Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ઉનાળામાં ગરમીમાં ડિહાઇડ્રેશનને કારણે થતી તમામ તકલીફોના નિવારણ તરીકે નાળિયેર પાણીને જોવામાં આવે છે.
આપણે બધા ગરમીથી રાહત મેળવવા, તરસ છીપાવવા અને થાકમાં રાહત માટે નાળિયેર પાણી પીએ છીએ.
વધુમાં નાળિયેર પાણી પીવાથી દારૂનો નશો ઘટતો હોવાનું, કિડનીની પથરી ધોવાઈ જતી હોવાનું અને ડાયાબિટીસના દર્દીઓનું બ્લડસુગર લેવલ ઘટતું હોવાનું કહેવાય છે.
આ અહેવાલમાં જાણીએ કે આખરે નાળિયેર પાણી પીવાથી આરોગ્યને લગતા કયા ફાયદા થાય છે.

નાળિયેર પાણીમાં શું હોય છે?
લીલાં અને કૂમળાં નાળિયેરમાં વધુ પાણી હોય છે. ટોપરાનો સ્વાદ જે માટીમાં એ ઊગે છે એ પ્રમાણે અલગ-અલગ હોય છે.
ઍસોસિયેશન ફૉર ન્યૂટ્રિશન ખાતે ન્યૂટ્રિશનિસ્ટ જો વિલિયમ્સ કહે છે કે 100 મિલીલિટર નાળિયેર પાણીમાં 18 કૅલરી, 0.2 ગ્રામ પ્રોટીન, 4.5 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 4.1 ગ્રામ સુગર અને 165 મિલીગ્રામ પોટેશિયમ અને ચરબીનું પ્રમાણ બિલકુલ હોતું નથી.
સેલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ વોગ ઇન્ડિયાને જણાવ્યું છે એ મુજબ નાળિયેર પાણી એ ખૂબ સારું પીણું છે, તેમાં ભરપૂર પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. આ સિવાય ફાઇબર, વિટામિન્સ અને અન્ય ખનીજો પણ હોય છે.
સંશોધન અનુસાર નાળિયેર પાણીમાં ઍન્ટિઓક્સિડન્ટ હોય છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (એનઆઇએચ) પ્રમાણે નાળિયેર પાણી પોટેશિયમ, મૅગ્નેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવાં ખનીજતત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
એનઆઇએચની વેબસાઇટ અનુસાર ઘણા માણસોને પોતાના રોજબરોજના ખોરાકમાં આ બધાં ખનીજતત્ત્વો મળતાં હોતાં નથી. આ તત્ત્વો હાર્ટ હેલ્થથી માંડીને અસ્થિપિંજર અને માંસપેશીઓ માટે મહત્ત્વનાં હોય છે.
જો વિલિયમ્સ કહે છે કે ઘણા લોકો માને છે કે નાળિયેર પાણીમાં ઘણાં સ્પૉર્ટ્સ ડ્રિન્ક જેટલું જ ઇલેક્ટ્રોલાઇટ હોય છે.
અહીં એ વાત નોંધનીય છે કે એક એવાકાડો, કેળા અને બટાટામાં મળી આવતા સરેરાશ પોટેશિયમ કરતાં 100 મિલીલિટર નાળિયેર પાણીમાં રહેલા પોટેશિયમનું પ્રમાણ ખૂબ ઝાઝું નથી હોતું.
જો વિલિયમ્સ કહે છે કે પોટેશિયમથી ભરપૂર હોય એવી ઘણી વસ્તુઓ છે અને એ નાળિયેર પાણી કરતાં સરળતાથી મળી જાય એવી અને સસ્તી પણ હોય છે.

ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ ફાર્માસ્યુટિકલ રિસર્ચ પ્રમાણે લીલાં નાળિયેરના પાણીમાં એલ-આર્જિનિન હોય છે. આ એક એવું એમિનો ઍસિડ છે જે શરીરને પ્રોટીન બનાવવામાં મદદરૂપ માને છે.
ધ માયો ક્લિનિકની વેબસાઇટ અનુસાર એલ-આર્જિનિન બ્લડપ્રેશર ઘટાડવા અને શારીરિક કારણોને લીધે આવેલ નપુંસકતાની સારવાર માટે ઉપયોગી છે.
પશુઓ પર થયેલા સંશોધન અનુસાર, નાળિયેર પાણીમાં વધુ ઍન્ટિઓક્સિડન્ટ પ્રૉપર્ટીઝવાળા સંયોજનો હોય છે. રિપોર્ટ અનુસાર નાળિયેર પાણીમાં રહેલા ઍન્ટિઓક્સિડન્ટથી લિવરનું સ્વાસ્થ્ય સુધરી શકે છે.

ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ ફાર્માસ્યુટિકલ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર ડાયાબિટીસથી ગ્રસ્ત ઉંદરો પર કરાયેલ એક અભ્યાસમાં ખબર પડી હતી કે નાળિયેર પાણીથી શરીરમાં ઇન્સુલિનનું સ્તર વધ્યું હતું, તેમજ ગ્લાયકોહિમોગ્લોબિન ઘટ્યું હતું.
એનઆઇએચ અનુસાર પ્રાણીઓ પર થયેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે નાળિયેર પાણીથી બ્લડસુગર લેવલ નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
નાળિયેર પાણીમાં રહેલ મેગ્નેશિયમ વધારાના લાભ આપે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મેગ્નેશિયમ બ્લડસુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. જોકે, અવાકાડો અને કેળામાં પણ ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે.
જોકે, પ્રાણીઓ પર નાળિયેર પાણી અંગે થયેલાં સંશોધનોના આશાજનક પરિણામો મળ્યાં છે, જો વિલિયમ્સ કહે છે કે આની માનવી પર થતી અસરોના યોગ્ય મૂલ્યાંકન માટે વધુ સંશોધન કરવાની જરૂર છે.

કિડનીમાં થતી પથરીને બનતી રોકવા માટે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રવાહી મળે એ સુનિશ્ચિત કરવું પડે.
કહેવાય છે કે કેલ્શિયમ અને ઓક્સેલેટ જેવા સંયોજનો એકબીજા સાથે ભલીને પથરી કે સ્ફટિક બનાવે ત્યારે કિડનીમાં પથરી થાય છે.
જોકે, અભ્યાસો સૂચવે છે કે નાળિયેર પાણી પીવાથી કિડનીમાં બનતી પથરી બનવાની સંખ્યા ઘટવાની સાથોસાથ તે કિડનીમાં કે મૂત્રમાર્ગમાં પથરીને ટકવા દેતી નથી.
ધ હેલ્થ લાઇન વેબસાઇટ અનુસાર નાળિયેર પાણી હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે.

નાળિયેર પાણી પીવાથી ઍથ્લીટ્સનાં કાર્યક્ષમતા અને પ્રદર્શન પણ સુધરે છે.
કારણ કે તેમાં ગ્લુકોઝના સ્વરૂપમાં કાર્બોહાઇડ્રેટ હોવાની સાથોસાથ સોડિયમ અને પોટેશિયમ પણ હોય છે. તેનાથી ઊર્જા મળે છે. કૉમર્શિયલ સ્પૉર્ટ્સ ડ્રિંક્સમાં મુખ્ય સામગ્રી તરીકે પણ સોડિયમ અને પોટેશિયમ હોય છે.
અભ્યાસ સૂચવે છે કે ઉનાળામાં પણ કસરત પહેલાં નાળિયેર પાણી પીવાથી તમારું પ્રદર્શન સુધરે છે.
વધુ એક અભ્યાસથી સામે આવ્યું છે કે કસરત બાદ નાળિયેર પાણી પીવાથી શરીર કાર્બોહાઇડ્રેટ-ઇલેક્ટ્રોલાઇટ સ્પૉર્ટ્સ ડ્રિન્કની માફક જ રિહાઇડ્રેટ થાય છે.

દારૂ (આલ્કોહોલ) પીધા બાદ નશો ચડે એ સ્વાભાવિક છે. દારૂ પીધા બાદ લિવર લોહીમાંથી ઝેરી તત્ત્વો નથી કાઢી શકતું, જેથી ડિહાઇડ્રેશન અને માથાનો દુખાવો, થાક અને ઊલટી જેવાં લક્ષણો દેખાવાં લાગે છે.
ધ વોગ વેબસાઇટે ફૂડ દાર્જિલિંગના સહસ્થાપક અને ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. સિદ્ધાંત ભાર્ગવના નિવેદનમાં નોંધ્યું છે કે ઝડપથી હાઇડ્રેટ થવા માટે સૌથી સરળ અને સૌથી આરોગ્યપ્રદ વિકલ્પ નાળિયેર પાણી છે.
નાળિયેર પાણી પીવાથી ઉપર જણાવેલાં દારૂ પીધા બાદનાં લક્ષણોમાં રાહત મળી શકે છે. માથાના દુખાવામાં રાહત માટે પોટેશિયમ ખૂબ અસરકારક સાબિત થાય છે. નાળિયેર પાણીમાં રહેલા મૅંગેનીઝ અને ઍન્ટિઓક્સિડન્ટ્સ લિવરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થાય છે. મૅંગેનીઝમાં સોજા સામે રક્ષણ આપવાના ગુણ હોય છે. એ દારૂના નશાને કારણે જોવાં મળતાં લક્ષણો ઠીક કરવા માટે પણ ઉપયોગી છે.
આવી જ રીતે જ્યારે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન બગડે, માથાનો દુખાવો, થાક અને ઊલટી થાય ત્યારે પણ નાળિયેર પાણી પીવાથી રાહત મળે છે.
નિષ્ણાતો અનુસાર નાળિયેર પાણી પીવાથી દારૂના નશાને લગતાં લક્ષણોને તાત્કાલિક અસર નથી થતી, પરંતુ તેનાથી શરીરને તાત્કાલિક પાણીનું પ્રમાણ વધારવા માટેની ઊર્જા જરૂર મળી રહે છે.
અહીં એ પણ નોંધનીય છે કે નશો ઉતારવા માટે નાળિયરેનું પાણી ઉપયોગી હોવાના પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી. જોકે, એ નાળિયેર પાણીમાં ભરપૂર ઇલેક્ટ્રોલાઇટ હોવાને કારણે ઘણી વાર તેનો શરીરને રિહાઇડ્રેટ કરવા માટે ઉપયોગ થાય છે.


ઇમેજ સ્રોત, Getty Images
જો વિલિયમ્સ કહે છે કે, “મોટા ભાગના લોકોમાં નાળિયેર પાણી પીવાના કોઈ ગેરલાભ નથી. જોકે, કિડની ફેલ્યોરની સમ્સયાથી પીડાતા કે કિડની સંબંધિત સમસ્યાનો સામનો કરતાં લોકોએ જેમને પોટેશિયમ મર્યાદિત પ્રમાણમાં લેવાનું હોય છે, તેમણે હાઇડ્રેશન માટે નાળિયેર પાણી પીવું એ યોગ્ય નથી.”
આ સિવાય પ્રી-ડાયાબિટીક અથવા ડાયાબિટસથી પીડાતા લોકોએ આ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
અહીં નોંધનીય છે કે નાળિયેર પાણીથી ઍલર્જી ખૂબ જ દુર્લભ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS