Source : BBC NEWS

23 મિનિટ પહેલા
રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયાએ જણાવ્યું છે કે 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાના અને રૂપિયા મેળવવા માટે ધમકી આપવાની ફરિયાદને આધારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચામાં રહેલાં પદ્મિનીબા વાળાની ગોંડલ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી પરંતુ પછી તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.
ગોંડલ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ડામોર સાથે બિપીન ટંકારિયાની થયેલી વાતચીત મુજબ આ મામલે પકડાયેલા તમામ ચાર આરોપીને જામીન પર છોડવામાં આવ્યા છે. ગોંડલની સ્થાનિક કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા.
આ કેસમાં કુલ પાંચ આરોપી હતા અને પોલીસે ચારની ધરપકડ કરી હતી જ્યારે કે એક આરોપી કે જે મહિલા છે તેની ધરપકડ બાકી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને બીજી ત્રણ વ્યક્તિ સહિત કુલ પાંચ લોકો સામે એક 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાની અને રૂપિયા મેળવવા માટે ધમકાવવાની પોલીસ ફરિયાદ થઈ હતી.
ગોંડલની 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે “એક અજાણી યુવતીએ તેમનો ફોન નંબર લઈને વાતચીત શરૂ કરી હતી, વીડિયો-કૉલ કરીને વાંધાજનક સ્થિતિમાં તેમની સાથે વાત કરી હતી અને પછી રૂપિયા મેળવવાની યોજના સાથે આ યુવતીએ તેમને ધમકાવ્યાં હતાં, જેમાં પદ્મિનીબા અને તેમના સાથીદારો પણ સામેલ હતાં.”
આ મામલે પદ્મિનીબા વાળાએ આરોપો નકારી કાઢ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પદ્મિનીબાએ બચાવમાં શું કહ્યું હતું?
આ ઘટના વિશે બીબીસી ગુજરાતીએ પદ્મિનીબા વાળાનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન સતત સ્વિચ ઑફ આવતો હતો.
જોકે, તેમણે ગોંડલમાં રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન બહાર ઊભા રહીને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે આ શખસનો (ફરિયાદી)નો ઇરાદો યુવતીનું શોષણ કરવાનો હતો અને તેને ખુલ્લો પાડવા માટે અમે ગોંડલ આવ્યાં હતાં.
તેમણે આ વીડિયોમાં દાવો કર્યો, “આ શખસ અને તેના પરિવારજને માફી પણ માંગી પણ અમે તેમને ન્યૂઝમાં આવીને માફી માંગવા કહ્યું હતું. આટલી જ વાત હતી. અમારા જેવા આગેવાનોને પરેશાન કરવામાં આવ્યા.”
તેમણે એ પણ દાવો કર્યો હતો કે તેમણે કોઈની સાથે મારામારી નથી કરી.
પદ્મિનીબાએ એમ પણ કહ્યું હતું કે “હું એક સામાજિક આગેવાન તરીકે કોઈના ઘરે ન જઈ શકું? શાંતિથી વાત ચર્ચા ન કરી શકું? અમે કેટલાં તો સમાધાન કરાવેલાં છે.”
તેમણે એ પણ દાવો કર્યો હતો કે “અમે રૂપિયાની માંગણી કરેલી નથી. આના કોઈ પૂરાવા હોય તો આપો. આની પાછળ બીજાં તત્ત્વો કામ કરી રહ્યાં છે. હવે અમે લડી લેવાના છીએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS