Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત એરફોર્સ રફાલ ફાઈટર વિમાન પાકિસ્તાન ચીન વાયુસેના ફ્રાન્સ

ઇમેજ સ્રોત, Dassault Rafale

ભારત અને ફ્રાન્સે સોમવારે ભારતીય નૌકાદળ માટે 26 રફાલ ફાઇટર જૅટ ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આ વિમાનોની કુલ કિંમત લગભગ 64,000 કરોડ રૂપિયા હશે.

ભારત આ વિમાનો ફ્રેન્ચ ડિફેન્સ કંપની દસૉ ઍવિએશન પાસેથી ખરીદી રહ્યું છે. રફાલ વિમાનોને ઍરક્રાફ્ટ કૅરિયર INS વિક્રાંત પર તહેનાત કરવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે થયેલો આ કરાર ઘણી રીતે મહત્ત્વપૂર્ણ છે. પીઆઈબી (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો)એ એક પ્રેસ રિલીઝમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા 26 રફાલ -એમ (મરીન) કરાર વિશે માહિતી આપી છે.

પીઆઈબી મુજબ આ 26 ફાઇટર વિમાનોમાંથી 22 સિંગલ સીટર હશે જ્યારે ચાર વિમાન ડબલ સીટર હશે.

આ તમામ વિમાનોની ડિલીવરી વર્ષ 2030 સુધીમાં પૂરી કરવામાં આવશે.

આ સમજૂતીમાં ભારતમાં રફાલ વિમાનોના માળખાના વિકાસની સુવિધા સ્થાપવી તથા વિમાનોના મેન્ટેનન્સ સહિત ઘણી ચીજો સામેલ છે. સરકારનું માનવું છે કે આનાથી મોટા પ્રમાણમાં રોજગારી પેદા થશે.

રફાલ-એમ ફાઇટર વિમાનોની ખાસ વાત

બીબીસી ગુજરાતી ભારત એરફોર્સ રફાલ ફાઈટર વિમાન પાકિસ્તાન ચીન વાયુસેના ફ્રાન્સ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય વાયુસેનામાં પહેલેથી 36 રફાલ ફાઇટર વિમાનો હાજર છે. રફાલ-એમ, એટલે કે સમુદ્રમાં ઍરક્રાપ્ટ કૅરિયરની મદદથી ઑપરેટ થનારા રફાલ માટે સમજૂતી થઈ છે.

સંરક્ષણ નિષ્ણાત સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે “આજના સમયમાં દુનિયાના ઘણા દેશો ડ્રૉનની મદદથી હુમલા કરે છે. પરંતુ આ ફાઇટર વિમાનો ચોકસાઈપૂર્વક હુમલો કરવા અને દૂર સુધી સ્ટ્રાઇક કરવાની પોતાની ક્ષમતાને કારણે મહત્ત્વનાં છે.”

તેઓ કહે છે, “રફાલ એક આધુનિક ફાઇટર વિમાન છે અને ફ્રાન્સે પહેલેથી પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. તેમાં માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ચીનના મુકાબલે પણ ભારતની ક્ષમતા વધશે.”

કોઈ પણ ફાઇટર વિમાન કેટલું શક્તિશાળી છે તેનો આધાર તેની સેન્સર ક્ષમતા અને હથિયારો પર રહેલો છે. એટલે કે ફાઇટર વિમાન કેટલા અંતરથી જોઈ શકે છે અને કેટલા અંતર સુધી પ્રહાર કરી શકે છે.

ભારતે અગાઉ 1997-98માં રશિયા પાસેથી સુખોઈ ખરીદ્યાં હતાં. સુખોઈ પછી ફાઇટર વિમાનોની ટૅક્નૉલૉજી ઘણી બદલાઈ ગઈ છે. આ દૃષ્ટિએ જોતા રફાલ ઘણા આધુનિક ફાઇટર વિમાન છે.

એશિયા ટાઇમ્સમાં સંરક્ષણ અને વિદેશ નીતિના વિશ્લેષક ઇમેન્યુઅલ સ્કીમિયાએ નૅશનલ ઇન્ટરેસ્ટમાં લખ્યું હતું, “પરમાણુ હથિયારોથી સજ્જ રફાલ વિમાન હવામાં 150 કિમી સુધી મિસાઇલ ફાયર કરી શકે છે અને હવાથી જમીન પર તેની મારક ક્ષમતા 300 કિમીની છે. કેટલાક ભારતીય નિષ્ણાતો માને છે કે રફાલની ક્ષમતા પાકિસ્તાનનાં એફ-16 વિમાનો કરતાં વધુ છે.”

ભારતીય નેવીની ક્ષમતામાં વધારો

બીબીસી ગુજરાતી ભારત એરફોર્સ રફાલ ફાઈટર વિમાન પાકિસ્તાન ચીન વાયુસેના ફ્રાન્સ

ઇમેજ સ્રોત, Getty Images

શું રફાલ મળવાથી ભારતીય સેનાની ક્ષમતા વધી જશે? શું ચીન અને પાકિસ્તાન સાથે તણાવ છે ત્યારે રફાલ વિમાનો કારગર સાબિત થશે?

સંજીવ શ્રીવાસ્તવ કહે છે, “દુનિયાના ઘણા દેશો એશિયા-પેસિફિક અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતને શક્તિશાળી દેશ તરીકે જોવા માંગે છે. વાસ્તવમાં, તેઓ આ ક્ષેત્રમાં સફળ લોકશાહી શાસન વ્યવસ્થાને કારણે ભારત પર વિશ્વાસ કરે છે, જ્યારે ચીનનું વલણ વિસ્તરણવાદી છે.”

“તેથી, પોતાના પાવર પ્રોજેક્શનને મજબૂત બનાવવા માટે ભારત માટે રફાલ જેવાં ફાઇટર ઍરક્રાફ્ટ્સ હોવા મહત્ત્વપૂર્ણ છે. આનાથી પાકિસ્તાન તેમજ ચીન પર દબાણ વધશે અને ભારતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ કરાર કર્યો છે.”

ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર પણ પોતાના કાર્યકાળ દરમિયાન ફ્રાન્સ સાથેના રફાલ સોદાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનતા હતા. પારિકરે એક વખત કહ્યું હતું કે રફાલના આગમનથી ભારત પાકિસ્તાનની હવાઈ ક્ષમતા પર ભારે પડશે.

પારિકરે કહ્યું હતું કે, “તેનું લક્ષ્ય સચોટ હશે. રફાલ વિમાન ઉપર અને નીચે, ડાબે-જમણે એટલે કે દરેક દિશામાં દેખરેખ રાખવા સક્ષમ છે. મતલબ કે તેની વિઝિબિલિટી 360 ડિગ્રી હશે. પાઇલટે ફક્ત દુશ્મન તરફ જોઈને બટન દબાવવાનું છે. બાકીનું કામ કમ્પ્યુટર કરશે. તેમાં પાઇલટ માટે એક હેલ્મેટ પણ હશે.

પાકિસ્તાનની તુલનામાં ભારતની ક્ષમતા

બીબીસી ગુજરાતી ભારત એરફોર્સ રફાલ ફાઈટર વિમાન પાકિસ્તાન ચીન વાયુસેના ફ્રાન્સ

ઇમેજ સ્રોત, Getty Images

શું આ લડાકુ વિમાનની મદદથી પાકિસ્તાન પર ભારત ભારે પડી શકે છે?

આ સવાલના જવાબમાં સંજીવ શ્રીવાસ્તવ કહે છે, “ભારત પાસે હાલમાં બે વિમાનવાહક જહાજો છે, આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય. જ્યારે પાકિસ્તાન પાસે એક પણ વિમાનવાહક જહાજ નથી. ભારતનું ધ્યાન ચીન પર છે. આ અગાઉનાં રફાલ વિમાનોને પણ ઍરફોર્સે ચીનને ધ્યાનમાં રાખીને ગોઠવ્યાં છે.”

ભારતને પોતાની સુરક્ષા માટે કેટલાં ફાઇટર વિમાનોની જરૂર છે? આ સવાલનો એક જવાબ એ છે કે તમારી પાસે જેટલા વિમાનો હશે, એટલી જગ્યા પર તે લડી શકશે. એટલે કે સંખ્યા બહુ મહત્ત્વ ધરાવે છે.

સંરક્ષણ નિષ્ણાત રાહુલ બેદી જણાવે છે, “રફાલની મદદથી ભારતીય નેવીને ઘણી તાકાત મળશે. પરંતુ તેના માટે 26 વિમાનો પૂરતાં નથી. ભારત પાસે જે બે વિમાનવાહક જહાજ છે, તેના પર 60થી 70 ફાઇટર વિમાનો ગોઠવી શકાય છે.”

રાહુલ બેદી સમજાવે છે, “હાલમાં ચીન પાસે ત્રણ વિમાનવાહક જહાજો છે અને વધુ બે પર કામ કરી રહ્યું છે. અમેરિકા પાસે 12-13 વિમાનવાહક જહાજો છે અને રશિયા પાસે લગભગ પાંચ કે છ છે.”

પાકિસ્તાન સાથેની હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ભારત માટે રફાલ સોદો કેટલો મહત્ત્વપૂર્ણ છે? આ વિશે રાહુલ બેદી કહે છે, “એશિયાના આ ક્ષેત્રમાં, ચીન અને થાઇલૅન્ડ સિવાય અન્ય કોઈ દેશ પાસે વિમાનવાહક જહાજો નથી.”

મતલબ કે આ બાબતમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ સ્પર્ધા નથી. પરંતુ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં રફાલ-એમ સોદાથી ભારતને શું ફાયદો થશે?

રાહુલ બેદીના મતે, આ કરાર ખૂબ જ ખાસ છે કારણ કે ભારત પાસે જે મિગ વિમાનો છે તે ખૂબ જ જૂની ટૅક્નૉલૉજીનાં છે અને તેમાં ઘણી સમસ્યાઓ પણ છે.

જોકે, રાહુલ બેદી કહે છે, “નવા રફાલ સોદાની સૌથી મહત્ત્વની બાબત તેની ડિલિવરી છે. તેની પહેલી ડિલિવરીમાં લગભગ 36 મહિનાનો સમય લાગશે. ભારતની જરૂરિયાતો અનુસાર રાફેલ વિમાનમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરવો પડશે, તેમાં પણ સમય લાગશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS