Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Amer HILABI / AFP/Getty
અપડેટેડ 7 કલાક પહેલા
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત વિરુદ્ધ સૈન્ય સંઘર્ષમાં શાહીન મિસાઇલના ઉપયોગને લઈને ભારતીય મીડિયાના દાવા પર પ્રતિક્રિયા આપતા તેને નિરાધાર જણાવ્યો છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે ભારતીય મીડિયાના કેટલાક ભાગોમાં પ્રસારિત એવા ‘નિરાધાર’ આરોપોને દૃઢતાથી ફગાવે છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને પોતાના અભિયાન દરમિયાન શાહીન મિસાઇલનો ઉપયોગ કર્યો.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ દાવા ભારતીય સેનાના આધિકારિક ઍક્સ હૅન્ડલથી એક વીડિયો પોસ્ટ થયા બાદ સામે આવ્યા જેમાં કથિત રીતે પાકિસ્તાનની શાહીન મિસાઇલના ઉપયોગને દર્શાવવામાં આવ્યો છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે પછી ભારતીય સેનાએ આ ભ્રામક વીડિયોને હટાવી દીધો પરંતુ ત્યાર સુધી ભારતીય મીડિયાનો કેટલાક વર્ગો કોઈ પુષ્ટિ વગર આ ‘ખોટું નૅરેટિવ’ વધારી ચૂક્યા હતા. દુર્ભાગ્યવશ કેટલીક ભારતીય સમચાર સંસ્થાઓ હજુ પણ ખોટી સૂચનાનો પ્રસાર કરી રહી છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાયલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેનાના આધિકારિક હૅન્ડલે આ મુદ્દે હજુ સુધી સ્પષ્ટતા નથી કરી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિરુદ્ધ સંઘર્ષમાં પાકિસ્તાનની સશસ્ત્ર સેનાઓએ અત્યાધુનિક નિર્દેશિત લાંબા અંતરની “ફતહ સિરીઝ” મિસાઇલો (એફ1 અને એફ 2), અત્યાધુનિક દારૂગોળો, ઉચ્ચ ક્ષમતાવાળી લાંબા અંતરની “લૉઇટરિંગ કિલર ડ્રોન” અને સટીક લાંબા અંતરની તોપોનો ઉપયોગ કર્યો છે.
કૉંગ્રેસે ફરી કહ્યું- સરકાર જણાવે કે પાકિસ્તાનને હુમલા પહેલાં જાણકારી આપવાથી દેશને કેટલું નુકસાન થયું?

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ નેતા રાહુલ ગાઁધીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના એ વીડિયો નિવેદન મામલે બીજી વખત સવાલ કર્યો છે, જેના પર પહેલાથી જ પીઆઈબીની સ્પષ્ટતા આવી ગઈ છે.
રાહુલ ગાંધીએ એસ. જયશંકરના એ વીડિયો પર પોતાના 17મી મેની પોસ્ટ પર લખ્યું કે વિદેશ મંત્રી એસ. જયશંકરનું મૌન નિંદનીય છે.
તેમણે લખ્યું, “તેથી હું ફરી પૂછીશ: આપણે કેટલાં ભારતીય વિમાનો ખોયાં, કારણકે પાકિસ્તાનને (હુમલા મામલે પહેલાથી) ખબર હતી? આ કોઈ ચૂક નથી, અપરાધ હતો. અને દેશને સત્ય જાણવાનો અધિકાર છે.”
આ પહેલાં રાહુલ ગાંધીએ વિદેશ મંત્રીના વીડિયોને લઈને પોસ્ટ કરી હતી, “આપણા હુમલા શરૂ થવા પહેલાં પાકિસ્તાનને જાણકારી આપવી અપરાધ હતો. વિદેશ મંત્રીએ આ વાતને સાર્વજનિક રીતે સ્વીકાર કરી છે કે ભારત સરકારે આમ કર્યું.”
રાહુલ ગાંધીએ સરકારને બે સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું હતું, “પહેલો સવાલ કે આ વાતની અનુમતિ કોણે આપી? બીજો સવાલ કે તેને કારણે આપણી ઍરફોર્સે કેટલાં વિમાન ખોયાં?”
આ મામલે કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, “વિદેશ મંત્રી જયશંકર આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે જેનાથી પાકિસ્તાન અને આખા વિશ્વમાં આપણી મજાક ઉડાવાઈ રહી છે. તેથી રાહુલ ગાંધી વારંવાર કહી રહ્યા છે કે તમે જવાબ આપો…. કે પાકિસ્તાનને પહેલાં ચેતવણી આપવાથી દેશને નુકસાન થયું. આ અમારે માટે જાણવું જરૂરી છે. દેશનાં કેટલાં વિમાન તૂટ્યાં અને કેટલા આતંકી બચીને ભાગી ગયા?”
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી જે વીડિયોને લઈને સવાલ કરે છે, તેના પર પીઆઈબીએ કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી એસ. જયશંકરના નિવેદનને ખોટા સંદર્ભમાં લેવામાં આવી રહ્યું છે.
વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી હતી કે અમે પાકિસ્તાનને ચેતવણી આપી હતી જે ઑપરેશન સિંદૂર શરૂ થયા બાદનો પ્રારંભિક તબક્કો હતો.
આમ કહેવું સદંતર ખોટું છે કે ઑપરેશન સિંદૂર શરૂ થાય એ પહેલાં (પાકિસ્તાનને ચેતવણી) આવું કરવામાં આવ્યું. આ સ્પષ્ટ રીતે તથ્યોને ખોટી રીતે વ્યક્ત કરનારું છે.
રાજકોટમાં પોલીસ દ્વારા મેગા ડિમોલિશન, ‘ગેરકાયદે’બાંધકામો તોડવા મામલે પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
બીબીસી ગુજરાતીના રાજકોટ ખાતેના સહયોગી બિપીન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે શહેરમાં પોલીસ દ્વારા આજે એક મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ શહેરના ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ બીબીસી સહયોગી બિપીન ટંકારિયાને જણાવ્યું કે “ગૃહમંત્રી અને ડીજી સાહેબની સુચના હતી કે રાજકોટ શહેરમાં વારંવાર ગુનાની ટેવ ધરાવતા ગુનાહિત તત્ત્વો છે તેમની યાદી તૈયાર કરવામાં આવે. તેમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવે અને એમના દ્વારા કરવામાં આવેલાં ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવે.”
“આ સૂચનાના પાલનના ભાગરૂપે યુનિવર્સિટી વિસ્તારમાં કુલ 38 જેટલા ગુનેગારો જે છે તેમનાં 55 કરતાં વધારે ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”
જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું કે આ આરોપીઓએ ગુનાની પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલાં નાણાંમાંથી આ ગેરકાયદેસર બાંધકામો કર્યાં હતાં.
તેમણે આ વિશે વધુમાં જણાવ્યું, “ગુનેગારોમાં કાયદાનો ડર રહે અને સમાજમાં દાખલો બેસે તે માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.”
પોલીસે આપેલી જાણકારી પ્રમાણે આ ડિમોલિશનની કાર્યવાહીમાં કુલ 2,610 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર થયેલાં બાંધકામોને તોડી પાડવામાં આવ્યાં હતાં. આ જમીનની અંદાજીત કિંમત 6 કરોડ અને 52 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક ડાર ત્રણ દિવસના ચીન પ્રવાસે જઈને શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઇસહાક ડાર પોતાની ત્રણ દિવસની ચીન યાત્રા માટે રવાના થઈ ગયા છે.
આ પ્રવાસ દરમિયાન ઇસહાક ડાર ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ સભ્યો ઉપરાંત અન્ય ચીની નેતાઓ સાથે મુલાકાત કરશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ બેઠકો ક્ષેત્રના વિકાસ તથા પાકિસ્તાન-ચીન સંબંધો પર કેન્દ્રીય રહેશે.
આ પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી જારી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે ચીને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક ડારને ત્રણ દિવસના પ્રવાસ માટે આમંત્રણ આપ્યું છે.
ઇસહાક ડાર 19મી મેથી 21મી મે સુધી ચીનનો પ્રવાસ કરશે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દક્ષિણ એશિયાની સ્થિતિ પર પણ ગહન ચર્ચા કરશે.
ઇઝરાયલે ગાઝામાં નાકાબંધીને લઈને હવે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલે કહ્યું છે કે તે ગાઝામાં બુનિયાદી માત્રામાં ભોજન લઈ જવાની મંજૂરી આપશે. જેથી 10 સપ્તાહની નાકાબંધી બાદ ત્યાં ભૂખમરીનું સંકટ પેદા ન થાય.
ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલય તરફથી આપેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું ઇઝરાયલી સેના (આઈડીએફ)ની ભલામણો પર અને હમાસની સામે નવી સૈન્ય સમજૂતીનું સમર્થન કરવાની જરૂરતના આધારે ઉઠાવવામાં આવ્યું છે.
આ ઘોષણા પહેલાં ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેણે ગાઝામાં વ્યાપક જમીની અભિયાન છેડ્યું છે.
પોતાની નાકાબંધી દરમિયાન ઇઝરાયલે ગાઝામાં ભોજન, ઇંધણ, તથા દવાઓની ઍન્ટ્રી પર પણ રોક લગાવી દીધી હતી. ઇઝરાયલ પર આ નાકાબંધી હઠાવવા પર દબાણ વધી રહ્યું છે.
કેટલીક સહાય એજન્સીઓએ ગાઝાની 21 લાખની વસ્તી વચ્ચે ભૂખમરીના સંકટને લઈને ચેતવણી ઉચ્ચારી છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને ‘હાઈ ગ્રેડ’ પ્રોસ્ટેટ કૅન્સર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કૅન્સર હોવાનું જાણવા મળ્યું છે. જે તેમનાં હાડકાં સુધી ફેલાઈ ગયું છે. તેમના કાર્યાલય તરફથી રવિવારે એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.
82 વર્ષના બાઇડન યુરિન સાથે જોડાયેલાં લક્ષણોને લઈને ગત સપ્તાહે ડૉક્ટરી તપાસ માટે ગયા હતા. શુક્રવારે તેમને કૅન્સર હોવાની ખબર પડી.
તેમની આ બીમારીને ‘હાઈ ગ્રેડ’ પ્રોસ્ટેટ કૅન્સર તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. કૅન્સર રિસર્ચ યુકે અનુસાર તેનો અર્થ એ છે કે ‘કૅન્સર કોશિકાઓ ઝડપથી ફેલાઈ શકે છે.’
બાઇડન અને તેમના પરિવારજનો આ કૅન્સરના ઇલાજ માટે વિકલ્પોની સમીક્ષા કરી રહ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિના કાર્યાલયે કહ્યું છે કે કૅન્સર હોર્મોન-સેન્સિટીવ છે. એટલે કે તેનો અર્થ એ થાય છે કે તેને મૅનેજ કરી શકાય છે.
બાઇડનને કૅન્સર હોવાની ખબર મળ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું, “મેલાનિયા અને હું જો બાઇડનના હાલના મેડિકલ પરિક્ષણ મામલાના સમાચાર સાંભળીને દુ:ખી છીએ.”
ટ્રમ્પે લખ્યું કે તેઓ કામના કરે છે કે બાઇડન જલદી સ્વસ્થ થઈ જાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS