Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
17 મિનિટ પહેલા
ભારતે કહ્યું છે કે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં મિલિટરી સ્ટેશન પર પાકિસ્તાને ગુરુવારે રાતે હુમલો કર્યો હતો જેને નિષ્ફળ બનાવાયો છે. બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ હુમલાની વાતને રદિયો આપ્યો છે.
ભારતીય સંરક્ષણ મંત્રાલય મુજબ, “જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી સ્ટેશન પર પાકિસ્તાને ડ્રૉન અને મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારના જાનમાલનું નુકસાન નથી થયું. ભારત પોતાની સંપ્રભુતા અને નાગરિકોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.”
ભારતે કહ્યું કે તમામ મિસાઇલોને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક રોકીને નષ્ટ કરવામાં આવી હતી.
દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ પ્રકારના હુમલાની જવાબદારી નકારી છે.
ખ્વાજા આસિફે બીબીસીને કહ્યું કે, “અમે આ વાતને નકારીએ છીએ. અમે હજુ સુધી કંઈ નથી કર્યું. પાકિસ્તાન જ્યારે હુમલો કરશે ત્યારે બધાને ખબર પડી જશે.”
જમ્મુ અને કાશ્મીરમાં વિસ્ફોટ અને બ્લૅકઆઉટના રિપોર્ટ આવ્યાના થોડા સમય પછી ખ્વાજા આસિફે બીબીસી સાથે વાત કરી હતી.
શ્રીનગરમાં બીબીસીના સંવાદદાતા માજિદ જહાંગીર મુજબ ગુરુવારે રાતે 11 વાગ્યે ઉરી સેક્ટરમાં તોપમારો ચાલુ હતો અને સરહદ નજીક નાગરિક વિસ્તારોને નિશાન બનાવાયા હતા.
અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરીને તણાવ ઘટાડવાની અપીલ કરી છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં હાજર બીબીસીના સંવાદદાતા દિવ્યા આર્યાએ જણાવ્યું કે ત્યાં સંપૂર્ણપણે બ્લૅકઆઉટ કરી દેવાયું છે.
કેટલાંય રાજ્યોમાં શાળા-કૉલેજ બંધ

ઇમેજ સ્રોત, ANI
ગુરુવારે રાતે 8.45 વાગ્યે જમ્મુ શહેરમાં ઍર રેઇડની માહિતી મળવાની શરૂ થઈ હતી. ત્યાર પછી જમ્મુ, રાજૌરી, ચંડીગઢ, અમૃતસર, ધર્મશાળા સહિત અનેક શહેરોમાં બ્લૅકઆઉટ જાહેર કરાયું હતું.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સરહદ પર આવેલા ઘણા રાજ્યોએ બ્લૅકઆઉટના આદેશ આપ્યા છે અને શાળા તથા શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરમાં શાળા અને કૉલેજો સહિત તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાના આદેશ અપાયા છે.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે પંજાબના શિક્ષણમંત્રી હરજોતસિંહ બેન્સે કહ્યું છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓને બંધ રાખવાના આદેશ અપાયા છે.
રાજસ્થાનમાં શ્રીગંગાનગર પોલીસે રેડ ઍલર્ટ જાહેર કરીને બધા લોકોને ઘરમાં રહેવા સૂચના આપી છે.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં આકરાં પગલાં લાગુ કરવામાં આવ્યાં છે.
જમ્મુમાં વિસ્ફોટ પછી બ્લૅકઆઉટ

ઇમેજ સ્રોત, ANI
રાજોરીમાં હાજર બીબીસીના સંવાદદાતા દિવ્યા આર્યાએ કહ્યું, “આજે સવારે અમે જમ્મુમાં હતાં અને એવા ગામોની મુલાકાત લીધી જ્યાં લોકો પોતાના સામાન સહિત સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા. આ વિસ્તારો અને જમ્મુ શહેરમાં ઘણા ધડાકા સાંભળવા મળ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે પોણા નવ વાગ્યા આસપાસ એકસાથે ઘણા વિસ્ફોટ થયા.”
તેમણે જણાવ્યું કે “ત્યાર પછી આખા વિસ્તારની લાઇટ બંધ કરવામાં આવી. સ્થાનિક લોકોએ કેટલાક વીડિયો મોકલ્યા છે જેમાં બ્લૅકઆઉટ વચ્ચે આકાશમાં ક્યાંક પ્રકાશ દેખાય છે. તેના પરથી અંદાજ લગાવે છે કે તે ડ્રૉન હોઈ શકે છે.”
દિવ્યા આર્યાએ જણાવ્યું કે જમ્મુથી દોઢ કલાકના અંતરે કઠુઆ વિસ્તારમાં પણ બ્લૅકઆઉટ કરવામાં આવ્યો છે. અહીં પણ ઓછામાં ઓછા બે ધડાકાની માહિતી મળી છે. સ્થાનિક લોકોએ ડ્રૉન ઉડ્યા હોવાની પુષ્ટિ કરી છે.
જમ્મુમાં જે લોકો સાથે અમારી વાતચીત થઈ તેમાં ઘણા લોકો ગભરાયેલા હતા, કારણ કે આ શહેરી વિસ્તાર છે અને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે. અહીં અગાઉ આટલા માટા પ્રમાણમાં ધડાકા નથી થયા.
એક સંરક્ષણસૂત્રે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે ઍરપૉર્ટ પર વિસ્ફોટ થયા છે.
નજરે જોનારાઓએ બીબીસીને જણાવ્યું કે બજાર બંધ થઈ ગયાં અને તેમણે લોકોને ભાગતા જોયા. સાયરન વાગવા લાગી અને આખા શહેરમાંથી વીજળી જતી રહી.
આખા શહેરમાં ઍર સાયરનનો અવાજ સાંભળી શકાય છે.
રાજૌરીના માહિતી અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર લખ્યું છે, “સામાન્ય લોકોને વિનંતી કે તેઓ પોતાના ક્ષેત્રમાં બ્લૅકઆઉટ રાખે. બહારની બધી લાઈટો બંધ કરો અને બારીઓને ઢાંકી દો જેથી કોઈ પ્રકાશ બહાર ન જાય.”
ચંડીગઢમાં બ્લૅકઆઉટ, ધર્મશાલામાં આઈપીએલની મૅચ રદ

ઇમેજ સ્રોત, ANI
ચંડીગઢના વહીવટીતંત્રે જણાવ્યું કે અહીં ઍર રેઇડ સાઇરનને ચાલુ કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી બ્લૅકઆઉટ લાગુ કરવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન ધર્મશાલામાં ચાલતી આઈપીએલની મૅચ અધવચ્ચે રોકવામાં આવી છે.
પંજાબ કિંગ્સ ઇલેવન અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ધર્મશાળામાં રમાતી મૅચને રદ કરવામાં આવી છે.
લુધિયાણાના ડીસીએ નિવેદનમાં જણાવ્યું કે “બ્લૅકઆઉટ થવાનું છે, ઘરમાં રહો અને બારીઓ બંધ રાખો. ગભરાવાની જરૂર નથી. ફેક ન્યૂઝ, વીડિયો અને મૅસેજથી સાવધાન રહો.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS