Source : BBC NEWS

ઇમેજ સ્રોત, The Tibet Museum
- લેેખક, સ્વામિનાથન નટરાજન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
-
18 મે 2025, 16:04 IST
અપડેટેડ એક કલાક પહેલા
વિશ્વભરના તિબેટિયનોએ પંચેન લામા ગુમ થવાની 30મી વર્ષગાંઠની ઉજવણી શનિવારે કરી.
તિબેટી બૌદ્ધોના દેશનિકાલ કરાયેલા નેતા દલાઈ લામાએ 1995ની 14 મેએ ગેધુન ચોઇકી ન્યામા નામના છ વર્ષના છોકરાને પુનર્જન્મ પામેલા પંચેન લામા તરીકે માન્યતા આપી હતી. પંચેન લામા બૌદ્ધ ધર્મમાં બીજા ક્રમના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતા.
11મા પંચેન લામા ત્રણ દિવસ પછી ગાયબ થઈ ગયા હતા અને ત્યારથી તેમનાં ઠામઠેકાણાં કે ભાવિ વિશે કોઈ સમાચાર નથી.
ન્યામા ક્યાં છે તે પોતે જાણતા હોવાનું ચીની સત્તાવાળાઓ સ્વીકારે છે, પરંતુ તેમના વિશે બહુ થોડી માહિતી આપે છે. આ તિબેટિયન હવે 36 વર્ષના થયા હોત.
બીબીસીએ ગુમ થયેલા પંચેન લામાની વર્તમાન સ્થિતિ વિશે જાણવા માટે ચીનની સરકારનો સંપર્ક સાધ્યો હતો. લંડનસ્થિત ચીનના દૂતાવાસે જવાબમાં જણાવ્યું, “જે વ્યક્તિ વિશે સવાલ પૂછવામાં આવ્યો છે, તે ચીનના સામાન્ય નાગરિક છે અને સામાન્ય જીવન જીવે છે. તેઓ કે તેમના પરિવારજનો લોકોનું બિનજરૂરી આકર્ષણ નથી ઇચ્છતા,” અને બીબીસીને આ સ્ટોરી પર “આગળ વધવા અંગે પુનર્વિચાર” કરવાનો અનુરોધ કર્યો.
અંતરિયાળ અને મુખ્યત્વે બૌદ્ધ ધર્મનું પાલન કરતું તિબેટ એ ચીનનો સ્વાયત પ્રદેશ છે. ચીન પર તિબેટના સાંસ્કૃતિક તથા ધાર્મિક સ્વાતંત્ર્ય દબાવી રાખવાનો આરોપ છે.
માનવાધિકાર જૂથો ન્યામાને “વિશ્વના સૌથી નાની વયના રાજકીય” કેદી ગણાવે છે અને તેમની મુક્તિ માટેની તિબેટની હાકલને સતત સમર્થન આપે છે.
પંચેન લામા ક્યારે ગાયબ થયા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
તિબેટી બૌદ્ધો પુનર્જન્મમાં માને છે અને પુનર્જન્મ ક્યાં તથા ક્યારે થાય છે તે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ ધરાવતા લોકો જ નક્કી કરી શકે છે.
દસમા પંચેન લામાનું 1989ની 28 જાન્યુઆરીએ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયા પછી (કેટલાક લોકો માને છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું) તેમના પુનર્જન્મની માહિતી મેળવવાના પ્રયાસ શરૂ થયા હતા.
એક વરિષ્ઠ સાધુના વડપણ હેઠળની એક શોધ ટુકડીએ, તિબેટના નાગચુ પ્રાંતના લ્હારી જિલ્લામાં 1989ની 25 એપ્રિલે પિતા કુંચોક ફુંટસોગ અને માતા ડેચેન ચોડોનને ત્યાં જન્મેલો છોકરો પંચેન લામાનો પુનર્જન્મ હોવાનું જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીનો ખાસ સલાહકાર દરજ્જો ધરાવતી બિન-સરકારી સંસ્થા સોસાયટી ફૉર થ્રેટન્ડ પીપલ દ્વારા સુપરત કરવામાં આવેલા વિગતવાર દસ્તાવેજમાં ચીની સરકાર પર સમગ્ર ફુંટસોગ પરિવારનું અપહરણ કરવાનો અને તેની તપાસના નેતૃત્વના આરોપી સાધુને અટકાયતમાં લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
તિબેટની નિર્વાસિત સરકાર ન્યામાના ગુમ થવાને “ચીનના માનવાધિકારના ઉલ્લંઘનનાં સૌથી ગંભીર ઉદાહરણો પૈકીનું એક” ગણાવે છે.
સેન્ટ્રલ તિબેટીયન ઍડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા તેન્ઝિન લેક્ષયે બીબીસીને કહ્યું હતું, “તેમનું ઠેકાણું અને સ્થિતિ સરકારી ગુપ્તતાના પડદા પાછળ ત્યારથી છુપાયેલી રહી છે. અમે પંચેન લામાનું ઠેકાણું જાહેર કરવા અને તેમની સુખાકારી નિશ્ચિત કરવાની તત્કાળ હાકલ ચીન સરકારને કરીએ છીએ.”
તિબેટની નિર્વાસિત સરકારને કોઈ પણ દેશે ઔપચારિક રીતે સ્વીકૃતિ આપી નથી.
‘નકલી પંચેન’

ઇમેજ સ્રોત, Getty Images
ચીન દ્વારા નિયુક્ત પંચેન લામા સામ્યવાદી પક્ષની 2018ની પરિષદ જેવા સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપે છે, પરંતુ અનેક તિબેટનો તેમની અવગણના કરે છે.
દલાઈ લામા દ્વારા નિયુક્ત પંચેન લામાને સમર્થન આપવાનો ચીને ઇનકાર કર્યો હતો અને 11મા પંચેન લામા તરીકે પોતાના ઉમેદવાર ગ્યાલ્ટસેન નોર્બુને 1995માં પસંદ કર્યા હતા.
નોર્બુ સામ્યવાદી પક્ષની પરિષદો અને સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપે છે, પરંતુ તેઓ લોકોમાં સ્વીકાર્ય નથી. દેશનિકાલમાં રહેતા તિબેટનો તેમને “નકલી પંચેન” ગણાવે છે.
ન્યામાને તિબેટમાં વધુ સ્વીકાર્યતા હોઈ શકે છે, પરંતુ દલાઈ લામા અને પંચેન લામાના ફોટોગ્રાફ્સ પર પ્રતિબંધ છે.
“સત્તાવાળાઓ દ્વારા છીનવી લેવામાં આવેલા” એ છોકરાનો એકમાત્ર ફોટોગ્રાફ પ્રસારમાં છે.
તિબેટ માટે પંચેન લામા મહત્ત્વપૂર્ણ શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
દલાઈ લામા જુલાઈમાં 90 વર્ષના થશે અને પંચેન લામા તેમના પુનર્જન્મને નક્કી કરવામાં પરંપરાગત રીતે મુખ્ય ભૂમિકા ભજવે છે.
તિબેટન બૌદ્ધ ધર્મમાં પંચેન લામા માત્ર દલાઈ લામાથી આગળ છે. દલાઈ લામા 1959માં તિબેટથી નાસી છૂટ્યા હતા અને આ પ્રદેશ પર ચીનના નિયંત્રણ સામેના પ્રતિકારનું પ્રતીક બન્યા હતા. આ વર્ષે છઠ્ઠી જુલાઈએ તેઓ 90 વર્ષના થશે.
ગુમ થયેલા છોકરાની શોધ હવે વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે દલાઈ લામા અને પંચેન લામા એકમેકના પુનર્જન્મને ઓળખે છે.
હ્યુમન રાઇટ્સ વૉચના ચીન સંબંધી સંશોધક યાલ્કુન ઉલુયોલે કહ્યું હતું, “ચીની સરકારે છ વર્ષના બાળક અને તેના પરિવારનું અપહરણ કર્યું હતું, તેમજ તિબેટન બૌદ્ધ ધર્મની પસંદગીને નિયંત્રિત કરવા માટે ચીને તેમને 30 વર્ષથી ગાયબ કરી દીધા છે.”
યાલ્કુન ઉલુયોલે ઉમેર્યું હતું, “આ ક્રૂરતાનો અંત લાવવા અને ગેન્ડૂન ચોકી ન્યામા તથા તેમના પરિવારની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે ચિંતિત પક્ષોએ ચીન સરકાર પર દબાણ કરવું જોઈએ.”
પંચેન લામા વિશે ચીન શું કહે છે?

ઇમેજ સ્રોત, International Tibet Network
ન્યામા ગુમ થયા પછી તરત જ ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘના કાર્યકારી જૂથને કહ્યું હતું, “પુનર્જન્મ પામેલા બાળકના પરિવારના અપહરણ અને ગુમ થવા બાબતે ક્યારેય કોઈ ફરિયાદ નોંધાઈ નથી.”
પછીનાં વર્ષોમાં ચીને એવું કહ્યું હતું કે કેટલાક “દુષ્ટ આત્માઓએ” તે છોકરાને દાણચોરી મારફત વિદેશ લઈ જવાના પ્રયાસ કર્યા હતા અને તેથી છોકરાનાં માતાપિતાએ સલામતીની માગણી કરી હતી, જે ચીન પૂરી પાડી રહ્યું છે.
ચીનના જણાવ્યા મુજબ, સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં એ છોકરો અને તેનો પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેઓ નથી ઇચ્છતા કે કોઈ તેમને પરેશાન કરે.
ચીને સંયુક્ત રાષ્ટ્રના કાર્યકારી જૂથને 1998માં જણાવ્યું હતું કે પંચેન લામાનાં માતા જેલની સજા ભોગવી રહ્યાં છે. જોકે, તેમને શા માટે જેલની સજા કરવામાં આવી છે અને તેઓ કેટલા સમયથી જેલમાં છે તે સ્પષ્ટ નથી.
વર્ષ 2000માં તત્કાલીન બ્રિટિશ વિદેશમંત્રી રોબિન કૂકે જણાવ્યું હતું કે ચીને બ્રિટનના અધિકારીઓને એક છોકરાના બે ફોટોગ્રાફ્સ દેખાડ્યા હતા. તે ગુમ થયેલા પંચેન લામાના હતા. બ્રિટનને તે ફોટોગ્રાફ્સ જોવાની છૂટ હતી, પરંતુ પોતાની પાસે રાખવાની છૂટ ન હતી.
પંચેન લામાના સગડ મળવાની કોઈ આશા છે?

ઇમેજ સ્રોત, Tenzin Tsundue
ગુમ થયેલા પંચેન લામા 30 વર્ષના પુરુષ તરીકે કેવા દેખાતા હશે, તેની છબી તિબેટન કાર્યકરોએ બ્રિટનસ્થિત ફોરેન્સિક કળાકાર ટિમ વિડનની મદદથી બનાવી છે.
તે ફોટોગ્રાફમાં દેખાતા લાલ ગાલ તથા ગોળમટોળ ચહેરાવાળા છોકરાની ભાળ મેળવવામાં કોઈ પ્રગતિ થઈ નથી.
પંચેન લામાના ભાવિ અંગેની અનિશ્ચિતતા ઘણા તિબેટનો માટે એક આઘાતજનક બાબત છે. તેમની મુક્તિની માગણી કરતા જાહેર વિરોધપ્રદર્શનો ભારત તથા યુરોપમાં કરવાનું તેમણે ચાલુ રાખ્યું છે.
ભારતસ્થિત તિબેટન લેખક અને કર્મશીલ તેનઝિન સુન્ડુએ બીબીસીને કહ્યું હતું, “તેમના 30 વર્ષના કારાવાસની કલ્પના સુધ્ધાં કરવી પીડાદાયક છે. અમે તેમની તત્કાળ મુક્તિ માટે રોજ પ્રાર્થના કરીએ છીએ અને ઝુંબેશ ચલાવીએ છીએ. તિબેટી લોકો માટે તેઓ એક આધ્યાત્મિક નેતા જ નહીં, પરંતુ ભાવિ તિબેટની આશા પણ છે.”
“હું માનું છું કે તેઓ જીવંત છે. તેમને સદેહે જોવાની મને આશા છે,” એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે દલાઈ લામાના આગામી પુનર્જન્મની કથાને નિયંત્રિત કરવા માટે ચીન તેમનો ઉપયોગ કરશે, એવું તેઓ માને છે.
નિર્વાસિત તિબેટન સરકારના કહેવા મુજબ, પંચેન લામાની ગેરહાજરી ઊંડાણપૂર્વક અનુભવાય છે.
તેનઝિને કહ્યું હતું, “ચીની શાસન હેઠળ તિબેટન ભાષા, ધર્મ અને સાંસ્કૃતિક વારસાના રક્ષણમા દસમા પંચેન લામાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
“આજના તિબેટમાં તેમનો અવાજ અને દૃષ્ટિકોણ બહુ ખૂટે છે.”
(માઇકલ બ્રિસ્ટો લિખિત 2020ના બીબીસીના એક લેખના કેટલાક અંશો આ અહેવાલમાં સમાહિત છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS