Source : BBC NEWS
ઇમેજ સ્રોત, @narendramodi
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ કરતાં વધુ સમય પછી 17 જૂનના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી.
આ બેઠક G-7 સમિટની દરમિયાન થઈ હતી, જ્યાં યજમાન દેશ ફ્રાન્સે બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયા અને ભારતને આમંત્રણ આપ્યું હતું.
આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે બંને દેશો વચ્ચે ઘણા વિવાદો ચાલી રહ્યા હતા, જેમાં તાજેતરમાં અમેરિકા હુમલામાં ભારતીય ખલાસીઓના મૃત્યુનો પણ સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું, “પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રયાસોમાં થયેલી પ્રગતિ બદલ હું તમને અભિનંદન આપું છું.”
તેમણે કહ્યું, “તમારા પ્રયાસોને કારણે પશ્ચિમ એશિયામાં શાંતિનું નવું કિરણ દેખાય છે અને અમને આશા છે કે આ એક સ્થિર અને કાયમી શાંતિ બનશે.”
“તમે અને હું બધા સંમત છીએ કે હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવી વૈશ્વિક અર્થતંત્ર માટે જરૂરી છે. અમે હંમેશાં એ વાત કહી છીએ છે કે ફ્રીડમ ઑફ નેવિગેશનની સુનિશ્ચિતતા થવી જરૂરી છે. તમે જાણો છો કે મેરીટાઇમ ટ્રેડની દુનિયામાં લાખો ભારતીય નાવિકો વિશ્વભરના જુદા જુદા દરિયામાં સેવાઓ આપી રહ્યા છે, અને હું માનું છું કે તેમની સલામતી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે આ કરાર નાવિકોની સલામતી સુનિશ્ચિત કરશે અને તેને પ્રાથમિકતા આપશે.”
28 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો, જેમાં તત્કાલીન સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અને અન્ય ઘણા અધિકારીઓ માર્યા ગયા હતા.
ભારતમાં કૉંગ્રેસ પાર્ટીએ આ બેઠક પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી.
તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “વડા પ્રધાને ઓમાનની ખાડીમાં અમેરિકન હુમલામાં માર્યા ગયેલા ત્રણ ભારતીય ખલાસીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ફક્ત રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે ભારતીય નાગરિકોના મૃત્યુ પર પણ જવાબ આપ્યો. છતાં, જેઓ પોતાને ‘વિશ્વગુરુ’ કહે છે તેઓ ચૂપ રહ્યા. આ ખૂબ જ ખરાબ અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”
શિખર સંમેલનમાં તેમના અગાઉના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, “આજે દુનિયા પાસે સંસાધનોની કમી નથી, પરંતુ વિશ્વાસનો અભાવ છે. અને આપણી ભાગીદારીનું ભવિષ્ય આ વિશ્વાસ બનાવવા પર નિર્ભર છે.”
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Mandel NGAN / AFP via Getty Images
બેઠક પછી યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં બધા પ્રશ્નો ફક્ત રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યા હતા, જ્યારે પીએમ મોદી તેમની બાજુમાં બેઠા રહ્યા હતા.
જ્યારે એક પત્રકારે તેમને ભારતમાં તેમના કેટલાક નિર્ણયોને કારણે થતી સમસ્યાઓ વિશે પૂછ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું, “મને ખબર નથી કે કોઈ સમસ્યા ક્યાં થઈ હશે.”
જ્યારે અમેરિકા હુમલામાં ભારતીય ખલાસીઓના મૃત્યુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “તે એક અઘરો વ્યવસાય છે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ‘શોક વ્યક્ત કરવા’ માગે છે, ત્યારે તેમણે હા પાડી અને પછી ઉમેર્યું, “આવી ઘટનાઓ હંમેશાં બને છે,” પરંતુ તેનો સીધો અર્થ સમજાવ્યો ન હતો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત પશ્ચિમ એશિયામાં ભૂમિકા ભજવે છે ત્યારે તેમણે કહ્યું કે ભારત “દરેક બાબતમાં મોટી ભૂમિકા ભજવે છે,” પરંતુ તેમણે આ વિશે વધુ માહિતી આપી ન હતી.
ટ્રમ્પે અન્ય નિવેદનો પણ આપ્યાં, જેમ કે, “ભારત અમેરિકામાં ઘણા પૈસા રોકાણ કરી રહ્યું છે. તેનાથી ત્યાં રોજગારીનું સર્જન થઈ રહ્યું છે. અમે (અમેરિકા અને ભારત) આનાથી વધારે નજીક હોઈ શકીએ નહીં.”
પીએમ મોદી સાથેના તેમના પ્રારંભિક નિવેદનમાં કહ્યું, “અમારું એક જી-2 આવી રહ્યું છે, તમારામાંથી મોટા ભાગના લોકો જાણે છે કે જી-2 શું છે,” પરંતુ તેમણે વધુ વિગતો આપી ન હતી.
અત્યાર સુધી ભારત કે અમેરિકા બંનેમાંથી કોઈએ આ બેઠકની સત્તાવાર વિગતો જાહેર કરી નથી.
આ મીટિંગને કેવી રીતે જોવાઈ રહી છે?
ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ અને મોદી વચ્ચેની આ મુલાકાત વિશે બીબીસીએ પૂર્વ રાજદૂત અનિલ ત્રિગુણાયત સાથે વાત કરી.
તેમણે કહ્યું, “મને લાગે છે કે આ એક મહત્ત્વપૂર્ણ મુલાકાત હતી અને સંબંધોને ફરીથી જીવંત બનાવતી હતી. બંને નેતાઓ 16 મહિનાથી મળ્યા ન હતા. જોકે, આ વખતે પહેલાંની જેમ ભેટવું ન દેખાયું. છતાં ટ્રમ્પે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરવાનો પ્રયાસ કર્યો. અમે જે જોયું તે પરથી આપણા ખલાસીઓની હત્યા અને તેમની સલામતી જેવા મુશ્કેલ મુદ્દાઓ પર ચર્ચા કરવી મહત્ત્વપૂર્ણ હતી. હજુ પણ ઘણા મુદ્દાઓ બાકી છે, જેમ કે વેપાર કરાર, પરંતુ આ બેઠક આગળ વધવામાં મદદ કરશે.”

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત પ્રોફેસર મુક્તદર ખાને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે ક્વાડ ગ્રૂપ (જેમાં ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે)ના ભવિષ્ય વિશે વધુ કંઈ કહ્યું ન હતું, પરંતુ તેમણે ‘જી-2’નો ઉલ્લેખ કર્યો, જે અમેરિકા અને ચીનના વિઝનને દર્શાવે છે. આ ભારત માટે સારો સંકેત નથી. હું એમ પણ કહેવા માગું છું કે ટ્રમ્પ આ બેઠક માટે ખૂબ તૈયાર જણાતા નહોતા, જ્યારે પીએમ મોદી વધુ તૈયાર દેખાતા હતા. અમે તેમને નોટ્સ જોઈને પોતાની વાત રજૂ કરતા જોયા.”
મીટિંગના કેટલાક કલાકો પહેલાં, ઇન્ડોપેકૉમ બન્યું ફરીથી યુએસપેકૉમ
ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images
મીટિંગના કલાકો પહેલાં ઇન્ડોપેકૉમનું નામ બદલીને યુએસપેકૉમ રાખવામાં આવ્યું.
શરૂઆતમાં અમેરિકા સંરક્ષણમંત્રી પીટ હેગસેથે પોસ્ટ કર્યું, “યુએસ પેસિફિક કમાન્ડ… ફરીથી પાછું આવી ગયું છે.”
જાણકારી અર્થે જણાવીએ કે યુએસ પેસિફિક કમાન્ડ (યુએસપેકૉમ)એ અમેરિકાના સૌથી જૂના અને સૌથી મોટા લશ્કરી કમાન્ડમાંનું એક છે.
‘હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગર વચ્ચે વધતાં જોડાણોને પ્રતિબિંબિત કરવા’ માટે 2018માં તેનું નામ બદલીને યુએસપેકૉમ (યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ) રાખવામાં આવ્યું હતું.
ત્યાર બાદ તેને “બોલીવૂડથી હોલીવૂડ સુધી” ફેલાયેલી કમાન તરીકે વર્ણવવામાં આવ્યું.
ભારત અને વિદેશના ઘણા નિષ્ણાતો આ નિર્ણય અને તેના સમયથી આશ્ચર્યચકિત છે.
તેમનો પ્રશ્ન એ છે કે શું આનો અર્થ એ છે કે અમેરિકા અને ચીન વચ્ચેના સુધરતા સંબંધો વચ્ચે ભારતની ભૂમિકા ઓછી થઈ રહી છે?
અમેરિકા ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આ ફેરફાર માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. જોકે, તેમાં કહેવામાં આવ્યું છે કે યુએસપેકૉમનો જવાબદારીનો વિસ્તાર, જે અમેરિકા વેસ્ટ કોસ્ટથી ભારતની પશ્ચિમી સરહદ સુધી ફેલાયેલો છે, તે એ જ રહેશે.
અમેરિકા-ભારત સંબંધો
ઇમેજ સ્રોત, Evelyn Hockstein-Pool/Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી 2025માં અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું.
તેમના શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કર્યું હતું અને એક મહિનાની અંદર પીએમ મોદી પણ ટ્રમ્પને મળ્યા હતા.
પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ અને ત્યાર બાદ યુદ્ધવિરામ પછી ભારત અને અમેરિકાના સંબંધોમાં થોડું અંતર આવ્યું.
આનું મુખ્ય કારણ એ હતું કે ભારત માનતું હતું કે આ મામલો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે, અમેરિકા કે અન્ય કોઈ દેશની તેમાં કોઈ ભૂમિકા નથી.
જોકે, ટ્રમ્પ સતત એમ કહી રહ્યા હતા કે તેમની સરકારે આ સંઘર્ષને રોકવામાં ભૂમિકા ભજવી હતી.
આ પછી, અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો, જેને પાછળથી દૂર કરવામાં આવ્યો.
થોડા મહિના પહેલાં ટ્રમ્પે એક પૉડકાસ્ટ શૅર કર્યો હતો જેમાં તેમણે ભારતને “ખૂબ જ ખરાબ સ્થળ” ગણાવ્યું હતું. આ નિવેદનની અમેરિકામાં પણ ટીકા થઈ હતી.
આ વર્ષની શરૂઆતમાં ભારત અને અમેરિકાએ વેપાર વાટાઘાટમાં પ્રગતિની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી અંતિમ કરાર થયો નથી.
જોકે, બંને નેતાએ હંમેશાં તેમની અંગત વાતચીતમાં સારા અને મૈત્રીપૂર્ણ શબ્દો બોલ્યા છે.
જેમ કે, 10 જૂનના રોજ ટ્રમ્પે પીએમ મોદીને ‘ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન’ બનવા બદલ અભિનંદન આપ્યાં, જેનો મોદીએ પણ જવાબ આપ્યો.
G-7માં બીજું શું થયું?
ઇમેજ સ્રોત, Mandel NGAN / AFP via Getty Images
આ બેઠક ઉપરાંત પીએમ મોદીએ અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી.
આમાં યુરોપિયન યુનિયનનાં નેતાઓ, જર્મન ચાન્સેલર, યુએઇ પ્રમુખ, બ્રિટિશ વડા પ્રધાન અને કૅનેડિયન વડા પ્રધાન સાથેની બેઠકોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, તેમણે વિશ્વના ઘણા અન્ય નેતાઓ સાથે પણ વાત કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




