Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત કૅનેડા રશિયા ઉત્તર કોરિયા વેનકુવર જમ્મુ અને કાશ્મીર ફારૂક અબ્દુલ્લા

ઇમેજ સ્રોત, ANI

28 એપ્રિલ 2025, 10:35 IST

અપડેટેડ 25 મિનિટ પહેલા

જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહે પહલગામ હુમલા પછી પાકિસ્તાન સામે કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપી છે.

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહે જમ્મુમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ કેવી કાર્યવાહી થવી જોઈએ તે અંગે મારી પાસે કોઈ સૂચન નથી.

તેમણે પત્રકારોને સવાલના જવાબમાં કહ્યું, “પાકિસ્તાનને શું જવાબ આપવો તે વડા પ્રધાન (નરેન્દ્ર મોદી)ને પૂછો.”

આ અંગે તેઓ કોઈ સૂચન ધરાવે છે કે નહીં તેવા સવાલના જવાબમાં ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, “મારું કોઈ સૂચન નથી.”

જમ્મુ-કાશ્મીરના પહલગામ નજીક બેસરન ખીણમાં 22 એપ્રિલે થયેલા હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યાર પછી નવી દિલ્હીમાં યોજાયેલી સુરક્ષા પરની કૅબિનેટ સમિતિની બેઠકમાં સરકારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લેવાની જાહેરાત કરી હતી.

કૅનેડાના વેનકુવર શહેરમાં 11ને કારથી કચડી નાખનાર આરોપી કોર્ટમાં હાજર

બીબીસી ગુજરાતી ભારત કૅનેડા રશિયા ઉત્તર કોરિયા વેનકુવર

ઇમેજ સ્રોત, Getty Images

કૅનેડાના વેનકુવર શહેરમાં 27 એપ્રિલે લાપુ લાપુ દિવસના સમારોહ દરમિયાન એક કાર ટોળા પર ધસી ગઈ હતી, જેમાં 11 લોકોનાં મોત થયાં છે. આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

કાર ચલાવનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શંકમંદની ઓળખ 30 વર્ષીય કાઈ-ડી એડમ લો તરીકે થઈ છે. શંકાસ્પદ વ્યક્તિ વેનકુવરની રહેવાસી છે.

પોલીસે શકમંદને અદાલતમાં રજૂ કર્યો હતો. કાઈ-જી પર અનેક હત્યાઓનો કેસ ચલાવાશે.

વેનકુવર પોલીસના કહેવા પ્રમાણે આ ઘટનામાં મૃતકોની ઉંમર પાંચ વર્ષથી 65 વર્ષ વચ્ચે છે. કેટલાક પીડિતોની હજુ ઓળખ નથી થઈ શકી.

ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે સાડા આઠ વાગ્યે લાપુ દિવસના ઉત્સવ દરમિયાન ઘટના બની હતી.

વેનકુવર પોલીસના કાર્યવાહક પોલીસવડા સ્ટીવ રાયે જણાવ્યું કે આ ઘટનામાં મૃતકોમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. રાયે જણાવ્યું કે 100થી વધુ પોલીસ અધિકારી ઘટનાની તપાસ કરે છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં સૈનિક મોકલવા અંગે ઉત્તર કોરિયાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભારત કૅનેડા રશિયા ઉત્તર કોરિયા વેનકુવર

ઇમેજ સ્રોત, Reuters

ઉત્તર કોરિયાએ પહેલી વખત પુષ્ટિ કરી છે કે તેણે યુક્રેન-રશિયા યુદ્ધમાં રશિયા તરફથી લડવા માટે પોતાની સેના મોકલી છે.

ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાની સેનાએ દાવો કર્યો છે કે તેમના સૈનિકોએ નેતા કિમ જોંગ ઉનના આદેશને અનુસરીને કુર્સ્ક સીમા ક્ષેત્રને ‘સંપૂર્ણપણે મુક્ત કરાવવા’માં રશિયન સેનાની મદદ કરી હતી.

દક્ષિણ કોરિયા અને પશ્ચિમી દેશોની જાસૂસી એજન્સીઓ ઘણા સમયથી કહેતી આવી છે કે ઉત્તર કોરિયાએ ગયા વર્ષે કુર્સ્કમાં હજારો સૈનિકો મોકલ્યા હતા.

કેસીએનએએ જણાવ્યું કે સૈનિકોને ગોઠવવાનો નિર્ણય ઉત્તર કોરિયા અને રશિયાની વચ્ચે પરસ્પર સંરક્ષણ સંધિ મુજબ લેવાયો હતો.

તાજેતરમાં રશિયાના ચીફ ઑફ સ્ટાફ વાલેરી ગેરાસિમોવે ઉત્તર કોરિયાના સૈનિકોની બહાદુરીને બિરદાવી હતી.

તેમણે દાવો કર્યો કે રશિયાએ દેશના પશ્ચિમી કુર્સ્ક ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે. બીજી તરફ યુક્રેને આ દાવો ફગાવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS