Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
2 કલાક પહેલા
ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે નિધન થયું. કાર્ડિનલ કેવિન ફેરેલે પોપના નિધનની જાહેરાત કરી.
ફેરેલે પોતાની જાહેરાતમાં કહ્યું કે, “રોમના સ્થાનિક સમયાનુસાર 7:35 વાગ્યે પોપ ફ્રાન્સિસે અંતિમ શ્વાસ લીધા. ફ્રાન્સિસનું આખું જીવન લૉર્ડ અને ચર્ચની સેવામાં સમર્પિત હતું. પોપ ફ્રાન્સિસ લૉર્ડ જીસસના સાચા શિષ્ય હતા.”
પોપ ફ્રાન્સિસ કૅથોલિક ચર્ચોમાં સુધારા માટે પણ ખ્યાત છે. તેમ છતાં પોપ રૂઢિવાદીઓમાં પણ લોકપ્રિય હતા. ફ્રાન્સિસ દક્ષિણ અમેરિકા (આર્જેન્ટિના)થી પોપ બનનાર પ્રથમ હતા.
પોપ ફ્રાન્સિસ ઇસ્ટર સન્ડેના રોજ જ વેટિકનમાં સેન્ટ પીટર્સ સ્ક્વેર પર બધાને મળ્યા હતા.
પોપ વ્હીલ ચૅર પર બાલ્કનીમાં લોકોને દેખાયા અને તેમણે કહ્યું હતું – પ્રિય ભાઈઓ અને બહેનો, તમને સૌને ઇસ્ટર મુબારક.
પહેલા દક્ષિણ અમેરિકન જેસુઇટ

ઇમેજ સ્રોત, EPA
પોપ ફ્રાન્સિસ, રોમન કૅથોલિક ચર્ચનું નેતૃત્વ કરનાર પ્રથમ લૅટિન અમેરિકન જેસુઇટ હતા.
કાર્ડિનલ જૉર્જ મારિયો બર્ગોગ્લિયો 2013માં જ્યારે બેનેડિક્ટ સોળમાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરાયા ત્યારે તો વેટિકન માટે તેઓ એક પ્રકારે બહારની વ્યક્તિ હતા.
266મા પોપ સ્વરૂપે તેમની પસંદગીથી વિશ્લેષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિશ્લેષક 76 વર્ષના પોપના સ્થાને કોઈ યુવાન પોપ તરીકે ચૂંટાશે તેવી આશા રાખી રહ્યા હતા.
ચૂંટણી દરમિયાન તેમણે રૂઢિવાદીઓ અને સુધારકો બંનેનું જબરદસ્ત સમર્થન મળ્યું. તેમને યૌન મામલામાં રૂઢિવાદી અને સામાજિક મામલામાં ઉદાર માનવામાં આવતા હતા.
સમર્થક તેમને લોકો સાથે જોડાવા, ક્યૂરિયા (વેટિકન નોકરશાહી)માં સુધારો લાવવા, વેટિકન બૅન્કમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા અને ચર્ચમાં બાલ યૌન શોષણ રોકવાના સંકલ્પના કારણે ઘણા પસંદ કરતા હતા.
પોપ બન્યાનાં ચાર વર્ષ બાદનાં સર્વેક્ષણોથી ખબર પડી કે પોપની લોકપ્રિયતા કૅથોલિક અને અન્ય ધર્મોમાં ખૂબ વધુ છે. સોશિયલ મીડિયા ઍક્સ પર તેમને દોઢ કરોડ કરતાં પણ વધુ લોકો ફૉલો કરે છે.
જોકે, ઘણા મુદ્દા પર સીધી દખલ ન દેવાને કારણે વેટિકનની અંદર અને બહાર તેમના વિરોધીઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી.
સામાજિક ટીકાકાર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી રોમ સંવાદદાતા ડેવિડ વિલી અનુસાર, ચૂંટણીના બીજા જ દિવસે સવારે નવા પોપ રોમન બેસિલિકામાં પ્રાર્થના કરવા માટે અજ્ઞાત વાહનોના કાફલામાં વેટિકન સિટીથી બહાર નીકળ્યા હતા.
વેટિકન પરત ફરતી વખતે તેમણે ઇટાલિયન પાટનગરના મધ્યમાં પાદરી વર્ગ માટે બનેલી એક હોટલમાં પોતાનું બિલ ભરવાની વાત ભારપૂર્વક જણાવી, આનાથી તેમની શૈલીની છાપ પોપ પદ પર તરત જ પડી ગઈ.
તેમણે એ વિશાલ પેન્ટહાઉસ ઍપાર્ટમેન્ટને ત્યાગી દીધો, જેનો પોપ ઘણી સદીઓથી ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ વેટિકન ગેસ્ટહાઉસના એક નાનકડા સુઇટમાં રહેવા લાગ્યા. આ સાથે જ તેમણે પોપના ગ્રીષ્મકાલીન નિવાસ કાસલ ગંડોલ્ફોને પણ ત્યાગી દીધો.
તેમણે મુક્ત બજાર અર્થશાસ્ત્ર પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ચર્ચે સમલૈંગિક લોકો માટે મત બાંધવાના સ્થાને તેમની માફી માગવી જોઈએ. આ સિવાય તેમણે યુરોપિયન માઇગ્રન્ટ ડિટેન્શન સેન્ટરોની સરખામણી નજરબંદી શિબિરો સાથે કરી.
પોપ અંગે વિશેષજ્ઞોએ કહ્યું કે એ કહેવું ખોટું હશે કે પોપ સંપૂર્ણપણે ઉદારમતવાદી છે. રોમન કૅથોલિક મામલાની સમાચાર વેબસાઇટ ક્રૂક્સના સંપાદક જૉન એલન જૂનિયરે 2016માં લખ્યું, “ફ્રાન્સિસ પણ સ્પષ્ટપણે ‘રૂઢિવાદી’ છે.”
તેમણે “કૅથેશિઝ્મ”નું એક કૉમા પણ નથી બદલ્યું. કૅથેશિઝ્મ ચર્ચના ઉપદેશોનો આધિકારિક સંગ્રહ છે. તેમણે મહિલા પાદરીઓ માટે ના પાડી છે. સમલૈંગિક વિવાહ માટે પણ ના પાડી. ગર્ભપાતને સૌથી ભયાનક અપરાધ ગણાવ્યો, જન્મનિયંત્રણ પર પ્રતિબંધનો બચાવ કર્યો છે અને દરેક બીજા વિવાદિત મુદ્દે પોતાની જાતને એક પ્રામાણિક ‘ચર્ચનો દીકરો’ સાબિત કર્યો.
જોકે, ક્યૂરિયાને કાબૂ કરવા, પુનર્વિવાહ બાદ પ્રભુભોજ જેવા મુદ્દા પર ચર્ચના વલણને નરમ કરવાની તેમની ઇચ્છાથી અધિકારીઓને પડકાર પણ મળ્યો. તેમણે એવા કાર્ડિનલ્સને બદલવામાં પણ કોઈ ખચકાટ ન અનુભવ્યો, જેઓ તેમનાથી સંમત નહોતા.
વિનમ્ર જીવનશૈલી

ઇમેજ સ્રોત, Bergoglio family
જૉર્જ મારિયો બર્ગોગ્લિયોનો જન્મ 17 ડિસેમ્બર, 1936ના રોજ બ્યૂનસ આયર્સમાં થયો હતો, તેઓ ઇટાલિયન મૂળના હતા.
આધિકારિક વેટિકન જીવનકથા અનુસાર, તેમણે 1969માં જેસુઇટ તરીકે નિયુક્ત કરાયા હતા અને તેઓ અભ્યાસ માટે આર્જેન્ટિના અને જર્મની ગયા હતા.
યુવાનીમાં સંક્રમણના કારણે તેમનું એક ફેફસું કાઢી નાખવું પડેલું, તેઓ 1992માં બિશપ બન્યા અને 1998માં બ્યૂનસ આયર્સના આર્કબિશપ બન્યા.
2005ના સંમેલનમાં તેમને પોપ પદના દાવેદાર મનાયા.
કાર્ડિનલ બર્ગોગ્લિયો સ્વરૂપે આર્જેન્ટિનામાં તેમની અસર રહી. તેઓ પોતાના ઉપદેશોમાં સામાજિક સમાવેશ પર ભાર આપતા હતા. અપ્રત્યક્ષપણે તેઓ એ સરકારોની પણ ટીકા કરતા જેઓ સમાજમાં હાંસિયે ધકેલાયેલા પર ધ્યાન નહોતી આપતી.
તેમની આત્મકથાનાં સહલેખિકા ફ્રાન્સેસ્કા ઍમ્બ્રોગેટીએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે સાર્વજનિક અપીલનો એક ભાગ તેમની “શાંત અને સાદગીપૂર્ણ જીવનશૈલી” હતી.
ચર્ચ માટે એક જેસુઇટને પ્રભારી બનાવવાની વાત એ નવી નથી. તેના સભ્યોથી એવી અપેક્ષા રખાય છે કે તેઓ ચર્ચ સંબંધી સન્માનથી દૂર રહે તથા સ્વયં પોપની સેવા કરે.
પોપના વિચારોની પરીક્ષા આર્જેન્ટિનામાં થઈ. આર્જેન્ટિનામાં સમલૈંગિક વિવાહને કાયદેસર બનાવનાર પ્રથમ લૅટિન અમેરિકન દેશ હતો. દેશનાં તત્કાલીન રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડીઝ ડી કર્ચનરે મફત ગર્ભનિરોધક અને કૃત્રિમ ગર્ભાધાનને પ્રોત્સાહન આપેલું.
પૂર્વ કાર્ડિનલ એક પ્રબળ આર્જેન્ટિના દેશભક્ત પ્રતીત થાય છે, તેમણે 2016માં ફૉકલૅન્ડ યુદ્ધના આર્જેન્ટિનાના અનુભવી સૈનિકોને કહેલું, “આપણે એ બધા માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ, જેઓ શહીદ થયા છે, માતૃભૂમિના દીકરા જેઓ પોતાની મા, માતૃભૂમિનું રક્ષણ કરવા માટે અને જે તેમનું છે તેને ફરી પ્રાપ્ત કરવા માટે દેશથી બહાર ગયા.”
વિવાદમાં રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
આર્જેન્ટિનામાં 1976-83 વચ્ચે સૈન્ય તાનાશાહી દરમ્યાન તેમની ભૂમિકા વિવાદિત રહી હતી, તે સમયે તેમણે દેશના જેસુઇટનું નેતૃત્વ કર્યું હતું.
બીબીસીના વ્લાદિમીર હર્નાન્ડેઝના રિપોર્ટ અનુસાર આરોપ છે કે 1976માં બ્યૂનસ આયર્સની મલિન વસ્તીઓમાં તેમના સામાજિક કાર્યોને જાહેરમાં સમર્થન આપવાનો બે પાદરીઓએ ઇન્કાર કરી દીધો હતો. તેમણે પછી તેમને સૈન્ય અધિકારીઓને સોંપી દીધા હતા. જેનાથી જુંટા તેમનાથી ઘણા ક્રોધિત હતા.
આ ‘ડર્ટી વૉર’ દરમ્યાન એવા પણ આરોપ લાગ્યા હતા કે અપહરણના શિકાર થયેલાં એક મહિલાના શિશુની શોધના આગ્રહ પર કામ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. મહિલાનું એવા સમયે અપહરણ કરાયું હતું જ્યારે તેઓ પાંચ મહિનાનાં ગર્ભવતી હતાં. ત્યાર બાદ 1977માં તેમની હત્યા કરી નાખવામાં આવી. એવું માનવામાં આવે છે કે મહિલાના બાળકને કોઈએ ગેરકાયદેસર રીતે દત્તક લીધું હતું.
વેટિકને આ વાતથી સંપૂર્ણપણે ઇન્કાર કર્યો હતો કે પોપ ફ્રાન્સિસ જુંટાને અધીન કોઈ પણ ખોટાં કાર્ય માટે દોષી હતા.
એ વાત સામે આવી છે કે 2011માં તેમણે સૈન્ય શાસન દરમ્યાન માર્યા ગયેલા આર્જેન્ટિનાના પાદરીઓને સંત બનવાની દિશામાં પ્રારંભિક પગલાં લીધાં. એક બીજા મામલામાં પાંચ કૅથોલિક ચર્ચના લોકોને પણ સંતની ઉપાધિ આપવાનો પ્રસ્તાવ તેમણે મૂક્યો હતો. 1976માં ચર્ચના પાંચ લોકોની હત્યા બ્યૂનસ આયર્સમાં સેન્ટ પેટ્રિક ચર્ચમાં કરવામાં આવી હતી.
પોપના અનુરોધ પર વેટિકને આર્જેન્ટિનામાં તાનાશાહી સાથે સંબંધિત ફાઇલ્સ પીડિતો અને તેમના સંબંધીઓ માટે ખોલી હતી.
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા માનવ અધિકાર કાર્યકર્તા એડોલ્ફો પેરેઝ એસ્ક્વિવેલ જેમને તંત્રએ જેલમાં નાખીને યાતનાઓ આપી હતી, તેમણે બીબીસીને જણાવ્યું કે “કેટલાક બિશપ હતા જેમની સેના સાથે મિલીભગત હતી, પરંતુ બર્ગોગ્લિયો તેમનામાંથી એક નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS