Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મચ્છર, મલેરિયા, વિજ્ઞાન,

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, જેમ્સ ગેલાઘર અને ફિલિપા રૉક્સબી
  • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
  • 25 મે 2025, 07:58 IST

    અપડેટેડ 26 મિનિટ પહેલા

અમેરિકન સંશોધકોનો કહેવું છે કે મચ્છરોમાં સંક્રમણને ખતમ કરવા માટે તેમણે મલેરિયાની દવા આપવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ આ બીમારીને ફેલાતી અટકાવી શકે.

માદા મચ્છરોના કરડવાથી મલેરિયાના પરોપજીવી માણસના શરીરમાં પ્રવેશી જાય છે. આ બીમારીથી દર વર્ષે વિશ્વમાં છ લાખ લોકોનાં મૃત્યુ થાય છે. જેમાં મોટાં ભાગનાં બાળકો હોય છે.

મચ્છરોમાં મલેરિયાના પરોપજીવીને ખતમ કરવાને સ્થાને પેસ્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશકોનો ઉપયોગ કરાય છે.

પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીએ એવી દવા શોધી છે જે મચ્છરોને જ મલેરિયાના પરોપજીવીથી મુક્ત બનાવી શકે છે. સાથે જ મચ્છરદાનીઓ પર આ બંને દવાઓના મિશ્રણનો કોટ ચઢાવવો એક દીર્ઘકાલીન લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

કેમિકલ રેઝિસટેન્ટ થઈ ચૂકેલા મચ્છરોનો ઇલાજ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મચ્છર, મલેરિયા, વિજ્ઞાન,

ઇમેજ સ્રોત, Getty Images

મલેરિયાથી બચવાનો કારગત ઉપાય છે, મચ્છરદાની. પરંતુ એ રાત્રિ દરમિયાન જ મલેરિયા ફેલાવતા મચ્છરોથી એ બચાવે છે.

હાઇ રિસ્ક મલેરિયાવાળા વિસ્તારોમાં રહી રહેલાં બાળકોને બચાવવા માટે રસીના ઉપયોગની પણ સલાહ અપાય છે.

કેટલીક મચ્છરદાનીઓ પર ઇન્સેક્ટિસાઇડ (જંતુનાશક) પણ લગાવાય છે, જે મચ્છરોને મારી નાખે છે.

પરંતુ ઘણા દેશોમાં આ ઇન્સેક્ટિસાઇડથી મચ્છર રેઝિસ્ટેન્ટ થઈ ચૂક્યા છે અને કેમિકલ હવે પહેલાંની માફક તેમના પર એટલાં અસરકારક નથી રહ્યાં.

હાર્વર્ડનાં રિસર્ચર ડૉ. એલેક્ઝાન્ડ્રા પ્રોબસ્ટ કહે છે કે, “આના પહેલાં આપણે મચ્છરોના પરોપજીવીઓને મારવાનો ક્યારેય પ્રયાસ નથી કર્યો, કારણ કે આપણે માત્ર મચ્છરોને જ મારી રહ્યા હતા.”

જોકે, તેઓ કહે છે કે આ દૃષ્ટિકોણ ‘હવે કામ નથી કરી રહ્યો.’

મચ્છરો પર દવાના પ્રયોગ પહેલાં સંશોધકો એ વાતનો અભ્યાસ કરી રહ્યા છે કે મલેરિયાના ડીએનએમાં સંભવિત કમજોર પક્ષ શું હોઈ શકે છે.

ટ્રાયલ પૂરી થવામાં કેટલો સમય લાગશે?

યોગ્ય દવાની શોધ માટે સંશોધકોએ સંભવિત દવાની એક લાંબી યાદી તૈયાર કરી અને તેમાંથી 22ને પસંદ કરી. એ બાદ એ માદા મચ્છરો પર પરીક્ષણ કરાયું, જેમાં મલેરિયાના પરોપજીવી હતા.

સાયન્સ મૅગેઝિન ‘નૅચર’માં પ્રકાશિત સંશોધનમાં વૈજ્ઞાનિકોએ બે સૌથી કારગત દવાઓનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી પરોપજીવીઓને 100 ટકા ખતમ કરાયા.

આ દવાને મચ્છરદાની જેવી વસ્તુઓ પર પણ અજમાવાઈ.

ડૉ. પ્રોબસ્ટે કહ્યું, “મચ્છર જો નેટના સંપર્કમાં આવ્યા બાદ બચી જાય તો પણ તેમની અંદરના પરોપજીવી મરી જાય છે અને તેથી મચ્છર મલેરિયાને આગળ નથી ફેલાવી શકતા.”

તેમણે આ દૃષ્ટિકોણને અજબ ગણાવ્યો, જેમાં મચ્છરોને મારવાને સ્થાને પરોપજીવીઓને નિશાન બનાવાય છે.

તેમનું કહેવું છે કે મલેરિયાના પરોપજીવીઓ દવા પ્રત્યે રેઝિસ્ટેન્ટ હોવાની ઓછી સંભાવના છે, કારણ કે દરેક સંક્રમિત વ્યક્તિમાં એ અબજોની સંખ્યામાં હોઈ શકે છે, જ્યારે દરેક મચ્છરમાં તેની સંખ્યા પાંચ કરતાં પણ ઓછી હોય છે.

સંશોધકોનું કહેવું છે કે મચ્છરદાની પર આ દવાની અસર ઓછામાં ઓછી એક વર્ષ સુધી રહે છે, જે તેને કેમિકલની સરખામણીમાં સસ્તો અને લાંબા સમય સુધી ચાલનારો વિકલ્પ બનાવે છે.

સમસ્યાના નિરાકારણ માટેનો આ દૃષ્ટિકોણ લૅબમાં કારગત સાબિત થઈ ચૂક્યો છે. તેના બીજા તબક્કાનો પ્રયોગ ઇથિયોપિયામાં કરવાનું નક્કી કરાયું છે. જેમાં એવું જાણવાનો પ્રયાસ કરાશે કે શું ખરેખર મલેરિયા રેઝિસ્ટેન્ટ મચ્છરદાની કારગત છે.

આ કેટલી કારગત છે, એ અંગે થનારા અભ્યાસોને પૂરા થવામાં ઓછામાં ઓછાં છ વર્ષ લાગશે.

પરંતુ મચ્છરદાનીઓ પર મલેરિયા રેઝિસ્ટેન્ટ દવા અને જંતુનાશક બંનેનો ઉપયોગ કરવાનો દૃષ્ટિકોણ અપનાવાશે જેથી બંનેમાંથી કોઈ રીતે કામ કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS