Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Sudhir Rajbhar/Rahul Ransubhe
- લેેખક, રાહુલ રણસુભે
- પદ, બીબીસી સંવાદદાતા
-
28 એપ્રિલ 2025, 16:05 IST
અપડેટેડ 17 મિનિટ પહેલા
ડિસેમ્બર 2024માં અમેરિકામાં ‘ડિઝાઇન મિયામી’ શોમાં લાલ ખુરશી પર બેઠેલાં આંતરરાષ્ટ્રીય પૉપ ગાયિકા રિહાન્નાના ફોટોગ્રાફ્સ વાઇરલ થયા હતા.
એ પછી તે ફોટોની ચર્ચા શરૂ થઈ હતી તથા એક નામ સતત ચર્ચાતું થયું છે અને એ નામ છે ‘ચમાર સ્ટુડિયો’.
ભારતમાં ચમાર શબ્દનો ઉપયોગ એક ચોક્કસ જ્ઞાતિ માટે કરવામાં આવે છે. ચર્ચા પછી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કે આ નામથી બ્રાન્ડ કોણે શરૂ કરી?
ચમાર સ્ટુડિયો એક આંતરરાષ્ટ્રીય ફૅશન બ્રાન્ડ છે. તેના સ્થાપક સુધીર રાજભર છે. સુધીરે 2018માં આ બ્રાન્ડની શરૂઆત કરી હતી.
ચમારનો સ્ટુડિયો નવી મુંબઈના ખારઘરમાં આવેલો છે. એ સ્થળે તેઓ તેમનું મુખ્ય ડિઝાઇન કાર્ય કરે છે, જ્યારે તેમની વર્કશૉપ્સ મુંબઈના ધારાવી અને તળોજામાં છે.
સુધીરના કહેવા મુજબ, ચમાર સ્ટુડિયો માત્ર એક બ્રાન્ડ નથી, પરંતુ એક ચળવળ પણ છે.
સુધીર રાજભર કહે છે, “અમે ભારતીય માર્કેટ વિશે વિચારતા નથી. અમારો ઉદ્દેશ વધારે વેચાણ કરવાનો નથી. અમે અહીં કંઈક પરિવર્તન માટે છીએ. અમારો ઉદ્દેશ ચમાર શબ્દ પ્રત્યેની લોકોની દૃષ્ટિ બદલવાનો છે. અમારો ઉદ્દેશ કારીગરો પ્રત્યેની તેમની દૃષ્ટિ બદલવાનો છે.”
મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી સુધીરે મુંબઈ નજીકની વસઈ વિકાસનીમાં સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સુધીરને બાળપણથી જ ચિત્રકામમાં રસ હતો. તેથી તેમણે વસઈ વિકાસનીમાં જ શિક્ષણ પૂર્ણ કર્યું હતું.
એ પછી તેમણે કેટલાક કળાકારો સાથે કામ કરવાનું શરૂ કર્યું. જોકે, તેમને સમજાઈ ગયું હતું કે તેમની કળાને ત્યાં કોઈ સ્થાન મળતું નથી. તેમના કામની પ્રશંસા થઈ, પરંતુ તેમને ખ્યાતિ મળી નહીં.
રાજભરને ત્યાંના સમાજમાં બે વર્ગો વચ્ચેના તફાવતનો અનુભવ થયો. એટલે કે તમે સારું અંગ્રેજી બોલી શકતા ન હો, તમારી પાસે સારાં કપડાં ન હોય તો લોકોનો તમારા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે.
સુધીર કહે છે, “આજે પણ અમે ગામડામાં જઈએ તો લોકો અમને ચમાર તરીકે જ જુએ છે. અમારા ગામમાં ચમાર શબ્દને અપમાનજનક અથવા કલંક ગણવામાં આવે છે.”
“એ શબ્દ પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલવો એ હું વિચારતો હતો. એ દિશામાં આગળ વધીને મેં આ ચમાર બ્રાન્ડ બનાવી.”
સુધીર ઉમેરે છે, “જે રીતે વિદેશમાં ઘણી લક્ઝરી બ્રાન્ડ્સ છે તે રીતે આપણે ભારતમાં એવું કેમ ન કરી શકીએ? તેની પાછળનો ઉદ્દેશ લોકો તેને કલંક તરીકે નહીં પણ એક બ્રાન્ડ તરીકે જુએ એવો છે.”
કેવી રીતે આવ્યો ‘ચમાર સ્ટુડિયો’નો વિચાર?

ઇમેજ સ્રોત, Twitter/Rahul Gandhi
ભારતમાં બીફ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારે ચામડાના કારીગરો માટે ચામડાની મોટી અછત સર્જાઈ હતી. એ સમયે ચમાર સ્ટુડિયોનો વિચાર આવ્યો હોવાનું સુધીર જણાવે છે.
તેમના કહેવા મુજબ, “2015માં બીફ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો પછી ચર્મ ઉદ્યોગમાં ચામડાની અછત સર્જાઈ ત્યારે ચામડાનો વિકલ્પ બનાવ્યો. એ ચામડું રિસાયકલ્ડ રબરમાંથી બનાવવામાં આવ્યું હતું.”
તેઓ કહે છે, “અમે ટાયર અને ટ્યુબના કચરાને ગ્રાઇન્ડ કરીને પ્રોસેસ કરીએ છીએ અને શીટના સ્વરૂપમાં તૈયાર કરીએ છીએ. પછી તેને કાપીને સીવીએ છીએ અને સંપૂર્ણપણે હાથ વડે પ્રૉડક્ટ્સ બનાવીએ છીએ. આમાં કોઈ મશીનનો ઉપયોગ થતો નથી. આ ચામડાનો પર્યાય છે.”
આ ઝીરો-વેસ્ટ પ્રૉડક્ટ ટૂંક સમયમાં જ લોકપ્રિય બની. તેમાં ચામડાની માફક પ્રોસેસિંગ કરવું પડતું નથી. ચામડાની પ્રૉડક્ટ તૈયાર થાય એ પહેલાં તેના પર અનેક પ્રોસેસ કરવામાં આવતી હોય છે. એ ઉપરાંત તેની દુર્ગંધ પણ અસહ્ય હોય છે.
કામદારોને રબર સાથે કામ કરવાનું સરળ લાગ્યું. તેનાથી તેમનો તણાવ પણ ઘણો ઓછો થયો હોવાનું સુધીર જણાવે છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી થોડા દિવસ પહેલાં સુધીરના સ્ટુડિયોની મુલાકાતે આવ્યા હતા. એ મુલાકાત દરમિયાન તેમણે સુધીરના કામ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. તેમણે આ મુલાકાત બાબતે ટ્વીટ પણ કરી હતી.
ચમાર સ્ટુડિયો દ્વારા સુધીર કારીગરોના જીવનધોરણને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમના કહેવા મુજબ, તેઓ કારીગરોને કામ આપતી વખતે શરૂઆતમાં જ 10 ટકા પૈસા આપી દે છે.
પ્રૉડક્ટના વેચાણમાંથી મળતા પૈસામાંથી 50 ટકા નાણાં ચમાર ફાઉન્ડેશનમાં જાય છે. ચમાર ફાઉન્ડેશન દ્વારા સુધીર ગરીબ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે.
ચમાર સ્ટુડિયો લેડીઝ પર્સ, ખુરશીઓ, ચંપલ વગેરે જેવી અનેક વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તેની કિંમત રૂ. 6,000થી રૂ. 30,000 સુધીની હોય છે.
સુધીર કહે છે, “આજે ચમાર સ્ટુડિયો આખી દુનિયામાં વિખ્યાત બની ગયો છે. વિવિધ દેશોના કળાકારો કામ શીખવા માટે મારી પાસે આવે છે, પરંતુ આટલું થવા છતાં ભારતમાં લોકો મારી જ્ઞાતિ જ જુએ છે. તેઓ સુધીર રાજભર કોણ છે, એવું સર્ત કરે છે, પરંતુ મારું કામ જોતા નથી.”
“તેઓ એ નથી જોતા કે ચમાર સ્ટુડિયોની નોંધ હવે આખી દુનિયામાં લેવાઈ રહી છે. યુરોપમાં પણ લોકો તેને પ્રોત્સાહન આપી રહ્યા છે, પરંતુ અહીં ભારતમાં લોકો જ્ઞાતિને જ જુએ છે. અહીંના લોકો મારી જ્ઞાતિને જોયા વિના મારા કામને જોશે તો હું તેમનો ખૂબ આભારી રહીશ.”
‘બંધન વગરની વર્કશૉપ બનાવવાની ઇચ્છા’

ઇમેજ સ્રોત, Rahul Ransubhe/BBC
સુધીર એક એવી વર્કશૉપ બનાવવા ઇચ્છે છે, જ્યાં કળાકારો ઇચ્છે તેટલો સમય તેમની કળા માટે ફાળવી શકે. ત્યાં કોઈ બંધન નહીં હોય.
તેઓ કહે છે, “આપણે ત્યાં ચોક્કસ જ્ઞાતિને તેનું કામ કરવાનું બંધન હોય છે. કુંભારે માટીનું જ કામ કરવાનું. મોચી હોય તો તેણે ચામડાનું જ કામ કરવાનું. તેઓ અન્ય કામ કરવા ઇચ્છતા હોય તો પણ તે કામ કરી શકતા નથી. કળાના ક્ષેત્રમાં પણ આવું જ છે.”
“એક ચિત્રકારે ફક્ત ચિત્રકામ કરવું જોઈએ, શિલ્પકારે માત્ર શિલ્પો બનાવવા જોઈએ. તેમને અન્ય ક્ષેત્રમાં કામ કરવાની છૂટ નથી. એક કળાકાર અન્ય કળામાં ભાગ કેમ ન લઈ શકે, તેવો સવાલ મને થાય છે. ભારતમાં આવા બહુ બંધનો છે.”
“હું પેરિસ ગયો હતો ત્યારે ત્યાં મેં આવા કોઈ બંધન જોયા ન હતા. ત્યાં કોઈને પણ કોઈપણ કળા સ્વરૂપમાં કામ કરવાની સ્વતંત્રતા છે. એ વિચારને ધ્યાનમાં રાખીને હું હવે રાજસ્થાનમાં ચમાર હવેલી નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું.”
ચમાર સ્ટુડિયો એક બ્રાન્ડ નથી, પરંતુ એક ચળવળ છે, એમ જણાવતાં તેઓ કહે છે, “અમે ભારતીય માર્કેટ વિશે વિચારતા નથી. અમારો ઉદ્દેશ માર્કેટમાં ટર્નઓવર વધારવાનો નથી. અમે અહીં પરિવર્તન માટે છીએ. અમારો ઉદ્દેશ ચમાર શબ્દ પ્રત્યેની લોકોની દૃષ્ટિ બદલવાનો છે. અમારો ઉદ્દેશ કારીગરો પ્રત્યેની તેમની દૃષ્ટિ બદલવાનો છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS