Source : BBC NEWS
ઇમેજ સ્રોત, UGC
જે યુવતીની હત્યાના આરોપમાં પિતા અને ભાઈને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, અને તે જ યુવતી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ.
પોલીસ સમક્ષ હાજર થયેલી યુવતીએ કહ્યું, “હું જીવિત છું અને મારા ભાઈ અને પિતાને કૃપા કરીને છોડી દો.”
એપ્રિલ મહિનામાં થયેલી એક હત્યાના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ ઘટના મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના જલગાંવ જામોડમાં બની હતી.
શિવાની કાલમાકર નામનાં આ યુવતી બુલઢાણા જિલ્લાના જલગાંવ જામોડ પોલીસ સમક્ષ હાજર થયાં અને કહ્યું કે તેઓ શિવાની કાલમાકર છે.
આ ઘટના બાદ પોલીસ તપાસ સામે પ્રશ્નો ઊઠ્યા છે.
ખરેખર શું થયું હતું?
જલગાંવ જામોડ પોલીસને 26 એપ્રિલ, 2026ના રોજ એક આંશિક રીતે બળી ગયેલી લાશ મળી આવી હતી. આ કેસની તપાસ કરતાં પોલીસ મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના ખાકનાર ખાતે પહોંચી.
શિવાની કાલમાકર નામનાં યુવતીના ગુમ થવા અંગે ખાકનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ ખડકીસ્થિત તેમના ઘરે પહોંચી અને તેમની હત્યા કરાઈ હોવાની જાણ કરી.
ત્યાર બાદ પોલીસે શિવાનીના પિતા બાપુરામ કાલમાકર અને તેમના ભાઈની હત્યાના આરોપસર ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા.
ઇમેજ સ્રોત, UGC
આ ઘટના બાદ પોલીસે 10 મેના રોજ એક પ્રેસ નોટ જાહેર કરી, જેમાં તેમણે ગુનાને ઉકેલવા કરેલા પ્રયાસોની વિગતો આપી.
પરંતુ 20 દિવસ પછી, ઘટનાએ એક ચોંકાવનારો વળાંક લીધો. પોલીસે જે શિવાનીની હત્યા થઈ હોવાનું કહ્યું હતું, તેઓ 28 મેના રોજ પોતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયાં હતાં.
તેમણે પોલીસ સમક્ષ માગણી કરી, “હું જીવિત છું અને મને મારા પિતા અને ભાઈ પાછા જોઈએ છે.”
જલગાંવ જામોડ પોલીસે તેમનું નિવેદન નોંધ્યું છે. જોકે, આ ઘટનાથી પોલીસ તપાસ સામે પ્રશ્નો ઊભા થયા છે. કારણ કે પોલીસે ડીએનએ સૅમ્પલ રિપોર્ટ તપાસ્યા પહેલાં જ છોકરીના પિતા અને ભાઈને જેલમાં ધકેલી દીધા હતા.
બાપુરામ કાલમાકરના સંબંધીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બંનેને માર મારવામાં આવ્યો હતો અને ગુનો કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
ઇમેજ સ્રોત, UGC
શિવાનીના કાકા નારાયણ કાલમાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, “જ્યારે અમને અમારી દીકરી ભાગી ગઈ હોવાનું ખબર પડતાં જ અમે મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના ખાકનાર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવા બાબતની ફરિયાદ નોંધાવી.”
થોડા દિવસ પછી, પોલીસ ઘરે આવી અને કહ્યું કે છોકરીની હત્યા કરી નખાઈ છે અને તેમનો મૃતદેહ જલગાંવ જામોડમાં મળી આવ્યો છે. બે દિવસ પછી, શિવાનીના પિતા અને તેમના ભાઈને તેમણે છોકરીની હત્યા કરી હોવાનું અને તેમની ફિંગરપ્રિન્ટ્સ ત્યાં મળી આવ્યાં હોવાનું કહીને લઈ ગયા હતા.
“પછી તેમણે બંનેને જેલમાં ધકેલી દીધા, પણ હવે જ્યારે અમને ખબર પડી કે અમારી દીકરી જીવિત છે, તો અમે તેને પોલીસ પાસે લાવ્યા છીએ.”
જોકે, જલગાંવ જામોડ પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે છોકરીના પિતા અને ભાઈ પર જ આરોપ લગાવ્યા છે.
જલગાંવ જામોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન પાટીલે જણાવ્યું હતું કે, “આરોપીઓએ અમને ગેરમાર્ગે દોર્યા છે. પહેલા દિવસથી જ પોલીસ કસ્ટડીમાં તપાસ દરમિયાન તેમણે અમને કેમ ગેરમાર્ગે દોર્યા? અમે આ અંગે વધુ તપાસ કરીશું. ગંભીર ગુનામાં અજાણી મહિલાને ઓળખવી અમારા માટે પડકારજનક છે.”
અમે નીતિન પાટીલને પૂછ્યું કે જ્યારે અજાણ્યાં મહિલાનો મૃતદેહ મળ્યો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું, “અમે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ, રિપોર્ટ હજુ સુધી ઉપલબ્ધ નથી. કાર્યવાહી જરૂરી હોવાથી અમે છોકરીના પિતા અને ભાઈની ધરપકડ કરી છે.”
છોકરીના પિતા અને ભાઈ હાલ જેલમાં છે. પોલીસ સમક્ષ હાજર થયેલાં મહિલાના તમામ દસ્તાવેજો અને લોહીના નમૂના લેવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે તેઓ તે મુજબ વધુ તપાસ કરી રહ્યા છે.
એપ્રિલ માસમાં શું બન્યું હતું?
બુલઢાણા જિલ્લાના જલગાંવ જામોડના રાજુરા શિવરા ખાતે એક આંશિક રીતે બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
20-25 વર્ષનાં આ મહિલાના ગળામાં મંગળસૂત્ર હતું. ખોપરી પણ બળી ગઈ હતી. જેના કારણે મહિલાની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. આ મૃતદેહ 26 એપ્રિલ 2026ના રોજ મળી આવ્યો હતો. એ મુજબ, જલગાંવ જામોડ પોલીસે અજાણી વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
પોલીસે મૃતદેહની ઓળખ કરવા માટે મધ્ય પ્રદેશના અકોલા, અમરાવતી, જલગાંવ અને પાડોશના બુરહાનપુર જિલ્લામાં ટીમો મોકલી હતી.
એ દરમિયાન, પોલીસને ખબર પડી કે બુરહાનપુરમાં એક યુવતી ગુમ થઈ ગઈ હતી. તેમણે યુવતી વિશે પૂછપરછ કરી અને તેના ગામ ખડકી પહોંચ્યા.
છોકરીનું નામ શિવાની બાપુરાવ કાલમાકર છે. છોકરીના પિતા અને ભાઈ અજયને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પોલીસે એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, બંને આરોપીઓએ હત્યાની કબૂલાત કરી હતી, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે 10 મેના રોજ એક પ્રેસ નોટ જાહેર કરીને પોતાના પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમણે ગુનાને સફળતાપૂર્વક ઉકેલ્યો છે. કંઈક આ ક્રમમાં ઘટનાઓ બની હોવાનું કહેવાયું હતું.
પોલીસે પોતાની પ્રેસ નોટમાં જણાવ્યું હતું, “છોકરીના પિતા અને ભાઈ બંનેને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી, અને તેમણે હત્યાની કબૂલાત કરી હતી.”
પ્રેસ નોટમાં જણાવ્યા પ્રમાણે, “શિવાનીનાં લગ્ન અમરાવતી જિલ્લાના ધારાનીમાં થયાં હતાં. પરંતુ, તે તેનાં સાસરિયાંને બદલે તેના મામાના ઘરે જતી રહી. તેનો તેના પિતરાઈ ભાઈ સાથે પ્રેમસંબંધ હોવાથી અને લગ્ન કર્યાં પછી પણ તેણે કોઈ વાત સાંભળી ન હોવાથી, તેના પિતા બાપુરામ અને ભાઈએ વાંસની લાકડીથી માથા પર માર મારીને તેની હત્યા કરી દીધી.”
“23 એપ્રિલના રોજ તેની હત્યા કરાઈ હતી અને મૃતદેહને એક દિવસ માટે ઘરમાં રાખવામાં આવ્યો હતો અને પછી બુલઢાણા જિલ્લાના જલગાંવ જામોડ લાવવામાં આવ્યો હતો. પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને બાળી નખાયો. આરોપીઓએ બાદમાં કબૂલાત કરી હતી કે તેમણે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી,” પોલીસની પ્રેસ નોટમાં આમ જણાવવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







