Source : BBC NEWS

દિલ્હી કૅપિટલ, કોલકાતા નાઇટરાઇડર્સ, આઈપીએલ, દિલ્હી, કોલકાતા, ક્રિકેટ, મૅચ, બીબીસી ગુજરાતી, ગુજરાત ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

એક કલાક પહેલા

આઈપીએલમાં લગભગ દરરોજ કંઈને કંઈ એવું ઘટે છે કે જે ક્યારેય ભૂતકાળમાં ન થયું હોય અને ભવિષ્યમાં પણ તે થશે કે નહીં તેની સંભાવના ઓછી હોય. મંગળવારે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં છેલ્લી ઓવરમાં એવું જ કંઈ થયું હતું.

આ રોમાંચક પળ કોલકાતા નાઇટ રાઇડર્સની પહેલી ઇનિંગની બેટિંગની છેલ્લી ઓવરમાં જોવા મળી.

એ ઓવર કે જેમાં જબરજસ્ત હિટિંગ, ચુસ્ત ફિલ્ડિંગ અને ચાર-ચાર રિવ્યૂ ઉપરાંત ત્રણ વિકેટ આવી.

આઈપીએલ 2025ની 48મી મૅચનો મુકાબલો દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે હતો. અને આ ઘટના પહેલી ઇનિંગની છેલ્લી ઓવરમાં ઘટી.

કેકેઆરે પહેલા બેટિંગ કરતાં 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. 20મી ઓવર મિચેલ સ્ટાર્ક લઈને આવ્યા. તેમની સામે હતા કેકેઆરના બૅટ્સમૅન આન્દ્રે રસેલ. રસેલ મંગળવારે પોતાની 37મી વર્ષગાંઠ મનાવી રહ્યા હતા. તેમણે પહેલી જ બૉલ પર 106 મીટર લાંબી સિક્સર ફટકારી દીધી. કેકેઆરે હવે 200નો આંકડો પાર કરી લીધો.

સ્ટાર્કે ત્યાર પછી એક બાઉન્સર ફેંક્યો જેને વાઇડ જાહેર કરવામાં આવ્યો. દિલ્હીની ટીમે આ નિર્ણય સામે રિવ્યૂ માંગ્યો. પરંતુ તેમને અસફળતા મળી.

દિલ્હી કૅપિટલ, કોલકાતા નાઇટરાઇડર્સ, આઈપીએલ, દિલ્હી, કોલકાતા, ક્રિકેટ, મૅચ, બીબીસી ગુજરાતી, ગુજરાત ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

આ ઓવરમાં તે પહેલો રિવ્યૂ હતો. પછીની બૉલમાં એક લેગ-બાય રન આવ્યો અને રોવમૅન પૉવેલ સ્ટ્રાઇક પર આવ્યા.

તેમને પછીની બૉલમાં એલબીડબલ્યુ આઉટ જાહેર કરવામાં આવ્યા, એટલે કેકેઆરે રિવ્યૂ લીધો. પરંતુ આ રિવ્યૂ બેકાર થઈ ગયો અને તેઓ આઉટ જાહેર થયા. આ ઓવરનો બીજો રિવ્યૂ હતો.

ત્યાર પછી ડૅબ્યૂ કરી રહેલા અનુકૂલ રૉય ક્રિઝ પર આવ્યા. તેઓ પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયા. દુશ્મંથા ચમીરાને બૅકવર્ડ સ્ક્વેયર લેગ પર ડાઇવ લગાવીને તેમનો શાનદાર કૅચ પકડ્યો. આ કૅચ એટલો શાનદાર હતો કે તેને આ આઈપીએલની સિઝનનો બેસ્ટ કૅચ ગણવામાં આવી રહ્યો છે.

પછી અસલી રોમાંચ શરૂ થયો. સ્ટાર્ક હૅટટ્રિક પર હતા. ક્રિઝ પર હર્ષિત રાણા હતા. રાણા બૉલને ચૂકી ગયા અને તેણે અને રસેલે રન ભાગવાની કોશિશ કરી. પરંતુ વિકેટકિપર અભિષેક પૉરેલે ડાયરેક્ટ હિટથી તેમને રન-આઉટ કરી દીધા. તમામને થયું કે ઓવર સમાપ્ત થઈ ગઈ. પરંતુ ત્યારે સ્ટાર્કે કૅપ્ટન ફાફ ડુપ્લેસીને રિવ્યૂ લેવાની માગ કરી જેથી તેની હૅટટ્રીક પૂર્ણ થાય. તેમને શંકા હતી કે હર્ષિત રાણા કૉટ-બિહાઇન્ડ આઉટ છે.

આ જોરદાર દૃશ્ય હતું કે રન આઉટ બાદ રિવ્યૂ લેવામાં આવ્યો કે હર્ષિત કૉટ-બિહાઇન્ડ છે કે નહીં. પરંતુ એમ્પાયરે તેમને નોટ-આઉટ આપ્યા, જોકે, રન-આઉટનો નિર્ણય યથાવત્ હતો. આમ દિલ્હીએ આ ઓવરમાં તેનો બીજો રિવ્યૂ પણ ગુમાવ્યો. જોકે ભલે સ્ટાર્કની હૅટટ્રીક પૂર્ણ ન થઈ પરંતુ ટીમની હૅટટ્રીક થઈ કારણકે સતત ત્રણ બૉલમાં ત્રણ વિકેટ પડી ગઈ. જેમાં બે વિકેટ સ્ટાર્કે લીધી અને એક રન-આઉટની વિકેટ હતી.

હવે, છેલ્લી બૉલમાં વરુણ ચક્રવર્તી સ્ટ્રાઇક પર હતા. તેમણે છેલ્લા બૉલ પર એક રન લઈને કેકેઆરની ઇનિંગ 204 પર પહોંચાડી.

ઘર આંગણે દિલ્હીની હારનો સિલસિલો યથાવત્

દિલ્હી કૅપિટલ, કોલકાતા નાઇટરાઇડર્સ, આઈપીએલ, દિલ્હી, કોલકાતા, ક્રિકેટ, મૅચ, બીબીસી ગુજરાતી, ગુજરાત ન્યૂઝ, ગુજરાતના સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે પહેલી બેટિંગ કરતા નવ વિકેટે 204 રન બનાવ્યા હતા.

કોલકાતા નાઇટ રાઇડર્સે શરૂઆત સારી કરી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે પાવરપ્લેમાં 1 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા હતા. જોકે, બાદમાં કોલકાતાની ટીમ ધીમી પડી ગઈ હતી અને વિકેટ પણ ગુમાવી હતી. તેણે 9.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા હતા.

અંગકૃષ રઘુવંશી અને રિંકુસિંહ વચ્ચેની 61 રનની ભાગીદારી બનાવતા ટીમ સારી સ્થિતિમાં પહોંચી હતી. મૅચની 17મી અને 18મી ઓવરમાં અંગકૃષ રઘુવંશી(44 રન) અને રિંકુસિંહ (36 રન) આઉટ થઈ ગયા હતા.

20 ઓવર પૂર્ણ થતા સુધીમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 204 રન નવ વિકેટે બનાવ્યા હતા. દિલ્હી કૅપિટલ્સના બૉલર અક્ષર પટેલ અને વિપ્રજ નિગમે સુંદર બૉલિંગ કરીને કોલકાતા નાઇટ રાઇડર્સની ઇનિંગને ધીમી કરી હતી અને ચાર દિગ્ગજ ખેલાડીઓને આઉટ કર્યા હતા.

દિલ્લી વતી કૅપ્ટન અક્ષર પટેલે 4 ઓવરમાં 27 રન આપીને બે વિકેટ લીધી હતી. દિલ્હી કૅપિટલ્સના મિચલ સ્ટાર્કે 4 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ લીધી હતી.

205 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી દિલ્હી કૅપિટલ્સે મૅચના બીજા બૉલે અભિષેક પૉરેલની વિકેટ ગુમાવી હતી. પાવરપ્લે પૂર્ણ થાય ત્યાં સુધીમાં દિલ્હી કૅપિટલ્સની ટીમે 58 રન બે વિકેટ ગુમાવીને બનાવ્યા હતા.

લોકેશ રાહુલ સાતમી ઓવરના ત્રીજા બૉલે સાત રન બનાવીને રનઆઉટ થયા હતા. ત્યારબાદ અક્ષર પટેલે 23 બૉલમાં 43 રન બનાવીને આઉટ થયા હતા. ફાફ ડુપ્લેસિસે બીજા છેડેથી બેટિંગને સંભાળી રાખી હતી. સુનિલ નારાયણે 62 રન પર ડુપ્લેસિસ હતા ત્યારે તેમની વિકેટ લીધી હતી.

દિલ્હી કૅપિટલ્સની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી સુનિલ નારાયણે 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તીએ 39 રન આપીને બે વિકેટ લીધી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS