Source : BBC NEWS
દુનિયાના ઇતિહાસમાં ઈ.સ. 1969નું ખાસ મહત્ત્વ છે. 20 જુલાઈ 1969એ નીલ આર્મસ્ટ્રૉંગે પહેલી વાર ચંદ્ર પર પગ મૂક્યો હતો. બોઇંગ 447 એ પહેલી વાર ઉડાન ભરી હતી. રૉકવિલે ન્યૂ યૉર્કમાં પહેલું એટીએમ મશીન મૂક્યું હતું.
બીટલ્સે પોતાનું છેલ્લું પબ્લિક પરફૉર્મન્સ આપ્યું હતું. આ એ જમાનો હતો જ્યારે વાળ વધારેલી, બેરંગી જીન્સ પહેરેલી હિપ્પી પેઢી દુનિયાની રીતભાતો બદલી રહી હતી.
આ એ જ વર્ષ હતું, જ્યારે રાજેશ ખન્ના, કિશોરકુમાર અને રાહુલ દેવ બર્મનની ત્રિપુટી ભારતીય ફિલ્મસંગીતની નવી ઓળખ ઊભી કરવામાં વ્યસ્ત હતી.
રાહુલ દેવ બર્મને ફિલ્મ ‘કટી પતંગ’માં આપેલા સંગીતે આખા દેશમાં ધૂમ મચાવી દીધી હતી. પહેલી જ વાર કોઈ ફિલ્મસંગીતમાં સાંબા, કૅલિપ્સો અને ભારતીય શાસ્ત્રીય સંગીતના જબરજસ્ત મિશ્રણનો ઉપયોગ કરાયો હતો.
‘કટી પતંગ’ની સફળતાથી પ્રભાવિત થઈને શક્તિ સામંતે બર્મન જૂનિયરને પોતાની બીજી એક ફિલ્મ ‘અમર પ્રેમ’ માટે સાઇન કર્યા હતા, જેમાં તેમણે ખૂબ જ સારું સંગીત આપ્યું હતું.
અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને બાલાજી વિઠ્ઠલે પોતાના પુસ્તક ‘આરડી બર્મન ધ મેન, ધ મ્યૂઝિક’માં લખ્યું છે, “પંચમે જણાવેલું કે, તેમણે એક વાર પોતાના પિતાને ‘બેલા બોય જાએ’ ગાતા સાંભળ્યા હતા. તે ધૂન તેમના મગજમાં ઘૂસી ગઈ હતી. એ જ તરજ પર તેમણે ‘રૈના બીત જાએ’નું સંગીત બનાવ્યું હતું.”
“મદનમોહને જ્યારે પહેલી વાર લતા મંગેશકરને આ ગીત ગાતાં સાંભળ્યાં ત્યારે તેમણે એસડી બર્મનને ફોન કરીને આ ગીત માટે અભિનંદન આપ્યાં હતાં. જ્યારે એચડીએ સ્પષ્ટતા કરી કે આ ધૂન તેમણે નહીં, બલકે, તેમના પુત્ર પંચમે બનાવી છે ત્યારે મદનમોહનને વિશ્વાસ નહોતો થયો.”
“પ્રખ્યાત ગાયિકા આરતી મુખરજીએ શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ મલ્લિકાર્જુન મંસૂરને ધારવાડમાં ‘રૈના બીત જાએ’ ગણગણતા સાંભળ્યા હતા. જ્યારે મંસૂરે તેમના ચહેરા પર આશ્ચર્યના ભાવ જોયા ત્યારે કહ્યું કે, એસડીના પુત્રએ આ ગીતને કેટલું સરસ સંગીત આપ્યું છે.”
‘દમ મારો દમ’એ આરડી બર્મનને સ્થાપિત કર્યા
પંચમનો ત્યાર પછીનો મોટો બ્રેક હતો દેવ આનંદની ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’. દેવ આનંદ ‘દમ મારો દમ’ ગીત પહેલાં ઉષા ઉથ્થુપ પાસે ગવડાવવા માગતા હતા.
દેવ આનંદે ઉષા ઉથ્થુપને 1969માં દિલ્હીની ઓબેરૉય હોટલમાં ગાતાં સાંભળ્યાં હતાં. પણ પછી આરડીએ એ ગીત આશા ભોંસલે પાસે ગવડાવ્યું. આ ગીતની ઘણી આવૃત્તિ (વર્ઝન) રેકૉર્ડ કરવામાં આવી અને ફિલ્મમાં તેનો ટુકડાઓમાં ઉપયોગ કરાયો.
હિપ્પી પેઢીએ આ ગીતને ખૂબ આવકાર્યું. રસપ્રદ વાત એ છે કે, પહેલાં આ ફિલ્મ એસડી બર્મનને ઑફર કરવામાં આવી હતી, પરંતુ, તેઓ આ ફિલ્મની થીમથી ખાસ પ્રભાવિત નહોતા થયા; ત્યારે દેવ આનંદે પંચમને આ ફિલ્મનું સંગીત આપવા માટે પસંદ કર્યા હતા.
તેમણે માત્ર બે અઠવાડિયાંમાં ફિલ્મનું સંગીત પૂરું કર્યું અને અહીંથી પંચમની કરિયરનું આકાશી ઉડ્ડયન શરૂ થયું.
જોકે, રાહુલ દેવ બર્મનની પહેલી ફિલ્મ ‘છોટે નવાબ’ હતી, પરંતુ, તેનાં ઘણાં વર્ષો પહેલાં ‘પ્યાસા’માં પોતાના પિતાને આસિસ્ટ કરતા સમયે તેમણે એ ફિલ્મના પ્રખ્યાત ગીત ‘સર જો તેરા ચકરાયે’ની ધૂન બનાવી હતી. આ ગીતને તે વર્ષની બિનાકા ગીતમાલામાં બીજું સ્થાન મળ્યું હતું.
પંડિત સમતા પ્રસાદ પાસેથી તબલાં અને અલી અકબરખાં પાસેથી સરોદ વગાડતાં શીખ્યા
શરૂઆતમાં એસડી બર્મને પોતાના પુત્રનું નામ તબલૂ રાખ્યું હતું. ઘણાં વર્ષો બાદ તેમને ‘પંચમ’ નામથી ઓળખવામાં આવ્યા.
એક કહાની પ્રખ્યાત હતી કે, તેમના પિતા જ્યારે પણ ‘સા’નો સૂર લગાવતા હતા, રાહુલ હંમેશા ‘પા’ સૂર કાઢતા હતા. એ કારણે જ જાણીતા અભિનેતા અશોકકુમારે તેમને ‘પંચમ’ નામ આપ્યું હતું. બાળપણમાં પંચમ ખૂબ સ્ફૂર્તિલા અને નીડર હતા.
અનિરુદ્ધ ભટ્ટચાર્ય અને બાલાજી વિઠ્ઠલે લખ્યું છે કે, “એક વાર ઓડિશામાં ગોપાલપુરની યાત્રા દરમિયાન સમુદ્રમાં નહાતા સમયે એક સાપ તેમના પગમાં લપેટાઈ ગયો હતો. તેમણે ડર્યા વગર સાપને પોતાના પગમાંથી કાઢીને મારી નાખ્યો હતો. માત્ર એક વસ્તુથી તેમને ખૂબ બીક લાગતી હતી, એ હતી – ઘરની દીવાલો પર ચાલતી ગરોળી.”
“તરવું એ તેમને ગમતું કામ હતું. તેનાથી તેમની અસ્થમાની બીમારી દૂર થઈ એટલું જ નહીં, બલકે, તેનાથી તેઓ પોતાના શ્વાસ પર નિયંત્રણ રાખતાં શીખ્યા. ભણવામાં તેઓ હોશિયાર નહોતા. તેઓ બે વાર નાપાસ થયા અને તેમણે બાલીગંજ ગવર્નમેન્ટ સ્કૂલમાંનું પોતાનું ભણતર છોડવું પડ્યું હતું. જે દિવસે તેઓ ફેઇલ થયા તે દિવસે તેમના પિતા એસડી બર્મને તેમને ‘રેલે’ની સાઇકલ ભેટમાં આપી હતી. તેમણે ત્યારે જ નક્કી કરી લીધું કે, તેમનો પુત્ર સંગીતના ક્ષેત્રમાં જશે.”
પંડિત સમતા પ્રસાદ પાસેથી તબલાં વગાડતાં અને અલી અકબરખાં પાસેથી સરોદ વગાડતાં શીખ્યા હતા. માઉથ ઑર્ગન વગાડવાનું તેઓ પોતાની મહેનતથી શીખ્યા હતા.
સવારે ચાર વાગ્યે ઊઠીને ધૂનને અંતિમ રૂપ આપ્યું
1960ના દાયકામાં શરૂ થયેલો રાજેશ ખન્નાનો ક્રેઝ અમિતાભ બચ્ચનના ઉદયની સાથે 1970ના દાયકાની મધ્ય સુધીમાં ઓસરી ચૂક્યો હતો. ત્યારે રાજેશ ખન્નાની ફિલ્મ ‘મેરે જીવન સાથી’ માટે પંચમે પહેલા ગીત ‘ઓ મેરે દિલ કે ચૈન’ની ધૂન બનાવી હતી, પણ એ ધૂનને પ્રોડ્યૂસર હરીશ શાહ અને રાજેશ ખન્ના – બંનેએ રિજેક્ટ કરી દીધી હતી.
ફિલ્મફેરના 7 સપ્ટેમ્બર 1973ના અંકમાં ‘ઑલ ફૉર અ સૉન્ગ’ શીર્ષક સાથે છપાયેલા પોતાના લેખમાં શ્રીધરે લખ્યું છે, “ઓ મેરે દિલ કે ચૈનની ધૂન આરડીના મનમાં એટલી હદે ઘર કરી ગઈ હતી કે તેઓ સવારે ચાર વાગ્યે જાગ્યા, એ ધૂનને પોતાના કૅસેટ રેકૉર્ડરમાં રેકૉર્ડ કરી અને પોતાના મ્યૂઝિક રૂમમાં જઈને ધૂનને અંતિમ રૂપ આપ્યું.”
2008માં પંચમના જન્મદિવસના આયોજિત સમારંભમાં જ્યારે તેમના સાથી મનોહારી સિંહને એવું ગીત વગાડવાનું કહેવાયું જે પંચમના સંગીતનું પૂર્ણતઃ પ્રતિનિધિત્વ કરતું હોય, ત્યારે તેમણે પોતાના સૅક્સોફોન પર ‘ઓ મેરે દિલ કે ચૈન’ વગાડ્યું હતું.
બિયરની ખાલી બૉટલથી સંગીત આપ્યું
પંચમની ટીમના સાથી ભાનુ ગુપ્તાએ પણ તેમના સંગીત વિશે એક દિલચસ્પ વાત જણાવી.
અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને બાલાજી વિઠ્ઠલે લખ્યું છે, “ભાનુ ગુપ્તાએ અમને જણાવ્યું કે એક દિવસ હું પંચમના મ્યૂઝિક રૂમમાં બેસીને મારા ગિટારના તાર છેડી રહ્યો હતો. પંચમ તે સમયે બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક તેમણે બાથરૂમના દરવાજામાંથી માથું બહાર કાઢીને કહ્યું, ‘બજાતે થાકો, થામો ના’ (વગાડતા રહો, રોકાવ નહીં). હું ગિટાર વગાડતો રહ્યો.”
“જ્યારે તેઓ બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ એક ધૂન ગણગણતા હતા, જે મારા ગિટારના તારોમાંથી નીકળેલા અવાજ સાથે મેળ ખાતી હતી. લાઇન હતી, ‘મુઝે ચલતે જાના હૈ’. ત્યાર પછી તેમણે ગીતની પહેલી બે લાઇનનું સંગીત આપ્યું. આ રીતે ગીતની ત્રીજી લાઇનનું સંગીત પહેલાં આપવામાં આવ્યું અને ત્યાર બાદ મુખડાનું. ગીતની પહેલી લાઇન હતી – ‘મુસાફિર હૂં યારો…'”
આવો જ એક કિસ્સો રણધીર કપૂરે સંભળાવ્યો, “એક દિવસ જ્યારે હું પંચમના ઘરમાં ઘૂસ્યો તો શું જોયું કે, તેઓ અને તેમના સહાયક અડધી ભરેલી બિયરની બૉટલોમાં ફૂંક મારી રહ્યા હતા. એક મિનિટ માટે તો મને લાગ્યું કે તેઓ પાગલ થઈ ગયા છે.”
“જ્યારે મેં તેમને પૂછ્યું કે, આ બધું શું છે? તો તેમણે કહ્યું કે તેઓ એક નવા પ્રકારનો અવાજ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ એ અવાજ હતો જે આપણે ફિલ્મ શોલેના ગીત ‘મહબૂબા મહેબૂબા’ની શરૂઆતમાં સાંભળીએ છીએ. રેકૉર્ડિંગ દરમિયાન એવો અવાજ કાઢવાની જવાબદારી બાસુ ચક્રવર્તીને સોંપવામાં આવી હતી. સાથે જ પરફેક્શન માટે રબાબ અને ઊંધા ઢોલકનો ઉપયોગ કરાયો હતો.”
મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ…
‘ઇજાજત’ ફિલ્મનું ગીત ‘મેરા કુછ સામાન’નો કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે.
ગુલઝારે પોતાની આત્મકથા ‘ધૂપ આને દો’માં લખ્યું છે, “જ્યારે મેં આ ગીત પંચમને આપ્યું ત્યારે તેમણે તેના પર નજર ફેરવી દીધા પછી કહ્યું, સારી સ્ક્રિપ્ટ છે. મેં કહ્યું, પંચમ, આ ગીત છે, ફિલ્મનો સીન નથી અને તમારે તેની ધૂન બનાવવાની છે. તેમના કપાળ પર કરચલી ઊપસી આવી. બોલ્યા, ગુલ્લૂ, કાલે તમે મારી પાસે અખબાર લઈને આવશો અને મને તેની ધૂન બનાવવાનું કહેશો. આમ કહીને તેમણે ગીતને એક બાજુ મૂકી દીધું.”
“આશાજી પંચમની બાજુમાં બેઠાં હતાં. તેમણે ગીત ઉપાડ્યું અને તેની પહેલી લીટી ગણગણવા લાગ્યાં. પંચમે તેમનો શબ્દ પકડી લીધો, ‘લૌટા દો’. તેમને આશાના ગણગણવાની રીત ગમી ગઈ. થોડી વાર પછી તેમણે કહ્યું, સારું લાગી રહ્યું છે. પછી તેમણે ગીતનો કાગળ આશાના હાથમાંથી લઈ લીધો અને હાર્મોનિયમ પોતાની તરફ ખેંચી લીધું. બે મિનિટમાં ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ’ની ધૂન તૈયાર હતી.”
એસડી બર્મનને પોતાના પુત્ર માટે ગર્વ હતો
બંગાળના કેટલાક વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારની મજાક પ્રચલિત હતી કે એસડી બર્મનને ફિલ્મ શોલેના મહબૂબા મહબૂબા ગીતના અવાજથી એટલો બધો આઘાત લાગ્યો કે તેમને લકવા થઈ ગયો; પરંતુ, સચ્ચાઈ એ છે કે એસડીને પોતાના દીકરાની સિદ્ધિઓ માટે ગર્વ હતો.
1956માં જ્યારે નવકેતનની ફિલ્મ ‘ફંટૂશ’ રિલીઝ થઈ ત્યારે પંચમ તેને જોવા હૉલમાં ગયા હતા. ફિલ્મનું સંગીત તેમના પિતા એસડી બર્મને આપ્યું હતું. જ્યારે પડદા પર ‘એ મેરી ટોપી’ ગીત આવ્યું ત્યારે તેઓ દંગ થઈ ગયા; કેમ કે, એ ગીતની ધૂન તો તેમણે બનાવી હતી.
રાજુ ભારતને પોતાના પુસ્તક ‘જર્ની ડાઉન મેમરી લેન’માં લખ્યું છે, “પંચમ અકળામણમાં પોતાના ઘરે પાછા આવ્યા. ત્યાં દરવાજે તેમના પિતા ઊભા હતા. તેમણે કહ્યું, મને ખબર છે કે તું શું વિચારી રહ્યો છે કે મેં તારી એક ધૂન ચોરી લીધી.”
“હા, હું માનું છું. પરંતુ, એને તારે પોતાનું સન્માન સમજવું જોઈએ. જો તારી ધૂન એટલી લાયક છે કે હું તેને મારી ફિલ્મમાં લઈ લઉં, તો તેનો અર્થ એ થયો કે, તું સારું કરી રહ્યો છે. આમ પણ, ‘એ મેરી ટોપી’ એક હલકીફૂલકી ધૂન છે. જ્યારે હું તારી કોઈ ગંભીર ધૂનને મારી ફિલ્મમાં ઉપયોગ કરવા લાયક સમજું ત્યારે માનવાનું કે તું સાચે જ એક મોટો સંગીતકાર બની ગયો છે.”
ખગેશ દેવ બર્મને એસડીના જીવનચરિત્ર ‘એસડી બર્મન, ધ વર્લ્ડ ઑફ હિઝ મ્યૂઝિક’માં લખ્યું છે, “એક વાર એસડી સવારની વૉક પર ગયા. ત્યારે તેમણે કેટલાક લોકોને અંદરોઅંદર કંઈક ગુસપુસ કરતા સાંભળ્યા, ‘જુઓ, આરડી બર્મનના પિતા’. તેમણે પોતાની વૉક અધવચ્ચે જ છોડી અને ઘરે આવીને પોતાની પત્નીને કહ્યું, ‘તારો દીકરો કેટલો મોટો માણસ થઈ ગયો છે. અત્યાર સુધી લોકો મને એસડી બર્મન તરીકે ઓળખતા હતા; આજે કોઈએ મને જોઈને કહ્યું, આ જુઓ, આરડી બર્મનના પિતા જઈ રહ્યા છે.”
જાવેદ અખ્તર પણ પંચમના શિષ્ય બન્યા
જાવેદ અખ્તરે પહેલી વાર ‘સાગર’ ફિલ્મમાં પંચમની સાથે કામ કર્યું હતું. તેઓ ખંડાલાની એક હોટલમાં સાગરના ડાયલૉગ લખી રહ્યા હતા. ત્યાંથી તેમને ફિલ્મની એક સંગીત સિચ્યૂએશન અંગે વાત કરવા મુંબઈ આવવું પડ્યું. પંચમે તેમને એક ધૂન આપીને તેના પર ગીત લખવાનું કહેલું.
જાવેદ અખ્તરે યાદ કરતાં કહ્યું, “એ ધૂન પર મેં લખેલા ગીતનું મીટર મેળ નહોતું ખાતું, તેથી મેં એ ધૂન બાજુ પર રાખીને મારી મરજી પ્રમાણે ગીત લખી નાખ્યું. આરડીએ મને કહ્યું, ‘ઠીક છે, તમે મને ગીત લખાવી દો’. તેમણે કાગળ અને પેન ઉપાડ્યાં અને મેં તેમને ગીત ડિટેક્ટ કરાવવાનું શરૂ કર્યું.”
“તેઓ લખવાનું પૂરું કરે ત્યાં સુધીમાં તેમના મગજમાં ગીતની ધૂન બનવાની શરૂ થઈ ચૂકી હતી. ગીતનો છેલ્લો શબ્દ લખ્યા પછી તેમણે પોતાનું હાર્મોનિયમ ખોલ્યું અને ગાવાનું શરૂ કરી દીધું. આ રીતે ‘ચેહરા હે યા ચાંદ ખીલા હૈ’ ગીતનો જન્મ થયો.”
પંચમ ગરમ ચામાં ઠંડું પાણી ભેળવીને પીતા હતા
આશા ભોંસલેએ 23 મે 2009એ આનંદ બાજાર પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું, “પંચમનું મૅન મૅનેજમેન્ટ ગજબનું હતું. તેમને એ ખબર રહેતી કે કયા ગાયક અને સંગીતકાર પર દબાણ કર્યા વગર કઈ રીતે તેમનું સર્વશ્રેષ્ઠ બહાર કઢાવવાનું છે. કિશોરકુમાર સાથે તેઓ મજાક કરતા હતા. મન્નાડે સાથે તેઓ ગંભીરતાથી વર્તતા હતા. લતાની સાથે તેમને પ્રેમભાવ હતો. મેં તેમને લતા સાથે બંગાળીમાં વાત કરતા અને પોતાના પારિવારિક પ્રશ્નો બાબતે ચર્ચા કરતા જોયા છે.”
પંચમ પોતાની વિચિત્ર હરકતો માટે પણ જાણીતા હતા ગુલઝારે લખ્યું છે, “પંચમ હંમેશાં ઉતાવળમાં રહેતા હતા. તેઓ ચા માંગતા હતા. ગરમાગરમ ચા જ્યારે તેમની સામે આવતી ત્યારે તેમનામાં એટલી ધીરજ પણ નહોતી કે તેઓ ચા ઠંડી થવાની રાહ જુએ. તેઓ તેમાં ઠંડું પાણી મેળવીને તેને ઠંડી કરતા અને મજાથી પી જતા. સળગતી સિગારેટ પર લવિંગ રાખીને તેઓ ઊંડો કશ લેતા હતા. તેમનું માનવું હતું કે એવું કરવાથી વોકલ કૉર્ડ સાફ થતા હતા.”
“તેમની પાસે દુનિયાની ઉમદા ફિલ્મોની વીડિયો કૅસેટ્સનો મોટો સંગ્રહ હતો. જો તેમનો કોઈ મિત્ર એ વીડિયો જોવા કૅસેટ લેવા માંગે તો તેઓ તેનું નામ તેના કવર પર લખીને ખાલી કવર પોતાની પાસે રાખતા અને જ્યાં સુધી એ વીડિયો કૅસેટ તેમની પાસે પાછી ન આવે ત્યાં સુધી તેઓ તેમને હેરાનપરેશાન કરી દેતા હતા.”
ચાલતી કારમાં વાતચીત કરવાની અનોખી રીત
ગુલઝારે પંચમ સાથે સંકળાયેલો બીજો એક કિસ્સો કહ્યો, “એક વખત હું મારી કારમાં ડ્રાઇવરની બાજુમાં બેસીને જતો હતો. જ્યારે ટ્રાફિક સિગ્નલ પર મારી ગાડી થોભી ત્યારે મને અચાનક પંચમનો અવાજ સંભળાયો, ‘ગુલ્લૂ, ગુલ્લૂ’. તેમની કાર મારી કારની બાજુની ગાડીની બાજુમાં ઊભી રહી. તેને તેઓ પોતે ચલાવતા હતા.”
“તેમણે પોતાની બાજુમાં ઊભેલી કારના ડ્રાઇવરને કાચ નીચો ઉતારવા કહ્યું. એ દૃશ્ય જોવા જેવું હતું કે પંચમ મારી સાથે બૂમો પાડીને વાતો કરવા લાગ્યા. વચ્ચેવાળી કારનો ડ્રાઇવર ક્યારેક મને જોતો, તો ક્યારેક પંચમને. તેમણે પોતાના જીવનમાં ભાગ્યે જ આ રીતે બે લોકોને વાતચીત કરતા જોયા હશે. ટ્રાફિક લાઇટ જેવી ગ્રીન થઈ કે પંચમની કાર મારી કારની બાજુમાં આવી ગઈ અને અમે લોકો ઘણે દૂર સુધી આ રીતે વાતો કરતાં કરતાં ગયા.”
આશા ભોંસલે સાથે લગ્ન
1966માં પંચમે રીતા પટેલ સાથે લગ્ન કર્યાં; પરંતુ, આ લગ્ન વધુ દિવસ સુધી ટક્યું નહીં. પાંચ વર્ષ પછી બંને છૂટાં થઈ ગયાં. આ દરમિયાન આશા ભોંસલે સાથે પંચમની નિકટતા વધવા લાગી હતી.
7 માર્ચ 1979ના દિવસે બંનેએ લગ્ન કરી લીધાં. આ પ્રસંગમાં લતા મંગેશકર, કિશોરકુમાર, હૃદયનાથ મંગેશકરનાં પત્ની ભારતી મંગેશકર અને તેમના એક મિત્ર બાબુભાઈ દેસાઈ હાજર હતાં.
પંચમનાં માતા મીરાંને એ બીકના કારણે આ સમાચાર નહોતા આપવામાં આવ્યા, કેમ કે, તેમને એ વાતથી દુઃખ ન થાય કે તેમના પુત્રએ એવી મહિલા સાથે લગ્ન કર્યાં જે ઉંમરમાં તેમના કરતાં છ વર્ષ મોટાં છે અને વિધવા છે. આ પ્રસંગે એક પણ તસવીર ખેંચવામાં નહોતી આવી.
માત્ર 54 વર્ષની ઉંમરે મૃત્યુ
3 જાન્યુઆરી 1994એ રાત્રે અઢી વાગ્યે પંચમ ટીવી પર બીબીસી સમાચાર જોઈ રહ્યા હતા. અચાનક તેમને પરસેવો થવા લાગ્યો અને તેમને છાતીમાં ભયંકર દુખાવો ઊપડ્યો. તરત જ ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી.
3 વાગ્યા ને 40 મિનિટે, ઍમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચે એ પહેલાં, આરડી બર્મન બેભાન થઈ ગયા હતા. હૉસ્પિટલ પહોંચતાં જ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તે સમયે તેમની ઉંમર ફક્ત 54 વર્ષ હતી. તેમનાં માતા મીરાં દેવ બર્મન તે સમયે અલ્ઝાઇમરથી પીડિત હતાં. 2007માં પોતાના જીવનના છેલ્લા દિવસો સુધી તેઓ એમ જ સમજતાં રહ્યાં કે તેમનો પુત્ર તબલૂ લંડનમાં રહીને સંગીતરચના કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS