Source : BBC NEWS

બીસીસીઆઈએ કર્યું સેન્ટ્રલ કૉન્ટ્રેક્ટનું ઍલાન, શ્રેયસ અને ઇશાનની વાપસી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

21 એપ્રિલ 2025, 06:35 IST

અપડેટેડ 6 કલાક પહેલા

બીસીસીઆઈએ સોમવારે ભારતીય પુરુષોની ક્રિકેટ ટીમ માટે વર્ષ 2024-25ના સેન્ટ્રલ કૉન્ટ્રેક્ટનું ઍલાન કર્યું છે.

આ વખતે ગ્રેડ A+ શ્રેણીમાં ચાર ખેલાડીઓને સામેલ કર્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.

ગ્રેડ Aમાં છ ખેલાડીઓ, ગ્રેડ Bમાં પાંચ અને ગ્રેડ Cમાં 19 ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ગ્રેડ Aમાં મોહમ્મદ સિરાઝ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંત છે.

ગ્રેડ Bમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરનું નામ છે.

આ કૉન્ટ્રેક્ટમાં ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની વાપસી થઈ છે.

સુરતમાં બાળમજૂરી નેટવર્ક પકડાયું; ‘બાળકો પાસે 17-17 કલાક કામ કરાવીને માત્ર 200 રૂપિયા પગાર ચૂકવાતો’

સુરતમાં બાળમજૂરી નેટવર્ક પકડાયું; 'બાળકો પાસે 17-17 કલાક કામ કરાવીને માત્ર 200 રૂપિયા પગાર ચૂકવાતો'- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

સુરતના પુણા વિસ્તારમાં બાળમજૂરીનું એક નેટવર્ક પકડાયું છે જેમાં પોલીસે પાંચ બાળકોને મુક્ત કરાવ્યા છે.

સુરત ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી રૂપેશ સોનવણેના જણાવ્યા અનુસાર સાડીના કારખાનામાં કામ કરતાં બે બાળકો ભાગીને પોલીસ મથકે પહોંચ્યા અને આખી સ્થિતિનો ચિતાર આપ્યો હતો, ત્યાર પછી તંત્રે કાર્યવાહી કરીને અન્ય ત્રણ બાળકોને મુક્ત કરાવ્યાં છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે ‘રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી સાતથી 17 વર્ષ સુધીના 5 સગીરોને લાવવામાં આવ્યા હતા અને પુણાની બિલનાથ સોસાયટીમાં સાડીના કારખાનામાં ગોંધી રાખવામાં આવ્યા હતા. અહીં તેમનું શોષણ કરવામાં આવતું હતું અને માત્ર 200 રૂપિયાના વેતનની સામે રોજના 17 કલાક મજૂરી કરવાની ફરજ પાડવામાં આવતી હતી.’

કારખાનેદારનો ત્રાસ સહન ન થવાના કારણે સાત-સાત વર્ષનાં બે બાળકો આગલા દિવસે રાત્રે ભાગીને ગોડાદરા પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને પોલીસને આખી ઘટના વિશે જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ‘બાળકો પાસે કાળી મજૂરી કરાવનાર’ કારખાનેદારને પકડ્યો છે.

સાત વર્ષનાં બાળકો જ્યારે પોલીસ પાસે પહોંચ્યાં અને આખી હકીકત જણાવી ત્યારે તેમને પોતાના કારખાનાના ચોક્કસ સરનામાની પણ જાણ ન હતી.

તેથી પોલીસનો દાવો છે કે વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આખા વિસ્તારમાં પગપાળા ફર્યા હતા અને સાડીનાં યુનિટોની શોધખોળ કરી હતી. પોલીસે બાળકોને કતારગામમાં ચિલ્ડ્રન્સ હોમમાં મોકલી દીધાં હતાં અને એક ટીમે કારખાનેદારની શોધ આદરી હતી.

ત્યાર બાદ ઍન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સર્ચ કામગીરી કરવામાં આવી હતી.

લગભગ પાંચ કિલોમીટરના વિસ્તારમાં શોધખોળ કર્યા પછી બિલનાથ સોસાયટીમાં પોલીસ પહોંચી હતી જ્યાં સાડીના કારખાનામાં બાળકો પાસે ‘કાળી મજૂરી’ કરાવવામાં આવતી હતી.

પોલીસને આ સ્થળેથી અન્ય ત્રણ બાળકો મળી આવ્યાં હતાં જેમની ઉંમર 8 વર્ષથી લઈને 17 વર્ષ સુધી હતી.

સુરત બી ડિવિઝનના એસીપી પી. કે. પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી રૂપેશ સોનવણે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “પોલીસે પ્રકાશ ભુરિયા નામના મૂળ રાજસ્થાનના સાડીના કારખાનેદારને પકડ્યા છે અને તેની સામે ચાઇલ્ડ લેબર ઍક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.”

તેમણે કહ્યું કે બાળ મજૂરીમાંથી રૅસ્ક્યૂ કરવામાં આવેલ પાંચેય બાળકોને કતારગામના બાળગૃહે મોકલી દેવામાં આવ્યાં છે ત્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.

ઝારખંડના બોકારોમાં આઠ માઓવાદી પોલીસ અથડામણમાં માર્યા ગયા

ઝારખંડના બોકારોમાં આઠ માઓવાદી પોલીસ અથડામણમાં માર્યા ગયા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઝારખંડ પોલીસે ઝારખંડના બોકારો જિલ્લામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત કાર્યવાહીમાં આઠ સંદિગ્ધ માઓવાદી માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.

રવિવારના રોજ સીઆરપીએફની કોબરા 209 યુનિટ અને રાજ્ય પોલીસ દળની ઝારખંડ જગુઆર ટીમ માઓવાદીની ઉપસ્થિતિની સૂચના મળતાની સાથે અભિયાન માટે નીકળી હતી.

ઝારખંડ પોલીસ અને સીઆરપીએફને સૂચના મળી હતી કે લુગુ પહાડી વિસ્તારમાં નક્સલીઓનું એક જૂથ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવે છે. ત્યાર બાદ એક વિશેષ ટીમનું ગઠન કરીને આ વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

ઝારખંડના ડીજીપી અમેલ વિનુકાંત હોમકરે બીબીસીને જણાવ્યું, “અમારી સંયુક્ત ટીમ જ્યારે સવારે માઓવાદીની હીલચાલની જાણકારી પર બોકારોનાં જંગલોમાં પહોંચી તો માઓવાદીઓએ તેમના પર હુમલો કર્યો. જવાબમાં થએલી કાર્યવાહીમાં અત્યારસુધી આઠ માઓવાદીઓ માર્યા ગયા છે. હજુ માઓવાદી અને પોલીસ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે.”

યુક્રેન-રશિયાએ એકબીજા પર ‘ઈસ્ટર યુદ્ધવિરામ’ તોડવાનો લગાવ્યો આરોપ

યુક્રેન-રશિયાએ એકબીજા પર 'ઈસ્ટર યુદ્ધવિરામ' તોડવાનો લગાવ્યો આરોપ- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

યુક્રેન અને રશિયાએ એકબીજા પર 30 કલાકના ‘ઈસ્ટર યુદ્ધવિરામ’ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ યુદ્ધવિરામની ઘોષણા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું કહેવું છે કે રવિવારે અત્યારસુધી રશિયાએ લગભગ 3000 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

તો, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેન તરફથી કરવામાં આવેલા હુમલાઓને તેણે રોક્યા હતા. રશિયાએ યુક્રેન પર સેંકડો ડ્રૉન મોકલ્યા હોવાનો અને બૉમ્બમારો કર્યો હોવાનો આરોપ પણ લગાવ્યો.

બીબીસી બંનેના દાવાની સ્વતંત્ર પુષ્ટિ નથી કરી શક્યું.

આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાણકારી આપી કે તેમને વિશ્વાસ છે કે તેઓ યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમજૂતી પર પહોંચશે. જોકે, આ મામલે તેમણે વધારે જાણકારી નહીં આપી.

જેડી વેંસની ભારત મુલાકાત: પીએમ મોદી સાથે થશે મુલાકાત, શું ટેરિફ પર કોઈ સમજૂતી થશે?

ઇટાલીના ઍરપૉર્ટ પર પોતાની દીકરી મીરાબેલ સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ અને તેમનાં પત્ની ઉષા વેંસ.
જેડી વેંસની ભારત મુલાકાત: પીએમ મોદી સાથે થશે મુલાકાત, શું ટેરિફ પર કોઈ સમજૂતી થશે? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ સોમવારે પરિવાર સહિત ચાર દિવસની ભારત યાત્રા પર આવી રહ્યા છે.

આ યાત્રામાં તેઓ નવી દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અર્થવ્યવસ્થા, વ્યાપાર અને ભૂરાજનીતિક સંબંધોને લઈને વાતચીત થઈ શકે છે.

ટ્રમ્પના ટેરિફ યુદ્ધ બાદ ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપારિક સમજૂતીને આકાર આપવામાં કામ કરી રહ્યું છે જેનાથી બંને દેશોનાં હિતોને સાધતા વ્યાપારને વ્યવહારિક બનાવી શકાય.

જાણકારો કહે છે કે આમ તો વેંસની યાત્રા અંગત છે છતાં તેમની જ્યારે વડા પ્રધાન સહિતની મહત્ત્વની વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ રહી છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં શરૂઆતથી જ ભારત સાથે અમેરિકાના કેવા સંબંધો હશે તેના પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને ‘ટેરિફ કિંગ’ કહી ચૂક્યા છે.

સત્તામાં આવતાની સાથે જ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમની મુલાકાતના બે કલાક પહેલાં જ તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવીને દેખાડી દીધું હતું કે તેમની નીતિ કેવી રહેશે.

પીએમ મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ટેરિફને લઈને કોઈ સ્થાયી સમાધાન કે મોટી છૂટ તો ન મળી પરંતુ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંતુલન બનાવી રાખવા માટે દ્વિપક્ષીય વાતચીતની શરૂઆત થઈ છે. હવે, વેંસની આ મુલાકાતમાં આ મામલે કઈ પ્રગતિ થાય છે તેના પર સૌની નજર છે.

કૅનેડાની ચૂંટણીમાં ઍડ્વાન્સ વોટિંગમાં રેકૉર્ડ મતદાન થયું

ડાબેથી જમણે કૅનેડાની પાર્ટી એનડીપીના નેતા જગમીતસિંહ, લિબરલ પાર્ટી નેતા અને વડા પ્રધાન માર્ક કાર્ની, બ્લૉક ક્યૂબેકૉઇસ પાર્ટીના નેતા યાવેસ-ફ્રાંકોઇસ તથા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઇલીવર.

ઇમેજ સ્રોત, Getty Images

કૅનેડાની સામાન્ય ચૂંટણી પહેલાં ચાર દિવસો સુધી ચાલેલાં ઍડ્વાન્સ મતદાનમાં ઘણા કૅનેડાના નાગરિકોએ ભાગ લીધો હતો. આ ઍડ્વાન્સ વોટિંગ સોમવારે સમાપ્ત થયું હતું.

કૅનેડાની સામાન્ય ચૂંટણી 28મી એપ્રિલે છે પરંતુ ત્યાં ઍડ્વાન્સ વોટિંગનો નિયમ છે જે અંતર્ગત લોકો આ પ્રકારે ઍડ્વાન્સમાં મતદાન કરી શકે છે.

આ ચૂંટણીને દેશની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી મનાય છે. તેનું કારણ એ છે કે આ સમયે કૅનેડા અમેરિકાનાં ટેરિફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કૅનેડાને મળી રહેલી ધમકીનો સામનો કરી રહ્યું છે.

લિબરલ પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય બૅન્કર માર્ક કાર્ની હાલ ચૂંટણીમાં આગળ ચાલી રહ્યા છે પરંતુ તેમના પ્રતિસ્પર્ધી પિયરે પોઇલીવરને પણ જનતાનું સારું એવું સમર્થન મળી રહ્યું છે.

આ સમયે કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની છે. માર્ક કાર્નીએ કૅનેડાના પૂર્વ વડા પ્રધાન રહેલા જસ્ટિન ટ્રૂડોની જગ્યા લીધી હતી.

ટ્રૂડોએ પોતાની પાર્ટીના દબાણને કારણે જાન્યુઆરીમાં વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

ગોંડલમાં બહુચર્તિત હની ટ્રૅપ પ્રકરણમાં પદ્મિનીબા વાળા જામીન પર છૂટ્યાં

રાજકોટ, ગોંડલ, પદ્મિનીબા વાળા, હની ટ્રૅપ કેસ, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ, ગુજરાત

રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયાએ જણાવ્યું છે કે 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાના અને રૂપિયા મેળવવા માટે ધમકી આપવાની ફરિયાદને આધારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચામાં રહેલાં પદ્મિનીબા વાળાની ગોંડલ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી પરંતુ પછી તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.

ગોંડલ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ડામોર સાથે બિપીન ટંકારિયાની થયેલી વાતચીત મુજબ આ મામલે પકડાયેલા તમામ ચાર આરોપીને જામીન પર છોડવામાં આવ્યા છે. ગોંડલની સ્થાનિક કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા.

આ કેસમાં કુલ પાંચ આરોપી હતા અને પોલીસે ચારની ધરપકડ કરી હતી જ્યારે કે એક આરોપી કે જે મહિલા છે તેની ધરપકડ બાકી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને બીજી ત્રણ વ્યક્તિ સહિત કુલ પાંચ લોકો સામે એક 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાની અને રૂપિયા મેળવવા માટે ધમકાવવાની પોલીસ ફરિયાદ થઈ હતી.

ગોંડલની 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે “એક અજાણી યુવતીએ તેમનો ફોન નંબર લઈને વાતચીત શરૂ કરી હતી, વીડિયો-કૉલ કરીને વાંધાજનક સ્થિતિમાં તેમની સાથે વાત કરી હતી અને પછી રૂપિયા મેળવવાની યોજના સાથે આ યુવતીએ તેમને ધમકાવ્યાં હતાં, જેમાં પદ્મિનીબા અને તેમના સાથીદારો પણ સામેલ હતાં.”

આ મામલે પદ્મિનીબા વાળાએ આરોપો નકારી કાઢ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પદ્મિનીબાએ બચાવમાં શું કહ્યું હતું?

આ ઘટના વિશે બીબીસી ગુજરાતીએ પદ્મિનીબા વાળાનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન સતત સ્વિચ ઑફ આવતો હતો.

જોકે, તેમણે ગોંડલમાં રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન બહાર ઊભા રહીને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે આ શખસનો (ફરિયાદી)નો ઇરાદો યુવતીનું શોષણ કરવાનો હતો અને તેને ખુલ્લો પાડવા માટે અમે ગોંડલ આવ્યાં હતાં.

તેમણે આ વીડિયોમાં દાવો કર્યો, “આ શખસ અને તેના પરિવારજને માફી પણ માંગી પણ અમે તેમને ન્યૂઝમાં આવીને માફી માંગવા કહ્યું હતું. આટલી જ વાત હતી. અમારા જેવા આગેવાનોને પરેશાન કરવામાં આવ્યા.”

તેમણે એ પણ દાવો કર્યો હતો કે તેમણે કોઈની સાથે મારામારી નથી કરી.

પદ્મિનીબાએ એમ પણ કહ્યું હતું કે “હું એક સામાજિક આગેવાન તરીકે કોઈના ઘરે ન જઈ શકું? શાંતિથી વાત ચર્ચા ન કરી શકું? અમે કેટલાં તો સમાધાન કરાવેલાં છે.”

તેમણે એ પણ દાવો કર્યો હતો કે “અમે રૂપિયાની માંગણી કરેલી નથી. આના કોઈ પૂરાવા હોય તો આપો. આની પાછળ બીજાં તત્ત્વો કામ કરી રહ્યાં છે. હવે અમે લડી લેવાના છીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS