Source : BBC NEWS

આવક, વિશ્વ, પગાર, જીવનધોરણ, ઇન્કમ, ટૅક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કલ્પના કરો કે તમારી નાણાકીય કે સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના તમને દર મહિને ચોક્કસ રકમ રોકડમાં આપવામાં આવે.

ભારતમાં અનેક રાજ્યોમાં મહિલાઓ માટે અમુક ચોક્કસ રકમ તેમના ખાતામાં સરકાર આપતી હોય તેવી યોજનાઓ અમલમાં મૂકાઈ છે.

આ યુનિવર્સલ બેઝિક ઇન્કમ ગ્રાન્ટ (UBIG) નો સાર છે. વિશ્વભરની સરકારો વર્ષોથી આ વિષય પર ચર્ચા કરી રહી છે. આ ખ્યાલ અનેક સામાજિક પ્રયોગોનો વિષય પણ રહ્યો છે. પણ કોઈ પરિવારને આવી રકમ મળે તો તેનાથી તેના જીવનમાં શું ફેર આવે છે? શું તે કામ કરવાનું બંધ કરી દે છે? આવા સવાલો પણ થતા રહે છે. ટૅક્સપેયર્સના પૈસા બગાડવાનો પણ સરકારો પર આરોપ લાગતો રહે છે.

હવે આ સ્કીમ પર એક સંશોધન થયું છે.

જર્મનીમાં બર્લિન સ્થિત એક બિન-લાભકારી સંસ્થા – મેઇન ગ્રુન્ડેઇનકોમેન (મારી મૂળભૂત આવક) – એ ત્રણ વર્ષ સુધી 122 લોકોનો સર્વે કર્યો કે જેમને દરેકને દર મહિને 1365 અમેરિકી ડૉલરની બિનશરતી રકમ આપવામાં આવી હતી.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પૈસા મળ્યા પછી આ લોકોનો કામ કરવામાં ઓછો રસ થઈ ગયો હોય એવું બન્યું નથી. હકીકતમાં દરેક વ્યક્તિ પૂર્ણકાલિન રોજગારમાં જ રહ્યા હતા. જોકે, સહભાગીઓમાંથી મોટાભાગના લોકો નોકરી બદલવા અંગે પૂરતી સુરક્ષા અનુભવતા હતા. આ લોકોમાં વધુ કાર્ય કરવાનો સંતોષ પણ જોવા મળ્યો અને વધુ સમય તેમણે શિક્ષણમાં વીતાવ્યો.

કેન્યામાં અન્ય એક મોટા અને હાલમાં ચાલુ અભ્યાસમાં કે જેમાં એક અન્ય બિન-લાભકારી સંસ્થા ગિવડાયરેક્ટલીએ ભંડોળ પૂરું પાડ્યું છે, તેનાં પરિણામો પણ કંઈક આવાં જ છે. જોકે, આ પરિણામો હજુ વચગાળાનાં જ છે.

ત્યાં બે કાઉન્ટીઓનાં 295 ગામડાંમાં વ્યક્તિઓને બેથી 12 વર્ષ સુધી મોબાઇલ મનીનો ઉપયોગ કરીને ચૂકવણી કરવામાં આવે છે.

વ્યાપક રીતે જોઈએ તો અહીં લોકોના શ્રમમાં કોઈ ઘટાડો થયો નથી, પરંતુ સર્વેમાં ભાગ લેનારા ઘણા લોકોએ પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા સ્વ-રોજગાર તરફ વળવા માટે વેતન આધારિત રોજગાર છોડી દીધો છે. કેટલાક તો તેમનાં સંસાધનો એકઠાં કરે છે અને પછી તે આવકને વહેંચવાનું કામ કરે છે.

કેન્યામાં આવકનો કોઈ સ્થિર સ્ત્રોત ન ધરાવતાં વિધવા કાદી કહે છે, “હું ભોજન વિના રહીશ નહીં તે જાણીને મળતી માનસિક શાંતિથી મને ખૂબ રાહત થાય છે.”

તેઓ એક છુટક મજૂર તરીકે કામ કરે છે અને આ કાર્યક્રમના લાભાર્થી છે, તેમને ગિવડાયરેક્ટલી તરફથી માસિક 34 ડૉલરની રકમ મળે છે. આ ચૂકવણી પર તેઓ સંપૂર્ણપણે નિર્ભર છે અને તેઓ કહે છે કે “મારા માટે આશાનો એકમાત્ર સ્ત્રોત છે.”

“આનાથી મને પોતાનાપણાની ભાવના અને એકસાથે મોટી રકમ મેળવવાની તક મળી છે. જે મેં પહેલાં ક્યારેય વિચાર્યું ન હતું. હું… સમય આવ્યે ખેડાણ કરવા માટે બળદ ખરીદવાની યોજના બનાવી રહી છું.”

ગમે તેટલી સારી યોજના હોય, બધાં સુધી આ સહાય પહોંચતી નથી

કેન્યા

ઇમેજ સ્રોત, JustGiving

આ અભ્યાસોનાં પરિણામો કેટલાં આશ્ચર્યજનક છે? બિલકુલ નહીં.

ડૉ. કેલે હોવસન કે જેઓ દક્ષિણ આફ્રિકામાં ઇકોનોમિક જસ્ટિસ ઇન્સિટ્યૂટનાં વરિષ્ઠ સંશોધક છે, તેમનું પણ કહેવું છે કે આ પરિણામો જરા પણ આશ્ચર્યજનક નથી.

તેમણે બીબીસીને જણાવ્યું કે, “આવકની અસમાનતાને આધારે લોકોને લક્ષ્ય બનાવવાના કોઈપણ પ્રયાસો હંમેશાં નિષ્ફળ જશે.”

“અમને એ જાણવા માટે વધુ પાઇલટ્સ પ્રોજેક્ટની જરૂર નથી કે યુબીઆઈ સ્કીમને કારણે લોકો બજાર છોડીને જતાં નથી રહેતા. પરંતુ તેના બદલે આ સ્કીમ એ લોકોને પોતાના સાહસો શરૂ કરવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે સક્ષમ બનાવે છે.”

તેઓ કહે છે કે, તેનાથી વિપરીત સાર્વત્રિક કવરેજને લગતી કોઈપણ સ્કીમમાં અમુક લોકો તેમાંથી હંમેશાં બચી જાય છે.

ઉદાહરણ તરીકે દક્ષિણ આફ્રિકામાં ઇન્કમ સપોર્ટ ગ્રાન્ટ મેળવવાની ક્ષમતા ડિજિટલ સાક્ષરતા પર આધારિત છે, જ્યારે એ દેશમાં લગભગ 20 ટકા વસ્તી પાસે ઇન્ટરનેટ નથી. આવી સમસ્યાઓ અનેક દેશોમાં છે.

લાભાર્થીઓ પાસે બાયોમેટ્રિક ઓળખની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઉચ્ચ-ગુણવત્તાવાળો કેમેરાવાળો સ્માર્ટફોન હોય તેવી પણ અપેક્ષા રાખવામાં આવે છે.

ડૉ. હોવસન કહે છે. “આવી સમસ્યાઓને કારણે જે લોકો આ સહાયનાં પાત્ર બનશે તેમાંથી ઘણાને ક્યારેય કોઈ નાણાકીય સહાય મળતી નથી.”

ભારતમાં બીપીએલ (ગરીબીરેખા નીચે જીવતા લોકો માટેનું) કાર્ડ ધરાવતા નાગરિકો સરકારી રાહત માટે પાત્ર છે, પરંતુ અનેક સર્વેક્ષણો દર્શાવે છે કે લગભગ અડધા ગરીબો પાસે આ કાર્ડ જ નથી.

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલેના પ્રોફેસર પ્રણવ બર્ધને 2016 માં વર્લ્ડ ઇકોનૉમિક ફોરમ વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં લખ્યું હતું કે, “એવા વાતાવરણમાં કે જ્યાં નોકરીઓ અનૌપચારિક ક્ષેત્રમાં કેન્દ્રિત હોય, મુખ્યત્વે સ્વ-રોજગાર જ હોય, કોઈપણ ઔપચારિક હિસાબ-કિતાબ કે આવકના ડેટા વિના લોકો નોકરી કરતાં હોય તેવી પરિસ્થિતિઓમાં ગરીબોને અલગ તારવવા એ ખૂબ જ ખર્ચાળ, જટિલ અને વિવાદાસ્પદ બની શકે છે.”

દરેકને પૈસા આપી શકાય?

દક્ષિણ આફ્રિકાના ઈસટર્ન કેપમાં એક પરિવાર બિનસરકારી સંસ્થા દ્વારા આપવામાં આવેલું રેશન લઈને પાછો ફરતો પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

શું જર્મનીમાં જે પ્રયોગ કરવામાં આવ્યો તે પ્રયોગનાં પરિણામો વિશ્વના અન્ય ભાગોમાં હાથ ધરવામાં આવેલાં પરિણામોને પણ પ્રતિબિંબિત કરે છે? શું આવું જ આંતરરાષ્ટ્રીય સ્તરે ચલણ છે કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે સૌને આ પૈસા આપી શકાય?

તાજેતરનાં વર્ષોમાં ઘણા વિકાસશીલ દેશોમાં યુબીઆઈના પ્રયોગો થયા છે. જેમાં ભારતનું મધ્ય પ્રદેશ રાજ્ય, નામિબિયાનાં ગામડાં તથા ઈરાનમાં 2011 માં રાષ્ટ્રવ્યાપી શરૂ કરાયેલા રોકડ ટ્રાન્સફરથી ખોરાક અને બળતણ સબસિડીની ભરપાઈ કરવામાં આવી હતી.

આ વાત અર્થશાસ્ત્રીઓનું એક જૂથ કહે છે, જેમાં નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનરજી પણ સામેલ છે. તેમણે 2019 માં આ વિષય પર નૅશનલ બ્યુરો ઑફ ઇકોનૉમિક રિસર્ચ (NBER) માટે એક શૈક્ષણિક પેપર લખ્યું હતું.

તેમનું કહેવું છે કે આ વ્યાપક ઉદાહરણો કે પ્રયોગોમાંથી પણ એક તારણ કાઢવું મુશ્કેલ લાગે છે.

જોકે, જે વ્યક્તિઓને આ રકમ આપવામાં આવી તેમના જીવનમાં એક હદ સુધી સુગમતા આવી હોય તેવું લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે તેમના પોતાના જીવનમાં તેમને સૌથી વધુ જ્યાં જરૂર લાગતી હોય તેવા ક્ષેત્રોમાં તેમણે આ પૈસાનો ખર્ચ કર્યો. પછી ભલે તે ખોરાક માટે હોય, પ્રજનન સારવાર માટે હોય કે પછી ગર્ભનિરોધક ખરીદવા માટે હોય.

ડૉ. હોવસન કહે છે કે, “યુબીઆઈની સકારાત્મક અસરો ખાસ કરીને ઉચ્ચ અસમાનતાના સંદર્ભમાં ઉચ્ચારવામાં આવે છે. પરંતુ યુબીઆઈ માટેના કેસને રાજકીય સ્પેક્ટ્રમમાં પણ વ્યાપકપણે સમર્થન મળ્યું છે.”

“ડાબેરીઓનો દલીલ એવી માન્યતા પર આધારિત છે કે આવક કમાવવી એ મૂળભૂત અધિકાર છે પરંતુ થોડી લિબરલ જમણેરી વિચારધારાના લોકોએ પણ વિવિધ કારણોસર આ સ્કીમના અમલીકરણની તરફેણમાં દલીલ કરી છે.”

અબજોપતિ ઉદ્યોગપતિ અને રાજકીય સલાહકાર ઍલન મસ્ક જેવા હિમાયતીઓએ ભૂતકાળમાં કહ્યું છે કે વધતી જતી ઑટોમેશન અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉદય સામે ગ્રાહક માંગને બનાવી રાખવા માટે યુનિવર્સલ બેઝિક ઇન્કમ એ મહત્ત્વપૂર્ણ છે.

ચીનના શંઘાઈમાં એક વ્યક્તિ ખાવાનું વેચે છે

ઇમેજ સ્રોત, Alex Plavevski/EPA-EFE/REX/Shutterstock

ડૉ. હોવસન ઉમેરે છે, “યુબીઆઈ એ વિકાસ માટેનું એક શક્તિશાળી સાધન છે. (વિવિધ સંદર્ભો માટે) તર્ક અલગ હોઈ શકે છે, પરંતુ દલીલ તો એ જ રહે છે.”

ડૉ. હોવસન UBIGનું સંચાલન કરવાના અન્ય સંભવિત ફાયદાઓ તરફ પણ નિર્દેશ કરે છે. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર દેખાય છે તથા શિક્ષણ દર પર પણ અસર થાય છે કારણ કે ગ્રાન્ટ મેળવતા પરિવારોનાં બાળકો લાંબા સમય સુધી શાળામાં ભણી શકે છે.

તેઓ એમ પણ કહે છે કે કેન્યા અને ભારતમાં પ્રયોગનો ભાગ રહેલી મહિલાઓએ કહ્યું છે કે તેમની પાસે વધુ સ્વાયત્તતા છે કારણ કે તેઓ હવે પૈસા માટે ઘરના પુરુષો પર નિર્ભર નથી. કેટલાક કિસ્સાઓમાં તો એવું બન્યું છે કે આ સ્કીમ મહિલાઓને અપમાનજનક સંબંધો છોડવાની ક્ષમતા પૂરી પાડે છે.

જોકે, કેટલાક લોકો કહે છે કે જર્મન પ્રયોગમાંથી સાર્વત્રિક તારણો કાઢવા મુશ્કેલ છે.

કૅનેડાની યુનિવર્સિટી ઑફ ટોરન્ટોના પ્રોફેસર ઈવા વિવોલ્ટે અમેરિકાનાં બે રાજ્યો ટેક્સાસ અને ઇલિનોઇસમાં આ સ્કીમ પર એક અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું.

ત્યાં જે લોકોને ત્રણ વર્ષ સુધી દર વર્ષે 12 હજાર ડૉલરની રોકડ ટ્રાન્સફર મળી હતી, તેમણે દર અઠવાડિયે સરેરાશ 1.3 કલાક ઓછું કામ કર્યું અને જર્મન પ્રયોગથી વિપરીત તેમની કમાણી પણ દર વર્ષે 1,500 ડૉલર ઘટી.

તેમણે બીબીસીને જણાવ્યું, “ઓછી આવક ધરાવતા દેશો વધુ સકારાત્મક અસરો દર્શાવે છે, ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ સ્કીમની ઓછી અસર થાય છે.”

“અમારા અભ્યાસમાં, અમે વધુને વધુ લોકોને કામ કરવાનું બંધ કરતા અથવા તેમના કામના કલાકો ઘટાડતા જોયા.”

“જોકે, આ બધા ફક્ત અનુમાન છે, પરંતુ ઓછી આવક ધરાવતા દેશોમાં લોકો પાસે હંમેશાં રોકડ રકમની કમી હોય છે અને ઉચ્ચ આવક ધરાવતા લોકોના સંદર્ભોમાં એવી સમસ્યાઓ હોઈ શકે છે કે જેનો ઉકેલ રોકડ રકમ લાવી ના શકતી હોય.”

કરદાતાઓની વ્યાપક ચિંતા

અમેરિકાના ટેક્સાસમાં એક સુપર માર્કેટની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. હોવસન કહે છે કે હજુ પણ સાર્વત્રિક રીતે એવી વ્યાપક માન્યતા છે કે યુનિવર્સલ બેઝિક ઇન્કમની આ સ્કીમ ‘ડિપેન્ડન્સી સિન્ડ્રોમ’ને પ્રોત્સાહન આપશે અને ઘટતા જતા કરદાતાઓ પર જેઓ કામ કરી શકતા નથી કે કરવા માંગતા નથી – તેમને ભંડોળ પૂરું પાડવા માટે વધુને વધુ દબાણ આવશે.

ઑસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીનાં પ્રોફેસર ફ્લોરા ગિલ યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ પર શંકા વ્યક્ત કરે છે. 2023માં ટ્રાન્સફોર્મિંગ સોસાયટી બ્લોગ માટે લખતાં તેમણે કહ્યું, “જો લોકો કામ કરવા માંગતા હોય, તો તેઓ કામ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. હાલમાં, એવું નથી. આ સ્કીમને સ્થાપિત કરતા પહેલાં, આપણે આ મૂળભૂત માનવ અધિકાર સુનિશ્ચિત કરવાની જરૂર છે.”

પ્રોફેસર ગિલ ચિંતા કરે છે કે પછી આ સ્કીમ માટે ભંડોળ પૂરું પાડવાનો એકમાત્ર રસ્તો કરવેરામાં નોંધપાત્ર રીતે વધારો કરવાનો રહેશે.”

જોકે, ડૉ. હોવસન માને છે કે યુબીઆઈ તેનાથી વિપરીત લક્ષ્ય હાંસલ કરે છે.

“દક્ષિણ આફ્રિકા જેવા દેશોના સંદર્ભમાં જોઈએ તો ત્યાં ઘણા લોકો અર્થતંત્રથી દૂર છે. તમે જે રીતે કર આધારને વિસ્તૃત કરો છો તે તો પ્રથમ ખોરાકની ગરીબી અને ભૂખમરાને દૂર કરવા માટે છે. અને લોકોને સીડીના પ્રથમ પગથિયાં પર પહોંચાડવાનો છે. એ પછી તમે માનવ સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાને અનલૉક કરી શકો છો. લોકો વધુ ઉત્પાદક બનવા માંગે છે.”

આ સ્કીમને ભંડોળ પૂરું પાડવા માટે વધતા દબાણથી અલગ “પૈસા સરકારી તિજોરીમાં પાછા આવે છે, કાં તો વેટ[મૂલ્યવર્ધિત કર] અથવા વ્યવસાયોના સર્જન મારફતે તેનો ખર્ચ થાય છે. આ અર્થતંત્રના ભવિષ્ય માટેનું રોકાણ છે.”

અન્ય ચિંતાઓ શું છે?

સામાજિક માળખાં અથવા સંકલન પણ જોખમમાં આવી શકે છે જે અસ્થિરતા તરફ દોરી શકે છે

ઇમેજ સ્રોત, REUTERS/Henry Nicholls

ઘણી સંભાવના હોવા છતાં પણ કેટલાક સંશોધકો કહે છે કે આ સ્કીમના અમલ અંગે હજુ પણ કેટલીક ચિંતાઓ રહેલી છે. ઉદાહરણ તરીકે જો લોકોને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં ન આવે તો શ્રમ લેબર ફૉર્સ પણ ઘટી શકે છે.

ફુગાવો એ બીજો મુદ્દો છે. 2011 માં ઈરાનની યુનિવર્સલ કેશ સિસ્ટમ દ્વારા ચૂકવવામાં આવતી રકમને ફુગાવામાં સમાયોજિત કરવામાં આવી નથી અને તેના કારણે 2019 NBER સંશોધનપત્ર અનુસાર, આ સ્કીમના લાભાર્થીઓની વાસ્તવિક આવકમાં નાટકીય રીતે ઘટાડો જોવા મળ્યો છે કારણ કે દેશનો જીવન ખર્ચ આસમાને પહોંચ્યો છે.

નિષ્ણાતો કહે છે કે સામાજિક માળખાં અથવા તેનું સંકલન પણ જોખમમાં આવી શકે છે જે અસ્થિરતા તરફ દોરી શકે છે.

એકંદરે, પ્રો. વિવોલ્ટ કહે છે કે, “સરકારો લોકોને વિકલ્પ આપવાને કેટલું મહત્ત્વ આપે છે અને તેઓ કેટલો ખર્ચ કરવા તૈયાર છે તેના પર બધો આધાર છે. ટૂંકા ગાળામાં જ તે વ્યાપક સ્તરે ઉચ્ચ આવકના સંદર્ભમાં રાજકીય રીતે શક્ય બનશે નહીં કારણ કે તે ખૂબ ખર્ચાળ પણ છે.”

“મોટાભાગે નીતિ નિર્માતાઓ (ઓછી આવકવાળા દેશોમાં) આરોગ્યસંભાળ અથવા શિક્ષણમાં ચોક્કસ પરિણામોને વધુ સારા બનાવવાને પ્રાથમિકતા આપી શકે છે. જો આ તમારા ધ્યેય છે, તો તે ચોક્કસ બાબતોને લક્ષ્ય બનાવતા કાર્યક્રમો અમલમાં મૂકવા માટે વધુ અસરકારક રહેશે. રોકડની વાત એ છે કે લોકો તેને અલગ અલગ રીતે અને અલગ-અલગ વસ્તુઓ માટે ખર્ચ કરી શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS