમને ગિરનાર પર્વત ચઢીને તળેટી પર પરત ફરતા 12 કલાક જેટલો સમય લાગે છે. અને એ બાદ સામાન્ય માણસ અને તેના પગની જે હાલત થાય છે એ અંગે પણ તમે જાણ્યું હશે.

પરંતુ ભલભલાનો પરસેવો છોડાવી દે એવું ગિરનારનાં ચઢાણ અને ઉતરાણ કેવી રીતે આ યુવાનો મિનિટોમાં જ પૂર્ણ કરી શકે છે? આ સવાલનો જવાબ મેળવવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

એ પહેલાં એક ગિરનાર પર ચડવાની મુશ્કેલીઓ અંગે જાણીને આ સિદ્ધિનું મહત્ત્વ વધુ સ્પષ્ટપણે સમજીએ.

ગિરનાર પર ચડવું કેટલું કઠિન?

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૂનાગઢ, ગિરનાર, પર્વતારોહણ, હેલ્થ

ઇમેજ સ્રોત, Gujarat Information Department

આમ તો ગિરનાર એક તીર્થસ્થળ તરીકે વધારે જાણીતો છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ગિરનાર પહોંચે છે.

સામાન્ય રીતે યાત્રાળુઓ વહેલી સવારે ચઢાણ શરૂ કરે અને લગભગ દસ-12 કલાકને અંતે સાંજે ભવનાથ તળેટી પાછા ફરી શકે છે.

સામાન્ય શ્રદ્ધાળુ નીચે ઊતરે ત્યારે પગમાં કંપન અનુભવે છે અને પગ સ્થિર રાખવામાં બહુ મુશ્કેલી અનુભવે છે.

જોકે, 2020માં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધીના રોપેવેનું ઉદ્ઘાટન થતાં યાત્રાળુઓ માટે અડધું ચઢાણ આ રોપવે દ્વારા કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે, પરંતુ તેમ છતાં ગિરનાર પરનું ચઢાણ મોટા ભાગના લોકો માટે બહુ કઠિન સાબિત થાય છે.

જૂનાગઢમાં રહેતા નિવૃત સરકારી અધિકારી 59 વર્ષીય અશ્વિન પટેલ દસેક વર્ષ અગાઉ ગિરનાર પર દત્તાત્રેય શિખર સુધી ચડ્યા હતા. તેઓ ઘણી વાર ગિરનાર ચઢી આવ્યા હોવા છતાં તેમના અનુભવ પરથી ગિરનારનાં ચઢાણ-ઉતરાણ એક સામાન્ય માણસ માટે કેટલાં કપરાં સાબિત થઈ શકે છે તેની ખબર પડે છે.

તેમણે પોતાનો અનુભવ કહ્યો કે “હું સમયાંતરે ગિરનાર પર ચડતો રહેતો. મેં સવારે ચાર વાગ્યે ચઢાણ ચાલુ કરેલું અને દત્તાત્રેય શિખર સુધી ચડી સાંજે ચાર વાગ્યે નીચે ઊતરી શક્યો. ચડવામાં બહુ મુશ્કેલી પડી ન હતી, પરંતુ ઊતરતી વખતે પગ ધરબાઈ ગયેલા હોય તેમ લાગવા માંડ્યું. પગ દુખવા મંડ્યા અને સોજી ગયા હોય તેમ લાગ્યું. તેમ છતાં હું જ્યાં સુધી ચાલતો રહ્યો ત્યાં સુધી ચાલી શક્યો. પરંતુ છેવટે જ્યારે આરામ કરવા બેઠો ત્યાર પછી ઊભા થવાની હિંમત કરવી કઠિન લાગ્યું. એક આખો દિવસ આરામ કર્યા પછી કળ વળી.”

આટલી ઝડપથી ગિરનાર પર્વત પર કઈ રીતે ચડી-ઊતરી શકાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૂનાગઢ, ગિરનાર, પર્વતારોહણ, હેલ્થ

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિઝિયૉથૅરપિસ્ટ અને સ્વર્ણિમ ગુજરાત સ્પૉર્ટ્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અર્જુનસિંહ રાણા જણાવે છે કે આટલું ઝડપથી આરોહણ-અવરોહણ કુદરતી બક્ષિસ અને તાલીમથી શક્ય બને છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “કોડીનાર, ઉના સહિતના દરિયાકાંઠાના લોકો એક પ્રકારે કુદરતી ક્ષમતા ધરાવતા રમતવીર હોય છે. ભારતીય મહિલા વૉલીબૉલ ટીમનાં કૅપ્ટન રહી ચૂકેલાં કોડીનારના ચરખડી ગામના વતની ચેતના વાળા અને રાષ્ટ્રીય કક્ષાએ દોડમાં મેડલ જીતી ચૂકેલા કાનજી ભાલિયા તેનાં ઉદાહરણ છે.”

તેઓ પગથિયાનાં ચઢાણ-ઉતરાણ માટે જરૂરી શારીરિક ખાસિયતો અંગે વાત કરતાં રાણા કહે છે કે, “આના માટે શક્તિ, સ્ટેમિના, ઍન્ડ્યુરન્સ (લાંબા સમય સુધી શક્તિ જાળવી રાખવાની ક્ષમતા) અને શરીરની સ્થિરતા જોઈએ. તમારી મુખ્ય માંસપેશીઓનું ગ્રૂપ જેમાં જાંઘ, પિંડી, ગોઠણની પાછળની માંસપેશી અને અસ્થિબંધનો તેમજ ઘૂંટી સહિતનાં નાનાં માંસપેશી જૂથો મજબૂત હોવાં જોઈએ.”

તેઓ શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવા અને ક્ષમતા વધારવા માટે જરૂરી પ્રવૃત્તિઓ અંગે વાત કરતાં કહે છે કે, “આ બધું કેળવવા માટે યોગ્ય આહાર અને તાલીમ જોઈએ. લાંબા અંતર સુધી દોડવાની પ્રૅક્ટિસ કરવાથી તેમજ રેતીમાં દોડવાથી સ્ટેમિના અને ઍન્ડ્યુરન્સ વધે છે. તેમ જ રીતે પગથિયાં ચડવાની કસરત કરવાથી પણ આવી સ્પર્ધા માટે શરીરને ઢાળી શકાય છે. જૂનાગઢ અને ગીર-સોમનાથના યુવાનો દરિયાકાંઠાની રેતીમાં પણ દોડવાની પ્રૅક્ટિસ કરતા હોય છે અને મોટા ભાગે તેઓ જ આ સ્પર્ધા જીતે છે, કારણ કે તેની પાછળ રમતગમત વિજ્ઞાન છે.”

સ્પર્ધકો કેવી રીતે તૈયારી કરે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૂનાગઢ, ગિરનાર, પર્વતારોહણ, હેલ્થ

ઇમેજ સ્રોત, Shailesh Vaghela

રાષ્ટ્રીય કક્ષાએ લાંબા અંતરની દોડમાં સાત મેડલ જીતી ચૂકેલ કાનજી ભાલિયા કહે છે કે તેઓ કોડીનારના દરિયાકાંઠે રેતીમાં દોડવાની પ્રૅક્ટિસ કરતા અને સ્પર્ધાના એક મહિના અગાઉ જૂનાગઢ જઈ ગિરનારનાં પગથિયાં ચડવાની પણ પ્રૅક્ટિસ કરતા.

હાલ ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારના જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય ભાલિયાએ બીબીસીને જણાવ્યું કે, “હું હાથમાં 250-250 ગ્રામના અને પગમાં 500-500 ગ્રામના વેઇટ-બૅન્ડ (વજનવાળા પટ્ટા) પહેરી ગિરનાર ચડવાની કોશિશ કરી તાકત વધારવાની કોશિશ કરતો. સ્ટેમિના કેળવવા હું ધીમેધીમે પણ છેક દત્તાત્રેય શિખર સુધી ચડતો. ઍન્ડયુરન્સ માટે લાંબા અંતર સુધી દોડતો.”

“કોડીનારમાં હોઉં તો દરિયાકાંઠાની રેતીમાં દોડતો અને જો ગાંધીનગર હોઉં તો સાબરમતી નદીના તટની રેતીમાં દોડતો. હું એક ટાઇમટેબલ બનાવતો. ખોરાકમાં ગાયનું દૂધ, ખજૂર, માખણ, સિંગ, ચણા વગેરે વધારે ખાતો. હું થાક ઉતારવા અને યોગ્ય આરામ કરવાને પણ એટલું જ મહત્ત્વ આપતો. સળંગ આઠ કલાકની નીંદર થાય તેવું ટાઇમટેબલ ગોઠવતો.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૂનાગઢ, ગિરનાર, પર્વતારોહણ, હેલ્થ

ઇમેજ સ્રોત, Gujarat Information Department

22 વર્ષીય લાલા પરમારે વર્ષ 2022માં 55 મિનિટ 30 સેકન્ડમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો.

તેઓ કહે છે, “હું સ્પર્ધાના એક મહિના અગાઉ દોડવાની અને અન્ય કસરત કરવાનું ચાલુ કરી દઉં છું. તેમાં દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠવાનું, આઠથી દસ કિમી દોડવાનું, અન્ય કસરત કરવાની અથવા ગિરનારનાં પગથિયાં ચડવાની કસરત કરવાની. આહારમાં દૂધ, કેળાં, ચણા, મગ, સોયાબીન, ઘી, ડ્રાયફ્રૂટ (સૂકા મેવા) અને ફળ વધારે લઉં છું, જેથી કરીને વજન કાબૂમાં રહે અને તાકત વધારે મળે. હું રાત્રે દસ વાગ્યે ફરજિયાત સૂઈ જાઉં છું. રાજ્યકક્ષાની સ્પર્ધા બાદ હું ત્રણ-ચાર દિવસ આરામ કરું અને પછી બાકીના 20 દિવસ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયારી કરું છું. હું યૂટ્યૂબમાં વીડિયો જોઈ વિવિધ કસરત કરું છું. યૂટ્યૂબમાં વીડિયો જોઈને જ મને ખ્યાલ આવેલ કે ઍડ્વેન્ચર વખતે પહેરાતા બૂટ મને સ્પર્ધા દરમિયાન ઉપયોગી થઈ શકે તેમ છે, તેથી 2022માં મેં તે ખરીદીને જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.”

21 વર્ષીય રિંકલ ધારેઈ ગામના એક ખેડૂતનાં દીકરી છે અને સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ગુજરાતના સાબરકાંઠા જિલ્લના હિંમતનગર નજીક આવેલી ઍથ્લેટિક્સ અકાદમીમાં રહી તાલીમ મેળવતાં 15 મહિલાઓમાંનાં એક છે. તેઓ પણ લાંબા અંતરની દોડમાં ભાગ લેતાં ખેલાડી છે અને 2022ના વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 20 વર્ષથી નીચેની ઉંમરના વિભાગમાં 3,000 મીટરની વિઘ્નદોડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યાં છે.

તેઓ કહે છે કે, “અમે ઍથ્લીટ છીએ એટલે પ્રૅક્ટિસ તો દરરોજ કરવાની જ હોય. અમારા કોચ સંજયકુમાર યાદવના માર્ગદર્શનમાં અન્ય તાલીમ ઉપરાંત અમે રોડ ઉપર લાંબા અંતર સુધી દોડવાની પ્રૅક્ટિસ કરીએ છીએ. આ બધાને કારણે ગિરનાર ચડવાની પ્રૅક્ટિસ કરવાની મારે જરૂર રહેતી નથી.”

કોચ યાદવ કહે છે તેમની અકાદમીની મહિલાઓ લૉન્ગ ડિસ્ટન્સ રનિંગ (લાંબા અંતરની દોડ) ઉપરાંત રેતીમાં દોડવાની, પગથિયાં પર દોડવાનું અને ટેકરી પર દોડવા જેવું લાગે તે માટે રોડ પરના ઊંચા પુલ પર દોડવાની પ્રૅક્ટિસ નિયમિતપણે કરે છે.

યાદવ જણાવે છે, “ખેલાડીઓને સવારે સાડા પાંચથી આઠ વાગ્યા સુધી અને સાંજે સાડા ચારથી સાડા સાત સુધી પ્રૅક્ટિસ કરવાની હોય છે.”

આ વર્ષના પુરુષ વર્ગના 24 વર્ષીય વિજેતા શૈલેશ વાઘેલા ગામમાં એક પડતર પડેલ ખેતરમાં, રોડ પર અને ટેકરી પાર દોડવાની પ્રૅક્ટિસ કરે છે.

તેઓ કહે છે કે, “મારાં માતાપિતા મજૂર છે. માતાને ભણવાની તક મળી નથી, તેથી મારા આહારનું હું જ ધ્યાન રાખું છું. સવારે પાંચ વાગ્યાથી આઠ સુધી અને સાંજે પાંચથી સાડા સાત વાગ્યા સુધી દોડવાની, ટેકરી ચડવાની પ્રૅક્ટિસ કરું છું. ડાયટ (આહાર) મુખ્ય ફોકસ હોય છે. વધારે તેલવાળું ખાતો નથી, કારણ કે વજન વધી જવાની શક્યતા હોય છે અને વજન નિયંત્રણમાં રાખવા લીંબુનો રસ પીઉં છું. હું આખું વર્ષ પ્રૅક્ટિસ કરું છું અને સ્પર્ધા નજીક આવે એટલે પ્રૅક્ટિસ વધારી દઉં છું.”

ઍથ્લીટ શું સાવચેતી રાખે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૂનાગઢ, ગિરનાર, પર્વતારોહણ, હેલ્થ

ઇમેજ સ્રોત, Sports Authority of Gujarat

ભાલિયા કહે છે કે, “પગથિયાં ઊતરતી વખતે સ્પર્ધકો લાંબા કૂદકા મારતાં હોય છે અને તેના કારણે તેના શરીરના વજન કરતાં ચારગણો વજન તેમના એક ઘૂંટણ પર પડતો હોય છે. જો આવા સમયે બૅલેન્સ ન રહે તો પડી જવાથી ઈજા થઈ શકે. આ વજનની ઘૂંટણ પર અસર ઓછી કરવા હું નરમ તળિયાવાળા બૂટ પહેરતો, પરંતુ બધા એવું કરી શકતા નથી અને મેં સાંભળ્યું છે કે ઘણા સ્પર્ધકોને પાછળનાં વર્ષોમાં ઘૂંટણ દુખવાની તકલીફ થાય છે.”

લાલા પરમાર પણ કહે છે કે તેઓ પણ આ બાબતે સાવધ રહે છે, “હું ટાયરની ગ્રિપ અને સૉફ્ટ સોલવાળા (કૂણી સગતળી) શૂઝ પહેરું છું, જેથી ગોઠણમાં બહુ થડકા ન લાગે.”

સ્પર્ધકો કેટલા સમયમાં આરોહણ-અવરોહણ પૂરું કરે છે

વાર્ષિક આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેતાં મોટા ભાગના સ્પર્ધકો યુવાન હોય છે જેમની શારીરિક ક્ષમતા, સ્ફૂર્તિ, શક્તિ, શરીર પરનું નિયંત્રણ આધેડ કે વૃદ્ધો કરતાં વધુ હોય છે.

સ્પર્ધકો પગથિયાં દોડતાં-દોડતાં ચડે છે અને નીચે ઊતરતી વખતે તો બબ્બે ચાર-ચાર પગથિયાં કૂદતા જાય છે.

2001ના વર્ષમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના કાનજી ભાલિયાએ આ સ્પર્ધા માત્ર 55 મિનિટ અને ૩૩ સેકન્ડમાં પૂરી કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.

તેમણે 1997થી 2004 સુધી આ સ્પર્ધા સળંગ સાત વાર જીતી એક રેકૉર્ડ બનાવ્યો હતો.

છેવટે જૂનાગઢના શહેરના લાલા પરમારે 2022માં આ સ્પર્ધા 55 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરી 21 વર્ષ બાદ ભાલિયાનો રેકૉર્ડ તોડ્યો હતો.

બહેનોમાં પણ 35 મિનિટનો રેકૉર્ડ છે.

રિંકલે 2023, 2004 અને 2025માં આ સ્પર્ધા જીતી હેટ્રિક પૂરી કરી છે.

લાલા પરમારે 2018 2019 અને 2020માં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જીત્યા બાદ 2022 અને 2023માં પુરુષ વિભાગની રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધા જીતી હતી.

2024ની રાજ્ય કક્ષાની સ્પર્ધા જીતી તેમણે સિનિયર કૅટગરીમાં પણ જીતની હેટ્રિક પૂરી કરી હતી, પરંતુ 2024 માં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં તેઓ બીજા નંબરે રહ્યા હતા.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત

બીબીસી ગુજરાતી, ગુજરાત, જૂનાગઢ, ગિરનાર, પર્વતારોહણ, હેલ્થ

ઇમેજ સ્રોત, Gujarat Information Department

રાજ્ય સરકારે આ વર્ષની સ્પર્ધાની આમંત્રણપત્રિકામાં જણાવ્યા મુજબ રાજકોટથી પ્રકાશિત થતા ‘ફૂલછાબ’ નામના ગુજરાતી દૈનિક વર્તમાનપત્રે 1971 માં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત કરી હતી.

ત્યાર બાદ 1996થી આ સ્પર્ધાનું આયોજન કરવાની જવાબદારી ગુજરાત રાજ્ય સરકારે લઈ લીધી હતી.

ત્યારથી રાજ્ય સરકારનો રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ આ સ્પર્ધાનું આયોજન કરે છે.

2008થી રાજ્ય સરકાર રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પછીના એક મહિને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરી રહી છે અને તેમાં ગુજરાત ઉપરાંત હરિયાણા સહિત અન્ય કેટલાંક રાજ્યોના યુવાનો ભાગ લે છે.

ગિરનાર આરોહણ-અવરોહણી રાજ્ય કક્ષાની સ્પર્ધાના વિજેતા મહિલા અને પુરુષને ટ્રૉફી ઉપરાંત 50-50 હજાર રૂપિયા રોકડ ઇનામ તરીકે મળે છે અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના વિજેતાઓને ટ્રૉફી ઉપરાંત એક-એક લાખ રૂપિયા ઇનામ અપાય છે.

બંને વર્ગમાં પ્રથમ દસ આવનાર સ્પર્ધકોને ઇનામ અપાય છે.

રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દસમા નંબરે આવનારને દસ હજાર રૂપિયા અને રાષ્ટ્રીય કક્ષાએ દસમા નંબરે આવનારને 25,000 રૂપિયા ઇનામ મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS