Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ani
- લેેખક, થીઓ લેગ્ગેટ
- પદ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ સંવાદદાતા
-
14 મે 2025, 11:50 IST
અપડેટેડ 6 મિનિટ પહેલા
એમ્મા સીબેનબોર્ન જૂનું ઝવેરાત, ચાર્મ બ્રેસલેટ્સ, નેકલેસ અને કાનની બુટ્ટીઓથી ભરેલું એક પ્લાસ્ટિકનું ટબ દેખાડતાં કહે છે, “આ લગભગ 2,50,000 પાઉન્ડની કિંમતનું સોનું છે.”
એમ્મા લંડનના હેટન ગાર્ડનની જ્વેલરી ડિસ્ટ્રિક્ટમાં પરિવાર સંચાલિત ગોલ્ડ ડીલરશિપ હેટન ગાર્ડન મેટલ્સનાં સ્ટ્રેટેજી ડિરેક્ટર છે. ટબમાંની સામગ્રી અગાઉ ખરીદવામાં આવેલી વસ્તુઓનો નાનો નમૂનો છે. તે વાસ્તવમાં સોનાનો ભંગાર છે, જેને ઓગાળીને રિસાઇકલ કરવામાં આવશે.
ટેબલ પરની ટ્રેમાં સુંદર રીતે સજાવવામાં આવેલાં સોનાનાં સિક્કા અને લગડીઓ પણ છે. સોનાની સૌથી મોટી લગડી મોબાઇલ ફોનના કદ જેટલી લાંબી અને જાડી છે. તેનું વજન એક કિલો છે અને તેની કિંમત લગભગ 80,000 પાઉન્ડ છે.
બિસ્કિટ કદના બ્રિટાનિયા સહિતના સોનાના સિક્કાઓમાં 26 કૅરેટના એક ઔંસના તેમજ નાના સોવરિનનો સમાવેશ થાય છે. આ બધા વેચાણ માટે ઉપલબ્ધ છે અને સોનાના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે તેની માગમાં વધારો થયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
એમ્માનાં બહેન અને મૅનેજિંગ ડિરેક્ટર ઝો લિયોન્સે આવું અગાઉ ક્યારેય જોયું નથી. સોનું વેચવા શેરીમાં કતારબદ્ધ ઊભેલા લોકો ઘણી વાર તેમને જોવા મળે છે.
તેઓ કહે છે, “બજારમાં ઉત્સાહ અને ઊહાપોહ છે. ગભરાટ પણ છે.”
“બજાર કઈ દિશામાં જશે તેની ચિંતા હોય છે અને તેમાં લાગણી ભળે ત્યારે ખૂબ મોટા ટ્રેડ્સ થાય છે.”
આગળની શેરીમાં આવેલી એમએમઆર જ્વેલર્સ નામની દુકાનના એક સેલ્સમૅન સંમત થતાં કહે છે, “સોનાની માગ નિશ્ચિત રીતે વધી છે.”
સોનાના ભાવમાં ચોક્કસપણે તેજી છે. ગયા વર્ષે તેની કિંમત 40 ટકાથી વધુ વધી છે. એપ્રિલના અંતમાં પ્રતિ ટ્રોય ઔંસ (બ્રિટનની રૉયલ મિન્ટ મુજબ, 31.1034768 ગ્રામ) કિંમત 3,500 ડૉલરથી વધુ હતી. તે સર્વકાલીન રેકૉર્ડ હતો. એ જાન્યુઆરી 1980ના શિખરને વટાવી ગઈ હતી. તે સમયે તેની ડૉલર કિંમત 850 અથવા આજના મૂલ્યમાં 3,493 પાઉન્ડ હતી.
અર્થશાસ્ત્રીઓ આ માટે વિવિધ પરિબળોને જવાબદાર ગણાવે છે. તેમાં મુખ્ય પરિબળ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમેરિકાની વેપારનીતિમાં કરવામાં આવેલા અણધાર્યા ફેરફારો છે. તેની અસરથી માર્કેટ્સ ખળભળી ગયાં છે.
અલબત્ત, ઘણા લોકો સોનાને એક મજબૂત રોકાણ તરીકે જુએ છે. ભૂ-રાજકીય અનિશ્ચિતતાના ભયે સોનાના આકર્ષણમાં વધારો કર્યો છે. અબજોપતિ વૉરન બફેટે એક સમયે સોનાને “નિર્જીવ અને વણઉપયોગી તથા વળતરની ક્ષમતાવિહોણું” ગણાવ્યું હતું, પરંતુ ઘણા રોકાણકારો આજે સોનાના ભાવની સ્થિરતાને વખાણી રહ્યા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સિનિયર માર્કેટ ઍનાલિસ્ટ લુઇસ સ્ટ્રીટ સમજાવે છે, “આવી પરિસ્થિતિને અમે સોના માટે તેજીનું તોફાન માનીએ છીએ.”
“તેમાં ફોક્સ સંભવિત ફુગાવાના દબાણ પર હોય છે. મંદીનાં જોખમો વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે (આઈએમએફ) ઇકૉનૉમિક ફોરકાસ્ટ્સમાં તાજેતરમાં ઘટાડો કર્યો છે.”
જે વધે છે તે ઘટી પણ શકે છે. સોનાની પ્રતિષ્ઠા સ્થિર સંપત્તિ તરીકેની છે, પરંતુ તે ભાવમાં વધઘટથી મુક્ત નથી. હકીકતમાં ભૂતકાળમાં ભાવમાં મોટા ઉછાળા પછી નોંધપાત્ર ઘટાડો પણ નોંધાયો છે.
શું આવું ફરી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે? તેના પરિણામે આજના અનેક આતુર રોકાણકારોને મોટું નુકસાન થશે?
સોનાના સતત ભાવ કેમ વધી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
સોનું પ્રમાણમાં દુર્લભ હોવાને કારણે તેને મૂલ્યનો ભંડાર ગણવામાં આવે છે. વૈશ્વિક પુરવઠો મર્યાદિત છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ, ફક્ત 2,16,265 ટન સોનાનું ખોદકામ જ કરવામાં આવ્યું છે. (હાલ તેમાં પ્રતિવર્ષ લગભગ 3,500 ટનનો વધારો થાય છે) તેનો અર્થ એ થાય કે સોનાને વ્યાપકપણે એવી ‘સલામત રોકાણ સંપત્તિ’ ગણવામાં આવે છે, જેનું મૂલ્ય જળવાઈ રહેવાનું છે.
શૅરથી વિપરીત, સોનામાં ક્યારેય ડિવિડન્ડ મળતું નથી. બૉન્ડથી વિપરીત, સોનામાં અનુમાનિત આવક થતી નથી અને તેનો ઔદ્યોગિક ઉપયોગ પ્રમાણમાં મર્યાદિત છે.
જોકે, ફાયદો એ છે કે તે એક ભૌતિક ઉત્પાદન છે, જેનું અસ્તિત્વ બૅન્કિંગ સિસ્ટમની બહાર છે. તેનો ઉપયોગ ફુગાવા સામેની વીમા પૉલિસી તરીકે પણ થાય છે. ચલણો સમય જતાં મૂલ્ય ગુમાવે છે, પણ સોનામાં એવું થતું નથી.
સ્ટોરબ્રોકર એજે બેલના ઇન્વેસ્ટમૅન્ટ ડિરેક્ટર રસ મોલ્ડ કહે છે, “મધ્યસ્થ બૅન્કો સોનું છાપી શકતી નથી અને તેને હવામાંથી પેદા કરી શકાતું નથી.”
“સત્તાવાળાઓ તરફથી વ્યાજદરમાં ઘટાડા, નાણાં પુરવઠામાં વધારા, સરળ ઉપલબ્ધતા અને મની પ્રિન્ટિંગમાં વધારા જેવાં નીતિગત પગલાં લેવામાં આવે છે ત્યારે સોનાને સ્વર્ગ ગણવામાં આવી રહ્યું છે અને તેથી તે મૂલ્યનો ભંડાર છે.”
કથિત ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ તરફથી સોનાની માગમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. સોના જેવી સંપત્તિ ધરાવતા આ ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ જેવા રોકાણનાં સાધનોમાં રોકાણકારો ફંડમાંથી શૅર ખરીદી અને વેચી શકે છે.
આવા ફંડ્સ મોટા સંસ્થાકીય રોકાણકારોમાં લોકપ્રિય છે અને તેમની કામગીરીએ કિંમત વધારવામાં મદદ કરી છે.
જાન્યુઆરી 1980માં સોનું તેની અગાઉની રેકૉર્ડ કિંમતને સ્પર્શ્યું ત્યારે સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. વિકસિત અર્થતંત્રોમાં ઑઇલના ભાવમાં વધારો થતો હતો. તેને કારણે ફુગાવો વધતો હતો અને રોકાણકારો તેમની સંપત્તિનું રક્ષણ કરવા માગતા હતા. વૈશ્વિક નાણાકીય કટોકટી પછી પણ ભાવમાં તીવ્ર વધારો થયો હતો, જેના કારણે સોનું 2011માં બીજી ટોચ પર પહોંચ્યું હતું.
તાજેતરમાં થયેલા વધારા માટે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સર્જવામાં આવેલા ગૂંચવાડાનો માર્કેટ્સ દ્વારા આપવામાં આવેલો પ્રતિભાવ કારણભૂત હોય એવું લાગે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ પર ઑનલાઇન હુમલો શરૂ કર્યા પછી તાજેતરનો ઉછાળો આવ્યો છે. વ્યાજદરમાં તત્કાળ ઘટાડાની હાકલ કરતાં તેમણે જેરોમ પોવેલને ફુગાવો ઝડપથી ઘટાડવામાં નિષ્ફળ રહેવા બદલ “મોટી નિષ્ફળતા” ગણાવ્યા હતા.
ટ્રમ્પની ટિપ્પણીઓનું અર્થઘટન કેટલાક લોકોએ અમેરિકન મધ્યસ્થ બૅન્કની સ્વતંત્રતા પરના હુમલા તરીકે કર્યું હતું. શૅરબજારો ઘટ્યાં, અન્ય મુખ્ય કરન્સીઓની સરખામણીએ ડૉલરનું મૂલ્ય ઘટ્યું અને સોનું તેના સૌથી તાજેતરના રેકૉર્ડને સ્પર્શ્યું.
અલબત્ત, સોનામાં તાજેતરની મજબૂતાઈને ટ્રમ્પ પરિબળ દ્વારા સંપૂર્ણપણે સમજી શકાય તેમ નથી.
ડૉલર સિસ્ટમને શસ્ત્ર બનાવવાનો ભય

ઇમેજ સ્રોત, Getty Images
લુઇસ સ્ટ્રીટના મતાનુસાર, મધ્યસ્થ બૅન્કોને કારણે 2022ના અંતથી ભાવ સતત ઉપર છે. લુઇસ સમજાવે છે, “મધ્યસ્થે બૅન્કો તેમની સત્તાવાર અનામતમાં ઉમેરો કરવા છેલ્લાં 15 વર્ષથી સોનું સતત ખરીદતી રહી છે, પરંતુ તેનો વેગ છેલ્લાં ત્રણ વર્ષથી ખરેખર વધ્યો છે.”
મધ્યસ્થ બૅન્કોએ 2022થી સંયુક્ત રીતે દર વર્ષે 1,000 મેટ્રિક ટનથી વધુ સોનું ખરીદ્યું છે. તે સરેરાશ 2010થી 2021 દરમિયાન પ્રતિ વર્ષ 481 ટન હતી. ગયા વર્ષે અગ્રણી ખરીદકર્તાઓમાં પોલૅન્ડ, તુર્કી, ભારત, અઝરબૈજાન અને ચીન સમાવિષ્ટ હતાં.
વિશ્લેષકો કહે છે કે વધતી જતી આર્થિક અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાના સમયે મધ્યસ્થ બૅન્કો પોતે બફર બનાવવાનો પ્રયાસ કરતી હોય તે શક્ય છે.
ગોલ્ડમૅન સૅક્સ ખાતેના ગ્લોબલ કૉમૉડિટીઝ રિસર્ચના સહ-વડા દાન સ્ટ્રુયવેચનના જણાવ્યા મુજબ, “2022માં યુક્રેન પરના આક્રમણના સંદર્ભમાં રશિયન સેન્ટ્રલ બૅન્કના રિઝર્વ સ્થિર થઈ ગયા હતા અને વૈશ્વિક મધ્યસ્થ બૅન્કોના રિઝર્વ મૅનેજરોને સમજાયું હતું કે કદાચ મારા રિઝર્વ પણ સલામત નથી. હું સોનું ખરીદીને મારા પોતાના વોલ્ટ્સમાં જાળવી રાખું તો સારું. તેથી મધ્યસ્થ બૅન્કો તરફથી સોનાની માગમાં આ સૌથી મોટો, પાંચ ગણો વધારો જોવા મળ્યો છે.”
ઇન્વેસ્ટમૅન્ટ ફર્મ પેનમ્યુર લિબરમના વડા અર્થશાસ્ત્રી અને રિસર્ચ હેડ સિમોન ફ્રેન્ચ પણ માને છે કે ડૉલર આધારિત બૅન્કિંગ સિસ્ટમથી મુક્તિ પણ મધ્યસ્થ બૅન્કો માટે વધુ સોનું ખરીદવાનું મુખ્ય કારણ બની રહી છે. “હું ચીન જ નહીં, પરંતુ રશિયાની વાત પણ કરું છું. તેમની અને તુર્કીની મધ્યસ્થ બૅન્કો પણ સોનાની સૌથી મોટી ખરીદદાર છે.”
તેઓ કહે છે, “ડૉલર સિસ્ટમ અને સંભવિત રીતે યુરો સિસ્ટમને પણ શસ્ત્ર તરીકે વાપરવામાં આવશે, એવો અનેક દેશોને ડર છે.”
“તેઓ રાજદ્વારી કે લશ્કરી બાબતોમાં અમેરિકા અથવા પશ્ચિમી દૃષ્ટિકોણ સાથે સહમત ન થવાના હોય તો તેમની મધ્યસ્થ બૅન્કોમાં એવી સંપત્તિ હોવી જોઈએ, જે તેમના લશ્કરી અથવા રાજકીય શત્રુ દ્વારા નિયંત્રિત ન હોય. તે આકર્ષક વિશેષતા છે.”
બીજું પરિબળ છે કશુંક ગુમાવવાનો ડર. નવા સર્વકાલીન રેકૉર્ડ્સ સર્જાઈ રહ્યા છે ત્યારે આ બાબતે રોજિંદા વ્યવહારમાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ઝો લિયોન્સ માને છે કે હેટન ગાર્ડનમાં આવી સ્થિતિ છે. તેઓ કહે છે, “બધા લોકો પોતપોતાના હિસ્સાનું સોનું ખરીદવા ઇચ્છે છે અને તેઓ ભૌતિક સોનું ખરીદીને એવું કરવા તૈયાર છે.”
સોનું સલામત, પણ કેટલા સમય સુધી?

ઇમેજ સ્રોત, Getty Images
મોટો સવાલ એ છે કે આગળ શું થશે? કેટલાક નિષ્ણાતો માને છે કે અમેરિકાની અણધારી નીતિ, ફુગાવાના દબાણ અને મધ્યસ્થ બૅન્કોની ખરીદીને લીધે અપવર્ડ ટ્રેન્ડ ચાલુ રહેશે. વાસ્તવમાં ગોલ્ડમૅન સૅક્સે તો આગાહી પણ કરી છે કે સોનું 2025ના અંત સુધીમાં પ્રતિ આઉન્સ 3,700 ડૉલર અને 2026ના મધ્ય સુધીમાં પ્રતિ આઉન્સ 4,000 ડૉલર સુધી પહોંચશે.
ગોલ્ડમૅન સૅક્સે એવું પણ જણાવ્યું છે કે અમેરિકામાં મંદી અથવા ટ્રેડ વૉર તીવ્ર બનવાના સંજોગોમાં સોનું આ વર્ષના અંત સુધીમાં 4,500 ડૉલર સુધી પણ પહોંચી શકે છે.
ડાન સ્ટ્રુયવેન સમજાવે છે, “અમેરિકાનું શૅરબજાર ગોલ્ડ માર્કેટ કરતાં 200 ગણું મોટું છે. તેથી મોટા સ્ટૉકમાર્કેટ અથવા મોટા બૉન્ડ માર્કેટમાંથી નાનું એવું પગલું પણ નાનકડા ગોલ્ડ માર્કેટમાં મોટો વધારો કરી શકે છે.”
બીજા શબ્દોમાં કહીએ તો સોનાના ભાવમાં વધારા માટે મોટા ઇન્વેસ્ટમૅન્ટ માર્કેટ્સમાં મોટી ઊથલપાથલની જરૂર નથી.
તેમ છતાં કેટલાક લોકોને એવી ચિંતા છે કે સોનાના ભાવમાં થયેલો ઝડપી વધારો માર્કેટમાં બબલ બની ગયો છે અને એ બબલ ફૂટી શકે છે.
દાખલા તરીકે 1980માં સોનાના ભાવમાં નાટકીય ઉછાળો આવ્યો હતો અને એ પછી નોંધપાત્ર કરેક્શન થયું હતું, જે જાન્યુઆરીના અંતમાં 850 ડૉલરથી ઘટીને એપ્રિલની શરૂઆતમાં માત્ર 485 ડૉલર થઈ ગયો હતો. પછીના વર્ષે જૂનના મધ્ય સુધીમાં તે છેક 297 ડૉલરના સ્તરે પહોંચ્યો હતો, જે તેની ટોચથી 65 ટકા ઘટાડો હતો.
2011માં ટોચ પછી તીવ્ર ઘટાડો થયો અને ત્યાર બાદ અસ્થિરતાનો સમયગાળો આવ્યો. ચાર મહિનાની અંદર તેમાં 18 ટકા ઘટાડો થયો હતો. થોડા સમય માટે સ્થિર રહ્યા પછી તેમાં સતત ઘટાડો થતો રહ્યો હતો. 2013ના મધ્યમાં નીચલા સ્તરે પહોંચ્યો હતો, જે તેની ટોચના સ્તરથી 35 ટકા નીચે હતો.
સવાલ એ છે કે આજે પણ આવું જ કંઈક થઈ શકે?
સોનાના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક વિશ્લેષકો માને છે કે ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. આગામી થોડાં વર્ષોમાં એક આઉન્સ સોનાનો ભાવ ઘટીને માત્ર 1,820 ડૉલર થઈ શકે છે, એવું સૂચન કર્યું ત્યારે મૉર્નિંગસ્ટારના ઉદ્યોગ નિષ્ણાત જોન મિલ્સ મથાળાંમાં ચમક્યા હતા.
તેમનો મત એવો હતો કે માઇનિંગ કંપનીઓએ ઉત્પાદન વધવાથી અને રિસાઇકલ્ડ સોનું માર્કેટમાં વધારે આવવાથી માર્કેટમાં સોનાનો પુરવઠો વધશે. એ જ સમયે મધ્યસ્થ બૅન્કો તેમની ખરીદીમાં ઘટાડો કરશે, માગને ઉત્તેજિત કરતા ટૂંકા ગાળાના અન્ય દબાણ ઓછા થશે અને તેના પરિણામે કિંમતમાં ઘટાડો થશે.
મુખ્યત્વે માઇનિંગના ખર્ચમાં વધારો થવાને કારણે તે આગાહીમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે.
આ વાત સાથે ડાન સ્ટ્રાઇવન સંમત નથી. તેઓ માને છે કે ટૂંકા ગાળામાં ઘટાડો થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે ભાવ વધતા રહેશે.
તેઓ કહે છે, “યુક્રેન શાંતિકરાર થાય અથવા ઝડપી ટ્રેડ ડિ-ઍસ્કેલેશન થાય તો મને લાગે છે કે હેજ ફંડ્સ સોનામાંથી તેમનું કેટલુંક રોકાણ કાઢીને શૅરબજાર જેવી જોખમી સંપત્તિઓમાં રોકવા તૈયાર થશે.”
“તેથી કામચલાઉ ઘટાડો થઈ શકે છે, પરંતુ આ અત્યંત અનિશ્ચિત ભૂ-રાજકીય પરિસ્થિતિમાં મધ્યસ્થ બૅન્કો સલામત રિઝર્વ હોલ્ડિંગ ઇચ્છે છે ત્યારે તેઓ મધ્યમ ગાળામાં માગને વધુ આગળ ધપાવતી રહેશે.”
રસ મોલ્ડ માને છે કે કમસે કમ અપવર્ડ ટ્રેન્ડમાં થોડી રાહત રહેશે. “તેના અદ્ભુત દેખાવને ધ્યાનમાં લેતાં કોઈક તબક્કે તેને વિરામ મળે તેવી અપેક્ષા રાખવી તર્કસભર છે.”
તેઓ એવું પણ માને છે કે તીવ્ર આર્થિક મંદી આવે અને વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તો લાંબા ગાળે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે.
તાજેતરનો રેકૉર્ડ ભાવ સતત વધારા તરફ હતો કે ટોચ પર હતો એ નક્કી કરવું તે રોકાણકારો માટે એક સમસ્યા છે.
પેનમ્યુર લિબરમના સિમોન ફ્રેન્ચ માને છે કે ટોચ હવે ખૂબ નજીક હોઈ શકે છે. મોટા પ્રમાણમાં પૈસા કમાવાની આશામાં માર્કેટમાં પ્રવેશતા લોકો નિરાશ થાય તેવી સંભાવના છે. અન્ય લોકો એવી ચેતવણી આપે છે કે જુવાળ અને સમાચારોને કારણે સોનું ખરીદવા માટે લલચાયેલા લોકોને માર્કેટ પલટી મારે તો નુકસાન થઈ શકે છે.
હાર્ગ્રીવ્સ લૅન્સડાઉન ખાતે મની અને માર્કેટ્સના વડા સુસાનાહ સ્ટ્રીટર કહે છે, “રેકૉર્ડ તરફ આગળ વધવાની લાલચ હોય તો પણ ટૂંકા ગાળાનું સ્પેક્યુલેશન વિપરીત અસર કરી શકે છે.”
તેઓ ઉમેરે છે, “સોનામાં રોકાણ કરવા વિચારી રહેલા રોકાણકારોએ વૈવિધ્યસભર પોર્ટફોલિયોના ભાગરૂપે આવું કરવું જોઈએ. તેમણે તેમનું બધું રોકાણ સોનામાં ન કરવું જોઈએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS