Source : BBC NEWS

નવી દિલ્હીની 24, અકબર રોડસ્થિત કૉંગ્રેસનું મુખ્ય કાર્યાલય

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, રેહાન ફઝલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 15 જાન્યુઆરી 2025, 16:28 IST

    અપડેટેડ 25 મિનિટ પહેલા

આ એક ટાઇપ 7 બંગલો છે, જે કૉંગ્રેસના આંધ્ર પ્રદેશના સાંસદ જી વેંકટસ્વામીને ફાળવવામાં આવ્યો હતો. વર્ષ 1978માં જ્યારે કૉંગ્રેસમાં ભાગલા પડ્યા, ત્યારે વેંકટસ્વામી એવા કેટલાક લોકોમાંના એક હતા જેમણે ઇંદિરા ગાંધીનો સાથ આપવાનો નિર્ણય કર્યો હતો.

વર્ષ 1977માં ચૂંટણી હાર્યા બાદ જ્યારે ઇંદિરા ગાંધી પાસે રહેવા માટે એક પણ જગ્યા નહોતી, ત્યારે એક સમયના તેમના સહયોગી મોહમ્મદ યુનુસે 12 વિલિંગ્ટન ક્રીસેન્ટમાં પોતાનો બંગલો તેમને રહેવા આપી દીધો અને પોતે દક્ષિણ દિલ્હીના એક મકાનમાં રહેવા ચાલ્યા ગયા.

વિલિંગ્ટન ક્રીસેન્ટમાં ઇંદિરા ગાંધી સાથે તેમના મોટા પુત્ર રાજીવ ગાંધી, તેમનાં પત્ની સોનિયા અને તેમનાં બે બાળકો રાહુલ અને પ્રિયંકા, ઇંદિરા ગાંધીના નાના પુત્ર સંજય અને તેમનાં પત્ની મેનકા રહેતાં હતાં.

આ જગ્યા એ બધાં માટે એટલી નાની હતી કે તેમાં રાજકીય પ્રવૃત્તિ માટે સહેજે શક્યતા નહોતી.

રાશિદ કિદવઈએ પોતાના પુસ્તક ’24, અકબર રોડ’માં લખ્યું છે કે, 12 વિલિંગ્ટન ક્રીસેન્ટ લોકોથી ખીચોખીચ ભરેલો હતો, તેથી 24, અકબર રોડને કૉંગ્રેસનું નવું મુખ્ય કાર્યાલય બનાવવામાં આવ્યું. આ બંગલાની સામે વાયુસેનાના અધ્યક્ષનું ઘર હતું અને તેમાં કુલ પાંચ રૂમ, એક ડ્રૉઇંગ રૂમ અને ડાઇનિંગ હૉલ તથા એક ગેસ્ટ રૂમ હતા.

કિદવઈએ લખ્યું છે, “આ ઘરની વિશેષતા એ હતી કે તેમાં એક ગેટ હતો, જે તેને 10, જનપથ સાથે જોડતો હતો. એ જમાનામાં તે યુવા કૉંગ્રેસનું મુખ્ય કાર્યાલય હતું. પછીથી એ ઘર પહેલાં વિપક્ષના નેતા તરીકે રાજીવ ગાંધી અને ત્યાર પછી સોનિયા ગાંધીને ફાળવી દેવાયું હતું.”

વૉટ્સઍપ

આંગ સાન સૂ ચીનું ઘર

2012માં જ્યારે આંગ સાન સૂ કી ભારત આવ્યા ત્યારે તેમણે લેડી શ્રી રામ કોલેજની પણ મુલાકાત લીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

આ ઘરનો બીજો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. આ બંગલો ઈસવીસન 1911થી 1925 દરમિયાન સર ઍડ્‌વિન લુટયન્સે બનાવડાવ્યો હતો. વર્ષ 1961માં બે વર્ષ માટે તેમાં બર્માનાં નેતા અને નોબેલ શાંતિ પુરસ્કારવિજેતા આંગ સાન સૂ ચી પણ રહ્યાં હતાં.

તેમનાં માતા ડૉ. ખિન કિ મ્યાંમારના નેતા આંગ સાનનાં પત્ની હતાં અને તેમને તેમના પતિના મૃત્યુ પછી ભારતમાં બર્માના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

ડૉ. ખિનના વિશેષ દરજ્જાને ધ્યાને રાખીને વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આ બંગલાને ‘બર્મા હાઉસ’ નામ આપ્યું હતું.

આંગ સાન સૂ ચીનાં જીવનચરિત્રકાર જસ્ટિન વિંટેલે પોતાના પુસ્તક ‘ધ પરફેક્ટ હોસ્ટેજ’માં લખ્યું છે, “અહીં રહ્યાં ત્યારે સૂ ચીએ જાપાની ફૂલોને સજાવવાની કલા ‘ઇકેબાના’ શીખી હતી. અહીં હતાં ત્યારે તેઓ કૉન્વેન્ટ ઑફ જીઝસ ઍન્ડ મેરી સ્કૂલમાં ભણ્યાં હતાં. ત્યાર પછી તેમણે પૉલિટિકલ સાયન્સનો અભ્યાસ કરવા માટે લેડી શ્રીરામ કૉલેજમાં ઍડમિશન લીધું હતું. આ કૉલેજ એ જમાનામાં દરિયાગંજમાં હતી.”

કૉંગ્રેસનું મુખ્ય કાર્યાલય જાળવી રાખવાને સમર્થન

બે વર્ષ માટે તેમાં બર્માનાં નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચી પણ રહ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1959માં જ્યારે ઇંદિરા ગાંધી કૉંગ્રેસનાં અધ્યક્ષ બન્યાં ત્યારે 7, જંતરમંતર રોડસ્થિત બંગલાને કૉંગ્રેસનું મુખ્ય કાર્યાલય બનાવાયું. 1969માં જ્યારે કૉંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે આ બંગલા પર મોરારજી દેસાઈના નેતૃત્વવાળા જૂથે કબજો કરી લીધો અને ઇંદિરા કૉંગ્રેસનું કાર્યાલય 5, રાજેન્દ્રપ્રસાદ રોડ પર જતું રહ્યું.

જ્યારે 1980માં ઇંદિરા ગાંધી ફરી વાર સત્તા પર આવ્યાં ત્યારે તેમણે 7, જંતરમંતર રોડના જૂના કૉંગ્રેસ કાર્યાલય પર દાવો કરવામાં કશો રસ ન બતાવ્યો.

તેમણે કહ્યું, “મેં એક વાર નહીં, બલકે બે વાર પાર્ટીને શૂન્યમાંથી ઊભી કરી છે. મારું માનવું છે કે કૉંગ્રેસનું નવું મુખ્ય કાર્યાલય આગામી દાયકાઓમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરતું રહેશે.”

જ્યારે 24, અકબર રોડના કાર્યાલયમાં તે વખતનાં ઇંદિરા ગાંધીના નિકટના સહયોગીઓ બૂટાસિંહ અને એઆર અંતુલેએ પ્રવેશ કર્યો ત્યારે બંગલામાં સામાન્ય ફર્નિચર પણ નહોતું. બંગલાના સૌથી મોટા રૂમને કૉંગ્રેસ અધ્યક્ષની ઑફિસ બનાવી દેવાયો.

ભગતે કૉંગ્રેસ પાર્ટીનું સાઇન બોર્ડ બનાવડાવ્યું

 24 અકબર રોડ સ્થિત કૉંગ્રેસ મુખ્ય કાર્યાલય

ઇમેજ સ્રોત, Getty Images

તે સમયે ઇંદિરા કૉંગ્રેસના મહાસચિવ બૂટાસિંહને એક શયનખંડમાં બેસવાની જગ્યા આપવામાં આવી હતી.

24, અકબર રોડમાં આવ્યાં તેના થોડા સમય પહેલાં સુધી ઇંદિરા કૉંગ્રેસના નેતા પહેલાં એમ. ચંદ્રશેખરના 3, જનપથવાળા નિવાસે અને પછી કમલાપતિ ત્રિપાઠીના બંગલામાં બેસતા હતા.

રાશિદ કિદવઈએ લખ્યું છે, “કમલાપતિ ત્રિપાઠી ધર્મનિષ્ઠ હિંદુ હતા. તેમના ત્યાં નિત્ય થતા હવન અને પૂજાપાઠ કૉંગ્રેસના નેતાઓને ફાવ્યા નહીં. બ્રાહ્મણ હોવા છતાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અજિતપ્રસાદ શર્માએ જ્યારે એવું કહ્યું કે તેઓ મંદિર જેવા વાતાવરણમાં કામ કરવામાં સક્ષમ નથી, ત્યારે બૂટાસિંહે વેંકટસ્વામીને પાર્ટી માટે પોતાનું ઘર આપવા માટે મનાવ્યા, જેઓ એકલા રહેતા હતા.”

દિલ્હી કૉંગ્રેસના એક મોટા નેતા હરકિશનલાલ ભગતે પોતાનાં સંસાધનોથી લાકડાનું એક બોર્ડ બનાવડાવ્યું, જેના પર લખેલું હતું – અખિલ ભારતીય કૉંગ્રેસ (ઇંદિરા). આ બોર્ડને 24, અકબર રોડના મેઇન ગેટ પર લગાડી દેવાયું.

ગેરકાયદેસર રૂમ બનાવવામાં આવ્યા

1985માં રાજીવ ગાંધી ઇચ્છતા હતા કે કૉંગ્રેસ એક આધુનિક ભવનમાં પોતાનું મુખ્ય કાર્યાલય બનાવે

ઇમેજ સ્રોત, Getty Images

અકબર રોડ બંગલામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. રાશિદ કિદવઈએ લખ્યું છે, “હવે રૂમ્સની સંખ્યા વધીને 34 થઈ ગઈ છે. મુખ્ય ભવનમાં કૉંગ્રેસ અધ્યક્ષ, મહાસચિવો અને કોષાધ્યક્ષના રૂમ્સ છે.

બંગલાની પાછળ નરસિમ્હા રાવના શાસનકાળમાં એક ડઝન કરતાં વધારે રૂમ્સ બનાવવામાં આવ્યા હતા. તેમાંનું મોટા ભાગનું નિર્માણ ગેરકાયદેસર થયું છે. તે બાદ જ્યારે જ્યારે કૉંગ્રેસ સરકારો આવી ત્યારે ત્યારે જાહેર બાંધકામવિભાગે વારંવાર પોતાની નિષ્ઠા સાબિત કરવા ભવનનિર્માણ કાયદાનું કડક પાલન ન કર્યું.”

વર્ષ 1985માં રાજીવ ગાંધી ઇચ્છતા હતા કે કૉંગ્રેસ એક આધુનિક ભવનમાં પોતાનું મુખ્ય કાર્યાલય બનાવે. તેમણે ઘણી જગ્યાએથી ફાળો લીધો અને કૉંગ્રેસના સાંસદોને પણ તેના માટે એક મહિનાનું વેતન આપવાનું કહેવાયું, જેથી રાજેન્દ્રપ્રસાદ રોડ પર એક નવી ઇમારત બનાવી શકાય.

પરંતુ, વર્ષ 1991માં રાજીવ ગાંધીના અચાનક અવસાને બધું જ બદલી નાખ્યું અને એ ભવનમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનની ઑફિસ શરૂ કરી દેવાઈ.

મુખ્ય કાર્યાલય માટે ચાર એકર જમીન

બીબીસી ગુજરાતી, અકબર રોડ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2009માં શહેરી વિકાસ મંત્રાલયે બનાવેલા નિયમો અનુસાર, કૉંગ્રેસને, બંને ગૃહમાં તેના સભ્યોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, ચાર એકરના પ્લૉટ પર ભવન બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

રસપ્રદ વાત એ છે કે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની જેમ કૉંગ્રેસ પાર્ટીને પણ પોતાનું કાર્યાલય બનાવવા માટે જમીન ફાળવવામાં આવી ત્યારે તેને કોટલા રોડ અને દીનદયાલ ઉપાધ્યાય રોડના ખૂણામાં જમીન મળી.

કૉંગ્રેસને ભારતીય જનતા પાર્ટીના વિચારકના નામ પરથી બનેલા માર્ગ પર પોતાનું મુખ્ય કાર્યાલય બનાવવામાં થોડો ખચકાટ હતો, તેથી તેણે પોતાના કાર્યાલયનું પ્રવેશદ્વાર કોટલા રોડ પર રાખવાનો નિર્ણય કર્યો.

તોફાનમાં ઝાડ પડ્યું

મે 1999માં માત્ર દસ મિનિટના તોફાને 24, અકબર રોડમાં એક મોટા ઝાડને ધરાશાયી કરી નાખ્યું. આ દુર્ઘટનામાં એક આઠ વર્ષના છોકરાનું મૃત્યુ થયું. આ ઝાડ પડવાથી પાર્ટીના મુખ્ય કાર્યાલયના પરિસરમાં બનેલું એક અસ્થાયી મંદિર પણ નષ્ટ થઈ ગયું.

આને પાર્ટી માટે ખૂબ મોટું અપશુકન માનવામાં આવ્યું. આ ઝાડ, કૉંગ્રેસનું મુખ્ય કાર્યાલય ત્યાં શિફ્ટ થયું હતું ત્યારથી 24, અકબર રોડમાં હતું. આ મંદિરને કર્ણાટકના એક વ્યક્તિએ પાર્ટીની ટિકિટ મળ્યા બાદ બનાવડાવ્યું હતું.

ઘણા બધા ટિકિટ ઉમેદવારોનું માનવું હતું કે આ મંદિરમાં પ્રાર્થના કરવાથી લોકોની રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂરી થાય છે.

સીતારામ કેસરીને હઠાવીને સોનિયા ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ બન્યાં

1996માં 24, અકબર રોડ કૉંગ્રેસના સત્તા પરથી હટવાનું સાક્ષી બન્યું

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1996માં 24, અકબર રોડ કૉંગ્રેસના સત્તા પરથી હઠવાનું સાક્ષી બન્યું. એ અલગ વાત છે કે, કૉંગ્રેસે પહેલાં એચડી દેવગૌડા અને પછી ઇન્દ્રકુમાર ગુજરાલને બહારથી સમર્થન આપીને ભારતીય જનતા પાર્ટીને સત્તામાં ન આવવા દીધી.

આ દરમિયાન, સીતારામ કેસરી કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા. 24 માર્ચ 1998એ 24, અકબર રોડમાં જ સીતારામ કેસરીને હઠાવીને સોનિયા ગાંધીને કૉંગ્રેસ અધ્યક્ષપદની જવાબદારી સોંપી દેવાઈ.

5 માર્ચ, 1998એ કૉંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવી. આ બેઠકમાં જિતેન્દ્રપ્રસાદ, શરદ પવાર અને ગુલામનબી આઝાદે કેસરીને સલાહ આપી કે સોનિયા ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનવા માટે આમંત્રિત કરે.

સીતારામ કેસરીએ એમ કરવાનો ઇનકાર કરી દીધો અને આવી સલાહ આપનાર નેતાઓ પર તેમની વિરુદ્ધ ષડ્‌યંત્ર રચવાનો આરોપ કર્યો.

સીતારામ કેસરીની નેમ પ્લેટ હઠાવી દેવાઈ

1998માં સીતારામ કેસરીને હઠાવીને સોનિયા ગાંધી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની જવાબદારી સૌંપવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ત્યાર પછી સીતારામ કેસરીએ કાર્યસમિતિની બેઠકની સમાપ્તિની જાહેરાત કરી દીધી.

પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તક ‘ધ કોએલિશન યર્સ’માં લખ્યું છે, “તેમ છતાં, કૉંગ્રેસ કાર્યસમિતિના બધા નેતા ત્યાંથી હઠ્યા નહીં; કેમકે, હું સૌથી વરિષ્ઠ નેતા હતો તેથી મને બેઠકની અધ્યક્ષતા કરવા માટે કહેવામાં આવ્યું. મેં એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેને કાર્યસમિતિના બધા સભ્યોએ એકમતે સ્વીકારી લીધો.

પ્રસ્તાવમાં, કૉંગ્રેસ કાર્યસમિતિએ, સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવાની ઇચ્છા દર્શાવવા બદલ પાર્ટી અધ્યક્ષ સીતારામ કેસરીનો આભાર માન્યો. પ્રસ્તાવમાં, કૉંગ્રેસને નેતૃત્વ આપવા બદલ પણ સીતારામ કેસરીનો આભાર માનવામાં આવ્યો. ત્યાર પછી કાર્યસમિતિના કેટલાક સભ્યો આ ઠરાવની એક નકલ લઈને સોનિયા ગાંધી પાસે ગયા અને તેમને કૉંગ્રેસ અધ્યક્ષનું પદ સ્વીકારવાની વિનંતી કરી.”

સોનિયાએ એ વિનંતીનો સ્વીકાર કર્યો. સીતારામ કેસરીએ બૂમો પાડીને વિરોધ પ્રગટ કર્યો કે તેઓ હજુ પણ કૉંગ્રેસના અધ્યક્ષ છે, પરંતુ, પાર્ટીના ઉપાધ્યક્ષ જિતેન્દ્રપ્રસાદે ખૂબ ઘોંઘાટ વચ્ચે જાહેર કર્યું કે હવેથી સોનિયા ગાંધી પાર્ટીનાં અધ્યક્ષ છે.

રાશિદ કિદવઈએ લખ્યું છે, “પદ પરથી હઠાવાયેલા સીતારામ કેસરી રૂમમાંથી બહાર નીકળ્યા. તેમની પાછળ તારિક અનવર પણ ગયા. જ્યારે તેઓ રૂમની બહાર નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તેમની નેમ પ્લેટ ત્યાંથી હઠાવી દેવામાં આવી છે અને તેના સ્થાને કમ્પ્યૂટર પ્રિન્ટ આઉટ પર લખેલું છે – ‘સોનિયા ગાંધી, કૉંગ્રેસ અધ્યક્ષ’.”

સોનિયાએ મનમોહનસિંહને આગામી વડા પ્રધાન તરીકે પસંદ કર્યા

પોતાના બદલે મનમોહન સિંહને ભારતના આગામી વડાપ્રધાન બનાવીને સોનિયા ગાંધીએ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા

ઇમેજ સ્રોત, Getty Images

એક વર્ષ પછી 24, અકબર રોડ ખાતે જ કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં શરદ પવાર, પીએ સંગમા અને તારિક અનવરે વિદેશી મૂળના મુદ્દે સોનિયા ગાંધી વિરુદ્ધ બળવો કર્યો.

સોનિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, પરંતુ, જ્યારે આ નેતાઓને કૉંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું.

આ બેઠક પછી પૂર્વ પાર્ટી અધ્યક્ષ સીતારામ કેસરી સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને તેમની કારને નુકસાન કરવામાં આવ્યું. તેમણે પોતાનો ફાટેલો કુર્તો બદલવા માટે પોતાના ઘરે પાછા જવું પડ્યું.

તેમની સાથે આ બધું એટલા માટે કરવામાં આવ્યું, કેમ કે, બળવો કરનારા એક નેતા તારિક અનવર તેમના નિકટવર્તી હતા. વર્ષ 2004ની‌ ચૂંટણીમાં, આઠ વર્ષ પછી, કૉંગ્રેસ ફરી સત્તામાં પાછી આવી; ત્યારે એવું લાગતું હતું કે સોનિયા ગાંધી દેશનાં આગામી વડાં પ્રધાન બનશે; પરંતુ, તેમણે મનમોહનસિંહને ભારતના આગામી વડા પ્રધાન બનાવીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS