Source : BBC NEWS
ઇમેજ સ્રોત, House Oversight Committee
અપડેટેડ એક કલાક પહેલા
અમેરિકાની સંસદની ‘હાઉસ ઓવરસાઇટ કમિટી’એ જેફ્રી ઍપ્સ્ટીન ઍસ્ટેટની કેટલીક તસવીરો બહાર પાડી છે.
જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રાનસન, ઇઝરાયલના પૂર્વ વડા પ્રધાન એહુદ બરાક, બ્રિટનના પૂર્વ રાજવી ઍન્ડ્રૂ માઉન્ટબેટન-વિન્ડસર, બિલ ગેટ્સ, સહિત અનેક વિખ્યાત વ્યક્તિઓને અલગ-અલગ તસવીરોમાં જોઈ શકાય છે.
ઇમેજ સ્રોત, House Oversight Committee
કમિટીએ પહેલાં 19 અને પછી 70 તસવીરો બહાર પાડી હતી. આ તસવીરોનો મતલબ એવો નથી કે તેમાં દેખાતી વ્યક્તિઓએ કશું ખોટું કર્યું છે તથા આ તસવીરોમાં દેખાતી વ્યક્તિઓએ અગાઉ ઍપ્સ્ટીન સાથે સંબંધ વિશે કશું ખોટું કર્યું હોવાની વાતનો ઇનકાર કર્યો છે.
ઇમેજ સ્રોત, House Oversight Committee
ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોનું કહેવું છે કે તેમણે સંબંધિત સત્તાધીશોની મંજૂરી મેળવ્યા બાદ આ તસવીરો સાર્વજનિક કરી છે.
કમિટીનું કહેવું છે કે ઍપ્સ્ટીન ઍસ્ટેટ ખાતેથી મળેલી તથા ત્યાં લેવાયેલી લગભગ 95 હજાર તસવીરો તપાસવામાં આવી રહી છે તથા ભવિષ્યમાં વધુ કેટલાક ફોટોગ્રાફ્સ બહાર પાડવામાં આવશે.
ઇમેજ સ્રોત, House Oversight Committee
તાજેતરની તસવીરો વિશે ટ્રમ્પનું કહેવું છે કે ‘મેં એ તસવીરો (તાજેતરમાં રજૂ થયેલી) જોઈ નથી, પરંતુ પામ બીચ (વિસ્તારમાં) બધા ઍપ્સ્ટીનને ઓળખતા. તેની પાસે ઘણા બધા લોકોની તસવીરો હતી.’
વ્હાઇટ હાઉસનું કહેવું છે કે વિપક્ષ દ્વારા ‘ખોટું કથાનક’ ઊભું કરવા માટે અમુક તસવીરો સાર્વજનિક કરવામાં આવી છે.
ઇમેજ સ્રોત, House Oversight Committee
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા તા. 19 ડિસેમ્બરના ‘ઍપ્સ્ટીન ફાઇલ્સ’ સાર્વજનિક કરવામાં આવશે તથા તાજેતરમાં જે ખુલાસા થયા છે, એ તેનાથી અલગ છે.
આમાની કેટલીક તસવીરો અગાઉ સાર્વજનિક થઈ ચૂકી છે. તાજેતરમાં આ તસવીરો ક્યારે લેવામાં આવી હતી તથા કોણે લીધી હતી, તે સ્પષ્ટ નથી.
ભારતમાં ટી20 વર્લ્ડકપના પ્રસારણ અંગે આઈસીસી તથા જિયોસ્ટારે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
મુકેશ અંબાણીની માલિકીવાળી જિયોસ્ટાર કંપની ભારતમાં આઈસીસી ટી20 વર્લ્ડકપનું ભારતમાં પ્રસારણ કરવાના કરારમાંથી ખસી ગઈ છે, એવા મતલબના અહેવાલ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મીડિયામાં વહેતા થયા હતા.
ત્યારે આઈસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) તથા ભારતમાં પ્રસારણના અધિકાર ધરાવનારી કંપની જિયોસ્ટારે સંયુક્ત નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે વર્તમાન કરાર ‘પૂરેપૂરો અમલમાં છે’ અને જિયોસ્ટાર ભારતમાં ટી20 વર્લ્ડકપની સત્તાવાર પ્રસારણકર્તા કંપની છે.
આ નિવેદનને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે, ‘ટી20 વર્લ્ડકપ સહિત આગામી તમામ આયોજનો માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને દર્શક, જાહેરાત આપનાર તથા ઇન્ડસ્ટ્રીના અન્ય હિતધારકોને કોઈ અસર નહીં થાય.’
‘ટી20 વર્લ્ડકપ તથા આઈસીસીના અન્ય આયોજનોના ભારતમાં સાતત્યપૂર્ણ અને વર્લ્ડ ક્લાસ કવરેજ માટે આઈસીસી તથા જિયોસ્ટાર પ્રતિબદ્ધ છે તથા જિયોસ્ટાર વર્તમાન કરાર હેઠળની તમામ જવાબદારીઓ પૂર્ણ કરશે.’
ટ્રમ્પે કહ્યું – થાઇલૅન્ડ અને કંબોડિયા ઘર્ષણ અટકાવવા તૈયાર
ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમણે થાઇલૅન્ડ અને કંબોડિયાના વડા પ્રધાન સાથે ફોન ઉપર વાત કરી છે અને બંને દેશના વર્તમાન સૈન્યસંઘર્ષને અટકાવવા માટે સહમત થઈ ગયા છે.
થાઇલૅન્ડના પીએમ અનુતિન ચાર્નવિરાકુલ તથા કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટ, બંનેમાંથી કોઈએ ટ્રમ્પની જાહેરાત અંગે કોઈ ટિપ્પણી નથી કરી.
જોકે, ટ્રમ્પ સાથેની વાતચીત બાદ ચાર્નવિરાકુલે એક પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘કંબોડિયા ગોળીબાર બંધ કરે, પોતાના સૈનિકો હઠાવે તથા તથા તેણે જે સૂરંગો પાથરી છે, તે હઠાવે, તે પછી જ સંઘર્ષવિરામ થશે.’
પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે “બંને નેતાઓ આજે (શુક્રવાર) સાંજથી તમામ પ્રકારનો ગોળીબાર અટકાવવા માટે સહમતિ આપી છે તથા મારી સાથે કરેલા મૂળ શાંતિકરાર ઉપર પરત ફરવાનો નિર્ણય કર્યો છે.”
ટ્રમ્પે કહ્યું, “બંને દેશ શાંતિ માટે તૈયાર છે તથા અમેરિકાની સાથે વેપાર ચાલુ રાખવા માંગે છે.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરહદ ઉપર બંને દેશોની સેના વચ્ચે ફરીથી હિંસક અથડામણો શરૂ થઈ છે, જેમાં 20 લોકોનાં મૃત્યુ થયા છે તથા પાંચ લાખ લોકો વિસ્થાપિત થયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







