Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, રાજકારણ, અમેરિકા, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Mandel NGAN / AFP

સોમવાર, 20 જાન્યુઆરીએ, અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે બીજી વાર શપથ લઈને, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ઇતિહાસ રચશે.

20 જાન્યુઆરી 2017એ તેઓ પહેલી વાર રાષ્ટ્રપતિ બન્યા હતા. ચાર વર્ષ સુધી સત્તામાંથી બહાર રહ્યા બાદ હવે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પાછા આવી રહ્યા છે, જે આ સદીમાં ઐતિહાસિક વાપસી છે.

જોકે, તેઓ આવું કરનાર બીજા અમેરિકન રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પની પહેલાં આવી સિદ્ધિ ગ્રોવર ક્લીવલૅન્ડના નામે હતી. તેઓ ઈ.સ. 1885માં પહેલી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને 1889માં ચૂંટણી હાર્યા બાદ 1893માં તેમણે ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે વાપસી કરી હતી.

‘કમબૅક કિંગ’ તરીકે ટ્રમ્પ, પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના પદગ્રહણ સમારંભને નાટકીય બનાવવા માટે તેને ભવ્ય બનાવવાની તૈયારી કરી રહ્યા છે; જોકે, કોઈ કોઈ લોકો આને તેમનો દેખાડો પણ કહી શકે છે.

ફરી રાષ્ટ્રપતિ બનવાની ખુશીમાં વધુ ઝાકઝમાક ઉમેરવાની આશાએ ટ્રમ્પના સમારંભ માટે ટેક ક્ષેત્રની કંપનીઓએ કરોડો ડૉલરનું દાન કર્યું છે.

પરિણામે, આ આયોજન ભવ્ય અને ધામધૂમભર્યું રહેવાની અપેક્ષા રખવામાં આવે છે.

જૉઇન્ટ કૉંગ્રેશનલ કમિટી ઑન ઇનૉગ્યુરલ સેરેમનીઝ (જેસીસીઆઇસી) તરફથી આયોજિત થનારા આ સમારંભની પરંપરા 200 વર્ષ જૂની છે.

ઈ.સ. 1789માં ન્યૂ યૉર્ક સિટીમાં જ્યૉર્જ વૉશિંગ્ટનના સોગંદવિધિ સમારંભના સમયથી જ આ શક્તિપ્રદર્શનની સાથે લોકશાહીનું પ્રદર્શન કરે છે.

સ્ટાર ટ્રમ્પ

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, રાજકારણ, અમેરિકા, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

આ સત્તામાં વાપસી કરી રહેલા ટ્રમ્પનું વર્ષ બની શકે છે.

ટ્રમ્પના સમારંભમાં આવનારા લોકોની જે સૂચિ જાહેર થઈ છે તેમાં દુનિયાના કેટલાક મોટા નેતા, સહયોગી, મૈત્રીનો દેખાડો કરી રહેલા દુશ્મન અને કટ્ટર વિરોધીઓના મિશ્ર સમૂહનો સમાવેશ થાય છે.

પરંતુ, રાષ્ટ્રપતિ કાર્યાલયે સત્તાવાર રીતે મહેમાનોની કોઈ યાદી બહાર નથી પાડી. આ સૂચિ બાબતે ઘણી બધી અટકળો કરવામાં આવી રહી છે.

ઇન્ડિયાના યુનિવર્સિટીમાં રાજનીતિશાસ્ત્રના જાણીતા પ્રોફેસર સુમિત ગાંગુલીને વિદેશી મહેમાનોની સૂચિ આતુરતા વધારનારી જણાય છે.

તેમણે કહ્યું, “હકીકતમાં, ભૂતકાળની પરંપરાઓ કરતાં આ ખરેખર બિલકુલ જુદી છે. આ [યાદી] નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિની વિશિષ્ટ પ્રાથમિકતાઓને દર્શાવતી હોવાની પૂર્ણ સંભાવના છે.”

દક્ષિણ એશિયાની બાબતોના જાણકાર માઇકલ કુગેલમૅન આ વાત સાથે સંમત છે અને તેને ‘ન્યૂ પ્રિસીડન્ટ’ [નવું દૃષ્ટાંત] ગણાવે છે, જે ટ્રમ્પની બાબતમાં અનપેક્ષિત નથી.

તેમના અનુસાર, “વિદેશી નેતાઓને બોલાવવા તેમના માટે ખૂબ અસામાન્ય પહેલ છે; પરંતુ, મને લાગે છે કે સમારંભ તેમના માટે એક મોટો દિવસ બનવાનો છે. સૌ કોઈનું ધ્યાન તેમના પર જ હશે; અને જો તેમાં દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓનો પણ સમાવેશ કરી દેવામાં આવે, તો આ સમારંભ વધારે મોટો થઈ જશે.”

દિગ્ગજોથી સજેલી મહેફિલ

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, રાજકારણ, અમેરિકા, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

હાલના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમાલ હૅરિસ સમારંભની જૂની પરંપરાને ફરી જીવંત કરી રહ્યાં છે; જેમાં હારેલા ઉમેદવારો વિજેતાઓ સાથે મંચ પર હશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યૉર્જ ડબ્લ્યુ બુશ અને બિલ ક્લિંટન પણ સમારંભનો ભાગ બનશે.

પોતાના વિદાય પ્રવચનમાં બાઇડને ચેતવણી આપી હતી કે અમેરિકા થોડાક અબજપતિઓના પ્રભુત્વવાળા ઓલિગાર્કી [અલ્પતંત્ર]માં પરિવર્તિત થઈ શકે છે.

વિટંબણા એ છે કે દુનિયાના ત્રણ સૌથી અમીર ટેક-ઉદ્યોગપતિ – એલન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગ જાહેર કરાયેલી મહેમાનોની સૂચિમાં છે. તેમની સાથે ગૂગલના ભારતીય મૂળના સીઇઓ સુંદર પિચાઈ અને એપલના ટિમ કુક પણ છે.

વિદેશી નેતાઓના ગેસ્ટ લિસ્ટમાં કટ્ટર જમણેરી મિત્રો તરફ વધારે ભાર અપાયો હોવાનું દેખાય છે. આ યાદીમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલી અને ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીનાં નામ છે.

આ યાદીમાં જર્મનીની અલ્ટરનેટિવ ફૉર જર્મની (એએફડી) પાર્ટીના ટીનો શ્રુપાલા અને બ્રિટનની પૉપ્યુલિસ્ટ પાર્ટી ‘રિફૉર્મ પાર્ટી’ના નેતા નાઇજલ ફરાઝનું નામ પણ સામેલ છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર દેવેશ કપૂર વિદેશી બાબતો અને ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ઘણાં એકડૅમિક પેપર લખી ચૂક્યા છે.

વિદેશી મહેમાનો મુદ્દે તેમનું કહેવું હતું કે, “આમંત્રિત કરાયેલા વિદેશી મહેમાનોની યાદી મેં હમણાં જ મીડિયા રિપોર્ટ્સમાં જોઈ છે. તેમાંના મોટા ભાગના જમણેરી નેતા છે.”

મોદી જોવા નહીં મળે

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, રાજકારણ, અમેરિકા, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આમંત્રિત કરવાના ટ્રમ્પના નિર્ણયે ઘણા લોકોને ચોંકાવી દીધા છે. શી ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં તેમના સૌથી મોટા હરીફ હતા.

ટ્રમ્પનાં પ્રવક્તા કૅરોલાઇન લેવિટ અનુસાર, આ રાષ્ટ્રપતિની ‘એવા બધા દેશો સાથે ખુલ્લા સંવાદની ઇચ્છા દર્શાવે છે; ભલે ને તે વિરોધી હોય, હરીફ હોય કે પછી સહયોગી’.

આનાથી ઊલટું, ટ્રમ્પને ક્યારેક ‘નજીકના મિત્ર’ કહેનારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમારંભનો ભાગ નહીં હોય.

એવામાં, સવાલ એ ઊભો થયો છે કે, ટ્રમ્પે એક ‘દુશ્મન’ને શા માટે બોલાવ્યા અને એક દોસ્તને શા માટે નજરઅંદાજ કર્યા?

આ બાબતે સુમિત ગાંગુલીને વધારે આશ્ચર્ય નથી, તેમણે કહ્યું, “હું માનું છું કે આ પોતાના વિરોધીઓ સાથેની વ્યક્તિગત કૂટનીતિમાં ટ્રમ્પનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે.”

“પરંતુ, આ બાબતમાં તેમનો રેકૉર્ડ વાસ્તવિકતાથી ઘણો દૂરનો રહ્યો છે. આખરે, ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સાથે, બધા દેખાડા છતાં, તેમના પ્રયાસો ફળદાયી ન રહ્યા.”

ચીનને મહત્ત્વ

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, રાજકારણ, અમેરિકા, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

શી જિનપિંગને આમંત્રણ આપવા મુદ્દે મિશિગન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇન્ફોર્મેશનમાં પ્રોફેસર જોયોજિત પાલ કહે છે, “અમેરિકાના એક પાર્ટનર તરીકે, અને ખાસ કરીને ટ્રમ્પ માટે, શી ઘણા વધારે કીમતી છે.”

પોતાની દલીલના પક્ષમાં પાલે કહ્યું, “કેમ કે, ચીન સાથેનો વેપાર સંપૂર્ણ ઠપ થઈ જવો અમેરિકા માટે વિનાશક હશે. તેની સરખામણી જો ભારત સાથે થાય તો અમેરિકા માટે સૌથી મોટું જોખમ જેનરિક દવાઓ કે હીરાના ક્ષેત્રમાં વ્યાપારિક સંબંધો તૂટવાનું હશે.”

“આ બંને ઉદ્યોગોમાં, ભારત પોતાની ફૉરિન એક્સ્ચેન્જ રેવન્યૂ [વિદેશી વિનિમય આવક] માટે અમેરિકન આવક પર ખૂબ નિર્ભર છે.”

એમ તો ઘણા વિશ્લેષકોનો અભિપ્રાય છે કે, ટ્રમ્પના બીજા કાર્યકાળમાં સૌથી વધારે ફોકસ આંતરરાષ્ટ્રીય મુદ્દા પર રહેવાનું છે. તેમાં ઇઝરાયલ–હમાસ યુદ્ધ, રશિયાનું યૂક્રેનમાં યુદ્ધ અને દુનિયામાં વધી રહેલા ચીનના પ્રભાવને રોકવો સામેલ હશે.

પ્રોફેસર પાલ માને છે કે, આગામી ચાર વર્ષ સુધી ટ્રમ્પની ઘણી બધી શક્તિ સંઘર્ષોના ઉકેલ માટે જ ખર્ચાશે, જેમ કે, ઇઝરાયલ–હમાસ યુદ્ધ, યૂક્રેનમાં રશિયાનું યુદ્ધ અને ચીનને માત આપવી.

અમેરિકાના ઘણા વિદ્વાન અને ટીકાકારો માને છે કે આગામી મહિનાઓ અને વરસોમાં ટ્રમ્પને સૌથી મોટો પડકાર અમેરિકા–ચીન સંબંધો દ્વારા જ મળવાનો છે.

પ્રોફેસર દેવેશ કપૂરે કહ્યું, “શીને આમંત્રણ આપવા પાછળનું મુખ્ય કારણ સંવાદની સંભાવનાનો સંકેત આપવાનો હતો. ચીનની સાથે દ્વિપક્ષીય સંબંધ ખૂબ સંવેદનશીલ વિષય છે. તેનાથી ઊલટું, ભારત સાથેના સંબંધ ખૂબ સારી સ્થિતિમાં છે અને તેના પર ખાસ કશું ધ્યાન આપવાની જરૂર નથી – મોટા ભાગે અત્યારે તો નહીં જ.”

ગેસ્ટ લિસ્ટનો આધાર

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, રાજકારણ, અમેરિકા, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ખરું જોતાં, અમેરિકન રાષ્ટ્રપતિના સમારંભમાં મહેમાનોની યાદી બનાવવાની જવાબદારી જૉઇન્ટ કૉંગ્રેશનલ કમિટી અને ટ્રમ્પની ટ્રાન્ઝિશન ટીમ પાસે હતી. તેમાં રાજદ્વારી, વ્યૂહાત્મક અને નાણાકીય મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

પ્રોફેસર પાલે કહ્યું, ‌”સમારંભ માટે મહેમાનોનાં નામ નક્કી કરતાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિની ટીમ અને જૉઇન્ટ કૉંગ્રેશનલ કમિટી ઑન ઇનૉગ્યુરલ સેરેમનીએ અનેક બાબતોને ધ્યાનમાં રાખી હશે. આ નિર્ણયોમાં વધુ ફંડફાળો આપનારા, રાષ્ટ્રપતિના સહયોગીઓ અને તેમની કોર ટીમ જેટલું મહત્ત્વ ધરાવે છે, એટલું જ વિદેશી મહેમાનો પણ.”

કેટલાક વિશ્લેષકોનો તર્ક છે કે, યાદીમાં મોદીનું હોવું કે ના હોવું એટલું મહત્ત્વનું નથી, જેટલું લાગી રહ્યું છે.

માઇકલ કુગેલમૅન આ મુદ્દા પર વધારે વિશ્લેષણ ન કરવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે, આ વર્ષના અંતમાં ક્વાડ સમિટ દરમિયાન મોદી અને ટ્રમ્પની મુલાકાતની શક્યતા છે.

તેઓ કહે છે, “એ મુદ્દાને મસાલેદાર બનાવીને ચર્ચા ન કરવી જોઈએ કે મોદીને આમંત્રણ આપવામાં ન આવ્યું. શી સિવાય, બીજા કોઈને ખાસ આમંત્રણ નથી આપવામાં આવ્યું. ટૂંક સમયમાં મોદી અને ટ્રમ્પને મુલાકાતની તક મળશે; કદાચ, ચાલુ વર્ષના અંતમાં ભારતમાં ક્વાડ સમિટ દરમિયાન. તો આ અર્થમાં આ મુદ્દા વગરનો નક્કામો હોબાળો છે.”

તોપણ, કેટલાક વિશ્લેષકો અનુમાન કરે છે કે, ટ્રમ્પના આ નિર્ણયમાં તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ભારત સાથે વ્યાપારિક વિવાદમાં મળેલી નિરાશા જોવા મળી રહી છે.

‘હાઉડી મોદી!’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ જેવા આયોજન છતાં, ટ્રમ્પને એવું લાગી શકે છે કે ચીનના પ્રભાવને નાથવામાં ભારત છૂટી રહ્યું છે.

જોકે, પ્રોફેસર સુમિત ગાંગુલી મોદીની ગેરહાજરીને મુદ્દે થોડા આશ્ચર્યચકિત છે.

તેમણે કહ્યું, “આ ટ્રમ્પ અને મોદીના સંબંધોમાં નાજુકતા બતાવી શકે છે.”

પરંતુ, પ્રોફેસર જોયજિત પાલ કહે છે કે, “બધું એકસાથે જોઈએ તો, ભારત સાથેના સંબંધોમાં ઉષ્માભર્યું વાતાવરણ છે; તેથી એવું કશું નથી જેને ટ્રમ્પે સરખું કરવાની જરૂર છે અથવા તો ભારત સાથે આકરો ભાવતાલ કરવાનો છે.”

એક ચર્ચા એવી પણ છે કે ગયા સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની યાત્રા દરમિયાન ભારતના‌‌ વડા પ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેની મુલાકાતને પ્રાથમિકતા નહોતી આપી અને બંને નેતાઓની મુલાકાત નહોતી થઈ.

બીબીસી ગુજરાતી

પીએમ મોદીને ન બોલાવવાનું બીજું શું કારણ?

કુગલમૅને કહ્યું, “એ વાત સાચી છે કે ટ્રમ્પ ભૂલતા નથી. બની શકે છે કે, તેમણે મનમાં ગાંઠ વાળી લીધી હોય; અને આપણે તેને નકારી ન શકીએ કે જ્યારે મોદી ક્વાડ સમિટ માટે અમેરિકા આવ્યા હતા ત્યારે તેમણે મોદી દ્વારા નજરઅંદાજ કરાયાનું અનુભવ્યું હોય.”

“પરંતુ હું સમજું છું કે આ માત્ર અટકળ છે. મને લાગે છે કે, શપથગ્રહણનો મુદ્દો, ભારત સહિત બીજા કોઈ દેશના બદલે ચીન સાથે વધારે સંબંધ ધરાવે છે.”

“આને મોદી અથવા અન્ય વૈશ્વિક નેતાઓને કશો સંકેત આપવાના બદલે ચીનને સંકેત આપવા તરીકે જોવો જોઈએ.”

વ્યૂહાત્મક પરિવર્તન

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, રાજકારણ, અમેરિકા, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

એમ તો ભારતના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર અને ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ અને મોટા ભાગના દેશોના રાજદૂત આ સમારંભમાં હાજર હશે.

આ દૃષ્ટિએ જોઈએ તો, એક તરફ શીએ ટ્રમ્પના નિમંત્રણને ફગાવી દીધું છે, તો બીજી તરફ, આ વર્ષના અંતમાં યોજાનાર ક્વાડ સમિટ દરમિયાન મોદી પાસે ટ્રમ્પ સાથેના સંબંધ સુધારવાની પૂરતી તક હશે.

જાણકારો એ વાતે લગભગ એકમત ધરાવે છે કે, વિદેશી નેતાઓને આમંત્રિત કરવા—ખાસ કરીને જમણેરી લોકલોભામણું વલણ ધરાવતા નેતાઓને—એ ટ્રમ્પની રાજદ્વારી નીતિમાં પરિવર્તનનો એક સંકેત છે.

આ એવા નેતાઓનું ગઠબંધન બનાવવાનો સંકેત છે જેમની વિચારધારા ટ્રમ્પ સાથે મેળ ખાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS