Source : BBC NEWS
‘મા તે મા, બીજા બધા વગડાના વા’- આ કહેવત માત્ર મનુષ્યો માટે જ નહીં, પરંતુ પ્રાણીઓ માટે પણ એટલી જ લાગુ પડે છે.
પોતાનાં બાળકોને સાચવવા માટે માતા કોઇપણ હદે જઇને જોખમ લેતી હોય છે. સિંહણનાં બાળકોને અન્ય સિંહ, દીપડા કે અન્ય કોઈ પ્રાણી મારી ન નાખે તે માટે સિંહણ પણ એટલું જ ધ્યાન રાખે છે.
સિંહણ કોઈની અવર જવર ન હોય તેવા ઝાડી-ઝાંખરામાં જ બચ્ચાંને જન્મ આપે છે અને બચ્ચાંઓને જન્મ આપ્યા બાદ એકાદ મહિના સુધી બાળકો સાથે જ રહે છે.
સામાન્ય રીતે સિંહ પોતાનાં બચ્ચાંને મારતો નથી, પરંતુ અન્ય સિંહનાં બચ્ચાંને મારી નાખે છે.
સિંહણ બાળકોને જન્મ આપ્યા બાદ તેમનું કેવી રીતે તેનું ધ્યાન રાખે છે? બાળકોનાં જન્મ પછી સિંહ શું કરે છે? સિંહણ બચ્ચાંનો શિકાર કેવી રીતે કરે છે? જાણો આ અહેવાલમાં…
સિંહણ જન્મ બાદ બચ્ચાંને દૂર કેમ લઈ જાય છે?
જૂનાગઢનાં સીસીએફ આરાધના સાહુએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું,” સિંહણ ગર્ભવતી થયા બાદ સિંહથી અલગ થઈ જાય છે, તેમજ તે સમય દરમિયાન તે મૅટિંગ પણ કરતી નથી. જ્યારે તે બચ્ચાંઓને જન્મ આપવાની હોય તેના થોડા સમય પહેલાં તે ગાઢ જંગલમાં ઝુંડથી અલગ રહેતી હોય છે. તેમજ તે સમય દરમિયાન તે થોડી ઍગ્રેસિવ પણ થઈ જાય છે.”
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર રાજન જોશી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, “સિંહણ ગર્ભધારણના આશરે 110 દિવસ બાદ બચ્ચાંઓને જન્મ આપે છે. સિંહણ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ બચ્ચાંઓને જન્મ આપે છે. બચ્ચાંને જન્મ આપ્યા બાદ સિંહણ છ થી આઠ અઠવાડિયા સુધી પોતાનાં ઝુંડથી દૂર રહે છે. કેટલીકવાર બે સિંહણ આસપાસના સમયમાં જ બચ્ચાંઓને જન્મ આપતી હોય છે તો તે સાથે પણ રહેતી હોય છે અને એકબીજાનાં બચ્ચાંનું ધ્યાન રાખતી હોય છે.”
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડયા કહે છે, “સિંહણ બચ્ચાંને જન્મ આપવાના ત્રણ ચાર દિવસ પહેલાંથી સુરક્ષિત જગ્યા પર આવી જતી હોય છે. સિંહણ બચ્ચાંને જન્મ આપ્યા બાદ લગભગ એક મહિના જેટલા સમયગાળા દરમિયાન માત્ર પાણી પીવા તેમજ શિકાર માટે નજીકમાં જ જાય છે. બાકીનો સમય તે બાળકો સાથે જ રહે છે.”
તેઓ કહે છે, “સિંહબાળ જન્મના આઠથી દસ દિવસ બાદ આંખો ખોલે છે. ત્યારબાદ તેઓ પોતાની જગ્યા પર જ ધીમે-ધીમે ચાલતા શીખે છે.”
અમરેલીના રેડિયોલૉજિસ્ટ ડૉ. જલ્પન રૂપાપરા જણાવે છે કે “કેટલીકવાર સિંહણે અગાઉ જે જગ્યા પર બાળકોને જન્મ આપ્યો હોય અને તેને તે જગ્યા સુરક્ષિત લાગતી હોય તો તે જ જગ્યાએ બાળકોને બીજી વાર જન્મ આપે છે. બિલાડીકુળનાં દરેક પ્રાણીઓ જન્મ બાદ બાળકોની જગ્યા બદલાવતા રહે છે. સિંહણ પણ બચ્ચાઓને જન્મ આપ્યાં બાદ તેમની જગ્યા બદલાવતી રહે છે. કારણ કે પ્રાણીઓ પેશાબની ગંધથી આવી શકે છે અને તેમના પર હુમલો કરી શકે છે.”
આરાધના સાહુ જણાવે છે કે, “જયારે બચ્ચાં નાનાં હોય ત્યારે સિંહણને અન્ય કોઈ સિંહથી જોખમ લાગે તો તે બચ્ચાંની જગ્યા બદલી નાખતી હોય છે.”
સિંહણ બચ્ચાંની કેવી સંભાળ રાખે છે?
ડૉ. જલ્પન રૂપાપરા જણાવે છે કે “સિંહણનાં બચ્ચાં જન્મથી લગભગ ત્રણ મહિના સુધી માતાનાં દૂધ પર જ નિર્ભર હોય છે. ત્રણ મહિના બાદ બચ્ચાં દૂધની સાથે થોડું થોડું માંસ ખાવાનું પણ શરૂ કરે છે.”
ભૂષણ પંડ્યા જણાવે છે કે “બાળકો અઢીથી ત્રણ મહિનાના હોય ત્યારપછી જ તે બહાર આવે છે. મેં જોયું છે કે સિંહણ પહેલાં બહાર આવે છે ત્યારબાદ એક પછી એક બચ્ચાં બહાર આવીને સિંહણની સાથે બેસે છે. જોકે, થોડો પણ અવાજ થાય તો તે અંદર ભાગી જાય છે.”
ગુજરાતનાં ગીરનાં જંગલોમાં સિંહોનો અભ્યાસ કરતાં વન્યજીવ શોધકર્તા ડૉ. રવિ ચેલમે અગાઉ બીબીસી તામિલ સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે , “હકીકતમાં સિંહ એકલા નથી રહેતા અને ઝુંડમાં રહે છે. ઝુંડમાં એક કરતાં વધારે સિંહણ અને તેનાં બચ્ચાં હોય છે. સિંહના વિસ્તારમાં એક કરતાં વધારે ઝુંડ પણ હોય છે.”
ભૂષણ પંડયા જણાવે છે કે, “ઝુંડમાં દરેક સિંહણ દરેક બચ્ચાંને પોતાના બચ્ચાંની માફક સાચવે છે, દૂધ પીવડાવે છે તેમજ તેની સુરક્ષા પણ કરતી જોવા મળે છે.”
એક કિસ્સો યાદ કરતાં તેઓ જણાવે છે કે “થોડાં વર્ષો પહેલાં ગીરમાં મેં એક ઝુંડમાં ચાર સિંહણ અને 11 બચ્ચાઓ સાથે રહેતાં જોયાં હતાં. એકસાથે 15 સભ્યોનું એ સૌથી મોટું ઝુંડ હતું. મારે તેમનો ઝુંડમાં સાથે ફોટો પાડવો હતો. તેના માટે મેં ચાર મહિના સુધી સમયાંતરે તેમને ફૉલો કર્યાં હતાં. આ દરમિયાન મેં જોયું કે દરેક સિંહણ દરેક બચ્ચાંને સરખું જ સાચવતી હતી. તમે ક્યારેય ઓળખી જ ન શકો કે કયાં બચ્ચાંની માતા કઈ છે. તેઓ સમૂહમાં ચાલતાં હોય ત્યારે પણ જે અનુભવી સિંહણ હોય તે વચ્ચે જ ચાલતી હોય. તેને કંઈ પણ શંકાસ્પદ અવરજવર લાગે તો તે બચ્ચાં ફરતે ઢાલ બનીને ઊભી રહી જાય.”
તેઓ વધુમાં જણાવે છે કે, “અન્ય સિંહ કે અન્ય પ્રાણીઓ બચ્ચાં પર હુમલો કરે ત્યારે સિંહણ બચ્ચાંનું રક્ષણ કરવા માટે લડતી હોય છે. ઝુંડમાં એક કરતાં વધારે સિંહણ હોય તે દરેક સિંહણ લડે છે. પરંતુ જો શક્તિશાળી સિંહ હોય તો તે બચ્ચાંને મારી પણ નાખે છે.”
“જ્યારે સિંહણ સાથે જ્યારે તેનાં બચ્ચાં હોય છે ત્યારે તે ખૂબ જ ઍગ્રેસિવ હોય છે. તે સમય દરમિયાન સિંહણ કે બચ્ચાંનો નજીકથી ઍપ્રોચ ન કરી શકાય.”
સિંહણનું બચ્ચું શિકાર કરતાં ક્યારે શીખે છે?
સિંહણ શિકાર કરતી હોય ત્યારે બચ્ચાં પણ સાથે હોય તો તે માતાને શિકાર કરતાં જોઈને શીખે છે.
ભૂષણ પંડ્યા જણાવે છે કે “આફ્રિકામાં ખુલ્લાં મેદાનો છે જેથી પીછો કરીને શિકાર કરવામાં આવે છે. જ્યારે ગીરમાં ડુંગરાળ વિસ્તાર છે. તેથી અહીં સિંહણ છુપાઈને બેસે છે અને બીજાં પ્રાણીઓ પાણી પીવા આવે ત્યારે હુમલો કરીને શિકાર કરે છે.”
ભૂષણ પંડ્યા જણાવે છે કે, “સિંહણ તેનાં બચ્ચાંને શિકાર કરવા માટે તૈયાર કરે છે. શિકાર કરતાં પહેલાં શિકારને કેવી રીતે કૉર્ડન કરવો, કેવી રીતે સર્કલ કરવું તેમજ કેવી રીતે હુમલો કરવો તે પણ શીખવે છે.”
ડૉ. જલ્પન રૂપાપરા જણાવે છે, “સિંહણનાં બચ્ચાં સામાન્ય રીતે દોઢ-બે વર્ષનાં થાય એટલે નાનાં બકરીનાં બચ્ચાં, ગાયનાં નાનાં વાછરડાં, નીલગાયનાં નાનાં બચ્ચાં વગેરેનો શિકાર કરવાનું શરૂ કરે છે. શરૂઆતમાં તે સફળ થતાં નથી પરંતુ ધીમે ધીમે તે શીખી જાય છે.”
રાજન જોશી જણાવે છે, ” એશિયાટિક સિંહ સમૂહમાં રહે છે. તેથી તેમને શિકાર કરતાં તેમની મા ઉપરાંત સમૂહમાં રહેતી અન્ય સિંહણ પણ શીખવતી હોય છે.”
રવિ ચેલમે જણાવ્યું હતું કે, “સિંહણ જે ઝુંડમાં જન્મે છે તે જ ઝુંડમાં પોતાની માતા, દાદી અને બહેનો સાથે રહે છે. જોકે, સિંહને એક ઉંમર પછી ઝુંડથી અલગ કરી દેવામાં આવે છે. ત્યારબાદ સિંહે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે બીજા ઝુંડના સિંહ સાથે લડવું પડે છે.”
આરાધના સાહુ જણાવે છે કે, “સિંહણનાં બચ્ચાઓ ત્રણ-ચાર મહિના બાદ ઝુંડમાં ફરે છે. તે સમયે તેમની માતા અને ઝુંડ જે શિકાર કરે છે, તેમાંથી થોડું થોડું માંસ ખાતા શીખે છે. તેમજ ધીમે-ધીમે તે શિકાર કરતાં પણ સાથે રહીને જ શીખી જાય છે.”
સિંહ વધારે ધ્યાન રાખે કે સિંહણ?
રાજન જોશી જણાવે છે કે “સિંહ સામાન્ય રીતે પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરે છે.”
ભૂષણ પંડયા જણાવે છે કે, “સિંહ પોતાનાં બાળકોને મારતા નથી, પણ તેનું રક્ષણ કરે છે. પરંતુ અન્ય સિંહનાં બાળકોને તે મારી નાખે છે.”
તેઓ કહે છે કે, “સિંહનો વિસ્તાર હોય છે જેમાં એક કે બે સિંહ હોય છે. એક સિંહ હોય તો તેનો વિસ્તારનો હિસ્સો ઓછો હોય છે. જ્યારે બે સિંહ હોય તો તે વધુ તાકાતવર થઈ જાય છે અને તેમનો વિસ્તાર વધી જતો હોય છે.”
“સામાન્ય રીતે આફ્રિકાના સિંહ શિકાર કરતા નથી. પરંતુ એશિયાટિક સિંહ ક્યારેક શિકાર પણ કરે છે.”
આરાધના સાહુ જણાવે છે કે, “સિંહણનાં બચ્ચાંના ઉછેરમાં સિંહની કોઈ ભૂમિકા હોતી નથી. સિંહ બચ્ચાંને મારી નાખતા હોય છે. પરંતુ અમે ક્યારેક સિંહ અને બચ્ચાંને સાથે બેસેલા પણ જોયા છે.”
સિંહની અંગતપળો
ડૉ. સંદિપ કુમાર અને મોહિન પઠાણ દ્વારા લખવામાં આવેલા ‘ગિરનો સિંહ’ પુસ્તકમાં સિંહની અંગતપળો શીર્ષક હેઠળ લખાયેલી વિગતોમાં જણાવાયું છે કે, “સિંહ કોઈ ચોક્કસ ઋતુમાં સમાગમ નથી કરતાં પરંતુ આખા વર્ષમાં ગમે ત્યારે સમાગમ કરે છે.”
“સિંહણને સમાગમની ઇચ્છા થાય ત્યારે તે વિવિધ સંકેતો દ્વારા જણાવવાનો પ્રયત્ન કરે છે. સિંહ એ સિંહણની ગંધ દ્વારા સમજી જાય છે. સિંહ સમૂહમાં હોય તો સમૂહથી અલગ થઈને અંગત સમય વિતાવે છે.”
“સમાગમનો સમય પાંચથી સાત દિવસ સુધી ચાલે છે. સમાગમના સમય દરમિયાન ભાગ્યે જ તેઓ ખોરાક લે છે. પાણી વધારે પીવે છે અને શક્તિ બચાવે છે. સિંહ ચાર કલાકમાં 50થી 60 વખત સમાગમ કરવાની પ્રજનન ક્ષમતા ધરાવે છે.”
“સમૂહમાં એક કરતાં વધારે સિંહ હોય તો જે સિંહ પહેલા પહોંચે તે સમાગમ કરે છે. બીજો સિંહ વિસ્તરણ નિરીક્ષણ માટે નિકળી જાય છે. તેઓ ઝઘડતા નથી. વિસ્તરણ નિરીક્ષણ કરી રહેલો સિંહ ત્રણ દિવસ બાદ ગર્જના કરે છે અને ત્યારબાદ તે સમાગમની જગ્યા પર આવે છે. ત્યારબાદ પહેલો સિંહ ત્યાંથી નીકળી જાય છે.”
“ઝુંડમાં ત્રણ સિંહણ હોય અને તેઓ સાથે સમાગમની ઇચ્છા દર્શાવે ત્યારે બે સિંહ અને સિંહણ પાંચેય સાથે પણ સમાગમ કરે છે.”
આરાધના સાહુ જણાવે છે કે, “સિંહ બચ્ચાંને મારી ન નાખે તેના માટે જ્યારે તે બચ્ચાં નાનાં હોય ત્યારે તે સિંહને પાસે આવવા દેતી નથી અને એ સમયે તે સમાગમ પણ કરતી નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS