Source : BBC NEWS

રસોઈયા તરીકે આજીવિકા રળવા એક સમયે કુવૈત ગયેલા મુસ્તકિમને તેણે કરેલા ગુનાના કારણે ત્યાંની સરકારે ફાંસી આપી દીધી છે.

ઇમેજ સ્રોત, Getty Images/BHARGAR PARIKH

“જો કોરોના ન આવ્યો હોત તો આજે મારો ભાઈ જીવિત હોત. એ કુવૈતમાં નોકરીથી કંટાળી ગયો હતો અને ભારત પાછો આવવા માંગતો હતો. તેણે ભારત આવવાની ટિકિટ પણ કરાવી હતી અને પછી અચાનક કોરોનાની મહામારી ફાટી નીકળી. એ ભારત ન આવી શક્યો અને પછી અમને ખબર પડી કે તેના પર તેની શેઠાણીની હત્યાનો આરોપ લાગ્યો છે. અંતે તેને ફાંસીની સજા થઈ.”

કપડવંજના મુસ્તકિમને કુવૈતમાં ફાંસી પર લટકાવ્યો હોય તેવી તસવીરો દેખાડતા તેમના ભાઈ હનીફ ભઠિયારા આ વાત કરતા ભાવુક થઈ જાય છે.

રસોઇયા તરીકે આજીવિકા રળવા એક સમયે કુવૈત ગયેલા મુસ્તકિમને તેણે કરેલા ગુનાના કારણે ત્યાંની સરકારે ફાંસી આપી દીધી છે.

તેમનો મૃતદેહ ગુજરાતમાં તેમના વતન કપડવંજ લાવવામાં આવ્યો હતો અને ત્યાં દફનાવાયો હતો.

પરંતુ નોકરીની તલાશમાં ગયેલા મુસ્તકિમ પર કુવૈતમાં શું આરોપ લાગ્યો હતો અને કેવી રીતે વાત ફાંસી સુધી પહોંચી, એ જાણીશું આ અહેવાલમાં.

સમગ્ર મામલો શું છે?

રસોઈયા તરીકે આજીવિકા રળવા એક સમયે કુવૈત ગયેલા મુસ્તકિમને તેણે કરેલા ગુનાના કારણે ત્યાંની સરકારે ફાંસી આપી દીધી છે.

ઇમેજ સ્રોત, BHARGAR PARIKH

કપડવંજના મહમદઅલી ચોકમાં રહેતા મુસ્તકિમ ભઠિયારા એ રસોઈમાં ખૂબ નિષ્ણાત હતા.

ખૂબ હોંશિયાર હોવાને કારણે તેનો પરિવાર જણાવે છે એ રીતે તેને ઝડપથી લોકો સાથે સારા સંબંધ બંધાઈ જતા હતા.

તેના આ સ્વભાવને કારણે તેઓ છેલ્લાં સાત વર્ષથી ખાડીદેશ કુવૈતમાં સેટલ થઈ ગયા હતા અને રસોઇયા તરીકે પૈસા કમાઈને ભારત મોકલતા હતા.

રાજસ્થાનના બાંસવાડામાં રહેતાં મુસ્તફા ખાન અને રેહાના ખાન તેને રસોઇકામ માટે સાત વર્ષ પહેલાં કુવૈત લઇ ગયાં હતાં.

તેમનો પરિવાર જણાવે છે એ પ્રમાણે કુવૈતમાં 2021માં મુસ્તકિમ ભઠિયારાને તેનાં માલકણ રેહાના ખાન સાથે ઝઘડો થતા આવેશમાં આવીને તેણે માલકણ રેહાના ખાનને ચાકુ માર્યું હતું.

મુસ્તફા ખાનની ફરિયાદને આધારે કુવૈતમાં જ મુસ્તકિમની ધરપકડ થઈ અને પછી કુવૈતની કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

રેહાના ખાનને ચાકુ મારીને તેની હત્યા કરવાના કેસમાં 28 એપ્રિલે તેને કુવૈતમાં ફાંસી આપી દેવામાં આવી અને તેનો મૃતદેહ તમામ કાનૂનીવિધિ બાદ કપડવંજ મોકલાયો હતો અને તેની દફનવિધિ કરવામાં આવી હતી.

મુસ્તકિમ ભઠિયારા કોણ હતા?

કપડવંજના મહંમદઅલી ચોકમાં રહેતો ભઠિયારા પરિવાર ઘણી પેઢીથી રસોઈ બનાવવાનું કામ કરે છે.

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

કપડવંજના મહંમદઅલી ચોકમાં રહેતો ભઠિયારા પરિવાર ઘણી પેઢીથી રસોઈ બનાવવાનું કામ કરે છે.

તેમનો પરિવાર માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ લગ્નપ્રસંગોમાં રસોઈ બનાવવાનું કામ કરે છે.

મુસ્તકિમના પિતા મોહમ્મદ ભઠિયારા પણ સારા રસોઇયા હતા. તેમને બે દીકરા અને ચાર દીકરીઓ છે.

તેમનું અવસાન થયા પછી મુસ્તકિમ અને હનીફ પોતાના પિતાનો ધંધો સંભાળતા હતા. મુસ્તકિમે પહેલાં બહેરીન અને દુબઈમાં પણ કામ કર્યું છે.

મુસ્તકિમના ભાઈ હનીફ ભઠિયારાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “એ વિદેશમાં કામ કરતો હતો અને પૈસા કમાઈને ભારત મોકલતો હતો. અમારા ઘરમાં એ સૌથી નાનો હતો છતાં અમારી બહેનોનાં લગ્નની જવાબદારી પણ તેણે વિદેશમાં કામ કરી પૈસા કમાઈને પૂરી કરી હતી. તેનાં લગ્ન પણ 2016માં થયાં હતાં.”

તેઓ જણાવે છે, “બાંસવાડાના મુસ્તફાભાઈએ કુવૈત સારા પગારની નોકરી આપી હતી. મુસ્તકિમને એક દીકરી છે. તે 2020માં તેની દીકરીને મળવા ભારત આવવાનો હતો, પણ કોરોનાને કારણે એ ભારત આવી શક્યો નહોતો.”

હનીફ જણાવે છે, “એક દિવસ અમારા પર ફોન આવ્યો કે તેની કુવૈતમાં ખૂનના કેસમાં ધરપકડ થઈ છે. પણ અમે નથી માનતા કે અમારા ભાઈએ ખૂન કર્યું હોય. અમારી પાસે કુવૈત જઈને એનો કેસ લડવાના પૈસા ન હતા એટલે અમે અલ્લ્લાહ પર ભરોસો રાખીને બેઠા હતા કે એ નિર્દોષ છૂટી જાય પણ એને ફાંસીની સજા થઈ.”

કપડવંજના ગુજરાતી રસોઇયાને કુવૈતમાં ફાંસીની સજા કેમ આપવામાં આવી?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

મુસ્તકિમના કૌટુંબિક કાકા અલતાફ શેખે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે “અમને જયારે સમાચાર મળ્યા કે મુસ્તકિમને ખૂનના કેસમાં પકડ્યો છે ત્યારે અમારા કુટુંબ પર આભ ફાટી પડ્યું હતું. એ કોઈની સાથે ઝઘડો કરે એવો માણસ નહોતો.”

“અમારી પાસે એટલા પૈસા નહોતા કે અમે કુવૈતમાં વકીલ રોકીને તેનો કેસ લડી શકીએ. એટલે અમે ત્યાં જઈ ન શક્યા. એ જેલમાં હતો અને કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે ઘણીવાર કુવૈત પોલીસની પરવાનગી મળે ત્યારે એ અમારી સાથે ફોન પર વાત કરતો હતો. એ કાયમ એમ કહેતો હતો કે એ નિર્દોષ છે.”

તેઓ કહે છે, “અહીંના વકીલ સાથે પણ વાત કરી હતી પણ કુવૈતના કાયદા અને ભારતના કાયદા જુદા છે. એટલે અહીંના કોઈ વકીલની સલાહ અમારા માટે કામની ન હતી. ત્યાં જ 28 એપ્રિલે અમારી ઉપર ફોન આવ્યો કે મુસ્તકિમને ફાંસીની સજા આપવામાં આવે છે. ત્યારે તેણે એટલું જ કહ્યું હતું કે ‘મેરે લિયે અલ્લાહ સે બંદગી કરના ઔર દુઆઓં મેં યાદ રખના.’ આનાથી વધુ વાત થઈ શકી નથી.”

અલતાફભાઈ કહે છે, “એનો હસતો ફોટો જોઈ હજુ મન માનતું નથી કે મુસ્તકિમ આ દુનિયામાં નથી રહ્યો. એની ઇચ્છા હતી કે છેલ્લા શ્વાસ એને ભારતની ધરતી પર લેવા છે અને ભારતની ધરતી પર એની દફનક્રિયા થાય.”

મુસ્તકિમનાં પત્ની અને માતા આઘાતમાં હોવાથી એમણે અમારી સાથે વાતચીત કરવાનો ઇન્કાર કર્યો હતો.

શું કહે છે કપડવંજ પોલીસ ?

કપડવંજના ગુજરાતી રસોઇયાને કુવૈતમાં ફાંસીની સજા કેમ આપવામાં આવી?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

કપડવંજના પોલીસ ઇન્સ્પેક્ટર જંક દેવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “અમને વિદેશ મંત્રાલયથી જાણ કરવામાં આવી હતી કે અમારે મુસ્તકિમના પરિવારને એનો મૃતદેહ કાનૂની કાર્યવાહી કરી અંતિમવિધિ માટે આપવાનો છે. અમે આ ગરીબ પરિવારને તમામ મદદ કરીને અમદાવાદ ઍરપૉર્ટથી એનો મૃતદેહ અહીં લાવી અંતિમક્રિયા કરવા સુધીની કાર્યવાહી કરી છે.”

તેમણે કહ્યું હતું કે “આ કેસ કુવૈતની કોર્ટમાં ચાલ્યો છે એટલે એના પર અમે બીજી કોઈ ટિપ્પણી ન કરી શકીએ.”

કુવૈત સહિત કેટલાક આરબ દેશોમાં જો પરિવાર સહમત થાય તો બ્લડ મની ચૂકવીને મૃત્યુદંડમાંથી બચી શકાય છે, તો શું મુસ્તકીમને બચાવવા માટે આવા કોઈ પ્રયાસ કર્યા હતા? તેના જવાબમાં અલ્તાફભાઈ કહે છે, “અમને આવી કોઈ વ્યવસ્થાની ખબર ન હતી. અમારી પાસે વકીલ કરવાના પૈસા ન હતા, તો આવા કોઈ પૈસા માગે તો પણ ક્યાંથી ચૂકવવાના હતા?”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS