Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ 5 કલાક પહેલા
ભારત સરકારે પાકિસ્તાન ઉચ્ચાયોગના વધુ એક અધિકારીને ‘અવાંછિત વ્યક્તિ’ જાહેર કર્યા છે. આ પહેલાં 13 મેના રોજ પણ એક પાકિસ્તાની અધિકારીને ‘અવાંછિત વ્યક્તિ’ જાહેર કરાયા હતા.
પાકિસ્તાની અધિકારી પર એવી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોવાનો આરોપ છે, ‘જે ભારતમાં તેમના આધિકારિક દરજ્જાને અનુરૂપ નથી. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવા કહેવામાં આવ્યું છે.’
ભારતના વિદેશમંત્રાલય તરફથી જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં આ અંગે જાણકારી અપાઈ છે.
પ્રેસ રિલીઝ પ્રમાણે પાકિસ્તાન ઉચ્ચાયોગને એ સુનિશ્ચિત કરવા કહેવાયું છે કે ભારતમાં કોઈ પણ પાકિસ્તાની રાજદ્વારી કે અધિકારી કોઈ પણ પ્રકારે પોતાના વિશેષાધિકારોઅને દરજ્જાનો દુરુપયોગ ન કરે.
યુએઈએ કહ્યું, ગાઝામાં સહાય પહોંચાડવા માટે ઇઝરાયલ સાથે સમજૂતી થઈ

ઇમેજ સ્રોત, Reuters
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે તેની સહાય હજુ પેલેસ્ટાઇનની વસ્તી સુધી નથી પહોંચી રહી. અહીં સંયુક્ત અરબ અમીરાત એટલે યુએઈએ જણાવ્યું કે તેણે ગાઝાના લોકો માટે માનવીય સહાય પહોંચાડવાના ઉદ્દેશ્યથી ઇઝરાયલ સાથે એક સમજૂતી કરી છે.
આ સમજૂતીની જાહેરાત ગત રાત્રે યુએઈના વિદેશ મંત્રીય શેખ અબ્દુલ્લાહ બિન ઝાયદ અલ નાહયાન અને ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સાર વચ્ચે ફોન પર થયેલી વાતચીત પછી કરવામાં આવી.
યુએઈના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર,”આ સહાય પ્રારંભિક તબક્કામાં ગાઝા પટ્ટીમાં લગભગ 15 હજાર નાગરિકો માટે ખાણીપીણીની વસ્તુઓની જરૂરિયાતોને પૂરી કરશે.”
યુએઈનું કહેવું છે કે આ સહાયતામાં બેકરીના સંચાલન માટે આવશ્યક સામગ્રી અને શિશુઓની સંભાળ લેવા માટે મહત્ત્વપૂર્ણ વસ્તુઓ પણ સામેલ છે, એટલે લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે નિરંતર આપૂર્તિ સુનિશ્ચિત કરી શકે.
જોકે, યુએઈએ સ્પષ્ટતા નથી કરી કે આ સમજૂતી કેવી રીતે લાગુ થશે અથવા ગાઝામાં સહાય પહોંચાડવા અને વિતરિત કરવાની જવાબદારી કોની હશે.
ઇઝરાયલે આ સમજૂતી પર અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી કરી. આ દરમિયાન ગાઝામાં ડૉક્ટર્સ વિદઆઉટ બૉર્ડર્સ નામની ચિકિત્સા સહાયતા સંસ્થાનાં આપાતકાલીન સમન્વયક, ક્લેયર મનેરાએ બીબીસી રેડિયો 4ને જણાવ્યું કે મેડિકલ વસ્તુઓની સપ્લાય “ગંભીર રીતે ઓછી” છે.
તેમણે કહ્યું કે, “થોડી સહાય અંદર પહોંચી છે પરંતુ અહીં મોટા ભાગના લોકો સુધી બિલ્કુલ નથી પહોંચી.”
તેમણે કહ્યું કે ઇઝરાયલી અધિકારીઓ સામાનનું વિતરણ કરવા પર શરતો લગાવી રહ્યા છે, જે સુરક્ષિત નથી.
તેમણે કહ્યું કે “ઘરો અને હૉસ્પિટલોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે” અને “આરોગ્ય સેવાઓ અથવા કોઈ પણ પ્રકારની સહાયતા સુધી પહોંચવી અશક્ય થઈ રહી છે.”
મનેરાએ કહ્યું કે ત્યાં લોકોની સ્થિતિ “બગડી રહી છે” અને જે દાઝેલાં બાળકો લાવવામાં આવી રહ્યાં છે, તેમની “સંખ્યા મોટી” છે.
તેમણે કહ્યું કે “કોઈ પેઇનકિલર વગર બાળકોની પીડા”, “રસ્તાઓ પર ભૂખથી ટળવળતા લોકો” અને “માતાઓનું પોતાનાં બાળકોને ભૂખથી મરતા જોવું”- આ પરિસ્થિતિ દિવસે ને દિવસે વકરી રહી છે.”
દાહોદ : છ વર્ષની વિદ્યાર્થિની સાથે રેપની કોશિશ અને હત્યા કેસમાં શાળાના પૂર્વ આચાર્ય ગોવિંદ નટને દસ વર્ષની સજા ફટકારાઈ

ઇમેજ સ્રોત, DAXESH SHAH
ગુજરાતના દાહોદ જિલ્લાની કોર્ટે બુધવારે ગત વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ બનેલા લીમખેડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં છ વર્ષની બાળકીના રેપની કોશિશ અને મર્ડર મામલામાં સ્કૂલના પૂર્વ આચાર્ય ગોવિંદ નટને દોષિત ઠેરવી દસ વર્ષની સજા ફટકારી હતી.
આ મામલામાં લીમખેડા તાલુકાના એક ગામમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી 19 તારીખે ગુમ થઈ ગઈ હતી. છોકરી શાળાએ ગઈ હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.
તેના પરિવારજનો બાળકીને શોધતાં શોધતાં શાળામાં પહોંચ્યા ત્યારે તે શાળાના ઓરડા અને કંપાઉન્ડની દીવાલની વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી.
પરિવારના સભ્યો બાળકીને લીમખેડા સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે આ ઘટનામાં શાળાના આચાર્ચ ગોવિંદ નટની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આચાર્યે બાળકીને પોતાની કારમાં બેસાડ્યાં બાદ છેડછાડ કરતાં તે બૂમો પાડવા લાગી હતી. બાળકીને બૂમો પાડતી અટકાવવા માટે તેણે તેનું મોઢું દબાવી દીધું હતું, જેના કારણે તે ગૂંગળાઈને મૃત્યુ પામી હતી.
છત્તીસગઢમાં પોલીસે કર્યો 26 માઓવાદીઓનાં મોતનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત ક્ષેત્ર નારાયણપુરમાં પોલીસે એક ઝડપમાં 26 માઓવાદીઓનાં મોતનો દાવો કર્યો છે.
રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ બુધવારે કહ્યું, “ઓરછાના વિસ્તારમાં લગભગ 50 કલાકથી સર્ચ ઑપરેશન ચાલી રહ્યું હતું. આમાં 26 કરતાં વધુ માઓવાદીઓ મરાયા છે. મોટી કૅડરના પણ કેટલાક માઓવાદીઓનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર છે.”
તેમણે મૃત્યુ પામનારા માઓવાદીઓની સંખ્યા હજુ વધશે એ વાતથી ઇનકાર નથી કર્યો.
તેમણે કહ્યું કે હાલ તલાશી અભિયાન ચાલુ છે. મંત્રીએ કહ્યું કે છત્તીસગઢને ‘લાલ આતંક’થી મુક્ત કરાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે છત્તીસગઢમાં પાછલા 15 મહિનામાં પોલીસે માઓવાદીઓ વિરુદ્ધ સઘન ઑપરેશન ચલાવ્યું છે, જેમાં અત્યાર સુધી 400 કરતાં વધુ સંદિગ્ધ માઓવાદીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
દેશના ગૃહમંત્રી અમિત શાહે 31 માર્ચ 2026 સુધી દેશમાંથી માઓવાદને સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરી છે.
અલી ખાન મહમૂદાબાદે સુપ્રીમ કોર્ટ પાસેથી મળી વચગાળાની જામીન, કોર્ટે એસઆઇટી ગઠનનો આદેશ આપ્યો

ઇમેજ સ્રોત, Prof. Ali Khan Mahmudabad
ભારત-પાકિસ્તાન સંઘર્ષના સંદર્ભે ટિપ્પણી અને કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ પાસેથી પ્રેસ બ્રીફિંગ કરાવવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે.
પ્રોફેસર અલી ખાનની 18 મેના રોજ હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી.
આ ધરપકડ હરિયાણાની સોનીપત પોલીસે સ્થાનિક નિવાસી યોગેશની ફરિયાદના આધારે કરી હતી.
હરિયાણા પોલીસે પ્રોફેસર અલી ખાન વિરુદ્ધ બે સમુદાયમાં નફરત ભડકાવવાની કલમ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.
નોંધનીય છે કે પ્રોફેસર અલી ખાન હરિયાણાની અશોકા યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર છે. આ એક ખાનગી યુનિવર્સિટી છે.
ગાઝામાં લોકો સુધી નથી પહોંચી સહાય, સંયુક્ત રાષ્ટ્ર સહિતના દેશોએ શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું છે કે 11 સપ્તાહની નાકેબંધી બાદ ગાઝામાં સહાયતા સામગ્રી તો પહોંચી ગઈ છે પરંતુ તેનું વિતરણ થઈ શક્યું નથી.
ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું છે, “સુરક્ષા તપાસ બાદ મંગળવારે 93 સહાયતા ટ્રકોએ ગાઝા પટ્ટીમાં પ્રવેશ મેળવ્યો.”
સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતા કાર્યાલયનું કહેવું છે કે સહાયતા સામગ્રીને માત્ર પેલેસ્ટાઇનની સીમા સુધી જ પહોંચાડવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ગાઝામાં તેની ટીમે મંગળવારે ક્રૉસિંગ સુધી પહોંચવા અને સહાયતા સામગ્રી પ્રાપ્ત કરવા માટે કલાકો સુધી રાહ જોઈ પરંતુ ઇઝરાયલી સેનાએ તેની મંજૂરી નહીં આપી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝામાં ભૂખમરીની ચેતવણી વચ્ચે નાગરિકોને સહાયતા પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે આ સહાયતામાં બેકરી માટે લોટ, બાળકો માટે આહાર, ચિકિત્સા ઉપકરણો અને દવાઓ સામેલ છે.
સોશિયલ મીડિયા પર સંદેશ આપવામાં આવ્યો છે તેમાં કહેવાયું છે, “ઇઝરાયલી સેના ગાઝા પટ્ટીમાં માનવીય સહાયતા ઉપલબ્ધ કરવાનું ચાલુ રાખશે અને એ સુનિશ્ચિત કરવાનો તમામ પ્રયાસ કરશે કે સહાયતા આતંકવાદી સંગઠન હમાસના હાથમાં ન પહોંચે.”
સોશિયલ મીડિયા પર ગાઝાના લોકોને સંબોધિત કરીને ઇઝરાયલી સેનાના ચીફ ઑફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ જમીરે કહ્યું છે, “અમે એ નથી જેમણે તમને ભોજન અને ઘર તથા ઘનથી વંચિત કર્યા હોય. યુદ્ધ શરૂ કરવા માટે હમાસ જવાબદાર છે. નાગરિકોની આ દશા માટે પણ તે જ જવાબદાર છે. તેણે જ વિનાશ વેર્યો છે અને તે નિર્માણ નહીં કરે.”
બાનુ મુસ્તાકે ‘હાર્ટ લૅમ્પ’ પુસ્તક માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય લેખિકા, વકીલ અને કાર્યકર્તા બાનુ મુશ્તાકે લઘુકથા સંકલન, ‘હાર્ટ લૅમ્પ’ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે.
કન્નડ ભાષામાં લખાયેલું આ પહેલું પુસ્તક છે કે જેને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
હાર્ટ લૅમ્પની કહાનીઓનો અંગ્રેજી અનુવાદ દીપા ભાસ્તીએ કર્યો છે.
1990થી 2023 વચ્ચે બાનુ મુશ્તાકે લખેલી 12 લઘુકથાનું પુસ્તક હાર્ટ લૅમ્પમાં દક્ષિણ ભારતની મુસ્લિમ મહિલાઓની મુશ્કેલીનું માર્મિક ચિત્રણ કરવામાં આવ્યું છે.
મુશ્તાકને મળેલો આ પુરસ્કાર મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ પુરસ્કાર માત્ર એમના કલમનો પરિચય નથી કરાવતો પણ ભારતના સમૃદ્ધ પ્રાંતીય સાહિત્યિક પરંપરાને પણ દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2022માં ગીતાજલિ શ્રીના પુસ્તક ‘ટૉમ્બ ઑફ સેન્ડ’ને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકનો હિંદીમાંથી અંગ્રેજી અનુવાદ ડેઝી રૉકવેલે કર્યો હતો.
મુશ્તાક કર્ણાટકના એક નાના કસબામાં મુસ્લિમ વિસ્તારમાં ઉછેર્યાં હતાં અને પોતાની આસપાસની મોટા ભાગની છોકરીઓની જેમ એમણે પણ સ્કૂલમાં ઉર્દૂ ભાષામાં કુરાનનો અભ્યાસ કર્યો હતો.
જ્યારે બાનુ મુશ્તાક આઠ વર્ષનાં હતાં ત્યારે એમના પિતાએ એમને એક કૉન્વેન્ટ સ્કૂલમાં દાખલ કર્યાં હતાં, જ્યાં કન્નડ ભાષા ભણાવાતી હતી.
બાનુ મુશ્તાકે કન્નડ ભાષામાં માહિર થવા માટે આકરી મહેનત કરી અને બાદમાં આ જ ભાષા એમની સાહિત્યિક અભિવ્યક્તિની ભાષા બની ગઈ.
અમેરિકાનું ‘ગોલ્ડન ડોમ’ જે બૅલેસ્ટિક મિસાઇલોના હુમલા રોકી શકશે, ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની ભવિષ્યની ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે એક ડિઝાઇન પસંદ કરવામાં આવી છે.
તેમણે એમ પણ કહ્યું કે આ સિસ્ટમ તેમના કાર્યકાળના અંત સુધીમાં ચાલુ થઈ જશે.
જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસમાં પરત આવ્યાના દિવસો પછી ટ્રમ્પે આ સિસ્ટમ અંગે પોતાની યોજના રજૂ કરી હતી.
ગોલ્ડન ડોમનો હેતુ અમેરિકા પર હવાઈ હુમલાનાં જોખમોને રોકવાનો છે. આ સુરક્ષા પ્રણાલી બૅલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સામે પણ લડી શકશે.
આ સિસ્ટમ માટે 25 અબજ ડૉલરનું બજેટ રાખવામાં આવ્યું છે. પરંતુ સરકારનો અંદાજ છે કે આગામી દાયકામાં આ સિસ્ટમ પર આના કરતાં ઘણો વધુ ખર્ચ થઈ શકે છે.
અધિકારીઓએ ચેતવણી આપી છે કે હાલની ડિફેન્સ સિસ્ટમ સંભવિત દુશ્મનોનાં હથિયારો સામે લડવા સક્ષમ નથી.
ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ગાઝામાં કોઈને મદદ નથી મળીઃ યુએન

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે 11 અઠવાડિયાંની નાકાબંધી પછી રાહતસામગ્રીના ટ્રક ગાઝામાં પ્રવેશવા લાગ્યા છે, પરંતુ ત્યાના લોકો સુધી કોઈ મદદ નથી પહોંચી.
ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે 93 ટ્રક ગાઝામાં આવ્યા હતા જેમાં લોટ, બાળકોનું ભોજન અને દવાઓ સામેલ હતાં.
પરંતુ સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે કેરેમ શલોમ ક્રૉસિંગના પેલેસ્ટાઇનના વિસ્તારમાં ટ્રક પહોંચ્યા હોવા છતાં હજુ સુધી લોકોમાં કોઈ રાહતસામગ્રીનું વિતરણ નથી થયું.
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે ટીમ કલાકો સુધી રાહ જોતી રહી, જેથી કરીને ઇઝરાયલ તેમને તે વિસ્તારમાં જવાની મંજૂરી આપે. પરંતુ કમનસીબે “તે રાહતસામગ્રી અમારા ગોદામ સુધી નથી પહોંચી.”
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો મુજબ ભૂખમરાનો ખતરો જાહેર થયા પછી ઇઝરાયલે રવિવારે ગાઝામાં “જરૂરિયાત પૂરતો ખોરાક” લઈ જવાની મંજૂરી આપી હતી. સાથેસાથે ગાઝામાં હુમલા રોકવા માટે ઇઝરાયલ પર બ્રિટન, ફ્રાન્સ અને કૅનેડા જેવા દેશોએ દબાણ કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોના વડા ટૉમ ફ્લેચરે મંગળવારે કહ્યું હતું કે “આગામી 48 કલાકમાં ગાઝામાં મદદ નહીં પહોંચે તો 14 હજાર બાળકોનાં મોત નીપજી શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS