Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ADITYA VYAS
વર્ષોથી અમદાવાદ સહિત ગુજરાતના દર્દીઓ માટે તબીબી સેવાઓ પૂરી પાડતી વીએસ હૉસ્પિટલનું નામ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે.
એક સમયે રોગીની સેવાનો પર્યાય મનાતી આ હૉસ્પિટલમાં તાજેતરમાં દર્દીઓ પર જુદા જુદા રોગો માટે ક્લિનિકલ ટ્રાયલ કરાયા બાદ હૉસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે ક્લિનિકલ ટ્રાયલ માટેનાં નાણાં બાબતે ‘ગેરરીતિ’ આચરી હોવાના સમાચાર સામે આવ્યા છે.
સ્થાનિક માધ્યમો અનુસાર વીએસ હૉસ્પિટલમાં જુદા જુદા રોગની દવાઓ અને રસીના દર્દીઓ પર ‘પરીક્ષણ’ કરાયાં હતાં.
ઉલ્લેખનીય છે કે ક્લિનિકલ ટ્રાયલ એક પ્રકારનું સંશોધન છે, જે એ જોવા માટે કરવામાં આવે છે કે નવો ઇલાજ કે નવો ઉપચાર સુરક્ષિત અને પ્રભાવી છે કે નહીં. તે એવા લોકો પર કરવામાં આવે છે જે કોઈ નિશ્ચિત બીમારીથી પીડિત હોય છે અને જે તે નિશ્ચિત બીમારીથી બચવા માટે સુરક્ષિત રીતોનું સંશોધન કરવાની આવશ્યકતા હોય છે.
આ મામલે કરાયેલી એક ફરિયાદ બાદ સમગ્ર મામલાની તપાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પાંચ સભ્યોની તપાસ સમિતિ નીમી દીધી હતી. સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આ મામલાની તપાસનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ આઠ હંગામી ડૉક્ટરો સહિત એક ઍસોસિયેટ પ્રોફેસર પર કાર્યવાહી કરાઈ છે.

ઇમેજ સ્રોત, @airnewsalerts
મામલા અંગે મળી રહેલી પ્રાથમિક જાણકારી અનુસાર વર્ષ 2021થી ભારતીય અને મલ્ટિનૅશનલ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી સાથે 500 જેટલા દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરાઈ છે.
એવું પણ સામે આવ્યું છે કે આ ટ્રાયલ માટે આ કંપનીઓ પાસેથી વીએસ હૉસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ડૉ. દેવાંગ રાણાએ સીધા પોતાના અને પોતાના પરિવારનાં બૅંક ખાતાંમાં ટ્રાયલ માટેના પૈસા મેળવી લીધા હતા. જ્યારે નિયમો નેવે મૂકીને હૉસ્પિટલના ખાતામાં પૈસા જમા નહોતા કરાવવામાં આવ્યા.
બીબીસી પાસે રહેલા દસ્તાવેજો અનુસાર આ સમગ્ર મામલામાં ક્લિનિકલ ટ્રાયલ પેટે દર્દીઓને કોઈ નાણાકીય ચુકવણી કરાઈ નહોતી. જોકે, જાણકારો કહે છે કે માર્ગદર્શિકા પ્રમાણે ક્લિનિકલ ટ્રાયલ પેટે દર્દીઓને સ્પષ્ટ નાણાકીય ચુકવણી કરવાની નથી હોતી માત્ર તેમને ખર્ચની રકમ આપવામાં આવે છે અને રહેવા-ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
બીજી તરફ તપાસસમિતિના એક સભ્યનો દાવો છે કે તમામ દર્દીઓની સંમતિ મેળવીને ટ્રાયલ કરાઈ હતી. પરંતુ તપાસસમિતિના સભ્ય મુજબ હાલ તેમની પાસે દર્દીની સંમતિના કોઈ પેપર ઉપલ્બધ નથી.
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીબીસી પાસે રહેલા દસ્તાવેજોમાં શું ખુલાસા થયા?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
સરકારી હૉસ્પિટલમાં નિયમાનુસાર નવી દવાના પ્રયોગ પ્રાણીઓ પર સફળ થાય પછી, મનુષ્ય પર ક્લિનિકલ ટ્રાયલ કરી શકાય છે, પણ એના માટે હૉસ્પિટલમાં એથિકલ કમિટી નિમણૂક કરાઈ હોવી જરૂરી હોય છે.
આ સિવાય તમામ સારવાર માટેની સુવિધા પણ હોવી જોઈએ.
અમદાવાદમાં વર્ષોથી ચાલતી એનએચએલ મેડિકલ કૉલેજ વીએસ હૉસ્પિટલમાંથી નવી બનેલી એસવીપી હૉસ્પિટલમાં શિફ્ટ થઈ અને મેડિકલ પ્રોફેસરોની પણ એસવીપી હૉસ્પિટલમાં બદલી થઈ.
આ હૉસ્પિટલમાં તમામ આધુનિક સુવિધા હોવાને કારણે એસવીપી હૉસ્પિટલમાં નિયમ મુજબ ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી મળેલી છે.
જયારે વીએસ હૉસ્પિટલમાંથી મેડિકલ કૉલેજ શિફ્ટ થતાં તેમજ ત્યાં ડૉક્ટર પણ કૉન્ટ્રેક્ટ પર હોઈ ઉપરાંત આંગળીના વેઢે ગણાય એટલા સરકારી ડૉક્ટર હોવાને લીધે વીએસમાં નિયમ મુજબ ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે જરૂરી એવી એથિકલ કમિટી બની નહોતી.
કોરોનાકાળ દરમ્યાન એસવીપી હૉસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ બંધ થઈ, એ સમયમાં વીએસ હૉસ્પિટલના ડીન ડૉ. મનીષ પટેલ અને ફાર્માકૉલોજિસ્ટ ડૉ. દેવાંગ રાણાએ નવો ખેલ રચ્યો.
પહેલાં ડૉ. મનીષ પટેલે ડીન તરીકે ધંધાકીય અને બિનધંધાકીય ક્લિનિકલ ટ્રાયલ વીએસ હૉસ્પિટલમાં કરવાની મંજૂરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સમક્ષ માંગણી કરી.

ઇમેજ સ્રોત, ADITYA VYAS
આ માટેની એથિકલ કમિટી સિવિલ હૉસ્પિટલ દ્વારા નક્કી કરાય છે, પણ વચ્ચેનો રસ્તો કાઢવા તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન મેડિકલ ઍજ્યુકેશન ટ્રસ્ટની આ માટેની મંજૂરી માંગી.
નોંધનીય છે કે નિયમાનુસાર રેરેસ્ટ ઑફ રેર કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ ક્લિનિકલ ટ્રાયલ માટે એથિકલ કમિટી રચવાની મંજૂરી આપી શકે છે.
એનએચએલ મેડિકલ કૉલેજનાં મુખ્ય ફાર્મેકૉલૉજીસ્ટ ડૉ. સુપ્રિયા મલ્હોત્રાનો દાવો છે કે આ એથિકલ કમિટી બનાવવાની પરવાનગી ખુદ તે વખતના મ્યુનિસિપલ કમિશનરે આપી હતી.
ઉલ્લેખનીય છે કે તે વખતે કોવિડ મહામારીનો સમય ચાલતો હતો તેથી તેના આધારે એથિકલ કમિટી બનાવવાની પરવાનગી મળી હતી જેથી અહીં ક્લિનિકલ ટ્રાયલ થઈ શકે.
ડૉ. સુપ્રિયા મલ્હોત્રા બીબીસી ગુજરાતીને કહે છે કે ‘આ પરવાનગી 2021માં મળી હતી.’
એ મળતાં ડૉ. મનીષ પટેલે એમને ક્લિનિકલ ટ્રાયલના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે ડૉ.દેવાંગ રાણાની નિમણૂક કરવાની મંજૂરી એએમસી પાસે માગી.
એ પણ મળી જતાં માત્ર ભારતનાં અલગ અલગ રાજ્યોની જ નહીં, પણ વિદેશી કંપની પણ પૈસા ખર્ચીને એમની દવાઓના ક્લિનિકલ ટ્રાયલ માટે વીએસ હૉસ્પિટલ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કરવા લાગી.
કેવી રીતે સામે આવી ‘ગેરરીતિ’?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચાંદખેડાનાંં કૉંગ્રેસી મ્યુનિસિપલ કાઉન્સિલર રાજશ્રી કેસરીને શંકા જતાં તેમણે વીએસ હૉસ્પિટલમાં આચરાતી ‘ગેરરીતિ’ તપાસ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી.
રાજશ્રીબહેન કહે છે કે જ્યારે તેમણે ખાનગી રાહે તપાસ કરી તો ખબર પડી કે, “વીએસમાં મફત દવા આપવાને બહાને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થતી હતી, આ મુદ્દો મેં મ્યુનિસિપલ બોર્ડમાં ઉઠાવ્યો, ત્યારે ખબર પડી કે અહીં ખાનગી બૅન્કમાં ખાતું ખોલાવી ક્લિનિકલ ટ્રાયલના પૈસા ડૉક્ટર બરોબર પોતાના ખિસ્સામાં સેરવી લે છે, જેના કેટલાક પુરાવા રજૂ કર્યા.”
આ ફરિયાદ બાદ લગભગ એક મહિના અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે એક પાંચ સભ્યોની સમિતિની રચના કરાઈ હતી.
સમિતિના પ્રાથમિક અહેવાલ પ્રમાણે વીએસ ક્લિનિકલ ટ્રાયલના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ડૉ. દેવાંગ રાણા આ ક્લિનિકલ ટ્રાયલ પેટે વિવિધ કંપનીઓ પાસેથી મળેલા પૈસા પોતાના અને પોતાના સંબંધીઓનાં બૅન્ક ખાતાંમાં સીધા જ મેળવી લેતા હતા.
અહેવાલ બાદ ડૉ. દેવાંગ રાણાને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે તેમની સાથે રહેલી આઠ હંગામી ડૉક્ટરોની ટીમને બરતરફ કરી દેવાઈ છે.
‘દર્દીઓની સંમતિથી થતી હતી ટ્રાયલ’

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
આ સમગ્ર મામલાની તપાસ માટે નિમાયેલી તપાસ સમિતિનાં સભ્ય અને એનએચએલ મેડિકલ કૉલેજનાં મુખ્ય ફાર્માકૉલોજિસ્ટ ડૉ. સુપ્રિયા મલ્હોત્રાએ કહ્યું કે, “વર્ષ 2021થી મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વીએસ હૉસ્પિટલમાં 500 જેટલા દર્દીઓ પર ભારતીય અને મલ્ટિનૅશનલન ફાર્મા કંપનીઓ વતી ક્લિનિકલ ટ્રાયલ થઈ હતી.”
ડૉ. સુપ્રિયા મલ્હોત્રાએ તમામ ક્લિનિકલ ટ્રાયલ નિયમ મુજબ થઈ હોવાનો દાવો કર્યો હતો, પણ જયારે બીબીસી ગુજરાતીએ કઈ કંપનીને કેટલા પૈસામાં ક્લિનિકલ ટ્રાયલ કરી અપાતી હતી, એની માહિતી મગાઈ તો તેમણે વિગતો હાલ ઉપલબ્ધ ન હોવાથી થોડા સમય બાદ આપવાનો વાયદો કર્યો હતો.
જોકે, બીબીસી ગુજરાતીએ આ ક્લિનિકલ ટ્રાયલના અમુક પેપર અને કેટલીક ચુકવણીની વિગતો મેળવી છે.
સુપ્રિયા મલ્હોત્રાનો દાવો છે કે દર્દીઓની મંજૂરી સાથે ક્લિનિકલ ટ્રાયલ થઈ છે, પણ દર્દીઓની સંમતિના કોઈ કાગળ ઉપલબ્ધ ન હતો.
આ ઉપરાંત ડૉ. દેવાંગ રાણાએ તેમની સામે તપાસ થવાની શરૂઆત થઈ ત્યારે એક લેટર લખી એમની ઑફિસમાંથી અગત્યનાં ડૉક્યુમેન્ટ્સ ચોરાઈ ગયાં હોવાની એથિકલ કમિટીમાં ફરિયાદ કરી છે.
પણ આશ્ચર્યજનક રીતે આ દસ્તાવેજો ચોરાયાની ફરિયાદ પોલીસમાં નથી કરાઈ.
ઉપરાંત ડૉ મનીષ પટેલે અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે.
સસ્પેન્શન લેટરમાં શું લખ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ ડૉ. દેવાંગ રાણાના સસ્પેશન લેટર પર તેમની સામેના કેટલાક આક્ષેપોનો ઉલ્લેખ છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આ લેટરમાં લખાયું છે કે, “ક્લિનિકલ ટ્રાયલના 3,15,850 રૂ. ડૉ દેવાંગ રાણાએ પોતાના અંગત ખાતામાં જમા લીધા છે, અને એમનાં પત્નીના ખાતામાં 6,19,435 રૂ. એમના પિતાના ખાતામાં 5,50,000 રૂ. અને એમના કુટુંબના હિન્દુ અવિભક્ત કુટુંબ (એચયુએફ)ના ખાતામાં 11,56,273 રૂ. જમા લીધા છે.”
“આ ઉપરાંત અત્યાર સુધી ક્લિનિકલ ટ્રાયલ પેટે નિયમાનુસાર વીએસ હૉસ્પિટલને ક્લિનિકલ ટ્રાયલ માટેની બીજી એક કરોડ રૂપિયાની રકમ જમા નથી કરાવી, આ નાણાકીય ગેરરીતિ અંગે કોઈ હિસાબ ન આપી ગેરકાયદે ગોટાળો કર્યો છે, માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.”
‘દર્દીઓને કોઈ પૈસા ચૂકવાતા નહોતા’

ઇમેજ સ્રોત, ADITYA VYAS
બીબીસી ગુજરાતીએ મેળવેલા દસ્તાવેજો અનુસાર વીએસ હૉસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે દર્દીઓને કોઈ પૈસા ચૂકવાતા નહોતા.
જોકે, ક્લિનિકલ ટ્રાયલની માર્ગદર્શિકા પ્રમાણે કોઈ દર્દીને ક્લિનિકલ ટ્રાયલ પેટે ચુકવણું કરવાનું હોતું નથી પરંતુ દર્દીઓને આવવા-જવાની વ્યવસ્થા અથવા તો તે પેટે ખર્ચો આપવાનો હોય છે. ઉપરાંત રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવાની હોય છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ ડ્રગ ઍક્સપર્ટ અને ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્કના કૉ-ફાઉન્ડર ચીનુ શ્રીનિવાસન સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે “ભલે માર્ગદર્શિકામાં કોઈ ચુકવણું કરવાનું નથી હોતું પરંતુ એ હકીકત છે કે ચુકવણું થાય છે. કારણ કે મોટાભાગના દર્દીઓ કે જેમના પર ક્લિનિકલ ટ્રાયલ થાય છે તે ગરીબ હોય છે. અને પૈસા માટે જ તેઓ પોતાના પર ક્લિનિકલ ટ્રાયલ કરાવતા હોય છે.”
“જો પૈસા ન મળે તો તેઓ શું કામ સમય અને ઊર્જા બરબાદ કરે. ઉપરાંત તેમને જોખમ પણ રહેલું હોય છે.”
ચીનુ શ્રીનિવાસન કહે છે કે સામાન્યરીતે તેમને ક્લિનિકલ ટ્રાયલ પેટે સરેરાશ 15-20 હજાર આપવામાં આવે છે અને ખર્ચો તથા રહેવા-જમવાની વ્યવસ્થા અલગથી કરવામાં આવે છે.
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વીએસ હૉસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે જાહેર કરેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરમાં આ માટે કોને કેટલાં નાણાં ફાળવાય એ અંગેનું પત્રક પણ આપ્યું છે.
ડૉ. દેવાંગ રાણા અને ડૉ. મનીષ પટેલે પોતે બનાવેલા આ ફૉર્મેટમાં હૉસ્પિટલ અને ડૉક્ટરને દર્દીઓ પર ખાનગી કંપનીની દવાના પ્રયોગ કરી પૈસા મળે એવું આયોજન કરાયું હતું.
બીબીસી ગુજરાતીએ મેળવેલા તમામ પુરાવા મુજબ ક્લિનિકલ ટ્રાયલમાંથી જે કમાણી થાય એમાંથી 40 ટકા નાણાં વીએસ હૉસ્પિટલને આપવાનાં, 40 ટકા નાણાં ડૉ દેવાંગ રાણાને પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે મળે.
જ્યારે 15 ટકા પૈસા ડૉ. દેવાંગ રાણાના આસિસ્ટન્ટ તરીકે કામ કરનારને મળે.
બે ટકા નાણાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને મળે, બે ટકા હૉસ્પિટલના ડીનને મળે અને એક ટકા નાણાં એથિકલ કમિટીના સેક્રેટરીને મળે એવી જોગવાઈ હતી.
આ આખાય આયોજનમાં દર્દીઓને પોતાના શરીર પર ટેસ્ટ કરાવવાનો એક પૈસો પણ મળતો ન હતો. અને જો ખર્ચા પેટે કોઈ રકમ તેમને આપવામાં આવી હોય તેના કોઈ પુરાવા તેમની પાસે નથી.
નોંધનીય છે કે આ સમગ્ર મામલે ડૉ. મનીષ પટેલનો પક્ષ જાણવા માટે પ્રયાસો કરાયા હતા, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
કોઈ ‘ગેરરીતિ’ નથી થઈ?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ડૉ. સુપ્રિયા મલ્હોત્રા પ્રમાણે આ મામલામાં કોઈ ‘ગેરરીતિ’ નથી થઈ.
આ સમગ્ર મામલા અંગે વાત કરતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બીએસ પરમારે કહ્યું કે, “હજુ અમારી તપાસને એક મહિનો થયો છે, કેટલા લોકો પર ક્લિનિકલ ટ્રાયલ થઈ, એની વિગતો હવે અમે કંપની પાસેથી મંગાવી રહ્યા છીએ, એક ફરિયાદ મળી હતી જેના આધારે તપાસ શરૂ થઈ હતી.”
તેમણે સમગ્ર મામલામાં કરાયેલી કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું હતું કે, “હાલ ડૉ. રાણાને સસ્પેન્ડ કર્યા છે. એક કરોડથી વધુ રૂપિયાનો હિસાબ નથી. ડૉ. રાણાએ પોતાના, પોતાના પિતા, પત્ની અને અન્ય લોકોનાં ખાતાંમાં પૈસા જમા કરાવ્યા છે. હજુ વિજિલન્સ કમિટી બેસાડી છે. આમાં જૂના લોકોની સામેલગીરી હશે તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, જરૂર પડ્યે તપાસ પૂર્ણ થયે મામલો વધુ ગંભીર હશે તો પોલીસ કેસ પણ કરવામાં આવશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS