Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Zoya Mateen
ચેતવણીઃ આ લેખની કેટલીક વિગતો વાચકોને વ્યથિત કરી શકે છે.
પ્રહલાદ ઠાકોર સવારે ઊઠે, ત્યારે તેમની નજર સૌથી પહેલાં આ તસવીરો ઉપર જ પડે છે. અમદાવાદમાં આવેલા તેમના નાના ઘરની લીલા રંગની દીવાલોમાં ઠેરઠેરથી રંગ ઊખડી ગયો છે. ત્યાં દેવી-દેવતાઓના ફોટા, પિત્તળનાં વાસણો અને ઝાંખા થઈ ગયેલા પરિવારના ફોટાઓની વચ્ચે તે તસવીરો લટકે છે. એક ફ્રૅમમાં તેમનાં પત્ની સરલાબેનનો ચહેરો છે. બીજી તસવીર સફેદ ડ્રેસ પહેરેલી અને ચહેરા પર સ્મિત ફરકાવતી તેમની પૌત્રી આધ્યાની છે.
ગયા વર્ષે જૂન માસમાં જ્યારે ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયું, ત્યારે દાદી-પૌત્રી બંને અમદાવાદ ઍરપોર્ટથી બે કિલોમીટર કરતાંયે ઓછા અંતરે આવેલી બીજે મેડિકલ કૉલેજ હૉસ્ટેલના કૉમ્પ્લેક્સમાં હતાં. આ કરુણ ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 241 લોકો પ્લેનમાં સવાર હતા. સરલાબહેન અને આધ્યા જમીન પર મોતને ભેટનારા પીડિતોમાં સામેલ હતાં.
એક વર્ષ પસાર થઈ ગયું હોવા છતાં તે કંપારી છુટાવી દેતી ઘટનાની યાદો આજેય એટલી જ તાજી છે.
“હું તેમને ખૂબ યાદ કરું છું. ફોટો જોઉં છું અને મન ભરાઈ આવે છે,” એમ ઠાકોરે કહ્યું હતું.
તપાસકર્તાઓ આ પ્લેન ક્રૅશ પરનો રિપોર્ટ ટૂંક સમયમાં જ જાહેર કરે, એવી અપેક્ષા છે. છેલ્લાં એક વર્ષમાં મોટા ભાગનું ધ્યાન લંડન જવા ઊપડેલી ફ્લાઇટમાં સવાર પૅસેન્જરો અને તેની અંતિમ ક્ષણો અંગેના વણઉકલ્યા સવાલો પર જ કેન્દ્રિત હતું.
હોનારતનાં મોટા ભાગનાં સ્થળોએથી નિશાનો સમય જતાં અદૃશ્ય થઈ જતાં હોય છે, પણ તેનાથી અલગ, બીજે મેડિકલ કૉલેજ ખાતે આ દુઃખ કાયમ માટે ત્યાં રહી ગયું છે.
એક વર્ષ વીતી ગયા પછી પણ, જે હૉસ્ટેલ સાથે પ્લેન ટકરાયું હતું, તે ઇમારત આજેય ખુલ્લા જખમની માફક ઊભી છે. તેના ઉપરના માળ ભાંગેલી-તૂટેલી હાલતમાં છે, કૉન્ક્રીટના સ્લૅબ લટકી રહ્યા છે અને ધુમાડાને લીધે કાળી થઈ ગયેલી સીડીઓ અંધારામાં અદૃશ્ય થઈ જાય છે. દીવાલો ઉપર કાળામેશ નિશાન પડેલાં છે, જ્યારે ધૂળ, કાટમાળ અને વળી ગયેલા સ્ટીલની નીચે હજુયે સૂટકેસો અને કપડાં દટાયેલાં પડ્યાં છે.
અધિકારીઓએ આ નુકસાન પામેલી ઇમારતને ધ્વસ્ત કરીને નવી હૉસ્ટેલનું નિર્માણ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. હાલ તો આ કાટમાળ ત્યાં જ પડ્યો છે.
દર થોડી મિનિટે ઉપરથી પસાર થતાં વિમાનોની ઘરઘરાટીની વચ્ચે વિદ્યાર્થીઓ વર્ગમાં જવા માટે હૉસ્ટેલ પાસેથી પસાર થાય છે. દાયકાઓથી વિમાનોની આ ગર્જના શહેરના બૅકગ્રાઉન્ડના ઘોંઘાટ સાથે માર્ગ પરના સામાન્ય ટ્રાફિકની માફક વણાઈ ગઈ હતી. પણ, પ્લેન ક્રૅશ થયું, ત્યારથી હવે વિમાનની આ ઘરઘરાટીનો અર્થ બદલાઈ ગયો છે.
“જ્યારે પણ વિમાન પસાર થાય, ત્યારે અમારું દુઃખ ફરી પાછું તાજું થઈ જાય છે. અમે આકાશ તરફ પણ જોતાં નથી,” એમ ઠાકોર જણાવે છે.
ઇમેજ સ્રોત, Zoya Mateen
15 વર્ષથી તેમનો પરિવાર નજીકની હૉસ્પિટલોના ડૉક્ટરો માટે ટિફિન સેવા ચલાવતો હતો અને મેડિકલ કૅમ્પસમાં ભોજન બનાવતો હતો તેમજ પહોંચાડતો હતો. તેમની બે વર્ષની પૌત્રી તેનો મોટા ભાગનો સમય ત્યાં જ પસાર કરતી હતી અને ભાગ્યે જ દાદીથી દૂર જતી.
પ્લેન તૂટી પડ્યું, તે સમયે હૉસ્ટેલની મેસમાં લંચ પીરસાઈ રહ્યું હતું. સરલાબહેન ત્યાં કામ કરતાં હતાં. આધ્યાને બાથરૂમ લાગતાં તેઓ તેને ઉપરના માળે લઈ ગયાં હતાં. થોડી જ ક્ષણો પછી વિમાન ત્યાં આવીને તૂટી પડ્યું.
બીજી બિલ્ડિંગમાં કામ કરી રહેલા ઠાકોરે બધું પડતું મૂકીને ધુમાડા તરફ દોટ મૂકી હતી. તેમને હવે આ ઘટનાની તૂટક-તૂટક વાતો જ યાદ છેઃ વિસ્ફોટ, ગરમી, રસોડામાં વિખરાયેલા ગૅસ સિલિન્ડર અને વિહ્વળ થઈને એક રૂમમાંથી બીજા રૂમમાં પત્નીને શોધતી વખતે “સરલા, સરલા”ની તેમની બૂમો.
તેમની આસપાસ, બચી ગયેલા લોકો કાટમાળમાંથી લથડિયાં ખાતાં બહાર આવી રહ્યા હતા, જ્યારે અન્ય લોકો અંદર ફસાઈ ગયા હતા અને બચાવ ટુકડીઓ ધુમાડા અને કાટમાળની વચ્ચેથી નીકળવા મથી રહી હતી. લગભગ એક અઠવાડિયા સુધી પરિવારે આખા અમદાવાદની હૉસ્પિટલો, વૉર્ડ્ઝ અને રાહત શિબિરોમાં તપાસ કરી. તેઓ એકના એક જ સવાલો પૂછતા હતા. છ દિવસ પછી તેમને સરલાબહેન અને આધ્યા હૉસ્પિટલના શબઘરમાંથી મળી આવ્યાં.
આજે, જ્યારે ઠાકોર આધ્યા વિશે વિચારે છે, ત્યારે તેમને યાદ આવે છે કે, તેઓ ઘરે તેના માટે બિસ્કિટ લઈ જતા અને તે તરત જ દોડીને દાદાને વળગી પડતી. સરલાબહેન વિશે વાત કરતી વખતે, તેઓ કહે છે કે, સરલાબહેનનું મોટા ભાગનું જીવન લોકોને જમાડવામાં જ વીત્યું હતું.
“બધાંને તેની સાથે સારું બનતું હતું. તે ઘણી સારી હતી,” એમ તેઓ કહે છે.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઇમેજ સ્રોત, Aditya Dayal
ઠાકોર ધુમાડા તરફ દોડી રહ્યા હતા, લગભગ તે જ ક્ષણે મેસની અંદરના વિદ્યાર્થીઓ શું થયું છે, તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
અરમાન ખાન પઠાણને લંચ માટે જવામાં મોડું થઈ ગયું હતું. તેમના ખાસ મિત્ર આદિત્ય દયાલને તેમનાથીયે વધારે મોડું થયું હતું. આ થોડી મિનિટો પ્લેન ક્રૅશના બંને મિત્રોના અનુભવોને અલગ કરી દે છે, પણ આ ઘટનાની યાદો તો સમાન જ છે.
પઠાણ હજુ બસ જમવા જ બેઠા હતા, ત્યારે કાન ફાડી નાખે, એવો ધડાકો થયો. થોડી ક્ષણો પછી, ઇમારતનો ભાગ તેમની પાસે આવીને પડ્યો અને એક ટેબલ આવીને તેમના પગ પર પડ્યું. સિલિન્ડરો ફાટવા માંડ્યા અને રૂમમાં ધૂળ ફેલાઈ જતાં તથા બીજા ધડાકા થવાથી બચાવકર્તાઓએ પાછળ હટવું પડ્યું હતું. ત્યાં ફસાઈ ગયેલા અને શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહેલા પઠાણે મુઠ્ઠી મારીને બારીનો કાચ તોડી નાખ્યો હતો.
“ત્યાં સાવ અંધારું હતું. મને ગૂંગળામણ થઈ રહી હતી,” એમ તેઓ યાદ કરે છે.
બચાવકર્મીઓએ તેમને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં દયાલ ત્યાં આવી ગયા હતા. તેઓ યાદ કરે છે કે, તે અને તેમના મિત્રો લગભગ રોજ જ્યાં જમતા હતા, તે ઇમારતની ઉપર ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા. શું થયું છે, તે જાણવા માટે વિદ્યાર્થીઓ તમામ દિશાઓમાં દોટ મૂકી રહ્યા હતા.
અન્ય લોકો સાથે મળીને દયાલે પઠાણને ગાદલા પર સૂવડાવીને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
એક વર્ષ પછી, હૉસ્ટેલના રૂમમાં બેસીને બંને મિત્રો હજુયે તે બપોરે જોયેલા મૃતદેહોને યાદ કરે છે. ટ્રેઇની ડૉક્ટર હોવાથી તેઓ મૃત્યુથી અજાણ નથી, પણ આવાં દૃશ્યો જોવા માટે તેઓ તૈયાર નહોતા. ઘણા મૃતદેહો એટલા ખરાબ રીતે સળગી ગયા હતા, કે તેમને ઓળખી શકાય તેમ નહોતું. દયાલ કહે છે કે, તેઓ ત્યાંથી જતા રહ્યા, તે પછી પણ લાંબા સમય સુધી દુર્ગંધ ત્યાં જ રહી હતી અને હજુયે એકાએક તે દુર્ગંધ યાદ આવી જાય છે.
“તે વાસથી મને ઊલટી જેવું થતું હતું,” એમ તેઓ યાદ કરે છે.
ઇમેજ સ્રોત, Zoya Mateen
વાતચીત દરમિયાન તેઓ તેમના ગુમાવેલા મિત્રોને યાદ કરે છે. પઠાણ એક એવા ક્લાસમેટનો ઉલ્લેખ કરે છે, જે ઘણી બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. તેના ઉપર જ આખા પરિવારની આશા મંડાયેલી હતી. અન્ય ઘણા વિદ્યાર્થીઓની માફક તેણે ઉજ્જ્વળ ભવિષ્ય માટે વર્ષો સુધી મહેનત કરી હતી, જે ઘડીના છઠ્ઠા ભાગમાં વેરવિખેર થઈ ગઈ.
તો, અમુક લોકોના મનમાં આ દુર્ઘટના અલગ રીતે કોતરાઈ ગઈ છે.
બ્રિજેશ તેમના બે મિત્રો સાથે સ્કૂટર પર સવાર થઈને મેસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ પ્લેન તૂટી પડ્યું હતું. બ્રિજેશને દાઝવાથી થયેલી ઈજાઓની ફિઝિયોથેરપી હજુયે ચાલી રહી છે. તેઓ અમદાવાદની આગઝરતી ગરમીમાં પણ પ્રેશર ગાર્મેન્ટ્સ (ખાસ પ્રકારનાં તબીબી કપડાં) પહેરે છે અને પાઠ્યપુસ્તકનાં પાનાં ફેરવવામાં પણ તેમને તકલીફ પડે છે. તેઓ કહે છે, “જે થઈ ગયું તે થઈ ગયું. હવે શું કરી શકાય?”
કેટલીક વખત તેઓ તે જગ્યા પાસેથી પસાર થાય છે. અન્ય ઘણાં વિદ્યાર્થીઓની માફક જ તેમણે પણ ત્યાંથી નજર ફેરવી લેવાની આદત કેળવી લીધી છે, જાણે કે, તેઓ ઇમારતની તરફ નહીં જુએ, તો તે અદૃશ્ય થઈ જવાની હોય.
પરંતુ, કૉલેજની આસપાસ રહેનારા લોકો પાસે વિકલ્પો ઓછા છે.
પ્લેન ક્રૅશ થયું, તે સમયે વિજય ઘટનાસ્થળથી લગભગ 200 મીટરના અંતરે આવેલા તેમના ઘરે હતા. ધડાકો સાંભળીને તેઓ બાઇક પર સવાર થઈને તે દિશા તરફ ગયા. તેઓ પહોંચ્યા, ત્યાં સુધીમાં વિમાનના ફુરચા ઊડી ગયા હતા અને ઇમારતોમાં ઝડપથી આગ ફેલાવા માંડી હતી.
ઘણા કલાકો સુધી આસપાસનો વિસ્તાર બચાવ ક્ષેત્ર બની ગયો હતો, કારણ કે, સ્થાનિકો પણ ફાયરફાઇટર્સ, સૈનિકો અને ઇમર્જન્સી વર્કરો સાથે જોડાઈને ધાબળા અને પાણી લાવતા હતા, મૃતદેહોને ઢાંકતા હતા અને બચી ગયેલા લોકોને મદદ કરી રહ્યા હતા.
તે બિહામણાં દૃશ્યો આજે પણ ડરાવી મૂકે છે. વિજય કહે છે, “જ્યાં પણ નજર કરો, ત્યાં આગની જ્વાળાઓ દેખાતી હતી. કોઈનું માથું, કોઈના હાથ.”
ઇમેજ સ્રોત, Zoya Mateen
તે પછીનાં સપ્તાહોમાં શહેરનું ધ્યાન અન્યત્ર વળી ગયું. ઍમ્બ્યુલન્સ જતી રહી. મીડિયા લોકો પણ જતા રહ્યા. કૅમ્પસમાં વ્યાપેલી કટોકટીનું સ્થાન સંકટ પછીના વધુ મુશ્કેલ કાર્યએ લીધું.
બીજે મેડિકલ કૉલેજ ખાતે, જીવન ફરી પાટે ચઢાવવાનું હતું. અને મોટા ભાગની જવાબદારી ડીન મીનાક્ષી પરીખના શિરે આવી પડી, જેમણે ભારે દુઃખની સ્થિતિમાં પણ મેડિકલ કૉલેજનું કામ ચાલુ રાખવાનું હતું.
પાછળ તરફ નજર કરતાં તેમને કોઈ એક નહીં, બલ્કે એકબીજા સાથે જોડાયેલી ઘણી કરુણાંતિકાઓ યાદ આવે છેઃ બાળકોને શોધી રહેલાં માતા-પિતા, ઇજામાંથી સાજા થઈ રહેલા વિદ્યાર્થીઓ, કામના ભારણ તળે દબાયેલો તેમનો સ્ટાફ અને ડીએનએનાં પરિણામોની રાહ જોઈ રહેલા પરિવારો.
“એક બાજુ મારું મન જરૂરી કાર્યો કરવામાં રોકાયેલું હતું, તો બીજી તરફ હું એ સમજવાની કોશિશ કરી રહી હતી કે, આ બધું શું થઈ ગયું,” એમ તેઓ કહે છે.
એક વાતચીત તેમને યાદ રહી ગઈ છે. પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીને ગુમાવનાર એક વ્યક્તિએ જ્યાં સુધી તેમના મૃતદેહો જોવા ન મળે, ત્યાં સુધી ત્યાંથી ખસવાનો ઇનકાર કરી દીધો હતો. અધિકારીઓએ સમજાવ્યું કે, તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટિંગ થવું જરૂરી હતું.
ત્યારે તે માણસે અધિકારીઓને કહ્યું હતું, “મારી આંખો ડીએનએ ટેસ્ટ છે,” એ સાથે તેમણે કહ્યું હતું કે, તેમનો પરિવાર ગમે તે હાલતમાં હોય, તો પણ તેઓ તેમને ઓળખી જશે.
આ ઘટના યાદ કરતાં પરીખ થોડી વાર માટે થોભે છે. “હું સમજી શકતી હતી કે, તેઓ શું કહેવા માગે છે.”
સમય વીતવા સાથે કૉલેજ ફરી પૂર્વવત્ થઈ ગઈ છે. વર્ગો શરૂ થયા, પરીક્ષાઓ લેવાઈ અને નવા વિદ્યાર્થીઓનું આગમન થયું.
12મી જૂન નજીક આવી રહી છે, ત્યારે કૉલેજે મૃતકોની સ્મૃતિમાં પ્રાર્થનાસભા, રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
તેમ છતાં, પરીખ કહે છે તેમ, આગળ વધવું અને બધું ભૂલીને આગળ વધી જવું આ બંને વચ્ચે તફાવત છે.
“એવી એક પણ ક્ષણ નહોતી, જ્યારે મને લાગ્યું હોય કે, હું તેમાંથી સંપૂર્ણપણે બહાર આવી ગઈ છું. તે જીવનમાં સ્થિર થવાની એક ક્રમિક પ્રક્રિયા હતી.”
આ તરફ, ઠાકોર પણ તેમના ઘરે એ જ પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ફોન લે છે. ફોનમાં રહેલો એક વીડિયો તેઓ ઘણી વખત જુએ છે, જે પ્લેન તૂટી પડ્યાના એક દિવસ પહેલાં જ રૅકૉર્ડ કરવામાં આવ્યો હતો. તેમાં આધ્યા તેનાં દાદીને પ્રેમથી ખવડાવી રહી છે અને સરલાબેનના ચહેરા પર સ્મિત છે.
બહાર, અમદાવાદના આકાશમાં બીજું એક પ્લેન ઊડે છે. પણ ઠાકોર નજર નથી ઉઠાવતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

વીડિયો, ગુજરાતમાં અહીં 2થી 6 કરોડની કિંમતનાં વહાણ કેવી રીતે બને છે?, અવધિ 2,52
-

વીડિયો, સ્મશાનગૃહમાં છોડને ઍમ્બ્યુલન્સમાં કેમ લવાયા?, અવધિ 0,43
-

વીડિયો, ચોમાસું આગળ વધ્યું, ગુજરાત ક્યારે પહોંચશે?, અવધિ 1,35
-

વીડિયો, પાલિતાણામાં યાત્રાળુની બૅગ લઈ સિંહ ભાગ્યો, અવધિ 0,36
-

વીડિયો, દારૂ ભરેલી ગાડી પલટી જતાં લોકો બૉટલો લઈ ભાગ્યા, અવધિ 1,09
-

વીડિયો, અફઘાની લોકો બન્યા પાકિસ્તાની બિરયાનીના દીવાના, અવધિ 2,16
-

વીડિયો, સુરત : ટૅન્કમાં ઊતરેલા 4 સફાઈકર્મીઓનાં મોત કેવી રીતે થયાં?, અવધિ 1,15
-

વીડિયો, પાટણનાં પટોળાંની આ વાતો જાણો છો?, અવધિ 2,08
-

વીડિયો, ચાલુ પ્રસારણે ધડાકો, જીવ બચાવવા રિપોર્ટરે દોટ મૂકી, અવધિ 0,35
-

વીડિયો, અમદાવાદ : ડિમોલિશન બાદ રડતાં-રડતાં મહિલાઓએ શું કહ્યું?, અવધિ 2,49
-

વીડિયો, અમેરિકામાં ઉજવણી દરમિયાન ગોળીબાર, કેટલાક લોકો ઘાયલ, અવધિ 0,42
-

વીડિયો, સુરત : 200 ઘરોનું ડિમોલિશન, તંત્રે કહ્યું, ‘અમને ખબર નથી’, અવધિ 2,43
-

વીડિયો, કરોડોની કિંમતના કૉક્રોચ જપ્ત, હથેળી જેવડા મોટા વાંદા ખાસ કેમ?, અવધિ 0,53
-

વીડિયો, દૂધની એવી થેલી જે જાતે જ માટીમાં ઓગળી જશે, અવધિ 1,12
End of શૉર્ટ વીડિયો
SOURCE : BBC NEWS





















