Source : BBC NEWS

હીટવેવની અમદાવાની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

દુનિયામાં ગરમીથી સૌથી વધુ ખતરો ધરાવતાં શહેરોમાં અમદાવાદને બીજું સ્થાન મળ્યું છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના નેતૃત્વમાં થયેલા એક સંશોધન ‘મૂવિંગ બીયોન્ડ ઍક્સપોઝર: અ ગ્લૉબલી કમ્પેરેબલ ફ્રેમવર્ક ફૉર રિસ્ક અસેસમેન્ટ ઇન સિટીઝ’માં આ તારણ રજૂ કરવામાં આવ્યું છે.

આ વખતનો ઉનાળો પણ વધી રહેલી ગરમી અને તેની તીવ્રતાની સાક્ષી પૂરે છે.

હવામાન વિભાગના છ જૂન સુધીના ડેટા અનુસાર, આ વખતે અમદાવાદમાં આ ઉનાળાના કુલ 56 દિવસમાંથી 53 દિવસે 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહ્યું હતું. અતિશય ગરમીના દિવસો વધવાની બાબતે આ ગત દાયકાઓની સરખામણીએ રેકૉર્ડ છે.

એવામાં આ સંશોધન અમદાવાદમાં ગરમીના સંભાવિત વધુ ખતરા અંગે પ્રકાશ પાડે છે.

આ સંશોધનમાં શું કહેવામાં આવ્યું છે?

 રિપોર્ટમાં અમદાવાદનું બીજું સ્થાન

આ સંશોધન માટે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં 205 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં રાધિકા ખોસલા, જીસસ લિજાના અને નેથમી કારિયાવાસમે આ સંશોધનનું નેતૃત્વ કર્યું હતું.

તેમણે ગરમીનો સૌથી વધુ ખતરો હોય તેવાં 50 શહેરોની યાદી પણ બહાર પાડી હતી.

ઈરાકનું અલ-બસરા શહેર આ યાદીમાં પહેલા ક્રમે છે.

આ શહેરોમાં ભારતનાં કુલ 14 શહેરોને સ્થાન મળ્યું છે અને અમદાવાદ બીજા નંબરે છે. ત્યાર બાદ નાગપુર ચોથા ક્રમે, સાતમા ક્રમે મદુરાઈ, 15મા ક્રમે ભોપાલ અને 20મા ક્રમે કાનપુર છે.

આ યાદીમાં પુણે, પટણા, બૅંગલુરુ, કોલકાતા, જયપુર, લખનઉ, મંબઈ અને ચેન્નાઈ પણ આ યાદીમાં છે.

આ અભ્યાસ ત્રણ મુખ્ય પરિબળોને આધારે કરવામાં આવ્યો છે. જે-તે શહેરનું હીટ ઍક્સપોઝર, લોકો પર ગરમીનો ખતરો અને ગરમીનો સામનો કરવાની ક્ષમતા -આ ત્રણ પરિબળોને આધારે રિસ્ક સ્કોર નક્કી કરવામાં આવ્યો છે.

જે શહેરોમાં ગરમીનો ખતરો સૌથી વધારે છે તેમાં 95 ટકા શહેરો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા તથા સહરાના રણની દક્ષિણમાં આવેલા દેશો અને આફ્રિકાના દેશોનાં શહેરો છે.

અમદાવાદે ચિંતા કરવાની જરૂર છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદનો હીટ રિસ્ક સ્કોર 0.79 છે તથા પહેલા ક્રમે રહેલા ઈરાકના અલ-બશરા શહેરનો હીટ રિસ્ક સ્કોર 0.83 છે.

આ સંશોધનનું એક પરિમાણ હીટ ઍક્સપૉઝર છે. જેમાં તાપમાન, ભેજનું પ્રમાણ, સૂર્યનું રેડીએશન, પવન તથા જમીનની સપાટીનું તાપમાન જોવામાં આવે છે.

હીટ ઍક્સપૉધર ઇન્ડેક્સમાં અમદાવાદનો સ્કોર 0.89 જે અતિશય ઊંચું પ્રમાણ છે. અમદાવાદમાં જમીનની સપાટીનું તાપમાન પણ અતિશય ઊંચું આવે છે. જ્યારે કેટલાક અહેવાલો પ્રમાણે અમદાવાદમાં ‘અર્બન હીટ આઇલૅન્ડ’ની અસર પણ દેખાય છે.

સંશોધનનું બીજું પરિમાણ એ તપાસે છે કે ગરમીથી લોકોને કેટલી હદે ખરાબ અસર થાય છે.

તેમાં ગરીબ સમુદાયો, ઘરડાં લોકો, નાનાં બાળકોને ધ્યાને લેવામાં આવે છે તથા ઍર-કંડિશનર કોની માટે અવેલેબલ છે એ પણ જોવામાં આવે છે .

આ બાબતમાં અમદાવાદનો સ્કોર 0.57 છે, એટલે કે પ્રમાણમાં સરેરાશ સ્થિતિ છે. હજુ આ બાબતમાં અમદાવાદને વિશ્વના સામાજિક રીતે સંવેદનશીલ શહેરોની યાદીમાં મૂકી શકાય નહીં. હજુ આ બાબતમાં સુધારને અવકાશ છે, પરંતુ સ્થિતિ અન્ય શહેરોની સરખામણીમાં એટલી ખરાબ નથી.

ત્રીજું પરિબળ છે ગરમી સામે ટક્કર ઝીલવાની ક્ષમતા અને તેના માટે શહેરો શું કરી રહ્યા છે એ જોવું. તેમાં ગ્રીન કવરની સ્થિતિ, વૃક્ષાચ્છાદિત વિસ્તારોનું પ્રમાણ, સસ્તા દરે ઉપલબ્ધ વીજળી વગેરે જોવામાં આવે છે.

જોકે તેમાં પણ અમદાવાદની સ્થિતિ સારી નથી જણાવાઈ. અર્બન ગ્રીનરી, ટ્રી કવર, કૂલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવી બાબતોમાં અમદાવાદ સામે પડકારો છે.

જોકે, ગરમીથી રિસ્કની બાબતમાં અમદાવાદ બીજા ક્રમે મુકાયું હોવા છતાં હજુ આ સંશોધન ઇશારો કરે છે કે સ્થિતિ કાબૂ બહાર નથી. અમદાવાદના હીટ ઍક્શન પ્લાનને આ સંશોધનમાં દાખલારૂપ ગણાવાયો છે.

અમદાવાદમાં ગરમી વધવાનું કારણ શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય હવામાન વિભાગના ગ્રિડ ડેટાસેટના વિશ્લેષણથી એ સામે આવ્યું હતું કે અમદાવાદ માટે આ વર્ષ ગરમ રહ્યું છે, કારણ કે દર મહિને સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં (1991-2020ના રેફરન્સ પિરિયડ કરતાં) વધુ જ રહ્યું છે.

આ વર્ષે મે મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી રહ્યું, જ્યારે સામાન્ય તાપમાન 39.6 ડિગ્રી સેલ્શિયસ રહ્યું છે. આ મહિનો માત્ર સામાન્ય કરતાં વધુ ગરમ જ નહોતો, પરંતુ છેલ્લાં પાંચ વર્ષનો સૌથી વધુ ગરમ મે મહિનો હતો.

અતિશય ગરમીના દિવસોમાં પણ ગત દાયકાની સરખામણીએ મોટો વધારો જોવા મળ્યો છે. આ સંશોધનમાં પણ ‘હીટ ઍક્સપૉઝર’ને કારણે જ અમદાવાદને વધુ રિસ્ક ધરાવતાં શહેરોમાં આટલું ઉપર સ્થાન મળ્યું છે.

વૈશ્વિકસ્તરે થઈ રહેલા તાપમાનમાં વધારાની અસર દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં અતિશય જોવા મળી છે. અમદાવાદમાં પણ હીટ વેવનું પ્રમાણ છેલ્લા દાયકામાં ઘણું વધ્યું છે.

અમદાવાદ સતત વિસ્તરી રહ્યું છે અને કૉંક્રિટ બાંધકામો તથા રસ્તાઓ પણ અતિશય વધ્યાં છે. આ સિવાય શહેરનું ભૌગોલિક સ્થાન જ એવું છે કે તે કુદરતી રીતે ઊંચા તાપમાન અને સૂકી હવાઓ માટે સંવેદનશીલ છે. વાતાવરણ પણ સૂકું રહે છે. પવનમાં થતાં બદલાવોને કારણે પણ ગરમ હવા આ વિસ્તાર પર ફસાઈ શકે છે અને તેની અસર તાપમાન પર પડે છે.

અમદાવાદનો હીટ ઍક્શન પ્લાન

ગરમીમાં કામ કરનારા મજૂરો અતિસંવેદનશીલ મનાય છે

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં હીટ વેવને કારણે મૃત્યુની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ 2013માં હીટ ઍક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો. દેશભરમાં હીટ ઍક્શન પ્લાન લાગુ કરવામાં અમદાવાદ પહેલું શહેર બન્યું હતું.

વર્ષ 2013થી અમલમાં આવેલા હીટ વેવ ઍક્શન પ્લાનની અસરકારકતાને ચકાસવા માટે વર્ષ 2018માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેનાં તારણ પ્રમાણે, આ પ્લાનને કારણે વર્ષ 2014 અને 2015 દરમિયાન હીટ વેવના દિવસોમાં ચાર હજાર જેટલા લોકોના જીવ બચાવી શકાયા હતા.

ત્યાર પછી આ હીટ ઍક્શન પ્લાનને ભારતનાં અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અગાઉ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું એ પ્રમાણે, “દર વર્ષે અમદાવાદમાં હીટ ઍક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવે છે. દર વર્ષે તેના કારણે અનેક લોકોને મદદ મળે છે. ગરમીની આગોતરી ચેતવણી આપવાને કારણે ઘણા લોકો આ સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી બહાર નીકળતા નથી.”

“રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય, તે દિવસો દરમિયાન બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરોના કામ કરવા ઉપર પ્રતિબંધ જેવાં પગલાં લેવામાં આવે છે.”

આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ઉનાળા અગાઉ કરેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “શહેરના દરેક પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર ઓઆરએસ ઉપલબ્ધ છે. રાત્રિના 11 વાગ્યા સુધી તમામ ગાર્ડન્સ ખુલ્લા રખાશે. સોલિડ વેસ્ટના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ખાસ આ ગરમીમાં કામ પર જાય ત્યારે પાણી સાથે રાખે. શેલ્ટર હોમ્સમાં પણ પીવાનું પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 1થી 4માં કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ ન કરાવવામાં આવે તેવા આદેશ અપાયા છે.”

અમદાવાદ સામે પડકારો

શહેરીકરણ અને કોંક્રિટના વધતાં બાંધકામો અમદાવાદ સામે મોટો પડકાર છે

ઇમેજ સ્રોત, Getty Images

હીટ ઍક્સપોઝર અને રિસ્કની બાબતમાં અમદાવાદ શહેર સામે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે, કારણ કે ગરમીના દિવસો સતત વધી રહ્યા છે.

વર્લ્ડ મીટિરિયોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત એક રિસર્ચ પેપર પ્રમાણે, અમદાવાદ સામે હજુ ઘણા પડકારો છે. જેમ કે, જાહેર જાગૃતિનો અભાવ, વૉર્નિંગ સિસ્ટમ, હેલ્થકેર વર્કર્સને આ બાબતે સ્કિલ્ડ બનાવવા, તથા લોકોને ગરમીથી બચાવવા જેવા અનેક વિષયો પર કામ કરવાનું બાકી છે.

પર્યાવરણવિદ મહેશ પંડ્યાનું કહેવું છે કે, “આપણે ત્યાં હજુ પણ ડિહાઇડ્રેશન, હીટસ્ટ્રૉકની કૅટેગરી હેઠળ વ્યવસ્થિત આંકડા નોંધાતા નથી. મજૂરોને સવારે કામ કરાવવું, બ્રેક આપવો વગેરે જેવી બાબતોનું પાલન પણ થતું નથી.”

તેઓ કહે છે, “અમદાવાદ શહેરમાં વૃક્ષોની સ્થિતિ, ગ્રીન કવરનો હિસાબ કરીએ તો કોઈ ખાસ ફર્ક દેખાતો નથી. પ્રદૂષણનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ટ્રાન્સપૉર્ટમાં આપણે મેટ્રો લાવ્યા પણ બીઆરટીએસ-એએમટીએસમાં બસો વધારવાની અતિશય જરૂર છે. કૉપિંગ કૅપિસિટી (ગરમી સામે લડવાની ક્ષમતા)માં આપણે હજુ ઘણું કરવાનું બાકી છે.”

તેમનું કહેવું છે કે સંવેદનશીલ સમુદાયોને ગરમીથી બચાવવા માટે આપણે ઠેકઠેકાણે શેડ્ઝ ઊભા કરીને છાંયડાની વ્યવસ્થા કરવી જોઈએ. લાલ-દરવાજા બસસ્ટેન્ડને ઠંડક આપે તેવું બનાવાયું તેવું બધે થવું જોઈએ.

“આપણે ત્યાં પાણીની પરબો, છાશ-વિતરણ કેન્દ્રો વગેરે સેવાભાવી સંસ્થાઓ ચલાવે છે, પરંતુ સરકારના પક્ષેથી પણ આવી વ્યાપક પહેલ થવી જોઈએ. વૃક્ષારોપણના કામમાં પણ લોકોને જોડવાની જરૂર છે. તો જ આપણે ગરમી સામે લડવાની ક્ષમતા વિકસાવી શકીશું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS