Source : BBC NEWS
મંગળવારે રાજ્ય ચૂંટણીપંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
જેમાં રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની જાહેરાત કરી હતી.
જોકે, કુલ 170 સંસ્થામાં જાહેર કરાયેલ આ ચૂંટણીની યાદીમાં ધાનેરા નગરપાલિકાને બાકાત રખાઈ છે.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી પ્રથમ કૅબિનેટ મિટિંગમાં રાજ્ય સરકારે બનાસકાંઠામાંથી વાવ-થરાદ નામક નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં ધાનેરા સહિતના કુલ આઠ તાલુકા અને ચાર નગરપાલિકા વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરવાની જાહેરાત કરાઈ હતી.
હવે જ્યારે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત કરાઈ છે ત્યારે ફરી એક વાર આ મુદ્દે રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જાણકારોના મતે ધાનેરા નગરપાલિકા એ કૉંગ્રેસનો ગઢ મનાય છે. આના કારણે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી મુલતવી રખાતા કૉંગ્રેસે આ પગલાને ‘ભાજપમાં હારના ભયનું પરિણામ’ ગણાવ્યું છે.
જ્યારે ભાજપ આના માટે ‘બક્ષીપંચની બેઠકોની ફાળવણીમાં થતા વિલંબ’ને કારણભૂત ગણાવે છે.
બીજી બાજુ ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે આ બાબતે તર્ક આપતાં ‘ક્ષેત્રમાં હદ-વિસ્તારોમાં થયેલા ફેરફાર’ને કારણભૂત ગણાવ્યો હતો.
નોંધનીય છે કે ધાનેરા સહિત, ઉત્તર ગુજરાતના જ થરાદ, વીજાપુર અને ઈડરમાં પણ આ જ કારણોસર નગરપાલિકાની ચૂંટણી ન યોજવાનો તર્ક અપાયો હતો.
બીબીસી ગુજરાતીએ આ નિર્ણયની રાજકીય આંટીઘૂટી સમજવા માટે રાજકીય વિશ્લેષકો સાથે વાતચીત કરી હતી.
બનાસકાંઠામાં રાજકીય ગણતરી
જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી મુલતવી રખાયા પાછળનું સંભવિત કારણ જણાવતાં કહે છે કે, “બનાસકાંઠામાં જિલ્લા વિભાજન પહેલાં સરકાર દ્વારા મતદારયાદી તૈયાર કરી દેવાઈ હતી , એટલે નવા સીમાંકનની મુશ્કેલી પડે નહીં, કારણકે વસ્તી , ઉદ્યોગ, વેપાર, ધંધા અને જ્ઞાતિના આધારે ડેટા તૈયાર થયા બાદ જ જિલ્લાવિભાજન થયું હોય. પણ બંસકાંઠાના વિભાજન સમયે ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં થયેલા વડા મથક અંગેના વિવાદને કારણે આ ચૂંટણી ટાળવામાં આવી હોય એમ દેખાય છે.”
આ નિર્ણય પાછળ ભાજપની રાજકીય વ્યૂહરચના હોવાનો અંગુલીનિર્દેશ કરતાં તેઓ કહે છે કે, “ધાનેરા અને એની આસપાસના વિસ્તારમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. ત્યાર બાદ યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ ભલે પાતળી બહુમતીથી જીત્યો હોય, પણ ધાનેરામાં ભાજપના નેતાઓને વધુ તાકત લગાવવી પડી હતી.”
જાણીતા રાજકીય વિશ્લેષક પ્રફુલ્લ ત્રિવેદી પણ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી ન યોજવા પાછળ ભાજપની વ્યૂહરચના હોવાનો સંકેત આપે છે.
તેઓ કહે છે કે, “ભાજપમાં હવે આંતરિક ડખા વધી ગયા છે. એટલે જ ભાજપના સ્થાનિક સંગઠનમાં જિલ્લાપ્રમુખોની નિમણૂક અટકી પડી છે. ઉત્તર ગુજરાતમાં તો આ આંતરિક કલહ લોકસભાની ચૂંટણીમાં સપાટી પર જોવા મળ્યું હતું. નગરપંચાયતોની ચૂંટણી પછી કોનું વર્ચસ્વ વધુ છે એ પણ ચકાસી સંગઠન થઈ શકે એમ છે.”
“આ સમયમાં બનાસકાંઠાનું વિભાજન કરી બે જિલ્લા થતાં એના વડા મથકનો મોટો વિવાદ થયો હતો. કાંકરેજ , ધાનેરા, દિયોદર સહિતના વિસ્તારોમાં વેપારીઓએ બંધ રાખ્યા હતા. આ સ્થિતિ જોતાં અહીં ભાજપે ધાનેરામાં મતદારયાદી બહાર પડ્યા પછી પણ ચૂંટણી પાછી ઠેલી છે.”
તેઓ ધાનેરામાં નગરપાલિકાની ચૂંટણી પાછી ઠેલવા પાછળના સંભવિત રાજકીય ઇરાદા અંગે કહ્યું કે, “ચૂંટણી પાછી ઠેલીને ભલે ભાજપે હાલ નવા જિલ્લા વડા મથકનો મામલો દબાવી દીધો હોવાનું લાગી રહ્યું હોય, પરંતુ આંતરિક વિરોધ છે અને પહેલાંથી કૉંગ્રેસ તરફ રહેલા ધાનેરામાં ચૂંટણી યોજાય તો ભાજપની આંતરિક જૂથબંધી વધુ બહાર આવે એવું છે,એટલે સરકારે ચૂંટણીપંચ સમક્ષ સમયસર નવાં સીમાંકન રજૂ નથી કર્યાં એવું લાગે છે. જેના કારણે અહીંની ચૂંટણી પાછી ઠેલાઈ છે.”
ભાજપ અને કૉંગ્રેસનું શું કહેવું છે?
ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ‘હારના ભયથી’ કેટલીક નગરપાલિકાઓમાં ચૂંટણી પાછી ઠેલવી રહ્યો હોવાનો સીધો આરોપ મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “ભાજપ પાછલાં બે વર્ષથી વહીવટદારોની મદદથી સત્તા હાથમાં રાખીને બેઠો છે. આના કારણે જે નગરપાલિકામાં તેને એવું લાગી રહ્યું છે કે અહીં તેઓ ચૂંટણી હારી શકે છે, ત્યાં જાણીજોઈને ચૂંટણી પાછી ઠેલવાના પ્રયાસ કરી રહ્યો છે.”
તેઓ ધાનેરામાં નગરપાલિકાની ચૂંટણી પાછી ઠેલાયાની વાતને બનાસકાંઠાના વિભાજન સાથે જોડતાં કહે છે કે, “ધાનેરામાં ભાજપ હારે એમ હતું, ત્યાં મતદારયાદી પ્રસિદ્ધ થઈ હતી. એટલે ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ ગણાય, પણ બનાસકાંઠામાં રાજકીય રીતે વિભાજન કરી લોકોની લાગણી દુભાવી છે માટે ધાનેરામાં ચૂંટણીપ્રક્રિયાને ખોરંભે પાડી છે.”
ધાનેરામાં ભાજપ ‘સહેતુક’ નગરપાલિકાની ચૂંટણી પાછી ઠેલવાની પ્રયાસ કરી રહ્યો હોવાના કૉંગ્રેસના આરોપને રદિયો આપતાં ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે, “ધાનેરામાં બ્રાહ્મણોની સંખ્યા વધુ છે. ત્યાં ઠાકોરો અને ચૌધરીઓની સંખ્યા મુજબ બક્ષીપંચની રિઝર્વ સીટની ફાળવણી નિયમ મુજબ કરવી થોડી અઘરી છે. એટલે ત્યાં ચૂંટણી પાછી ઠેલાઈ છે. અન્ય કોઈ કારણ નથી. વાવ વિધાનસભાની પેટાચૂંટણીની હાર પછી કૉંગ્રેસ અપપ્રચાર કરે છે. ચૂંટણી યોજાય તો અહીં ભાજપની જીત નિશ્ચિત છે, પણ ચૂંટણીપંચની સ્વાયત્તતામાં અમે હસ્તક્ષેપ કરી ચૂંટણી પછી નથી ઠેલી.”
ગુજરાત ચૂંટણીપંચના કમિશનર ડૉ. એસ મુરલીકૃષ્ણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ગુજરાતમાં ઝવેરી પંચના અહેવાલ બાદ એસસી અને એસટીની માફક બક્ષીપંચની કેટલીક બેઠકો અનામત રાખવાની છે. એના કારણે નવ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર નથી થઈ.
તેઓ આ નિર્ણય અંગે વિગતવાર જણાવતાં કહે છે કે, “બોરસદ સોજીત્રા, નખત્રણા, ટંકારા અને વાઘોડિયામાં ચૂંટણી હજુ ઝવેરી પંચની ભલામણોના કારણે ઓબીસીની અનામત બેઠકોની ફાળવણીની કાર્યવાહી પૂર્ણ ન થઈ હોવાથી અટકી છે. જયારે ઈડર ,વીજાપુરમાં નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેમજ વાવ – થરાદ નવો જિલ્લો બની રહ્યો છે ત્યાં નવા વિસ્તારોનો સમાવેશ થતો હોવાથી અહીં પાલિકાઓની ચૂંટણી માટે યાદીનું કામ પૂર્ણ ન થતાં અહીં ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.”
શું હતો વાવ- થરાદ જિલ્લાનો વિવાદ?
ગત 1 જાન્યુઆરીએ બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત થઈ. એની સાથે જ ધાનેરા , કાંકરેજ, દિયોદરમાં વિરોધ શરુ થયો હતો.
ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી પટેલે વિરોધ કર્યો હતો અને ધાનેરા બંધ રહ્યું હતું.
તો ભાજપના ધાનેરાના ભૂતપૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ધાનેરાને વાવ-થરાદમાં લઈ જવા કરતા ‘અમને પાકિસ્તાન મોકલો’નો હુંકાર કર્યો હતો.
તો દિયોદરના લોકોએ ઓગડ જિલ્લો બનાવવાની માગ ફરી ઉઠાવી હતી.
આ દરમિયાન ધાનેરા સજ્જડ બંધ રહ્યું હતું. 20 દિવસનાં ધરણાં અને વિરોધપ્રદર્શન બાદ હાલ પૂરતું આંદોલન મોકૂફ રખાયું છે,પરંતુ વિરોધ યથાવત્ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS