Source : BBC NEWS

યુરેનસ અને તેના પાંચ સૌથી મોટા ચંદ્ર વેરાન અને નિષ્ક્રિય હોવાનું માનવામાં આવતું હતું

ઇમેજ સ્રોત, SPL

  • લેેખક, પલ્લબ ઘોષ
  • પદ, વિજ્ઞાન સંવાદદાતા
  • 4 જાન્યુઆરી 2025

    અપડેટેડ એક કલાક પહેલા

યુરેનસ ગ્રહ અને તેના પાંચ સૌથી મોટા ચંદ્ર કદાચ એ મૃત વેરાન ગ્રહ નહીં હોય, જેના વિશે વિજ્ઞાનીઓ લાંબા સમયથી વિચારતા હતા. હવે વિજ્ઞાનીઓનું કહેવું છે કે તેમાં મહાસાગરો હોઈ શકે છે અને આ ચંદ્રો જીવનને આધાર આપવા માટે સક્ષમ હોઈ શકે છે.

આપણે તેના વિશે જે કંઈ જાણીએ છીએ એ બધી માહિતી નાસાના વોયેજર-2 અવકાશ યાન દ્વારા એકત્ર કરવામાં આવી હતી. એ અવકાશ યાન લગભગ 40 વર્ષ પહેલાં ત્યાં ગયું હતું.

એક નવા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે વોયેજરની યાત્રા એક શક્તિશાળી સૌર તોફાન સાથે થઈ હતી, જેને કારણે યુરેનિયન પ્રણાલી વાસ્તવમાં કેવી છે એ વિશેનો ભ્રામક વિચાર આઇડિયા પ્રસર્યો હતો.

યુરેનસ આપણા સૌરમંડળના બહારના વિસ્તારમાંની એક સુંદર, બર્ફીલા વલયોવાળી દુનિયા છે. એ સૌથી વધુ ઠંડા ગ્રહો પૈકીનો એક ગ્રહ છે. અન્યોની સરખામણીએ તે, જાણે કે તેને નીચો પાડી દેવાયો હોય તેમ, પોતાની તરફ ઝુકેલો છે અને આ બાબત તેને સૌથી અજબ બનાવે છે.

1986માં વોયેજર-2 તેની પાસેથી પસાર થયું અને તેણે પાંચ પ્રમુખ ચંદ્રના સનસનાટીભર્યા ફોટોગ્રાફ્સ મોકલ્યા ત્યારે આપણને તેને નજીકથી જોવાની તક પહેલીવાર મળી હતી.

જોકે, વોયેજર-2એ તેનો ડેટા મોકલ્યો તેનાથી વિજ્ઞાનીઓને અગાઉ કરતાં વધારે આશ્ચર્ય થયું હતું. એ ડેટામાંથી જાણવા મળ્યું હતું કે યુરેનિયન સિસ્ટમ વિશે તેમણે જેટલું વિચાર્યું હતું તેના કરતાં એ વધારે અજબ હતી.

યુરેનસ ગ્રહના મિરાન્ડા ચંદ્રની વોયેજર-2 દ્વારા લેવામાં આવેલી તસવીર. નવા સંશોધન મુજબ ચંદ્રમાં કદાચ પેટા-સપાટી મહાસાગર છે અને ત્યાં જીવન હોઈ શકે છે

ઇમેજ સ્રોત, NASA

અવકાશ યાનના ઉપકરણોએ લીધેલા માપથી જાણવા મળ્યું હતું કે બહારના સૌરમંડળમાંના બીજા ચંદ્રોથી વિપરીત, આ ગ્રહ અને ચંદ્ર નિષ્ક્રિય હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે યુરેનસનું સુરક્ષાત્મક ચુંબકીય ક્ષેત્ર વિચિત્ર રીતે વિકૃત હતું. તે કચડાયેલું હતું અને સૂર્યથી દૂર ધકેલાયેલું હતું.

કોઈ ગ્રહનું ચુંબકીય ક્ષેત્ર ગ્રહ અને તેના ચંદ્રોમાંથી નીકળતા કોઈ પણ ગેસ તેમજ અન્ય સામગ્રીઓને ફસાવી રાખે છે. તે મહાસાગરો કે ભૂગર્ભીય ગતિવિધિને કારણે હોઈ શકે છે. વોયેજર-2ને એવું કશું મળ્યું ન હતું, જેનાથી એવી ખબર પડે કે યુરેનસ અને તેના પાંચ સૌથી મોટા ચંદ્ર વેરાન અને નિષ્ક્રિય હતા.

આ એક મોટું આશ્ચર્ય હતું, કારણ કે તે સૌરમંડળના બીજા ગ્રહો અને તેના ચંદ્રોથી અલગ હતું.

અલબત, નવા વિશ્લેષણે દાયકાઓ જૂના રહસ્યનો પર્દાફાશ કર્યો છે. એ દર્શાવે છે કે એક ખરાબ દિવસે વોયેજર-2 તેની પાસેથી પસાર થયું હતું.

નવી શોધમાં જાણવા મળ્યું છે કે જે સમયે યુરેનસ-2 યુરેનસ પાસેથી પસાર થયું ત્યારે સૂર્ય ઉગ્ર થઈ રહ્યો હતો. તેના કારણે શક્તિશાળી સૌર હવા પેદા થતી હતી અને કદાચ તેણે બધી સામગ્રી ઉડાવી દીધી હતી તેમજ ચુંબકીય ક્ષેત્રને અસ્થાયી રીતે વિકૃત કરી નાખ્યું હતું.

એ કારણે યુરેનસ અને તેના પાંચ સૌથી મોટા ચંદ્રો વિશે 40 વર્ષથી આપણે ખોટો દૃષ્ટિકોણ જાળવી રાખ્યો હોવાનું યુનિવર્સિટી કૉલેજ લંડનના ડૉ. વિલિયમ ડને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “પરિણામ દર્શાવે છે કે યુરેનિયન સિસ્ટમ અગાઉની તુલનામાં ઘણી વધારે રોમાંચક હોઈ શકે છે. ત્યાં એવા ચંદ્ર હોઈ શકે છે, જેમાં જીવન માટે જરૂરી પરિસ્થિતિ હોય. તેની સપાટી નીચે સમુદ્ર હોઈ શકે છે, જે માછલીથી છલોછલ હોઈ શકે છે.”

મહત્ત્વની શોધ

સાલ 1977માં જ્યુપીટર, સેટર્ન, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહોના સંશોધન માટે વોયેજર-2 લૉન્ચ કરવામાં આવ્યું હતું

ઇમેજ સ્રોત, NASA

યુરેનસના ડેટા આવ્યા ત્યારે લિન્ડા સ્પિલકર વોયેજર પ્રોગ્રામમાં કામ કરતા એક યુવા વિજ્ઞાની હતાં. તેઓ અત્યારે પણ વોયેજર મિશનો માટે પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે નવાં પરિણામો વિશે જાણીને તેઓ બહુ રાજી થયાં છે. આ પરિણામ જર્નલ નેચર ઍસ્ટ્રોનોમીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

લિન્ડા સ્પિલકરે બીબીસી ન્યૂઝને કહ્યું હતું, “પરિણામ આકર્ષક છે અને યુરેનિયન સિસ્ટમમાં જીવનની સંભાવના હોવાની વાતથી હું બહુ ઉત્સાહી છું.”

“હું એ વાતથી પણ ખુશ છું કે વોયેજરે આપેલા ડેટા વડે આટલું બધું કરવામાં આવી રહ્યું છે. અમે 1986માં એકત્ર કરેલા ડેટાને વિજ્ઞાનીઓ જોઈ રહ્યા છે અને નવી શોધ કરી રહ્યા છે એ પણ આશ્ચર્યજનક છે.”

ડબ્લિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝનાં ડૉ. અફેલિયા વિબિસોનોએ પણ પરિણામોને “બહું રોમાંચક” ગણાવ્યાં હતાં.

તેમણે કહ્યું હતું, “તે દર્શાવે છે કે જૂના ડેટાનો અભ્યાસ કેટલો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ક્યારેક તેની પાછળ કશુંક નવું છુપાયેલું હોય છે, જે આપણને આગામી પેઢીના અંતરિક્ષ ઍક્સપ્લોરેશન મિશનોને ડિઝાઇન કરવામાં મદદરૂપ થઈ શકે છે.”

નવા મિશનની જાહેરાત

વોયેજર-2 બર્ફીલા ગ્રહ અને તેના ચંદ્રોની પાસેથી પસાર થયું તેને લગભગ 40 વર્ષ થઈ ગયાં છે. નાસાએ દસ વર્ષ પછી પાછા જઈને તેને નજીકથી જોવા માટે એક નવા મિશન યુરેનસ ઑર્બિટર અને પ્રોબ લૉન્ચ કરવાની યોજના બનાવી છે.

ઇમેજ સ્રોત, NASA

આંશિક રીતે નવી શોધનાં પરિણામ સ્વરૂપે નાસા બિલકુલ આવું જ કરી રહી છે.

વોયેજર-2 બર્ફીલા ગ્રહ અને તેના ચંદ્રોની પાસેથી પસાર થયું તેને લગભગ 40 વર્ષ થઈ ગયાં છે. નાસાએ દસ વર્ષ પછી પાછા જઈને તેને નજીકથી જોવા માટે એક નવા મિશન યુરેનસ ઑર્બિટર અને પ્રોબ લૉન્ચ કરવાની યોજના બનાવી છે.

વોયેજર-2ના ડેટાનું પુનઃમુલ્યાંકન કરવાનો વિચાર નાસાના ડૉ. જેમી જેસિંસ્કીનો હતો. તેમના જણાવ્યા મુજબ, મિશનનાં ઉપકરણો ડિઝાઇન કરતી વખતે અને વૈજ્ઞાનિક સર્વેક્ષણની યોજના બનાવતી વખતે તેનાં પરિણામને ધ્યાનમાં રાખવું પડશે.

તેમણે કહ્યું હતું, “વોયેજર-2 આ અસામાન્ય ઘટનાનો અનુભવ કરતાં યુરેનિયન સિસ્ટમ પાસેથી પસાર થયું તે વખતે મળેલા ડેટા અનુસાર ભવિષ્યના અવકાશ યાન માટેનાં કેટલાંક ઉપકરણો ડિઝાઇન કરવામાં આવી રહ્યાં છે. તેથી આપણે એ વિચારવું પડશે કે નવા મિશન માટે કેવાં ઉપકરણો ડિઝાઇન કરવાં, જેથી આપણે શોધ માટે જરૂરી વિજ્ઞાનને સર્વોત્તમ રીતે સમજી શકીએ.”

નાસાનો યુરોનસ પ્રોબ 2045 સુધીમાં શરૂ થવાની આશા છે. જેને ક્યારેય મૃત દુનિયા ગણવામાં આવતો હતો તે દૂરના ચંદ્ર પર જીવન શક્ય છે કે કેમ તે યુરેનસ પ્રોબ દ્વારા જાણવાની વિજ્ઞાનીઓને આશા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS