Source : BBC NEWS

બીબીસી ગુજરાતી જમ્મુ કાશ્મીર પર્યટક ચરમપંથી હુમલો મિલિટરી સુરક્ષા સુરત ભાવનગર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

24 એપ્રિલ 2025

અપડેટેડ 2 કલાક પહેલા

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર ચરમપંથીઓના હુમલામાં ત્રણ ગુજરાતી પર્યટકો સહિત કુલ 26 લોકોનાં મોત થયાં છે.

જમ્મુ – કાશ્મીરથી બુધવારે મૃતદેહોને તેમના વતન લઈ જવાયા હતા, જેમાં સુરતના પર્યટક શૈલેશ કળથિયાનો મૃતદેહ પણ તેમના ઘેર લાવવામાં આવ્યો હતો.

મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવતી હતી ત્યારે મૃતકનાં પત્ની શીતલ કળથિયાએ કેન્દ્રીય જળશક્તિમંત્રી સીઆર પાટીલની સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને જમ્મુ – કાશ્મીરમાં કેવી સ્થિતિ છે તેનો ચિતાર આપ્યો હતો.

તેમણે કહ્યું કે, “પર્યટકો સાથે આટલી મોટી ઘટના બની ગઈ છતાં આર્મીને તેની ખબર ન હતી.”

તેમણે કહ્યું કે, “કાશ્મીર ટૂરિસ્ટ પ્લેસ છે છતાં ઘટના બની ત્યાં કોઈ આર્મીમૅન નહીં, પોલીસમૅન નહીં, કોઈ ફર્સ્ટ ઍઇડ કિટ નહીં. કોઈ સુવિધા નહીં.”

મૃતકનાં પત્નીએ જમ્મુ – કાશ્મીરમાં સુરક્ષા મુદ્દે શું કહ્યું?

બીબીસી ગુજરાતી જમ્મુ - કાશ્મીર પર્યટક ચરમપંથી હુમલો મિલિટરી સુરક્ષા સુરત ભાવનગર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

શીતલ કળથિયાએ કહ્યું કે, “ઘટના બની ગયા પછી આર્મીમૅને અમને કહ્યું કે તમે ઉપર ફરવા જાવ છો શું કામ?”

“જો આવું જ હોય તો પછી તમે લોકો અમને ઉપર જાવા દો છો શું કામ? અમારો આધારસ્તંભ જતો રહ્યો છે.”

તેમણે નાગરિકોની અપૂરતી સુરક્ષાના મામલે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, “સરકારને પોતાની જ સુવિધા રાખવી છે. તમારી પાછળ કેટલા વીઆઇપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે. તમારો જીવ એ જીવ છે અને આ જે ટૅક્સ ચૂકવે છે એનો જીવ નથી. આ બંને છોકરાઓનું શું? એકને ડૉક્ટર બનાવવી છે, એકને એન્જિનિયર બનાવવો છે, હું કેવી રીતે બનાવીશ…?”

“તમે અમારી પાસેથી બધો ટૅક્સ લો છો, પણ મારા ઘરવાળાને જરૂર હતી ત્યારે તેનો કોઈ ફેસિલિટી ન મળી.”

“આ બધી ઘટના બની ગઈ, બધું બની જાય પછી આપણી સરકાર આવે છે અને ફોટા પાડી જાય છે.”

તેમણે કહ્યું કે, “કાશ્મીર ખરાબ નથી, પણ ત્યાં સિક્યૉરિટી સારી નથી.”

“ઉપર મિની સ્વિટ્ઝર્લેન્ડમાં એકેય ઑફિસર ન હતો, કોઈ જવાન ન હતો. જો કોઈ હોત તો આ ન થાત.”

‘મિલિટરીએ કહ્યું કે તમે કેમ ફરવા શા માટે આવો છો’

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS