Source : BBC NEWS

ગુજરાત, ચેરનાં વૃક્ષ, આર્થિક સદ્ધરતા, મજૂરીકામ, કમાણી, પર્યાવરણ, ભરૂચ, બીબીસી ગુજરાતી, જળવાયુ પરિવર્તન, દરિયાઈ જીવસૃષ્ટિ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

  • લેેખક, ઋષિ બેનરજી
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 12 જાન્યુઆરી 2025, 16:54 IST

    અપડેટેડ 2 કલાક પહેલા

”હું પહેલાં દૈનિક મજૂરી કરતી હતી અને મને મજૂરી તરીકે નજીવી રકમ મળતી હતી. મેં વર્ષો સુધી આ રીતે કામ કર્યું છે. ચેરનાં વૃક્ષોના કારણે મને નવજીવન મળ્યું છે. આ વૃક્ષ મારા માટે એક વરદાન સમાન છે.”

ભરૂચના જંબુસર તાલુકાના નાડા ગામમાં રહેતાં રમીલા રાઠોડના આ શબ્દો છે, જેઓ વર્ષોથી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં ચેરનાં વૃક્ષ વાવી રહ્યાં છે.

તેઓ વેઠપ્રથાનો પણ ભોગ બનેલાં છે, જ્યાં નામ અપૂરતી મજૂરીના બદલામાં કલાકો સુધી કામ કરાવાતું. પરંતુ આજે તેમની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને એ પણ માત્ર મેંગ્રુવ્સના કારણે.

મેંગ્રુવ્સને ગુજરાતીમાં ચેર કહેવાય છે, આ વૃક્ષ દરિયાઈ ધોવાણ અટકાવે છે, કાંઠા વિસ્તારની જમીનને મજબૂત કરે છે અને દરિયાઈ જીવસૃષ્ટિને સમુદ્ધ કરે છે. પરંતુ ભરૂચ જિલ્લામાં આ વૃક્ષથી લોકોનાં જીવનધોરણ ઊંચાં આવ્યાં છે.

કેટલાય પરિવારો માત્ર મેંગ્રુવ્સના કારણે સારું જીવન જીવી રહ્યા છે. આવક વધારવાની સાથેસાથે આ વૃક્ષે પરિવારોને સારી રીતે જીવવાની તક પણ આપી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લાં 15 વર્ષથી આ વૃક્ષ લોકોનાં જીવનમાં અજવાળું પાથરી રહ્યું છે.

વૉટ્સઍપ

વેઠિયા મજૂરથી માનભેર આવક મેળવવા સુધીની સફર

ગુજરાત, ચેરનાં વૃક્ષ, આર્થિક સદ્ધરતા, મજૂરીકામ, કમાણી, પર્યાવરણ, ભરૂચ, બીબીસી ગુજરાતી, જળવાયુ પરિવર્તન, દરિયાઈ જીવસૃષ્ટિ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ભરૂચ શહેરથી 81 કિલોમીટર દૂર આવેલું નાડા જંબુસર તાલુકાના કાંઠા વિસ્તારનું ગામ છે. મુખ્યત્વે માછીમારી પર નભતા આ ગામમાં પ્રવેશ કરો તો તમને ખ્યાલ નહીં આવે કે પહેલાં અહીં ક્યારેક ‘વેઠપ્રથા’ ચાલતી હશે.

વિકાસ સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ અનુસાર ગુજરાતમાં સૌથી પછાત જિલ્લાઓમાં જંબુસર તાલુકો પણ સામેલ છે. તાલુકાના મોટા ભાગના લોકો ખેતી અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, છેલ્લાં ત્રીસ વર્ષમાં 22 વખત દુષ્કાળ જેવી સ્થિતિને કારણે અહીંના લોકો આર્થિક રીતે બહુ પછાત છે.

વિકાસ સેન્ટર ફૉર ડેવલપમૅન્ટના સ્થાપક રાજેશ શાહ છેલ્લા બે દાયકાથી જંબુસરના કાંઠા વિસ્તારમાં વિવિધ કાર્યો કરે છે.

તેઓ કહે છે કે, ”તાલુકામાં રહેતા રાઠોડ સમાજના લોકો મોટા ભાગે જમીનવિહોણા ખેડૂત છે. સુવિધાઓના અભાવે અને નબળી આર્થિક સ્થિતિના કારણે સમાજના લોકો વધુ ભણી શક્યા નથી, તેઓ નાનાંમોટા કામો કરીને અથવા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.”

”1978માં જ્યારે પહેલી વખત હું અહીંનાં ગામડાંમાં આવ્યો ત્યારે રાઠોડ સમાજના લોકો ચાકર અને પાણીહારી તરીકે કામ કરતા હતા. તે વખતે રોજના દોઢ રૂપિયા મજૂરી તરીકે મળતા. સાથે તેમને માત્ર 120 દિવસ સુધી જ કામ મળતું હતું.”

”ઊંચા વ્યાજે પૈસા ઉછીના લીધા બાદ પૈસા પરત ન કરી શકતા રાઠોડ સમાજના લોકો મજૂર બની ગયા હતા. તેઓ એક રીતે મજૂર (બાંધેલા) બની ગયા હતા. તેમની પાસે બહુ ઓછા પૈસામાં કલાકો સુધી કામ કરાવાતું.”

ગુજરાત, ચેરનાં વૃક્ષ, આર્થિક સદ્ધરતા, મજૂરીકામ, કમાણી, પર્યાવરણ, ભરૂચ, બીબીસી ગુજરાતી, જળવાયુ પરિવર્તન, દરિયાઈ જીવસૃષ્ટિ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ચેરનાં વૃક્ષે વેઠિયા મજૂર બની ગયેલા આ લોકોને ન માત્ર વ્યાજના ચક્કરમાંથી બહાર કાઢ્યા પરંતુ આર્થિક રીતે સદ્ધર પણ કર્યો. પણ આ શક્ય કઈ રીતે બન્યું?

રાજેશ શાહ કહે છે કે, ”અમે તેમના ઉત્થાન માટે યોજના બનાવવાનું નક્કી કર્યું. આ વિસ્તારમાં ચેરનાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી હતી. અમને વિચાર આવ્યો કે ચેર વૃક્ષોના પ્લાન્ટેશન થકી આ લોકોને મદદ કરી શકાય છે અને તેમને ગરીબી રેખામાંથી બહાર કાઢી શકાય છે. અમે વિચાર પર અમલ શરૂ કરી દીધો અને ચેરની રોપણીનો પ્રોજેક્ટ લૉન્ચ કર્યો.”

”સર્વે કર્યા બાદ સાલ 1999માં જંબુસર તાલુકાનાં 15 ગામડાંમાં અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટના કારણે ત્રણ હજાર કરતાં પણ વધુ પરિવારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ ગુજરાતનો પ્રથમ એવો પ્રોજેક્ટ હતો જેમાં વૃક્ષ વાવવાના બદલામાં દેનિક વેતન મળે છે.”

હાલમાં જંબુસર તાલુકાના નાડા, નેજા, દેવલા અને આજુબાજુનાં ગામડાંમાં મેંગ્રુવ્સ પ્લાન્ટેશન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં લોકોને 250 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધી મજૂરી તરીકે આપવામાં આવે છે.

રાજેશ શાહ કહે છે કે, ”આ લોકોને સતત કામ આપવામાં આવે છે. એક વર્ષમાં આઠ મહિના જેટલું કામ તેમને મળી રહી છે. બાકીના મહિનાઓમાં તેઓ ખેતી, માછીમારી અથવા બીજાં કામો કરે છે. આ પ્રોજેક્ટથી ફાયદો એ થયો છે કે લોકો ન માત્ર આર્થિક રીતે પગભર થયાં પરંતુ સામાજિક કુપ્રથાથી પણ મુક્તિ મળી છે.”

‘અમે હવે દેવાદાર નથી રહ્યા’

ગુજરાત, ચેરનાં વૃક્ષ, આર્થિક સદ્ધરતા, મજૂરીકામ, કમાણી, પર્યાવરણ, ભરૂચ, બીબીસી ગુજરાતી, જળવાયુ પરિવર્તન, દરિયાઈ જીવસૃષ્ટિ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

વિકાસ એનજીઓ માટે ભરૂચ જિલ્લાની જવાબદારી સંભાળતા રમેશ કટેસિયા કહે છે કે, ”જબંસુર તાલુકામાં મોટાં ભાગનાં ગામો દરિયાકાંઠામાં આવેલાં છે. ભરતી વખતે દરિયાનું પાણી ખેતર સુધી આવી પ્રવેશી જવાના કારણે જમીનની ગુણવત્તા બગડી ગઈ હતી. ઉપરાંત દરિયા તરફથી આવતી હવામાં ખારાશનું પ્રમાણ વધારે હોવાથી પાક નિષ્ફળ જતો હતો અથવા ઓછું ઉત્પાદન મળતું હતું.

”ચેરનાં વૃક્ષો વાવ્યાં બાદ દરિયાનું પાણી આવતું અટક્યું છે અને હવામાં ખારાશના પ્રમાણમાં પણ ઘટાડો આવ્યો છે. હાલમાં અહીંના ખેડૂતો ઘઉં ઉપરાંત અન્ય પાક પણ લઈ રહ્યા છે.”

માત્ર ખેતી જ પરંતુ પશુપાલન અને માછીમારીમાં પણ સ્થિતિ સુધરી છે. કાંતિ રાઠોડ વર્ષોથી માછીમારી થકી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ પગડિયા માછીમાર છે અને વર્ષોથી લેવટા માછલી પકડીને ગુજરાન ચલાવે છે.

તેઓ કહે છે, ”પહેલાં માછલી પકડવા માટે દરિયાકાંઠાથી 15 કિલોમીટરથી પણ વધારે ચાલવું પડતું હતું, કારણ કે માછલીઓ જ મર્યાદિત સંખ્યામાં હતી. ચેરનાં વૃક્ષો આવ્યાં બાદ અમને બે અથવા ત્રણ કિલોમીટરની અંદર જ પૂરતા પ્રમાણમાં લેવટા મળી જાય છે. ભરતી વખતે આ માછલીઓ ઝાડનાં મૂળિયાંની આસપાસ ખોરાક માટે આવતી હોય છે. લેવટાની કિંમત પણ સારી મળતા અમારી આવક પણ વધી છે. હવે અમે દેવાદાર રહ્યા નથી.”

રમેશ કટેસિયા કહે છે કે, ”ચેર મોટા જથ્થામાં પાંદડાં ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રીય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ કરે છે. આ વૃક્ષો વિવિધ પ્રકારનાં પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન આશ્રયસ્થાન પૂરું પાડે છે. તેનાથી સ્થાનિક હવામાનમાં પણ સુધારો આવે છે.”

ચેરનાં વૃક્ષો કઈ રીતે મદદરૂપ થઈ રહ્યાં છે?

ગુજરાત, ચેરનાં વૃક્ષ, આર્થિક સદ્ધરતા, મજૂરીકામ, કમાણી, પર્યાવરણ, ભરૂચ, બીબીસી ગુજરાતી, જળવાયુ પરિવર્તન, દરિયાઈ જીવસૃષ્ટિ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ચેરનાં વૃક્ષો ભરતી – ઓટના સમય દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ જીવો અને પરવાળાને ટેકો આપે છે. આ વૃક્ષો માછલીઓ અને જુદા જુદા જીવના સંવર્ધન અને ઉછેર માટે આદર્શ રહેઠાણ ઊભું કરે છે. તેનાં મૂળિયાં દરિયાઈ ભરતી વખતે પાણીની ગતિ ઘટાડી નાખે છે, જેના કારણે કાંપ મૂળિયાં પાસે ભેગો થાય છે અને જમીન તૈયાર કરે છે.

પર્યાવરણ નિષ્ણાત એમ. એસ. શેખ કહે છે કે, “દરિયા અને ગામ વચ્ચે આ વૃક્ષો વાવવાથી દરિયાઈ જમીનનું ધોવાણ અટકે છે. સાથેસાથે નવી જમીન મેળવવામાં પણ આ વૃક્ષો મદદરૂપ થાય છે. હાલનાં વર્ષોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાંની સંખ્યા વધી છે ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોની આજીવિકા અને આ સમગ્ર વિસ્તારને નુકસાનીથી બચાવવા માટે ચેરનાં વૃક્ષો ખૂબ જ જરૂરી છે.”

નાડા ગામમાં આ વૃક્ષોના કારણે ગામલોકો ત્રણ કિલોમીટર સુધીના દરિયાકાંઠાને બચાવવામાં સફળ થયા છે, જેના કારણે નવી ફળદ્રુપ જમીન મળી છે. બીજાં ગામોમાં પણ જમીનના ધોવાણને અટકાવવામાં સફળતા મળી છે.

રાજીવ શાહ કહે છે કે, ”અમે ચેર સાથે અન્ય વૃક્ષો પણ વાવી રહ્યાં છીએ, જેને બાયૉશિલ્ડ કહીએ છીએ. વૃક્ષોની હારમાળા ખારાં પાણી અને પવનને ફળદ્રુપ જમીન સુધી જતાં અટકાવે છે. તેના કારણે ધોવાણ અટકે છે અને જમીન પણ ખારી થતાં બચી જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વિસ્તારોમાં ખેતીમાં વધારો થયો છે.”

ગ્રેટ ગ્રીન વૉલ પ્રોજેક્ટ

ગુજરાત, ચેરનાં વૃક્ષ, આર્થિક સદ્ધરતા, મજૂરીકામ, કમાણી, પર્યાવરણ, ભરૂચ, બીબીસી ગુજરાતી, જળવાયુ પરિવર્તન, દરિયાઈ જીવસૃષ્ટિ

ઇમેજ સ્રોત, Rajeev Shah@vikas-cfd

ગ્રેટ ગ્રીન વૉલ ઑફ ગુજરાત (GGWG) એ ગુજરાતના કાંઠા વિસ્તારમાં દરિયાઈ ધોવાણ અટકાવવા માટે વિકાસ સેન્ટર ફૉર ડેવલપમૅન્ટે નવો પ્રોજેક્ટ બનાવ્યો છે જે ગ્રેટ ગ્રીન વૉલ પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. આ પ્રોજેક્ટને સામાજિક વૃક્ષારોપણ થકી જળવાયુ પરિવર્તનની અસરને ખાળવાના એક ઉપાય તરીકે જોવાઈ રહ્યો છે.

રાજીવ શાહ કહે છે કે, ”જનભાગીદારી થકી મોટા પાયે વૃક્ષારોપણ કરવાનો આ સમગ્ર ભારતનો સૌથી મોટો પ્રોજેક્ટ છે જેમાં આટલી મોટા વિસ્તારમાં તવર અને અન્ય વૃક્ષો વાવવામાં આવશે. હાલમાં ત્રણ હજાર હેક્ટરમાં કામ પ્લાન્ટેશન થઈ ગયું છે અને બીજા વિસ્તારમાં કામ હાલ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અમે ગામના લોકો તાલીમ પણ આપીએ છીએ જેમાં પહેલાં તેઓ ચેરના રોપા તૈયાર કરે છે અને ત્યાર બાદ કેવી રીતે રોપવા એ શીખવવામાં આવે છે.”

ગુજરાત સરકાર અને ગીર ફાઉન્ડેશને પણ આ સમગ્ર પ્રોજેક્ટમાં સહયોગ આપ્યો છે, જે અનુસાર 42 ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. વિકાસ અનુસાર આ પ્રોજેક્ટથી 25 હજાર 900 પરિવારોને લાભ થશે.

ગુજરાતના રાજ્યકક્ષાના વન્ય, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને જળસંસાધન મંત્રી મુકેશ પટેલ કહે છે, “આ પ્રોજેક્ટથી ન માત્ર દરિયાઈનું ધોવાણ અટકે છે પરંતુ લોકોને રોજગારી પણ મળી રહી છે. વાતાવરણમાં કાર્બનનું સ્તર ઘટાડવા માટે ચેરનું વૃક્ષો ખૂબ જરૂરી છે. આ પ્રોજેક્ટ થકી અમે લોકોને પગભર પણ કરી રહ્યા છીએ. હાલમાં ગુજરાતના 23 જિલ્લામાં વિવિધ આ પ્રોજેક્ટ હેઠળ ચેરની રોપણી કરાઈ રહી છે.”

કચ્છમાં સૌથી વધુ ચેરનાં વૃક્ષો

ગુજરાત, ચેરનાં વૃક્ષ, આર્થિક સદ્ધરતા, મજૂરીકામ, કમાણી, પર્યાવરણ, ભરૂચ, બીબીસી ગુજરાતી, જળવાયુ પરિવર્તન, દરિયાઈ જીવસૃષ્ટિ

ઇમેજ સ્રોત, Twitter@InfoGujarat

આ વૃક્ષોની લગભગ 80 વિવિધ પ્રજાતિ છે. પાણીનો પ્રવાહ ધીમો હોય છે એવી ઓછી ઑક્સિજનવાળી જમીનમાં તે ઊગે છે.

ચેર જંગલો વિષુવવૃત્તની નજીકના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય અક્ષાંશો પર જ ઊગે છે, કારણ કે તે ઠંડું તાપમાન સહન કરી શકતાં નથી.

ભારતમાં 4992 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરનાં જંગલો છે. ગુજરાતમાં 1175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરનાં વૃક્ષો છે અને રાજ્ય દેશમાં બીજા ક્રમે છે.

ગુજરાતમાં કચ્છ, કચ્છનો અખાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ચેરનાં જંગલો આવેલાં છે. રાજ્યમાં સૌથી વધુ ચેરનાં વૃક્ષો કચ્છ જિલ્લામાં છે જે બાદ અનુક્રમે કચ્છનો અખાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવે છે.

રાજ્યમાં ચેરની 15 જેટલી પ્રજાતિઓ મળી આવે છે. ચેરની વિવિધતા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે છે. દરિયાઈ ભરતી વખતે ચેરનાં મૂળિયાં પાણીના પ્રવાહની ઝડપ ધીમી કરી નાખે છે જેના કારણે ધોવાણ થતું નથી.

SOURCE : BBC NEWS