Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, અફઘાનિસ્તાન, ભારત, રાજકારણ

ઇમેજ સ્રોત, MEA India

અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથેનો ભારત સરકારનો તાજેતરનો રાજદ્વારી સંપર્ક આ પ્રદેશમાં ભૂરાજકીય વાસ્તવિકતાને જોવાના અભિગમમાં ઉલ્લેખનીય પરિવર્તનનો સંકેત આપે છે.

કાબુલ તાલિબાનના કબજામાં આવ્યા પછી ભારતને મોટો વ્યૂહાત્મક અને રાજદ્વારી ફટકો પડ્યો તેનાં ત્રણ વર્ષથી વધુ સમય પછી આવું થઈ રહ્યું છે.

લશ્કરી તાલીમ, સ્કૉલરશિપ્સ અને નવી સંસદના નિર્માણ જેવા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ દ્વારા અફઘાનિસ્તાનની લોકશાહીમાં બે દાયકાથી કરવામાં આવી રહેલું રોકાણ જાણે કે થંભી ગયું હતું. કાબુલમાં લોકશાહી સરકારના પતનથી ખાસ કરીને પાકિસ્તાન તથા ચીન જેવા પ્રાદેશિક હરીફોના પ્રભાવનો માર્ગ મોકળો થયો હતો. ભારતની વ્યૂહાત્મક વગ ખતમ થઈ ગઈ હતી અને સુરક્ષા સંબંધી નવી ચિંતા સર્જાઈ હતી.

તેમ છતાં ગયા સપ્તાહે પરિવર્તનનો સંકેત મળ્યો. ટોચના ભારતીય રાજદ્વારી અધિકારી વિક્રમ મિસ્ત્રીએ તાલિબાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી સાથે દુબઈમાં મુલાકાત કરી હતી, જે કાબુલમાં લોકશાહી સરકારના પતન પછીની ઉચ્ચતમ સ્તરની પહેલી મુલાકાત હતી. તાલિબાન સરકારે ભારતને “નોંધપાત્ર પ્રાદેશિક અને આર્થિક શક્તિ” ગણાવીને તેની સાથે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવામાં રસ દર્શાવ્યો હતો.

અહેવાલ મુજબ, એ વાતચીત વેપારના વિસ્તરણ અને ઈરાનના ચાબહાર બંદરનો લાભ લેવા પર કેન્દ્રિત હતી. પાકિસ્તાનના કરાચી અને ગ્વાદર બંદરોને બાયપાસ કરવા માટે ભારત ચાબહાર બંદર વિકસાવી રહ્યું છે.

એ બેઠક કેટલી મહત્ત્વપૂર્ણ છે? અમેરિકન થિન્ક-ટૅન્ક વિલ્સન સેન્ટરના માઈકલ કુગલમૅને મને જણાવ્યું હતું કે તાલિબાન નેતૃત્વ સત્તામાં આવ્યા પછી આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી જે વાસ્તવિક સ્વીકૃતિ ઇચ્છતું હતું તે નવી દિલ્હીએ તેને આપી દીધી છે.

તેમણે કહ્યું હતું, “આ પ્રકારનો વ્યવહાર ભારત તરફથી કરવામાં આવી રહ્યો છે. ભારતને તાલિબાન સાથે અગાઉ ક્યારેય મૈત્રીપૂર્ણ સંબંધ ન હતો. આ હકીકત પ્રસ્તુત મુલાકાતને વધારે મહત્ત્વપૂર્ણ બનાવે છે અને તે તાલિબાન માટે રાજદ્વારી વિજય પણ છે.”

કોઈ દેશે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને આધિકારિક મંજૂરી આપી નથી

બીબીસી ગુજરાતી, અફઘાનિસ્તાન, ભારત, રાજકારણ

ઇમેજ સ્રોત, AFP

અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી સત્તા પર આવ્યા પછી વિશ્વના દેશોએ તેના પ્રત્યે વિવિધ અભિગમ અપનાવ્યા છે, જેમાં માનવાધિકાર અને સુરક્ષા અંગેની ચિંતા સાથે રાજદ્વારી જોડાણનું સંતુલન છે. દાખલા તરીકે, ચીન ઘણું આગળ વધ્યું છે. તે તાલિબાન સરકાર સાથે સક્રિય રીતે સંકળાયેલું છે. સુરક્ષા અને આર્થિક હિતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમજ અફઘાનિસ્તાનમાં ચીનના રાજદૂત પણ છે.

કોઈ પણ દેશે તાલિબાન સરકારને ઔપચારિક રીતે સ્વીકૃતિ આપી નથી, પરંતુ 40 દેશોએ તેની સાથે કોઈને કોઈ પ્રકારના રાજદ્વારી અથવા અનૌપચારિક સંબંધ જાળવી રાખ્યા છે.

તેથી જ અફઘાનિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત જયંત પ્રસાદ જેવા નિષ્ણાતો ભારતના આ નવતર અભિગમ બાબતે સાવધ છે.

તેઓ જણાવે છે કે ભારતે વિદેશી સેવા રાજદ્વારી દ્વારા તાલિબાન સાથેનો સંપર્ક છેલ્લા ત્રણ વર્ષથી જાળવી રાખ્યો છે. 1990ના દાયકાના ગૃહયુદ્ધ દરમિયાન ભારતે અફઘાનિસ્તાનમાંની તેની રાજદ્વારી કચેરી બંધ કરી દીધી હતી અને 2002માં યુદ્ધ સમાપ્ત થયા પછી ફરી ખોલી હતી. જયંત પ્રસાદ કહે છે, “આ વિરામ લાંબો ચાલે એવું આપણે ઇચ્છતા ન હતા. તેથી આપણે તેમની સાથે જોડાવા ઇચ્છતા હતા. બન્ને દેશો વચ્ચેના સંબંધમાં આ બહુ મોટું પગલું છે.”

વિદેશ પ્રધાન એસ. જયશંકરે 2023માં સંસદમાં જણાવ્યું હતું કે ભારતને અફઘાનિસ્તાન સાથે “ઐતિહાસિક અને સભ્યતાપૂર્ણ સંબંધ” છે. ભારતે અફઘાનિસ્તાનમાં 500થી વધુ પ્રોજેક્ટ્સમાં ત્રણ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. એ પ્રોજેક્ટ્સમાં માર્ગો, પાવર લાઈન્સ, ડેમ, હોસ્પિટલો અને ક્લિનિક્સના નિર્માણનો સમાવેશ થાય છે. ભારતે અફઘાનિસ્તાનના અધિકારીઓને તાલીમ આપી છે. વિદ્યાર્થીઓને હજારો સ્કોલરશિપ્સ આપી છે અને નવા સંસદ ભવનનું નિર્માણ પણ કર્યું છે.

આ એક સ્થાયી ભૂરાજકીય વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે નોંધ્યું છે, “કાબુલમાં ભલે રાજાશાહી, સામ્યવાદી કે ઈસ્લામિક શાસન હોય, પંતુ દિલ્હી અને કાબુલ વચ્ચે કાયમ ઉષ્માભર્યા સંબંધ રહ્યા છે.”

માઇકલ કુગલમેન આ ભાવના સાથે સહમત થતાં કહે છે, “અફઘાનિસ્તાનમાં વિકાસ અને માનવતાવાદી સહાયના દાતા તરીકે ભારતની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે, જે અફઘાન જનતા તરફથી જાહેર સદભાવનામાં રૂપાંતરિત થઈ છે અને દિલ્હી તેને ગુમાવવા ઇચ્છતું નથી.”

ભારત અને કાબુલના સંબંધોમાં આગેકૂચ

બીબીસી ગુજરાતી, અફઘાનિસ્તાન, ભારત, રાજકારણ

ઇમેજ સ્રોત, AFP

રસપ્રદ વાત એ છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે કાબુલનો દિલ્હી સાથેનો સંબંધ ફરી મજબૂત બની રહ્યો છે. પાકિસ્તાન દાવો કરે છે કે કટ્ટરપંથી પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) અફઘાનિસ્તાનમાંથી કાર્યરત છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ગયા જુલાઈમાં બીબીસીને જણાવ્યું હતું કે આતંકવાદનો સામનો કરવાના ઉદ્દેશથી પાકિસ્તાન અફઘાનિસ્તાન પરના હુમલાઓ ચાલુ રાખશે. અફઘાન સરકારના જણાવ્યા મુજબ, ભારત અને તાલિબાન સરકાર વચ્ચેની વાટાઘાટોના થોડા દિવસ પહેલાં પૂર્વ અફઘાનિસ્તાન પરના પાકિસ્તાની હવાઈ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા. તાલિબાન સરકારે તે હુમલાને તેના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવીને તેની ટીકા કરી હતી.

2021માં કાબુલના પતન પછી આ સંબંધ બહુ વણસ્યા છે. કાબુલના પતન પછી તાલિબાન શાસનની મુલાકાત લેનારા વિદેશી મહેમાનોમાં પાકિસ્તાનના ટોચના એક ગુપ્તચર અધિકારીનો સમાવેશ થતો હતો. એ સમયે ઘણા લોકોએ કાબુલના પતનને ભારત માટે વ્યૂહાત્મક આંચકો ગણ્યું હતું.

માઇકલ કુગલમેન કહે છે, “તાલિબાન સુધીની ભારતની પહોંચને આગળ વધારવાનું એકમાત્ર પરિબળ પાકિસ્તાન નથી ત્યારે એ પણ સાચું છે કે દિલ્હીને ઇસ્લામાબાદ સાથેની તેની કાયમી સ્પર્ધામાં પાકિસ્તાની સંપત્તિની નજીક જઈને કાયમ મોટી જીત મળતી રહી છે. તે હવે તેના ભૂતપૂર્વ સંરક્ષકની વિરુદ્ધ થઈ ગઈ છે.”

ભારતની પહોંચ આગળ વધવા પાછળ અન્ય કારણો પણ છે. ભારતનું લક્ષ્ય કનેક્ટિવિટીને મજબૂત કરવાનું અને મધ્ય એશિયા સુધી પહોંચ વધારવાનું છે. ટ્રાન્ઝિટ રાઈટ્સ આપવાના પાકિસ્તાનના ઈનકારને કારણે ભારત મધ્ય એશિયામાં જમીન માર્ગે સીધું પહોંચી શકે તેમ નથી. નિષ્ણાતોનું કહેવું છે કે એ લક્ષ્ય માટે અફઘાનિસ્તાન મહત્ત્વપૂર્ણ છે. એક વ્યૂહરચના અફઘાનિસ્તાનના માધ્યમથી મધ્ય એશિયા સુધીની પહોંચને બહેતર બનાવવા માટે ચાબહાર બંદરના વિકાસ માટે ઈરાન સાથે સહયોગ કરવાની છે.

માઈકલ કુગલમેન કહે છે, “તાલિબાન નેતૃત્વ સાથે વધારે ઘનિષ્ઠતા કેળવીને દિલ્હી માટે આ યોજનાના અફઘાનિસ્તાન ઘટક પર ધ્યાન કેન્દ્રિત કરવું આસાન છે. તાલિબાન નેતૃત્વ ભારતની યોજનાનું સંપૂર્ણ સમર્થન કરે છે, કારણ કે તેનાથી અફઘાનિસ્તાનને પોતાના વ્યાપાર તથા સંપર્ક વધારવામાં મદદ મળશે.”

ભારતની તાજેતરની પહેલ તાલિબાનના નેતૃત્વ હેઠળના અફઘાનિસ્તાનમાં તેના મુખ્ય હિતોને આગળ વધારવામાં સ્પષ્ટ રીતે મદદરૂપ છે. ભારતના મુખ્ય હિતોમાં આતંકવાદના જોખમોને રોકવાનો, ઈરાન તથા મધ્ય એશિયા સાથેના સંપર્કને ગાઢ બનાવવાનો, સહાયના માધ્યમથી જાહેર સદભાવના જાળવી રાખવાનો અને સંઘર્ષરત પાકિસ્તાનનો મુકાબલો કરવાનો સમાવેશ થાય છે.

નુકસાનનું શું?

બીબીસી ગુજરાતી, અફઘાનિસ્તાન, ભારત, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

માઈકલ કુગલમેન કહે છે, “તાલિબાન સાથેના સંબંધને મજબૂત કરવાનું મુખ્ય જોખમ ખુદ તાલિબાન છે. આપણે એક એવા હિંસક અને ક્રૂર સંગઠનની વાત કરી રહ્યા છીએ, જેને પાકિસ્તાની સહિતના આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તેણે 1990ના દાયકાની સરખામણીએ ખુદમાં સુધારો કરવા માટે બહુ ઓછું કામ કર્યું છે.”

“તાલિબાનને પોતાના પક્ષમાં રાખીશું તો તાલિબાન ભારત કે તેના હિતોને નબળા પાડે તેવી શક્યતા ઓછી હશે, એવી આશા ભારત રાખી શકે છે. એ સાચું પણ સાબિત થઈ શકે, પરંતુ તાલિબાન જેવા સંગઠનનો ભરોસો કરી શકાય? ભારત એક જટિલ સંબંધમાં સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે ત્યારે આ સવાલ ભારતની સામે સતત આવતો રહેશે.”

મહિલાઓ સાથેના તાલિબાનનો વ્યવહાર ચિંતાજનક હોવા છતાં અફઘાનિસ્તાન સાથેના ભારતના વર્તમાન જોડાણમાં કોઈ નુકસાન નથી, એવું જયંત પ્રસાદ માને છે. તેઓ કહે છે, “અફઘાનિસ્તાન તાલિબાનના સંપૂર્ણ નિયંત્રણમાં છે. તાલિબાનને તેના પોતાના કાર્યોમાં જ ડૂબવા દેવાથી અફઘાન લોકોને કોઈ મદદ નહીં મળે. આંતરરાષ્ટ્રીય સમુદાય સાથેના કેટલાક જોડાણ સરકાર પર તેનો વ્યવહાર સુધારવાનું દબાણ લાવી શકે છે.”

તેઓ ઉમેરે છે, “યાદ રાખો કે તાલિબાન સ્વીકૃતિ માટે તરસી રહ્યું છે. તેઓ જાણે છે કે આંતરિક સુધારા પછી જ એવું થશે.” આંતરિક સુધારાઓમાં જાહેર જીવનમાં મહિલાઓને પાછી લાવવી અને તેમના શિક્ષણ, કામ તથા રાજકીય ભાગીદારીના અધિકારોને પૂર્વવત કરવાનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS