Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બસ્તર, છત્તીસગઢ, માઓવાદી, બસવરાજુ,

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC

મે 1992માં જ્યારે ઉનાળો બરાબરનો બળબળતો હતો તે સમયે, ત્યારના સૌથી મોટા માઓવાદી સંગઠન ભાકપા માલે પીપલ્સ વૉર ગ્રૂપમાં પણ વાદવિવાદની ગરમી વધતી જતી હતી.

આ સંગઠન પર આંધ્રપ્રદેશમાં પ્રતિબંધ લાગુ થયાને હજુ એક અઠવાડિયું પણ નહોતું થયું. પરંતુ પાર્ટીના કેન્દ્રીય કમિટીના સચિવ કોન્ડાપલ્લી સીતારામય્યા પોતાના સહયોગીઓ સાથે જુદું સંગઠન બનાવવાની મુદ્રામાં આવી ચૂક્યા હતા.

સીતારામય્યાની સાથે જવાના બદલે, વારંગલ યુનિવર્સિટીમાંથી બી.ટેક્. કરીને 1980ના સમયે સંગઠનમાં આવેલા નંબાલ્લા કેશવ રાવે પીપલ્સ વૉર ગ્રૂપમાં રહેવાનો નિર્ણય કર્યો.

જૂન 1992માં જ્યારે મુપલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા, ત્યારે નંબાલ્લા કેશવ રાવ તેમના ખાસ સહયોગી તરીકે ઊભરી આવ્યા. નંબાલ્લા કેશવ રાવને પાર્ટીની કેન્દ્રીય કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બસ્તર, છત્તીસગઢ, માઓવાદી, બસવરાજુ,

ઇમેજ સ્રોત, Getty Images

70 વર્ષના એ જ નંબાલ્લા કેશવ રાવને નક્સલી આંદોલનમાં બસવરાજુના નામથી ઓળખવામાં આવતો હતો.

બુધવારે પોલીસે છત્તીસગઢના નારાયણપુરમાં એક અથડામણમાં 27 માઓવાદીઓની સાથે જ નંબાલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને માર્યાનો દાવો કર્યો છે.

ઘણા લોકો બુધવારના ઘટનાક્રમને સશસ્ત્ર માઓવાદી સંઘર્ષના અંતની શરૂઆત તરીકે પણ જોઈ રહ્યા છે.

બસ્તરના આઇજીપી સુંદરરાજ પી કહે છે, “વર્ષ 2024માં જે રીતે સુરક્ષાદળોએ નક્સલીઓ વિરુદ્ધ એક નિર્ણાયક અને અસરકારક અભિયાન ચાલુ કર્યું છે, તેને અમે 2025માં પણ સતત આગળ લઈ જઈ રહ્યા છીએ. તેનું જ પરિણામ છે કે માઓવાદી સંગઠનના મહાસચિવ, જે સીપીઆઇ માઓવાદીના પોલિટ બ્યૂરો મેમ્બર પણ છે, માર્યા ગયા. છત્તીસગઢમાં પહેલી વખત પોલિટ બ્યૂરો અને મહાસચિવ સ્તરના માઓવાદી માર્યા ગયા છે. આ આપણા માટે એક મોટી નોંધપાત્ર સિદ્ધિ છે.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક્સ પર પોસ્ટ મૂકી, “નક્સલવાદને ખતમ કરવાની લડાઈમાં એક ઐતિહાસિક સિદ્ધિ. આજે, છત્તીસગઢમાં નારાયણપુરમાં એક ઑપરેશનમાં આપણાં સુરક્ષાદળોએ 27 ખૂનખાર માઓવાદીઓને માર્યા છે, જેમાં સીપીઆઇ-માઓવાદીના મહાસચિવ, ટોચના નેતા અને નક્સલ આંદોલનની કરોડરજ્જુ સમાન નંબાલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ પણ સામેલ છે.”

એન્જિનિયરમાંથી માઓવાદી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બસ્તર, છત્તીસગઢ, માઓવાદી, બસવરાજુ,

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

હૈદરાબાદથી લગભગ 720 કિલોમીટર દૂર જિયાન્નાપેટ ગામ આવેલું છે.

જિલ્લાના મુખ્ય મથક શ્રીકાકુલમથી લગભગ 50 કિલોમીટર દૂર આ નાનકડા ગામના શિક્ષક વાસુદેવ રાવનું આ વિસ્તારમાં ખૂબ માન હતું.

ગામના વૃદ્ધો સાથે વાત કરીએ તો તેઓ વાસુદેવ રાવના ઘણા કિસ્સા સંભળાવે છે અને વાસુદેવ રાવના પુત્ર નંબાલ્લા કેશવ રાવના પણ.

વાસુદેવ રાવે પોતાનાં ત્રણ પુત્રીઓ અને બે પુત્રોને સારું શિક્ષણ આપવાની કોશિશ કરી.

વાસુદેવ રાવના બંને પુત્ર ઢિલ્લેશ્વર રાવ અને કેશવ રાવ ભણવામાં હોશિયાર હતા.

તાલાગામમાં હાઇસ્કૂલ અને તેક્કાલી જુનિયર કૉલેજમાંથી ઇન્ટરમીડિએટનો અભ્યાસ પૂરો કરી લીધા પછી વાસુદેવ રાવે પોતાના પુત્ર કેશવ રાવને વારંગલની એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડમિશન અપાવ્યું.

પરંતુ, બી.ટેક્.ના અભ્યાસ દરમિયાન જ કેશવ રાવના રેડિકલ સ્ટુડન્ટ્સ યુનિયન સાથે જોડાયાના અને સામાજિક આંદોલનમાં સક્રિય થયાના સમાચાર ગામ સુધી પહોંચવા લાગ્યા હતા.

કેશવ રાવ વિરુદ્ધ કેટલાક પોલીસ કેસ પણ થઈ ગયા હતા.

શ્રીકાકુલમના સામાજિક કાર્યકર કૂના શ્રીપ્રકાશ કહે છે, “કેશવે એમ.ટેક્.માં ઍડમિશન તો લીધું પરંતુ તેનો મોટા ભાગનો સમય રાજકીય પ્રવૃત્તિઓમાં જ પસાર થવા લાગ્યો હતો. તેણે સીપીઆઇ લિબરેશન માટે કામ કરવાનું શરૂ કર્યું અને પછી ટૂંક સમયમાં ભૂગર્ભમાં ઊતરી ગયો. ભાઈ ઢિલ્લેશ્વર રાવ પર ઘરની જવાબદારી હતી અને તેઓ બંદર પર સારા પદ પર હતા. પરંતુ કેશવ રાવ વિશે પછી ક્યારેય કશા સમાચાર ન મળ્યા.”

એમ.ટેક્.ના અભ્યાસ દરમિયાન જ નંબાલ્લા કેશવ રાવે નક્સલી સંગઠન સીપીઆઇ પીપલ્સ વૉર ગ્રૂપ માટે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. સંગઠનમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાનાર નંબાલ્લા કેશવ રાવે એક પછી એક જવાબદારી સંભાળી અને સંગઠનના નેતૃત્વનો ભરોસો જીતી લીધો.

દરેક જવાબદારી અને વિસ્તારની સાથે જ કેશવ રાવનું નામ પણ બદલાઈ જતું હતું – ગગન્ના, પ્રકાશ, કૃષ્ણા, વિજય, કેશવ, બીઆર, દરપા નરસિંહા રેડ્ડી, આકાશ, નરસિંહા, બસવરાજ, બસવરાજુ.

પરંતુ, 1992માં જ્યારે પીપલ્સ વૉર ગ્રૂપ વિખેરાવાની સ્થિતિમાં હતું ત્યારે ગણપતિની સાથે ઊભેલા કેશવ રાવને કેન્દ્રીય કમિટીના સભ્ય તરીકે મળેલી જવાબદારીએ સંગઠનને મહત્ત્વપૂર્ણ બનાવી દીધું.

સેન્ટ્રલ કમિટી અને પોલિટ બ્યૂરોમાં કઈ રીતે સ્થાન મળ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બસ્તર, છત્તીસગઢ, માઓવાદી, બસવરાજુ,

1992માં પીપલ્સ વૉર ગ્રૂપની કેન્દ્રીય કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા પછી કેશવ રાવે માઓવાદી સંગઠનમાં લાંબા સમય સુધી સ્પેશિયલ ગેરીલા સ્ક્વૉડનું નેતૃત્વ કર્યું.

હથિયારથી લઈને તાલીમ સુધીની કમાન સંભાળનાર કેશવ રાવને આ દરમિયાન અવિભાજિત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને અવિભાજિત મધ્યપ્રદેશમાં સંગઠનના વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી.

માઓવાદીઓના દસ્તાવેજ દર્શાવે છે કે, સંગઠનમાં ગેરીલા સ્ક્વૉડની શરૂઆત ભલે 1994-95માં કરવામાં આવી હોય, પરંતુ 1999ની આસપાસ સેન્ટ્રલ ગેરીલા સ્ક્વૉડનો ભંગ કરીને પ્લાટૂન, લોકલ ગેરીલા સ્ક્વૉડ અને સ્પેશિયલ ગેરીલા સ્ક્વૉડની શરૂઆત થઈ.

આ જ સમયગાળામાં પહેલી વાર સૈન્ય અને સંગઠનાત્મક કાર્યો માટે અલગ અલગ દળોની રચના કરવામાં આવી. એ દરમિયાન કેશવ રાવે કેન્દ્રીય સૈન્ય પંચના પ્રભારી તરીકે કામગીરી કરી.

વર્ષ 2000માં માઓવાદી સંગઠને પીપલ્સ લિબરેશન ગેરીલા આર્મીની રચના કરી અને આ એ જ સમય હતો જેમાં કેશવ રાવને સંગઠનની સર્વોચ્ચ સમિતિ એટલે કે પોલિટ બ્યૂરોમાં સ્થાન મળ્યું.

આ દરમિયાન, દેશના અલગ અલગ ભાગોમાં થતી માઓવાદીઓની હિંસક કાર્યવાહીઓમાં કેશવ રાવનું નામ જોડાતું ગયું અને તેમના પર અલગ અલગ રાજ્ય અને કેન્દ્રીય સંસ્થાઓ તરફથી જાહેર ઇનામની રકમ પણ વધતી ગઈ.

ગયા મહિને જ છત્તીસગઢ સરકારે સેન્ટ્રલ કમિટીના મહાસચિવ અને પોલિટ બ્યૂરોના સભ્યો પર એક એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.

એનઆઇએથી લઈને સીબીઆઇ અને અલગ અલગ રાજ્ય સરકારોએ કેશવ રાવ પર જે જે ઇનામો જાહેર કર્યાં હતાં, તે બધાંનો સરવાળો કરીએ તો તેમના માથા સાટે જાહેર ઇનામની રકમ દોઢ કરોડ રૂપિયા કરતાં વધી જાય છે.

મોટા હુમલામાં હાથ

પોલીસના એક અધિકારી જણાવે છે કે, કેશવ રાવે પહેલી વાર આંધ્રપ્રદેશમાં 1987માં પૂર્વી ગોદાવરીમાં થયેલા હુમલાનું નેતૃત્વ કર્યું હતું. આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત છ પોલીસકર્મીનાં મૃત્યુ થયાં હતાં.

અધિકારી જણાવે છે કે, ત્યાર પછીની કેશવ રાવની ‘ક્રૂરતા અને હિંસાની ઘટનાઓ, હવે પોલીસ દસ્તાવેજોનો ભાગ છે’.

10 એપ્રિલ 2010એ દંતેવાડામાં 76 જવાનોની હત્યાનો બનાવ હોય કે 23 મે 2013નો દરભા ખીણનો ઝીરમ હત્યાકાંડ, દરેક મોટી ઘટનામાં કેશવ રાવની મુખ્ય ભૂમિકા મનાય છે.

ઝીરમ ખીણમાં કૉંગ્રેસના ટોચના નેતાઓ સહિત 27 લોકોની હત્યા થઈ હતી.

પોલીસનું માનવું છે કે કેશવ રાવે ઑપરેશન માટે નીકળેલી સુરક્ષાદળોની ટીમોને ઘેરવા માટે જાત જાતની ટ્રૅપ બનાવવાની નવી નવી ટેકનિક્સ શોધી કાઢી હતી.

એક અધિકારી કહે છે, “2018માં અરાકૂમાં થયેલા હુમલામાં આંધ્રપ્રદેશના ધારાસભ્ય કિદારી સર્વેશ્વર રાવ અને પૂર્વ ધારાસભ્ય સિવેરી સોમાની હત્યાના કેસમાં પણ કેશવ રાવને જ જવાબદાર માનવામાં આવ્યો. 2019માં ગઢચિરોલીમાં 15 કમાન્ડો સહિત 16 લોકોની હત્યાનું કાવતરું ઘડનાર પણ કેશવ રાવ જ હતો. આંધ્રના તત્કાલીન મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ પર જીવલેણ હુમલા પાછળ પણ કેશવ જ હતો. ઓડિશા અને છત્તીસગઢમાં જેલ પર થયેલા હુમલાની જવાબદારી પણ કેશવ પર જ હતી.”

બસવરાજુ સંગઠનમાં ટોચે કઈ રીતે પહોંચ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બસ્તર, છત્તીસગઢ, માઓવાદી, બસવરાજુ,

ઇમેજ સ્રોત, CPI MAOIST

2009માં કોબાડ ઘાંડી અને 2010માં પોલિટ બ્યૂરોના સભ્યોમાંના એક બિજૉયદા ઉર્ફે નવીનપ્રસાદ ઉર્ફે નારાયણ સાન્યાલની ધરપકડે સંગઠન સામે ઘણાં સંકટ ઊભાં કરી દીધાં.

આ દરમિયાન, જુલાઈ 2010માં સીપીઆઇ માઓવાદીના પ્રવક્તા ચેરુકુરી રાજકુમાર ઉર્ફે આઝાદ અને નવેમ્બર 2011માં કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજી માર્યા ગયા પછી, માઓવાદી સંગઠનમાં કેશવ રાવની પકડ વધુ મજબૂત થતી ગઈ.

સીપીઆઇ માઓવાદીના બીમાર અને ઘરડા મહાસચિવ મુપલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિએ જ્યારે સંગઠનના પદમાંથી મુક્તિ આપવાની અપીલ કરી ત્યારે, સ્વાભાવિક રીતે જ કેશવ રાવ સીપીઆઇ માઓવાદીનું નેતૃત્વ સંભાળનારાઓમાંનો સૌથી મુખ્ય દાવેદાર બની ગયા હતા.

2018માં નંબાલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા.

મોટા ભાગનાં માર્ક્સવાદી અને માઓવાદી સંગઠનોમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષનું પદ નથી હોતું. મહાસચિવ જ સંગઠનનું સર્વોચ્ચ પદ હોય છે.

આ રીતે બી.ટેક્. ભણેલા કેશવ રાવ માઓવાદી સંગઠનમાં એક સામાન્ય કાર્યકર્તાથી લઈને માઓવાદીઓના મહાસચિવ પદ સુધી પહોંચી ગયા.

27 વર્ષો સુધી સેન્ટ્રલ કમિટી અને 18 વર્ષો સુધી પોલિટ બ્યૂરોના સભ્ય તરીકે કામ કરી ચૂકેલા કેશવ રાવને મહાસચિવ બનાવવાની જાહેરાત કરતાં સીપીઆઇ માઓવાદીની કેન્દ્રીય કમિટીના પ્રવક્તા અભયે ત્યારે કેશવ રાવ વિશે કહેલું, “નક્કર રીતે કહીએ તો 1992 પછી સામૂહિક નેતૃત્વ તરીકે વિકસેલી કમિટીમાં એક મહત્ત્વપૂર્ણ કૉમરેડ કૅમ્પમાં રહીને તેમણે હવે મહાસચિવ રૂપે વિકાસ સાધ્યો છે.”

માઓવાદી સંગઠનનું સંકટ

નંબાલ્લા કેશવ રાવે સંગઠનનું નેતૃત્વ એવા સમયે હાથમાં લીધું હતું, જ્યારે સરકારી દસ્તાવેજોમાં નોંધાયેલો રેડ કૉરિડૉર સીમિત થઈ ચૂક્યો હતો અને એકમાત્ર બસ્તર બેઝ એરિયા બાકી બચ્યો હતો.

અવિભાજિત મધ્યપ્રદેશના સમયે ભાકપા માલે પીપલ્સ વૉર સાથે સંકળાયેલા માઓવાદીઓના દંડકારણ્ય ઝોનમાં પાંચ ડિવિઝન હતાં. આ પાંચ ડિવિઝન – ઉત્તર બસ્તર, દક્ષિણ બસ્તર, માડ, ગઢચિરોલી અને બાલાઘાટ-ભંડારાનો પોતપોતાના વિસ્તારમાં ઘણો પ્રભાવ હતો.

આ વિસ્તારમાં સંદિગ્ધ માઓવાદીઓ સરકાર માટે મોટો પડકાર બની ગયા હતા. પરંતુ, કેશવ રાવના નેતૃત્વવાળા સંગઠન પાસે આ વારસો નહોતો.

આ સ્થિતિમાં કેશવ રાવે સંગઠનનો વિસ્તાર કરવાની કોશિશ કરી. 2016માં બનાવવામાં આવેલા એમએમસી ઝોન એટલે કે મહારાષ્ટ્ર–મધ્યપ્રદેશ–છત્તીસગઢ ઝોનને મજબૂત કરતાં મધ્યપ્રદેશના મંડલા અને બાલાઘાટમાં ફેલાયેલા કાન્હા નૅશનલ પાર્ક અને છત્તીસગઢના કબીરધામના ભોરમદેવ અભયારણ્યના વિસ્તારોને આવરી લઈને કેબી ડિવિઝન બનાવવામાં આવ્યું.

આ જ રીતે, મહારાષ્ટ્રના ગોંદિયા, છત્તીસગઢના રાજનાંદગાંવ અને મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાનો બીઆરબી ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવ્યો. દેશના અન્ય ભાગોમાં પણ સંગઠન વિસ્તારવાનો પ્રયાસ થયો.

પરંતુ, છત્તીસગઢમાં કૉંગ્રેસ પાર્ટીની સરકારમાં જે રીતે સુરક્ષાદળોના એક પછી એક કૅમ્પ ખૂલતા ગયા, તેણે એક રીતે માઓવાદીઓને મુશ્કેલીમાં મૂકી દીધા.

ત્યાર પછી ડિસેમ્બર 2023માં આવેલી ભાજપની વિષ્ણુદેવ સાય સરકારે થોડાક જ મહિનામાં જ્યારે આક્રમકતા સાથે માઓવાદીઓ વિરુદ્ધ ઑપરેશન શરૂ કર્યું ત્યારે કેશવ રાવની સામે માઓવાદી સંગઠનને બચાવવા અને જાળવી રાખવાનો પડકાર હતો.

ભાજપ સરકારના 15 મહિનાના કાર્યકાળમાં સાડા ચારસોથી વધારે માઓવાદી માર્યા ગયા હતા, સેંકડોની ધરપકડ કરી લેવામાં આવી હતી, તો કેટલાક ગુમ હતા. મોટી સંખ્યામાં કથિત માઓવાદીઓએ આત્મસમર્પણ પણ કરી દીધું હતું.

સ્થિતિ એવી થઈ ગઈ કે માઓવાદી સંગઠન પોતાનાં તમામ જિદ્દી વલણ છોડીને કોઈ પણ શરત વગર શાંતિની વાટાઘાટ માટે તૈયાર થઈ ગયા. પરંતુ હવે સરકાર એ માટે તૈયાર નહોતી.

છત્તીસગઢના ગૃહમંત્રી વિજય શર્માએ સ્પષ્ટ કહ્યું કે, માઓવાદી હથિયાર ફેંકે, ત્યારે જ વાત થશે.

શું આ માઓવાદીઓના અંતની શરૂઆત છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બસ્તર, છત્તીસગઢ, માઓવાદી, બસવરાજુ,

ઇમેજ સ્રોત, CG KHABAR/BBC

પરંતુ, આ બધાં નિવેદનો વચ્ચે બુધવારે કેશવ રાવ માર્યા ગયા પછી માઓવાદી સંગઠન અંગે ઘણા સવાલો થઈ રહ્યા છે.

છત્તીસગઢના એક પોલીસ અધિકારી કહે છે, “બાકી બચેલા માઓવાદીઓ પર આ મોતની મનોવૈજ્ઞાનિક રીતે ઘણી અસર થશે. કેશવ રાવના મર્યા પછી માઓવાદી સંગઠન નેતૃત્વ વગરનું થઈ ગયું છે. એ દૃષ્ટિએ તમે કહી શકો કે, આ માઓવાદીઓના અંતની શરૂઆત છે. ગૃહમંત્રી અમિત શાહે 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી માઓવાદના ખાતમાની જે સમયસીમા નક્કી કરી છે, તે હવે પૂરી થતી દેખાઈ રહી છે.”

જોકે, છત્તીસગઢમાં ઘણાં વરસો સુધી ડીજીપી રહેલા વિશ્વરંજન આને જુદી દૃષ્ટિએ જુએ છે.

તેઓ કહે છે, “કેશવ રાવનો ખાતમો પોલીસ માટે મોટી સફળતા છે. તેની અસર પણ પડશે. બની શકે કે થોડાં વરસો માટે માઓવાદી સમસ્યા શાંત પણ પડી જાય. પરંતુ, જૂનો ઇતિહાસ કહે છે કે, 1973માં નક્સલી આંદોલનને જબરજસ્ત રીતે કચડી નાખ્યા પછી પણ, ઘણા દાયકા પછી નક્સલીઓએ આખરે પોતાને રિવાઇવ કરી લીધા.”

વિશ્વરંજન અનુસાર, બની શકે છે કે આગામી દિવસોમાં માઓવાદી આંદોલન અહિંસક રૂપે સામે આવે અથવા તો કોઈ બીજી તરફ હિંસક રૂપમાં ફરી ઉદય થાય. આવી શક્યતા ઊભી રહે છે.

વિશ્વરંજનની વાત તેમની જગ્યાએ છે, પરંતુ આજની હકીકત તો એ જ છે કે, જે મે મહિનામાં નંબાલ્લા કેશવ રાવને માઓવાદી આંદોલનમાં મોટી જવાબદારી મળી હતી, 33 વર્ષ પછી પણ એ જ મે મહિનામાં માઓવાદી આંદોલનના ટોચના નેતાનું મૃત્યુ થયું છે.

મહિનાઓની આકરી ગરમી પછી, બસ્તર સહિત છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે અત્યારે તો કેશવ રાવ અને અન્ય માઓવાદી નેતાઓના મૃતદેહો જિલ્લાના મુખ્ય મથક ખાતે લાવવાની તૈયારીઓ થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS