Source : BBC NEWS
એક કલાક પહેલા
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન હાલમાં રશિયાના પ્રવાસે છે, જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રશિયા અને ઈરાને ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા જે બંને દેશો વચ્ચેના આર્થિક અને સૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
બંને દેશો પર પશ્ચિમી પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા આ કરારો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે પશ્ચિમી દેશો માટે તે ચિંતાનું કારણ બની શકે છે.
સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પત્રકારોને જણાવ્યું હતું કે રશિયા અને ઈરાન “વિદેશી દબાણ”નો મજબૂતીથી સામનો કરશે.
મસૂદ પેઝેશ્કિયાને પણ આ સમજૂતીને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સહયોગમાં એક નવો અધ્યાય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે “ઈરાનની પડોશ નીતિમાં રશિયા વિશેષ સ્થાન ધરાવે છે.”
સમજૂતીમાં કઈ ચીજો સામેલ છે
બંને દેશોએ વીસ વર્ષની “વ્યૂહાત્મક ભાગીદારી”ની સંધિ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં સંરક્ષણ અને ટૅક્નૉલૉજીથી લઈને ઊર્જા અને વેપાર સુધીનાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે.
પશ્ચિમી જાસૂસી એજન્સીઓ મુજબ ઈરાન પહેલેથી જ રશિયાને ડ્રૉન અને બૅલિસ્ટિક મિસાઇલો આપી રહ્યું છે.
આ સમજૂતી અનુસાર બંને દેશો એ બાબતે સહમત છે કે તેઓ એકબીજા માટે જોખમ પેદા થાય તે રીતે પોતાના પ્રદેશનો ઉપયોગ કરવા નહીં દે.
આ કરાર હેઠળ રશિયા અને ઈરાને સૈન્ય અને સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે સલાહ અને સહકાર આપવાનું વચન આપ્યું છે, તેમજ તેઓ પોતપોતાના પ્રદેશોમાં અને તેનાથી બહાર પણ સંયુક્ત સૈન્યઅભ્યાસમાં ભાગ લેશે.
આ સમજૂતી પછી બંને દેશો વચ્ચે ઊર્જા ક્ષેત્રે સહકાર વધશે અને તેના કારણે બંને દેશો વચ્ચેના વેપારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ઈરાની નેતાઓએ આ મુલાકાતને એક સત્તાવાર મુલાકાત કરતાં વિશેષ ગણાવી છે અને કહ્યું છે કે આ એક વ્યૂહાત્મક વળાંક છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સ મુજબ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા નેટવર્ક ટેલિગ્રામ પર લખ્યું, “આ સંધિ આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાથી વિશેષ છે. આ માત્ર એક રાજકીય કરાર નથી, તે ભવિષ્યનો રોડમૅપ છે.”
- રશિયા અને ઈરાન બંને પરસ્પર સુરક્ષા સહયોગ માટે સંમત થયા
- રશિયા અને ઈરાન એકબીજા પર હુમલો કરનારા કોઈપણ દેશને મદદ નહીં કરે
- બંને દેશો સંયુક્ત સૈન્યઅભ્યાસ માટે તૈયાર છે
- અધિકારીઓ માટે સામાન્ય તાલીમ કાર્યક્રમ
- વેપાર અને આર્થિક ક્ષેત્રે કરાર
ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ ઈરાનમાં નવાં પરમાણુ ઊર્જા એકમો બનાવવા વિચારી રહ્યા છે.
રશિયા તેના વધારાના ગૅસનો કેટલોક હિસ્સો ઈરાનને વેચવા માંગે છે. હકીકતમાં યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ યુરોપિયન યુનિયને રશિયા પાસેથી ગૅસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જેના કારણે રશિયા તેના માટે નવા ગ્રાહકો શોધી રહ્યું છે.
રશિયાથી ઈરાન સુધીની જે પ્રસ્તાવિત ગૅસ પાઇપલાઇન પર બંને દેશો વાટાઘાટો કરી રહ્યા છે, તેના પર સમજૂતી થઈ જશે તો આ પાઇપલાઇન અઝરબૈજાન થઈને પાથરવામાં આવશે.
ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ શુક્રવારે રશિયન ઊર્જા મંત્રી સર્ગેઈ સિવાલેવને ટાંકીને આ માહિતી આપી હતી.
પુતિને કહ્યું કે રશિયા દર વર્ષે ઈરાનને 55 અબજ ઘન મીટર ગૅસ સપ્લાય કરી શકે છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચેનો તાજેતરનો કરાર સૈન્ય મુદ્દા કરતાં આર્થિક મુદ્દા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ તે પશ્ચિમને પડકારવાની એક સમાન ઇચ્છા ધરાવતા બંને દેશોને નજીક લાવશે.
બહુ-ધ્રુવીય વિશ્વ રચવાનો ઇરાદો
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને તેમનાં પ્રતિનિધિમંડળની સાથે પેઝેશ્કિયાન શુક્રવારે મૉસ્કો પહોંચ્યાં હતાં, જ્યાં રશિયાના ઊર્જા મંત્રી સર્ગેઈ સિવલીવ દ્વારા ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે સીરિયામાં અસદ સરકારના પતન બાદ મધ્ય પૂર્વમાં ઈરાનની સ્થિતિ નબળી પડી હોવાનું માનવામાં આવે છે.
રશિયન રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન, મસૂદ પેઝેશ્કિયાને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખામેનીનો સંદેશ પણ સંભળાવ્યો અને કહ્યું કે પુતિનને તેમના વતી “વિશેષ શુભેચ્છા” આપવામાં આવી છે.
રશિયન રાષ્ટ્રપતિભવનના પ્રવક્તાનું કહેવું છે કે સમજૂતીપત્ર અનુસાર ઈરાન અને રશિયા વચ્ચે સૈન્ય, રાજકીય, વ્યાપારી અને આર્થિક ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત થશે.
શુક્રવારે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો “સુરક્ષા જોખમો” સામે એકબીજાને મદદ કરવા સહમત થયા છે.
ઈરાન અને રશિયા એ બાબતે પણ સહમત થયા છે કે જો કોઈ ત્રીજો દેશ આ બેમાંથી કોઈ એક દેશ પર હુમલો કરશે, તો બીજો દેશ હુમલાખોરને મદદ નહીં કરે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આ સમજૂતીને ‘બહુ-ધ્રુવીય વિશ્વ’ બનાવવાની દિશામાં એક પગલું ગણાવ્યું છે.
તેમણે કહ્યું, “આજે અમે જે કરાર કર્યા છે તે બહુ-ધ્રુવીય વિશ્વની રચનાને પ્રોત્સાહન આપે છે.”
જોકે, ઈરાનના રાજદૂત કાઝિમ જલાલીએ ઈરાની સમાચાર એજન્સી આઈઆરએનએને જણાવ્યું હતું કે, “આપણા દેશની સ્વતંત્રતા અને સુરક્ષાની સાથે આત્મનિર્ભરતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અમને કોઈપણ જૂથમાં જોડાવામાં કોઈ રસ નથી.”
ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાએ બેલારુસ, ઈરાન, ચીન અને ઉત્તર કોરિયા સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સે આ મુદ્દે નિષ્ણાતો સાથે પણ વાત કરી છે. મિડલ ઇસ્ટ અફેર્સના રશિયન વિશ્લેષક રુસલાન સુલેમાનોવના જણાવ્યા અનુસાર બંને દેશો માટે આ નવું પગલું નહીં હોય. આ નવી સમજૂતી રશિયા અને ઈરાન વચ્ચેના વર્તમાન સંબંધોને માત્ર લેખિતમાં જ સ્થાપિત કરશે.
રુસ્લાન સુલેમાનોવનું કહેવું છે કે રશિયા શસ્ત્રોના પુરવઠા માટે ઈરાન પર નિર્ભર છે, જ્યારે આર્થિક રીતે તે સંયુક્ત આરબ અમીરાત પર વધુ આધાર રાખે છે.
બંને દેશો વચ્ચેની સમજૂતીમાં જણાવાયું છે કે રશિયા અને ઈરાન “વૈશ્વિક બાબતોમાં એકધ્રુવીયતા અને આધિપત્યનો અસ્વીકાર કરે છે.”
અગાઉ ગયા વર્ષે જૂનમાં રશિયાએ ઉત્તર કોરિયા સાથે ભાગીદારી કરાર અને પર ડિસેમ્બરમાં બેલારુસ સાથે સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બેલારુસ સાથેની સમજૂતીના પગલે ત્યાં રશિયાનાં અણુશસ્ત્રોની ગોઠવણને ઔપચારિક રૂપ મળી ગયું.
રશિયા સામૂહિક સુરક્ષા સંધિ સંગઠનનું પણ નેતૃત્વ કરે છે, જેમાં બેલારુસ અને આર્મેનિયા તથા મધ્ય એશિયામાં કઝાખસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન સહિત ભૂતપૂર્વ સોવિયેત સંઘના ઘણા દેશોનો સમાવેશ થાય છે.
નેટો વિરુદ્ધ રચાયેલું આ સંગઠન એ સિદ્ધાંત પર આધારિત છે કે એક સભ્ય પર હુમલો થાય તો તેને તમામ સભ્યો પરના હુમલા તરીકે જોવામાં આવશે.
પશ્ચિમી દેશોની ચિંતા વધી જશે?
ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત પહેલાં થયેલી આ સંધિ રશિયાની વૈશ્વિક સ્થિતિ સુધારવાની દિશામાં એક પગલું છે. યુક્રેન પર આક્રમણ પછી રશિયા લગભગ ત્રણ વર્ષથી પશ્ચિમ સાથે સંઘર્ષમાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવાના છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની વાપસી પછી અમેરિકા ઈરાનને બધાથી એકલું પાડી દેવા અને તેના પર દબાણ વધારવાના પ્રયાસો તેજ કરશે એવું માનવામાં આવે છે.
પશ્ચિમી દેશોએ ઈરાન અને રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે.
જોકે, ઈરાન સાથે રશિયાની તાજેતરની સમજૂતીમાં ઉત્તર કોરિયા સાથે જેવો દ્વિપક્ષિય સુરક્ષા કરાર થયો નથી.
પશ્ચિમી દેશોનો દાવો છે કે ઉત્તર કોરિયાના સૈનિકોને રશિયાએ યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલ્યા છે. જોકે, રશિયાએ આ વાતને ક્યારેય સ્વીકારી કે નકારી પણ નથી.
સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ રશિયા અને ઈરાન વચ્ચેના કરારમાં બંને દેશો વચ્ચે હથિયારોની આપ-લેનો કોઈ ખાસ ઉલ્લેખ નથી, જે અમેરિકા અને તેના સહયોગી દેશો માટે ચિંતાનો વિષય બની શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS