Home તાજા સમાચાર gujrati ‘ચોરોના ગામ’નો એ ડાકુ, જે ધનવાનોને લૂંટીને પૈસા ગરીબોમાં વહેંચી મારતો

‘ચોરોના ગામ’નો એ ડાકુ, જે ધનવાનોને લૂંટીને પૈસા ગરીબોમાં વહેંચી મારતો

3
0

Source : BBC NEWS

'ચોરોના ગામ'નો ડાકુ, રૉબિન હુડ, દક્ષિણની ફિલ્મો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી, સ્ટુઅર્ટપુરમ્‌

શું તમે રૉબિન હુડ વિશે સાંભળ્યું છે?

એવા ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, જેમાં ચોર-ડાકુ અમીરોને લૂંટે છે અને પછી લૂંટનો સામાન ગરીબોમાં વહેંચી દે છે. આવા ચોરો પર ઘણી ફિલ્મો અને સિરિયલ પણ બનાવવામાં આવી છે.

આવા કિસ્સામાં સૌથી લોકપ્રિય નામ રૉબિન હુડનું છે.

પરંતુ ભારતના દક્ષિણી રાજ્ય આંધ્ર પ્રદેશમાં પણ એવી એક વ્યક્તિ હતી જેને રૉબિન હુડ નામથી ઓળખવામાં આવવતી હતી.

રાજ્યના સ્ટુઅર્ટપુરમ્‌ના લોકો ગોકરી નાગેશ્વર રાવને ‘ટાઇગર’ કહે છે અને કેટલાક તેમને ‘આંધ્રના રૉબિન હુડ’ કહે છે.

‘ટાઇગર’ નાગેશ્વર રાવ નામની એક ફિલ્મ બની છે. તેમાં નાયક તરીકે જાણીતા અભિનેતા રવિ તેજા છે.

‘ટાઇગર’ નાગેશ્વર રાવની કહાણી

પોલીસ રેકૉર્ડ અનુસાર, ગોકરી નાગેશ્વર રાવ સ્ટુઅર્ટપુરમ્‌માં સૌથી નામી લૂંટારામાંના એક હતા. તેમની વિરુદ્ધ ઘણા ગંભીર કેસ નોંધાયેલા હતા.

તેમનું મૃત્યુ 24 માર્ચ, 1980એ પોલીસ સાથેની એક અથડામણમાં થયું હતું. આ ઍન્કાઉન્ટરની પહેલાં તેઓ ઘણી વાર પોલીસની ચુંગલમાંથી છટકી–બચી ગયા હતા.

નાગેશ્વર રાવના ભાઈ પ્રભાકર રાવનું કહેવું છે કે તેમના મૃત્યુનું કારણ તેમનાં ખરાબ કર્મ હતાં.

પ્રભાકર રાવ કહે છે, “મારા પિતાની પહેલાં અમારા પરિવારના લોકો ચોરી કરતા હતા. અમે પણ ઘણી ચોરી અને લૂંટ કરી છે. મારા નાના ભાઈ નાગેશ્વર રાવને પણ આ જ પ્રણાલીમાં તાલીમ આપવામાં આવી હતી, પરંતુ તે જે કંઈ કમાતો હતો, બધું દાન કરી દેતો હતો.”

પ્રભાકર રાવ હવે સ્ટુઅર્ટપુરમ્‌માં એક નાના ઘરમાં રહે છે. તેમણે લાખોની ચોરીઓ કરી છે. તેમનું કહેવું છે કે તેમના નાના ભાઈએ પણ ક્યારેય પોતાના પૈસા સંતાડવાની કોશિશ નથી કરી. ઊલટાનું તે જે ચોરી કરતો હતો તેને લોકોમાં વહેંચી દેતો.

આ જ કારણે સામાન્ય લોકોનું તેને જબરજસ્ત સમર્થન હતું. આખરે જ્યારે પોલીસ સાથેની અથડામણમાં તેનું મૃત્યુ થયું ત્યારે લોકોમાં ગુસ્સાની લહેર હતી.

બનગાનપલ્લીમાં લૂંટથી સનસનાટી

'ચોરોના ગામ'નો ડાકુ, રૉબિન હુડ, દક્ષિણની ફિલ્મો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી, સ્ટુઅર્ટપુરમ્‌

1974માં આજના નાંદયાલ જિલ્લાના બનગાનપલ્લીમાં એક બૅન્ક લૂંટવામાં આવી હતી. એ સમયે આખા દેશમાં આ સમાચાર છવાઈ ગયા હતા.

કડક સુરક્ષા છતાં લૂંટારા બૅન્કમાં ઘૂસ્યા. લૂંટારા મોટી માત્રામાં રોકડ અને ઝવેરાત લઈને ગાયબ થઈ ગયા. કહેવાય છે કે એ સમયે આ ધાડમાં 35 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી.

અડધી રાત્રે બૅન્કમાં ઘૂસીને બધી સંપત્તિ લૂંટી લેવાની ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ.

પ્રભાકર રાવે બીબીસીને જણાવ્યું, “અમારી ટોળીના કુલ 10 સભ્ય બનગાનપલ્લી લૂંટમાં સામેલ હતા. બૅન્ક પોલીસ સ્ટેશનની સામે હતી, તેથી અમે સાવચેતી રાખી હતી. અમે અડધી રાત્રે બૅન્કનો પાછળનો દરવાજો તોડ્યો હતો. સલામત રીતે પૈસા કાઢ્યા અને સ્મશાનઘાટ લઈ ગયા.”

લૂંટવામાં આવેલા સામાન વિશે પ્રભાકર રાવ કહે છે, “તેમાં 14 કિલો સોનું અને 50 હજાર રૂપિયા રોકડા હતા. ત્યાંથી લાવ્યા પછી, ગૅંગના બધા સભ્ય આ લૂંટને અંદરોઅંદર વહેંચી લે તે પહેલાં જ પોલીસે અમારા ગામને ઘેરી લીધું. નાગેશ્વર રાવ આ ઘેરાને તોડીને બચી ગયો, પરંતુ મેં આત્મસમર્પણ કરી દીધું.”

જેલમાંથી ભાગી જવું

નાગેશ્વર રાવ 1970ના દાયકા દરમિયાન પોતાના ભાઈની સાથે નાની-મોટી ચોરીઓ કરવા લાગ્યા હતા. પ્રભાકર પહેલાંથી જ એક નામચીન ચોર હતા.

ત્યાર પછી નાગેશ્વર રાવે લગભગ 15 વર્ષો સુધી ઘણી મોટી લૂંટમાં સક્રિય રીતે ભાગ લીધો.

નાગેશ્વર રાવના ચાહકો તેમને ‘ટાઇગર’ કહીને બોલાવતા હતા, કેમ કે તેઓ આંધ્ર પ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં મોટા પાયે લૂંટ કર્યા છતાં ઘણી વાર પોલીસની ગોળીઓથી બચી ગયા હતા.

પ્રભાકર રાવ જણાવે છે, “1976ની આસપાસ તામિલનાડુમાં અમારી ધરપકડ કરવા આવી હતી. અમને બંનેને અલગ-અલગ જેલોમાં પૂરવામાં આવ્યા હતા. અમે એક મુદ્દત વખતે અદાલતમાં મળ્યા ત્યારે નાગેશ્વરે કહ્યું કે તે હવે જેલમાં નહીં રહી શકે. ત્યાર પછી તેણે એક દિવસ જેલ અધિકારીઓ પર હુમલો કર્યો અને ભાગી ગયો. તેના ભાગી ગયા પછી તામિલનાડુ પોલીસના કેટલાક અધિકારીઓએ મને જણાવ્યું કે તારો ભાઈ ખરેખર એક ટાઇગર છે.”

સ્ટુઅર્ટપુરમ્ ‘ચોરોનું ગામ’ કઈ રીતે બન્યું?

'ચોરોના ગામ'નો ડાકુ, રૉબિન હુડ, દક્ષિણની ફિલ્મો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી, સ્ટુઅર્ટપુરમ્‌

1980ના દાયકા સુધી સ્ટુઅર્ટપુરમને ચોરોના ગામ તરીકે ઓળખવામાં આવતું હતું. સ્ટુઅર્ટપુરમ્‌ના લોકોએ ઘણી ગૅંગ બનાવી અને જુદાં-જુદાં ક્ષેત્રોમાં ચોરી–લૂંટ કરી.

1911 અને 1914 દરમિયાન, જુદા-જુદા ગુનામાં સામેલ લોકોને ભેગા કરાયા હતા અને ‘સ્ટુઅર્ટપુરમ્’માં વસાવવામાં આવ્યા.

તેથી વિસ્તારમાં ભલે ગમે ત્યાં કોઈ પણ અપરાધ થયો હોય, શંકા આ જ ગામના લોકો પર થતી હતી.

ગામની સ્થાપના 1913માં તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના સભ્ય હેરોલ્ડ સ્ટુઅર્ટના નામ પરથી કરવામાં આવી હતી.

સરકારનો હેતુ બધા ચોરોને એક જગ્યામાં સીમિત કરીને રાખવાનો હતો, જેથી તેમના પર કડક દેખરેખ રાખી શકાય.

‘ટાઇગર’ નાગેશ્વર રાવ અને તેમના સાગરીતોના અપરાધોના કારણે સ્ટુઅર્ટપુરમ્‌નું નામ સંપૂર્ણ કલંકિત થઈ ગયું હતું. આ ગૅંગને પકડવી પોલીસ માટે પણ એક પડકાર બની ગઈ હતી.

ગામની પ્રતિષ્ઠા દાવ પર

અંગ્રેજોના શાસન દરમિયાન આ ચોરોને સુધારવા માટે ખ્રિસ્તી પંથનો સહારો પણ લેવામાં આવ્યો, પરંતુ તે સફળ ન થયો.

ત્યાર પછી પોલીસ અને સરકારની સાથોસાથ એનજીઓ પણ મેદાનમાં ઊતર્યાં હતાં. ખાસ કરીને નાસ્તિક કેન્દ્રનાં સંસ્થાપક હેમલતા અને તેમના પતિ લાવણમ.

1970ના દાયકાના અંતમાં બનગાનપલ્લીમાં લૂંટ પછી, હેમલતા અને લાવણમે સ્ટુઅર્ટપુરમ્‌માં સુધારાના ઘણા પ્રયાસ કર્યા. આ બંને જેલમાં નાગેશ્વર રાવને મળ્યાં અને પત્રો દ્વારા તેમનામાં પરિવર્તન લાવવાની કોશિશ કરી.

સ્ટુઅર્ટપુરમ્‌ના ઇતિહાસ પર સંશોધન કરનાર કોમપલ્લી સુંદરે કહ્યું કે આ ગામના ચોરો જેલમાંથી બહાર આવ્યા પછી પણ જમીન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનાં સારાં પરિણામો જોવા મળ્યાં હતાં.

કે સુંદર કહે છે, “હેમલતા અને લાવણમના અથાક પરિશ્રમના કારણે સ્ટુઅર્ટપુરમ્‌માં પરિવર્તન આવ્યું. શરૂઆતમાં બધાએ વિચાર્યું કે પ્રભાકર રાવની સાથે-સાથે નાગેશ્વર રાવમાં પણ પરિવર્તન આવ્યું છે.”

પ્રભાકર રાવ કહે છે, “પરંતુ ભૂતકાળમાં કરેલા ગુનાએ નાગેશ્વર રાવને મુખ્ય ધારામાં સામેલ કરાવવાના પ્રયાસોમાં અવરોધો ઊભા કર્યા. આખરે, તે અપરાધની દુનિયામાં પાછો જતો રહ્યો અને અંતે પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામ્યો.”

જૂના ઘા ખોતરશો નહીં

'ચોરોના ગામ'નો ડાકુ, રૉબિન હુડ, દક્ષિણની ફિલ્મો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી, સ્ટુઅર્ટપુરમ્‌

સ્ટુઅર્ટપુરમ્ પર પહેલાં પણ ઘણી ફિલ્મો આવી ગઈ છે. ‘ટાઇગર’ નાગેશ્વર રાવ નામની એક તેલુગુ ફિલ્મને કારણે આ ગામ ફરી એક વાર ચર્ચામાં આવ્યું હતું.

ફિલ્મનું દિગ્દર્શન વામસી કૃષ્ણાએ કર્યું છે. નાગેશ્વર રાવ પર ફિલ્મ બનવા બાબતે સ્ટુઅર્ટપુરમ્‌ના લોકો અલગ-અલગ મંતવ્ય ધરાવે છે.

પ્રભાકર રાવે બીબીસીને જણાવ્યું, “ફિલ્મ યુનિટે મારી સાથે ચર્ચા કરી. તેમણે વિવરણ માગ્યું પરંતુ હું નથી ઇચ્છતો કે ઇતિહાસને વિકૃત રીતે પ્રસ્તુત કરવામાં આવે.”

“જ્યારે અમે સ્ટુઅર્ટપુરમ્‌માં ભણતા હતા, ત્યારે લોકો અમને જુદી રીતે જોતા હતા. એક ખોટી ધારણા હતી. હવે તે ઘટી રહ્યું છે. ગામમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે. એવા ઘણા લોકો છે, જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને ક્યાંક બહાર જઈને વસી ગયા છે. સ્ટુઅર્ટપુરમ્‌ના લોકો જૂના ઘાને ભૂલી ગયા છે.”

શારદા આ જ ગામનાં રહેવાસી છે.

શારદા વર્તમાન સમયે ચેન્નાઈમાં આઇટી ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. તેમને ચિંતા છે કે આવી ફિલ્મોથી ગામ બદનામ થશે, જેનાથી બીજી સમસ્યાઓ આવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS