Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 6 મિનિટ
સંયુક્ત રાષ્ટ્ર (UN)એ પ્રશાંત મહાસાગરમાં બનનારા ‘સુપર અલ-નીનો’ને લઈને વિશ્વને ચેતવણી આપી છે. અલ-નીનો એ પ્રશાંત મહાસાગરમાં બનનારી કુદરતી ઘટના છે. જેની અસર વિશ્વભરના હવામાન પર થાય છે.
વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના જણાવ્યા અનુસાર, આગામી થોડા મહિનામાં અલ નીનો હવામાન પૅટર્નના નવા તબક્કાની શરૂઆત થઈ શકે છે, જેના કારણે જળવાયુ પરિવર્તનને કારણે પ્રભાવિત થયેલી પૃથ્વીના તાપમાનમાં વધારો થઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી હતી કે અલ નીનોની અસર 2026ના વર્ષમાં હવે વધુ મજબૂત થવાની સંભાવના છે, જેના કારણે વિશ્વના મોટાભાગના વિસ્તારોના હવામાનમાં વધુ વ્યાપક ફેરફારો જોવા મળશે.
ઉપરાંત રાષ્ટ્રીય હવામાન એજન્સીઓની ઘણી આગાહીઓ સૂચવે છે કે આ અલ-નીનો અત્યાર સુધીનું સૌથી મજબૂત “સુપર અલ નીનો” સાબિત થઈ શકે છે.
યુએનના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું છે કે, “વિશ્વએ હવામાન પૅટર્નના નવા તબક્કા અલ નીનોને તાત્કાલિક આબોહવાની ચેતવણી તરીકે લેવું જોઈએ.”
તેમણે કહ્યું કે પહેલાંથી જ આકરી ગરમીમાં શેકાતા વિશ્વ માટે આ સ્થિતિ આ આગમાં ઘી જેવું કામ કરશે. વિશ્વ હવામાન સંગઠન કહે છે કે “આગામી મહિનામાં અલ નીનોની પરિસ્થિતિઓ વિકસવાની 80 ટકા જેટલી શક્યતા છે. તેથી હવે અલ નીનો માટેની તૈયારીઓ ખૂબ જ જરૂરી છે.”
અલ-નીનોની ભારતના ચોમાસા પર નકારાત્મક અસર પડે છે અને જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ-નીનો બને છે ત્યારે ચોમાસામાં સામાન્ય રીતે સરેરાશ કરતાં ઓછો વરસાદ થતો હોય છે.
આવી પરિસ્થિતિઓ વચ્ચે જ્યારે ભારતનાં લગભગ 70% જળ સંસાધનો મુખ્યત્વે ચોમાસાના વરસાદી પાણી પર નિર્ભર છે, ત્યારે અલ નીનોની ભારત પર કેવી અસરો થઈ શકે છે?
અલ નીનોની ભારત પર શું અસર થશે, તેની શું તૈયારીઓ રાખવાની જરૂર છે?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના ગ્લોબલ ન્યૂઝ પૉડકાસ્ટમાં વાત કરતાં બીબીસી ગ્લોબલ અફેર્સ રિપોર્ટર અનબરાસન એથિરાજન કહે છે, “અલ-નીનોની સીધી અસર ભારતના ચોમાસા પર પણ થવાની છે કારણ કે ભારતના હવામાન વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે આ ચોમાસામાં ભારતમાં 11 વર્ષમાં સૌથી ઓછો વરસાદ પાડવાની શક્યતા છે.”
તેઓ કહે છે, ભારતમાં આ હાલત અતિ મહત્ત્વપૂર્ણ બની જાય છે, કેમ કે ભારતમાં લગભગ 70% જળ સંસાધનો મુખ્યત્વે આ ચોમાસાના વરસાદથી પાણી મેળવે છે. તેમજ ભારતની 50%થી વધુ ખેતીલાયક જમીનો માટે યોગ્ય સિંચાઈ સુવિધા નથી, તે સંપૂર્ણપણે વરસાદી પાણી પર આધાર રાખે છે. તેથી જો વરસાદ ઓછો પડે, તો તેની અસર સીધી ભારતના ખાદ્ય ઉત્પાદન પર પડશે.
ઉદાહરણ આપતા અનબરાસન એથિરાજન કહે છે, “છેલ્લે જ્યારે ભારત સામે આવી પરિસ્થિતિ આવી ત્યારે ખાદ્ય ઉત્પાદન ઘટ્યું છે અને મોંઘવારી વધી છે પરિણામે ભારતે અનાજની નિકાસ બંધ કરી હોય તેવાં પણ ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે, ભારતે બાસમતી ન હોય તેવા ચોખાની નિકાસ બંધ કરેલી.”
તેમના કહેવા પ્રમાણે ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે, તેથી જો ભારત નિકાસ બંધ કરે છે, તો ચોખાના વૈશ્વિક સ્તરે ભાવ વધશે.
બીજી તરફ ભારતના હવામાન વિભાગે આ વર્ષે પૂર્વાનુમાન કર્યું છે કે ભારતમાં ચોમાસું નબળું રહેશે અને સરેરાશ કરતાં ઓછો વરસાદ થશે. ભારતના હવામાન વિભાગ પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં સરેરાશ વરસાદ 90 ટકા જેટલો થવાની શક્યતા છે.
જે સૂચવે છે કે ભારતના ઘણા વિસ્તારોમાં ચોમાસું નબળું રહી શકે છે. જોકે, અલ-નીનોની અસર વર્ષ અને વિસ્તાર પ્રમાણે દર વખતે અલગ-અલગ પડે છે.
હવામાન વિભાગ પ્રમાણે મધ્ય અને દક્ષિણ ભારત તથા ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાના ચાર મહિનામાં સરેરાશ ઓછો વરસાદ થવાની સંભાવના છે.
ભારતમાં જેને મૉન્સૂન કોર ઝોન કહેવામાં આવે છે તેમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. આ વિસ્તારમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશાનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે એવાં કૃષિક્ષેત્રો સામેલ છે જે ચોમાસાના વરસાદ પર આધારિત છે.
જો આ વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તો દેશમાં કૃષિ ઉત્પાદનમાં ઘટાડા આવી શકે છે અને તેની અસર ખાદ્ય ફૂગાવા પર થાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
અનબરાસનના કહેવા પ્રમાણે, “ઉલ્લેખનીય છે કે ભારત ખાંડના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક દેશ છે. તેથી તેની પણ વૈશ્વિક સ્તરે વ્યાપક અસર થઈ શકે છે, બીજી તરફ આ બધી બાબતો ભારતમાં ફુગાવો પણ વધારી શકે છે અને પરિણામો ઘણા ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.”
પૉડકાસ્ટમાં વાત કરતાં અનબરાસન કહે છે કે “ગરમીને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. આપણે 45,46 અને 47 ડિગ્રી સુધીનું તાપમાન જોયું છે અને તેની અસર ખેતમજૂરો અને દરરોજ કામ કરતા મજૂરો તથા માઇગ્રન્ટ વર્કર આ પ્રકારની ગરમીમાં કામ કરે છે. હીટ સ્ટ્રોક અને બીજી બાબતોને કારણે હજારો લોકોનાં મોત થતાં જોવા મળે છે.”
અલ નીનો શું છે?

અલ-નીનો એ પ્રશાંત મહાસાગરમાં સર્જાતી અલ-નીનો સધર્ન ઓસિલેશન (ENSO) નામની આબોહવાની કુદરતી ઘટનાનો એક ભાગ છે.
અલ-નીનો અને લા-નીના બંને એકબીજાથી વિરુદ્ધ પ્રકારની સ્થિતિ જોવા મળે છે અને બંનેની અસર વિશ્વભરના હવામાન પર થાય છે. જ્યારે અલ-નીનો કે લા-નીનાની સ્થિતિ ના હોય તેને તટસ્થ સ્થિતિ કહેવામાં આવે છે.
પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ સર્જાઈ છે કે નહીં તે જાણવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
ઉષ્ણકટિબંધીય પૂર્વ પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીનું સામાન્ય કરતાં વધુ તાપમાન
ડાર્વિન, ઑસ્ટ્રેલિયા ( એટલે કે પશ્ચિમ પ્રશાંત મહાસાગર) ખાતે વાતાવરણનું સામાન્ય કરતાં વધારે દબાણ અને તાહિતી, ફ્રેન્ચ પોલિનેશિયા (એટલે મધ્ય પ્રશાંત મહાસાગરમાં) ખાતે સામાન્ય કરતાં ઓછું દબાણ.
સામાન્ય રીતે વેપારી પવનો પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે પરંતુ અલ-નીનોની સ્થિતિમાં આ પવનો નબળા પડે છે અને વિરુદ્ધ દિશામાં ફૂંકાવા લાગે છે. જેથી ગરમ પાણી પૂર્વ તરફ જાય છે.
લા નીના સમયગાળામાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો વધુ મજબૂત બને છે, જે ગરમ પાણીને વધારે પશ્ચિમ તરફ ધકેલે છે.
આ ઘટના સૌપ્રથમ 1600ના દાયકામાં પેરુના એક માછીમારે નોંધી હતી. તેમણે જોયું કે ડિસેમ્બરમાં દક્ષિણ અમેરિકા નજીકનું પાણી અત્યંત ગરમ થઈ જતું હતું.
તેમણે આ ઘટનાને ‘અલ નીનો ડી નેવીદાદ’ એવું હુલામણું નામ આપ્યું હતું.
અલ નીનો અને લા નીના હવામાનને કેવી રીતે બદલી નાખે છે?

દરેક ઘટના સમાન હોતી નથી. તેનાં પરિમાણો પ્રદેશ પ્રમાણે બદલાય છે. જોકે, વિજ્ઞાનીઓએ કેટલીક સામાન્ય અસરોનું અવલોકન કર્યું છે.
અલ નીનોને કારણે તાપમાનમાં કેવા ફેરફાર થાય છે?
અલ નીનો દરમિયાન વૈશ્વિક તાપમાન સામાન્ય રીતે વધે છે અને લા નીના દરમિયાન ઘટે છે.
અલ નીનોમાં ગરમ પાણી વધુ ફેલાય છે અને સપાટીની નજીક રહે છે. તે વાતાવરણમાં વધારે ગરમી છોડે છે, જેનાથી હવા વધારે ભેજવાળી અને ગરમ રહે છે.
તેની પ્રાદેશિક અસરો જટિલ હોય છે અને કેટલાંક સ્થળોએ વર્ષના અલગ-અલગ સમયે અપેક્ષા કરતાં ગરમ અને ઠંડી બંને હોઈ શકે છે.
2023નું વર્ષ રેકૉર્ડ પરનું સૌથી ગરમ વર્ષ હતું. લાંબા ગાળાના માનવસર્જિત આબોહવા પરિવર્તન ઉપરાંત અલ નીનો પરિસ્થિતિને કારણે ગરમી વધી હતી અને તે 2024 સુધી ચાલુ રહી હતી.
2020 અને 2022ની વચ્ચેના સમયગાળામાં વિશ્વએ લા નીના પરિસ્થિતિના અસામાન્ય રીતે લાંબા સમયગાળાનો અનુભવ કર્યો હતો, જેણે વૈશ્વિક તાપમાનને અંકુશમાં રાખવામાં મદદ કરી હતી.
અલ નીનોના સમયગાળા દરમિયાન ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય રીતે તાપમાન ઊંચું જોવા મળે છે.
અલ નીનોને કારણે વરસાદમાં કેવા ફેરફાર થાય છે?

અલ નીનો ઘટના દરમિયાન ગરમ પાણી પૅસિફિક જેટ સ્ટ્રીમના હવાના મજબૂત પ્રવાહોને દક્ષિણ તથા પૂર્વ તરફ વધુ ધકેલે છે.
તેનાથી દક્ષિણ અમેરિકા અને મૅક્સિકોના અખાતની આસપાસના વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે.
દક્ષિણપૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા અને મધ્ય આફ્રિકા જેવા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સામાન્ય રીતે વરસાદ ઓછો પડે છે.
જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસું નબળું રહે છે એટલે કે ભારતમાં વરસાદ ઓછો પડે છે.
લા નીનામાં આ સ્થિતિ તદ્દન વિપરીત હોય છે, એટલે કે લા નીના સર્જાય ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસું સારું રહે છે અને વધારે વરસાદ પડે છે.
અલ નીનો અને લા નીના ઘટના મહત્ત્વની કેમ છે?
અલ નીનો અને લા નીનાને કારણે હવામાનની અત્યધિક ઘટનાઓમાં વધારો થાય છે. આ ઍક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ વિશ્વભરમાં માળખાગત સુવિધાઓ, ખોરાક અને ઊર્જા પ્રણાલીઓને અસર કરે છે.
દાખલા તરીકે, અલ નીનો ઘટના દરમિયાન દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા પર ઓછું ઠંડુ પાણી સપાટી પર આવે છે ત્યારે સમુદ્રના તળિયેથી પોષકતત્ત્વો પણ ઓછાં ઉપર આવે છે.
તેનો અર્થ એ છે કે સ્ક્વિડ અને સેલ્મોન જેવી દરિયાઈ પ્રજાતિઓ માટે ખોરાકની તંગી સર્જાય છે. જેના લીધે આ દરિયાઇ માછલીઓ પકડીને જીવન ગુજારતા દક્ષિણ અમેરિકન માછીમાર સમુદાય માટે સંકટ ઊભું થાય છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, 2015-16ની આત્યંતિક અલ નીનો ઘટનાને કારણે સર્જાયેલા દુષ્કાળ અને પૂરથી 6 કરોડથી વધુ લોકો પર ખોરાકનું સંકટ ઊભું થયું હતું.
તાજેતરનો એક અભ્યાસ સૂચવે છે કે અલ નીનો ઘટનાઓ વિશ્વની આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડો કરે છે, જે ભવિષ્યમાં વધારે સંકટરૂપ બની શકે છે.
અલ નીનો અને લા નીનાની ઘટનાઓ સામાન્ય રીતે દર બેથી સાત વર્ષે થાય છે. તે સામાન્ય રીતે નવથી બાર મહિના સુધી ચાલે છે.
તે વારાફરતી સર્જાય એવું જરૂરી નથી. અલ નીનો કરતાં લા નીના ઘટનાઓ ઓછી સામાન્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







